ફ્રેકચર

ફ્રેકચર

ફ્રેકચર એટલે હાડકું ભાંગી જવું. તેનું મુખ્ય કારણ હાંડકાને લાગેલો માર હોય છે. આ માર અકસ્માતે હોય કે બદ્ ઇરાદાથી હોય. આ સિવાય ફ્રેકચર થવાના કારણોમાં સ્નાયુનો જોરદાર ઝાટકો અને નબળાં હાડકાંને થયેલી નજીવી ઇજાનો સમાવેશ છે.

ફ્રેકચરને કેવી રીતે ઓળખશો ?

  • જોરદાર દુ:ખાવો અને કયારેક કડાકાભેર તુટેલું હાડકું.

  • ફ્રેકચરવાળી જગ્યાનો ભાગ બેડોળ થઇ જાય.

  • તે ભાગનું હલનચલન અશકય થઇ જાય અથવા ખૂબ દુ:ખદાયક હોય.

  • તે જગ્યાએ સોજો ચડે.

  • ત્યાં હલાવવાયી સામાન્ય કરતાં કંઇક જુદી જ હલનચલન થાય (જેમ કે બાવડું ફ્રેકચર થાય તો તે તેની લંબાઇમાં વચ્ચેથી પણ હલે) અને હાથ ફેરવતા ઘસાઇ રહેલા હાડકાંના છેડાઓથી કડડડ.... કરતો અવાજ અનુભવાય અથવા સંભળાય. આવું હલનચલન ખૂબ દર્દદાયક અને નુકશાનકારક હોય છે. એટલે માત્ર તપાસ કરવા માટે આ રીતનું હલનચલન ચકાસવું નહીં.

મોટા ભાગે થતા સામાન્ય ગંભીર ફ્રેકચરો ઉપરોકત રીતે જાણી શકાય. તે માટે શરીરના બીજી બાજુના બિનઇજાગ્ર્રસ્ત ભાગની સરખામણી કરવાથી ફ્રેકચર ઓળખવામાં સરળતા પડે. બાકી નાની ફ્રેકચરરૂપી તિરાડ હોય તો ઉપરોકત બધી નિશાની ના પણ મળે, માત્ર દુ:ખાવો તથા થોડોક સોજો જ ચડે.

બહુ ગંભીર ગણાય તેવા ફ્રેકચરોમાં ભાંગેલું હાડકું ચામડી ચીરીને બહાર આવી જઇ શકે છે અને ત્યાંથી ચેપ લાગીને પાક થવાની શકયતા રહે છે. બહાર નીકળવાને બદલે ભાંગેલું હાડકું (જેમકે ખોપરી કે પાંસળીનું) શરીરમાં અંદર વળી જાય તો હ્રદય, ફેફસાં, યકૃત, મગજ જેવા નાજુક અવયવોને ખરાબ રીતે નુકસાન કરી શકે છે.

મોટું હાડકું (જેમ કે જાંઘનું) અથવા લોહીની નસ ભાંગી જાય તો ઘણુ લોહી વહી જાય જે હાડકાંની આસપાસ જ જમા થઇને સોજા રૂપે પણ દેખાય છે. બહુ લોહી વહેવાથી દર્દી 'શૉક'ની ગંભીર સ્થિતિમાં પણ જઇ શકે.

ફ્રેકચરની પા્રથમિક સારવારના સામાન્ય નિયમો:

  • બને ત્યાં સુધી દર્દીને ખસેડવો નહીં સિવાય કે તે જગ્યાએ દર્દીને વધુ ઇજા થવાની શકયતાઓ હોય.

  • ઇજા પામેલા ભાગને તપાસતી કે ખસેડતી વખતે બને ત્યાં સુધી હલવા ના દેવો કારણ કે તે ભાગ હલાવવાથી હાડકાંના ભાંગેલ છેડા વધુ છૂટ્ટા પડશે અથવા બીજા અવયવને નુકસાન પહોંચાડશે કે રકતસ્રાવ વધારશે. ઇજાગ્રસ્ત ભાગનું હલનચલન ઘટાડવા ખપાટિયાં-પાટાઓનો ઉપયોગ કરવો. ઇજાગ્રસ્ત ભાગેથી લોહી નીકળતુ હોય તો તે ભાગને ઊંચો ના કરવો પણ માત્ર જરૂર પડતું હળવું દબાણ આપવું. (વધુ દબાણ નુકસાન કરી શકે છે.) લોહી વહેતું અટકાવવા આગળ રકતસ્રાવની ચર્ચા વખતે જણાવેલ દબાણ-બિંદુઓ પર દબાણ આપી શકાય. (જુઓ પ્રકરણ નં. ૪)

  • ઇજાગ્રસ્ત ભાગનું કપડું હટાવવા તેને ઉતારવાની કોશિશો કરી વધુ હલનચલન ના કરાવવું પણ કપડું જ કાતર કે બ્લેડથી ફાડી નાખવું.

