મોટે ભાગે હાંસડીનું ફ્રેકચર સીધી ખભા પર ઇજા થવાથી અથવા હથેળી પર વજન મૂકીને પડવાથી થાય છે. ઇજાગ્રસ્ત ભાગ પર સોજો, દુખાવા સિવાયના લક્ષણોમાં દર્દી તે બાજુના હાથને હલાવી શકે નહીં, તે બાજુનો હાથ બીજા હાથ વડે પકડીને ટેકો આપી રાખે અને ગરદન તે બાજુ નમાવી રાખે છે. હાંસડી પર હાથ ફેરવવાથી ભાંગેલાં હાડકાંની ખાત્રી કરી શકાય છે. આ ફ્રેકચરમાં દર્દીનું ખમીસ કે પહેરણ ઉતારવું નહીં. તેની બગલમાં રૂની ગાદી કે રૂમાલની ગડી વાળીને રાખવી. પછી ઇજાગ્રસ્ત બાજુના બાવડાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક પહોળા પાટા વડે ધડ સાથે બાંધી દેવો અને દર્દીને હૉસ્પિટલ ખસેડવો.
પાંસળીઓના ફ્રેકચરમાં છાતીના એ ભાગે દુઃખાવો થાય અને સોજો આવી શકે. આગળ છાતી પર અને પાછળ બરડા પર હથેળીઓ મૂકી છાતીને હળવેથી ભીંસવાથી તૂટેલી પાંસળીની જગ્યાએ દુઃખાવો થાય. આવા કિસ્સામાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પાટા બાંધવા. ફ્રેકચરની બાજુનો હાથ ઝોળીમાં રાખવો જેથી તે બાજુનુ હલનચલન અટકાવી દુઃખાવો નિવારી શકાય.