પહેલા તો તે નકકી કરવું કે બાવડાનું હાડકું વચ્ચેથી ભાંગ્યું છે કે સાથે- સાથે કોણીનો સાંધો પણ સંડોવાયો છે. બાળકોમાં બાવડાં સાથે કોણીને ઇજા થવી સામાન્ય છે.
દર્દીએ પહેરેલ કપડાંની બાંયને હાથ પરથી ઊતારતી વખતે હાથ હલાવવો પડે તેમ હોય તો કપડું કાપી નાખવું.
કોણીનો સાંધો સંડોવાયો ના હોય તો ઇજાગ્રસ્ત હાથને કોણીએથી છાતી તરફ વાળીને કુદરતી સ્થિતિમાં રાખવો. પછી ખભાથી કોણી કરતા જરાક લાંબું ખપાટિયું બાવડે બાંધવું. છેલ્લે કોણીએથી વાળેલ હાથને ઝોળીમાં રાખવો જેથી હાથને અને ઇજા પામેલ ભાગને આરામ મળે. પાટાની જગ્યાઓ આકૃતિ પ્રમાણે રાખવી.
જો કોણીનો સાંધો સંડોવાયો હોય તો હાથને કોણીએથી હલાવવાની કોશિશ ના કરવી. જો હાથ સીધો હોય તો બગલથી કાંડા સુધીનું લાંબું ખપાટિયું પાટાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાંધવું. જો હાથ કોણીએથી વળેલો હોય તો તેજ સ્થિતિમાં ( હાથ સીધો કરવો નહીં) ત્રિકોણાકાર પાટાની ઝોળીમાં ગોઠવીને આરામ આપવો અને બાવડાંને પહોળા પાટાથી ધડ સાથે બાંધીને સ્થિર કરી દેવું.