  • બિનઅનુભવી અથવા જેણે આ અંગે પ્રશિક્ષણ ના લીધું હોય તેવા માણસે કયારેય હાડકું બેસાડવાની કોશિશ ના કરવી. તેવી જ રીતે ચામડીની બહાર ડોકાતાં હાડકાંને પાછુ અંદર ધકેલવાની કોશિશ ના કરવી.

  • ચામડી પરના ઘા પર જંતુમુકત (સ્ટરાઇલ) રૂ નું પેડ લગાડીને પાટો બાંધવો.

  • દર્દીને ખસેડતી વખતે વાહન અને રસ્તા એવા પસંદ કરવા કે જેથી શકય એટલા ઓછા થડકા લાગે.



ખપાટિયાં - પાટા વિશે:

ખપાટિયાંઓને અંગ્રેજીમાં સ્પ્લીન્ટ કહેવાય છે એટલે કે એવી વસ્તુ જેના બાંધવાથી ઇજાગ્રસ્ત ભાગને ટેકો રહે અને તેનું હલનચલન ના થાય.

ખપાટિયાં તરીકે સામાન્ય રીતે લાકડાંના અથવા પ્લાયવૂડના પાટિયાં કે પૂંઠાની ગડીઓ વપરાય. આ સિવાય ટિનનાં પતરાં, પસ્તીની ગડી, લાકડી, સળીયા, સાવરણો, છત્રી જેવી વસ્તુ પણ જરૂર પડયે વાપરી શકાય. હાડકાંના ર્ડાકટરો વાપરે તે પ્લાસ્ટર ઓફ પેરિસનું ખપાટિયું સૌથી ઉતમ પડે. ખપાટિયું ગમે તેનું હોય પણ તે એટલું મજબુત હોવુ જોઇએ કે શરીરનાં ઇજાગ્રસ્ત ભાગના વજનથી વળી ના જાય તેટલું બરડ અને ધારવાળુ પણ ના હોવુ જોઇએ કે તે દર્દીને વાગે અને ઇજા કરે.

ખપાટિયાંની લંબાઇ આટલી હોવી જોઇએ કે ઇજાગ્રસ્ત ભાગ અને તેની ઉપર તથા નીચેનો એક સાંધો આવરી લે. આમ આટલું લાંબુ ખપાટિયું બંધાય તો જ ફ્રેકચરવાળા ભાગની આગળ-પાછળના સાંધામાં હલનચલન નિવારી શકાય અને ઇજાગ્રસ્ત ભાગને સ્થિર રાખી શકાય. ખપાટિયાં તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુ પર સૌથી પહેલાં કપડું વીંટાવુ જેથી તેની સપાટી પોચી રહે અને તે વાગે નહિ, ખપાટિયાં અને શરીર વચ્ચે કપડા કે રૂની ગાદી મૂકવી, ખાસ તો ધારવાળી જગ્યા પર વધુ મોટી ગાદી મૂકવી. પછી શકય હોય તો ખપાટિયાંને ઇજાગ્રસ્ત ભાગના કુદરતી વળાંકની જેમ વાળીને ત્યાં પાટા કે કપડાંથી બાંધવુ (જેમ કે પૂંઠાનું ખપાટિયું પલાળીને વાળી શકાય). આમ ખપાટિયું બાંધ્યા પછી ઇજાગ્રસ્ત ભાગની આગળપાછળનો સાંધો હલે નહીં તેવી સ્થિતિ પેદા કરવી.

ખપાટિયાંને પાટાથી બાંધતી વખતે ધ્યાન રાખવું કે તે એટલુ ઢીલું ના હોય કે ઇજાગ્રસ્ત ભાગ સ્થિર ના રહે અને તે એટલું ટાઇટ પણ ના હોય કે તે ભાગમાં લોહીનું પ્રસારણ અટકી જાય ને સોજો અથવા ખાલી ચડવા માંડે.


ખોપરીનું ફ્રેકચર (માથાની ઇજા)

નીચલાં જડબાનું ફ્રેકચર

બાવડાંનું તથા કોણીનું ફ્રેકચર

કોણી નીચેના હાડકાનું ફ્રેકચર

બસ્તિપ્રદેશ - કમ્મર - થાપાનું ફ્રેકચર

સાથળના હાડકાંનુ ફ્રેકચર

ઘૂંટણ અને તેની આસપાસનું ફ્રેકચર

ઘૂંટણ અને ઘૂંટી વચ્ચેનું ફ્રેકચર

પગના પંજાનું ફ્રેકચર

કરોડ (મણકાંઓ)નું ફ્રેકચર

હાંસડી અને પાંસળીનું ફ્રેકચર

સાંધો ખડી જવો

મચકોડ