કરોડ (મણકાંઓ)નું ફ્રેકચર

કરોડ મણકાંઓની માળા છે જેની અંદર એક પોલાણ હોય છે, જેમાં કરોડરજજુ ( મુખ્ય ધોરી ચેતા) આવેલી હોય છે. આ કરોડરજજુ મગજની સાથે સીધી સંકળાયેલી હોય છે. તેના દ્વારા જ મગજની પ્રક્રિયાઓ શરીરના હલનચલન અને સંવેદનાઓ પર નિયંત્રણ કરે છે. તેની ફરતે આ હાડકાનાં મણકાંઓની કરોડ એક કઠોર આવરણ રચે છે જેથી અત્યંત નાજુક એવી કરોડરજજુને પૂરતું રક્ષણ મળી રહે. કરોડ ભાંગવાથી કરોડરજજુને નુકસાન થઇ શકે છે અને તેના પરિણામે લકવો મારી જાય અથવા સંવેદનાઓ ઘટી જાય અને જોરદાર દુ:ખાવો થઇ શકે છે.

કરોડના ફ્રેકચરો મોટેભાગે નીચે મુજબના સંજોગોમાં થાય છે:

(૧) ઊંચાઇ પરથી પડવાથી જેમ કે મકાન, સીડી, ઝાડ, થાંભલા વગેરે પરથી.

(૨) વ્યક્તિ પર ભારી અને મોટી વસ્તુઓ પડવાથી જેમ કે સીમેન્ટ કે અનાજની ગુણ, મકાનનો કાટમાળ, બેરલ ( પીપડું) વગેરે.

(૩) વાહનોના ગંભીર અકસ્માતોથી.

(૪) ભારે વજન ઉંચકતી વખતે ( ખાસ તો પીઠ વાળી રાખીને ઊંચકયું હોય ત્યારે).

(૫) રમત ગમત વખતે જોશભેર અથડાવાથી કે પડવાથી.

  1. પ્રાથમિક સારવારમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:

(૧) ઉપરોકત જણાવેલ ઇજાઓમાં જયારે બરડા પર ઇજા થઇ હોય કે દર્દી દુખાવાની ફરિયાદ કરે ત્યારે તેની કરોડનાં ફ્રેકચર તરીકે જ સારવાર કરવી હિતાવહ છે, જ્યાં સુધી ડૉક્ટર પાકે પાયે ખાત્રી કરીને જાહેર કરે કે કરોડ સલામત છે. કરોડની ઇજા કે ફ્રેકચર થયાં છતાં પણ કરોડરજજુને નુકસાન ન થાય તો લકવા જેવા લક્ષણો પેદા ન થાય.

(૨) કરોડની ઇજાના દર્દીને સપાટ જમીન કે પાટિયાં પર સ્થિર સુવા દેવો. તેને બેસવાં, ઉઠવા કે પડખું ફરવાની સખ્ત મનાઇ ફરમાવવી.

(૩) દર્દીને બિનજરૂરી જરા પણ ખસેડવો નહીં. જો ખસેડવો જ પડે તો તેની ઘૂંટીઓ, ઘૂંટણ અને સાથળ વચ્ચે ગાદી મૂકી એકબીજા સાથે બાંધી દેવા. પછી દર્દીને ખસેડીને મોટા પાટીયા પર મૂકવો જેથી તેની કરોડ સપાટ અને સ્થિર રહી શકે. આમ પાટિયા પર ખસેડતી વખતે તેની કરોડ જરા પણ વળે નહીં તે ખાસ કાળજી લેવી. તે માટે દર્દીના માથા, ગરદન, ખભાઓ, કમ્મર, નિતંબ, સાથળ અને પિંડીઓના ભાગેથી ત્રણ વ્યક્તિઓએ પકડીને સહારો આપવો.

(૪) પાટિયા પર સુવડાવીને ગરદનની તથા માથાની આજુબાજુ ઓશિકાંઓ મુકીને તે સીધા રહે તેમ પાટો બાંધી દેવો જેથી તેનું હલન ચલન ન થાય.

(૫) ગરદનને ટેકો આપવાં 'સર્વાઇકલ કોલર' નો ઉપયોગ ન કરવો, તેનાથી ક્યારેક વધુ નુકસાન થઇ શકે છે.

આમ પાટિયા પર ગોઠવીને દર્દીને હૉસ્પિટલ તાત્કાલિક ખસેડવો. બને ત્યાં સુધી આ બધી પ્રક્રિયા ડૉક્ટરની હાજરીમાં જ કરવી. ડૉક્ટર આવે ત્યાં સુધી દર્દીને ચત્તો અથવા ઊંધો સપાટ અને સ્થિર સુતેલો રાખવો.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર