આ જગ્યાના ફ્રેકચરથી કયારેક પેશાબની કોથળી અને તે કોથળીથી નીકળતા પેશાબના માર્ગને ઇજા પહોંચે છે. આવું થાય ત્યારે દર્દીનો પેશાબ લોહીવાળો લાલ રંગનો થાય અને તેને વારંવાર પેશાબ કરવાની ઇચ્છા થાય પણ પેશાબ ઉતરે નહીં. આવી હાલતમાં દર્દીને સુચના આપવી કે પેશાબ ના ઉતરે તો પેશાબ કરવા માટે ખોટું જોર ના કરે.
આ ફ્રેકચરની પ્રાથમિક સારવાર રૂપે દર્દીને એક મોટા પાટિયાં પર ચતો સુવાડવો. તેને ખસેડતાં પહેલાં આકૃતિ પ્રમાણે પહોળા પાટા બાંધવા. ખાસ ઘ્યાન રહે કે તે પાટા પહોળા હોય અને પાટાનો એક વળ બીજા વળના અડધાથી વધારે ભાગને ઢાંકતો હોય. પાટા બાંધતા પહેલા બંન્ને પગ વચ્ચે ગાદી જેવુ કપડું રાખવું. જો પાટિયું ના હોય તો પાટિયાં વગર જ આકૃતિ પ્રમાણે પાટાથી બન્ને પગ બાંધી દેવા. પગના પંજા બાંધતી વખતે અંગ્રેજી આઠડાં જેવા આંટા મારીને પાટો બાંધીને તેને સ્થિર કરી શકાય. આવા દર્દીને ખસેડતી વખતે ધડ, છાતી તથા કમ્મરથી અને પગને સાથળ તથા ઘૂંટણ નીચેથી ખાસ ટેકો આપવો.