સાંધો ખડી જવો
સાંધો એ બે અથવા વધુ હાડકાં વચ્ચેનો ભાગ છે જયાં હાડકાંના છેડાઓ એક બીજા જોડે સાંધાની આસપાસની પેશીઓ અને સ્નાયુઓ વડે તેવી રીતે વ્યવસ્થિત સંપર્કમાં રહે કે તેમની વચ્ચેનું હલનચલન સહેલાઇથી અને દુખાવા વગર થાય. જયારે સાંધો ખડી જાય ત્યારે સાંધામાં રહેલાં હાડકાઓ એકબીજા સાથે સામાન્ય રીતે જળવાયેલી સ્થિતિમાંથી ખસી જાય છે અને સાંધાની આસપાસની પેશીઓ અને સ્નાયુઓને નુકસાન પહોચેલું હોય છે. ખડેલો સાંધો નીચે મુજબનાં લક્ષણો ધરાવે છે:
દુઃખાવો થાય.
તેનું કુદરતી હલનચલન અશકય થઇ જાય.
બીજી બાજુના બિનઇજાગ્રસ્ત સાંધા કરતાં ઇજાગ્રસ્ત સાંધો બેડોળ જણાય.
સોજો ચડી જાય.
પ્રાથમિક સારવારના મુદ્દાઓ:
ખડેલા સાંધાની કાળજી લગભગ ફ્રેકચર માટેના સિદ્ધાંતો મુજબ જ છે.
(૧) કયારેય ખડેલો સાંધો જાતે ચડાવવાની કોશિશ ન કરવી.
(૨) શરીરના તે ભાગને આરામદાયક સ્થિતિમાં રાખીને ફ્રેકચરના સંર્દભમાં જણાવ્યા પ્રમાણે વિવિધ પાટાઓ બાંધીને સાંધો સ્થિર કરવો અને હૉસ્પિટલ લઇ જવો.