૨ક્તસ્રાવ અને શૉકની ગંભીર હાલત


જ્યારે પણ હથિયારથી અથવા અન્ય કોઇ કારણે હાથ-પગને ઇજા થઇને ખૂબ લોહી વહેવા માંડે ત્યારે લોહીનું એક એક ટીપું ઇજાગ્રસ્ત વ્યક્તિના જીવન-મરણનો ફેંસલો કરી શકે છે. એટલે પ્રાથમિક સારવારમા જીવનબચાવની કામગીરીઓ કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ સાથે રક્તસ્રાવને કોઇ પણ રીતે અટકાવવો એ સોૈથી પહેલું અને અગત્યનું પગલું છે.

પુખ્ત વયના શરીરમાં આશરે પાંચ થી છ લીટર જેટલું લોહી હોય છે. ઇજાને કારણે રક્તવાહિનીઓ કપાઇ જવાથી ઘણું લોહી શરીર બહાર વહેવા લાગે અને લોહી વહેવાની ઝડપ તથા પ્રમાણ પર દર્દીની સ્થિતિ બગડવાનો આધાર રહે છે. જયારે ૧૦% કરતા વધુ લોહી ટુકાં સમયમા વહી જાય ત્યારે શૉકની ગંભીર સ્થિતિ ઉભી થાય છે.

નાની ઈજાથી જ્યારે લોહી વહે ત્યારે લોહીની આપોઆપ ગંઠાઇ જવાની પ્રકૃતિને કારણે ગણતરીની મિનિટોમાં જ જે તે જગ્યાએ લોહીનો ગઠ્ઠો બાઝી જાય છે અને વધુ લોહી બહાર નીકળતું અટકી જાય છે. મોટી રક્તવાહીની (ખાસ કરીને ધમની) કપાઇ ગઇ હાય ત્યારે લોહી એકદમ જોશભેર વહેવા લાગે છે અને આવા સંજોગોમાં લોહીનો ધસમસતો પ્રવાહ લોહીને ગંઠાવાની તક જ નથી આપતો પરિણામે ઘણું બધું લોહી બેરોકટોક નીકળ્યા કરે છે અને તાત્કાલિક પ્રાથમિક સારવાર ન કરવામાં આવે તો ગણતરીની મિનિટોમાં જ ઈજાગ્રસ્ત વ્યક્તિ જાન ગુમાવી શકે છે.

આવી મોટી ઈજાથી થયેલ રક્તસ્રાવને અટકાવવા માટે લોહી જેટલાં દબાણથી નીકળે છે તેની સામે બહારથી દબાણ આપવું જરૂરી બને છે. સૌથી સરળ અને અસરકારક ઉપાય જે ભાગમાથી લોહી નીકળતુ હોય એજ ભાગ પર ચોખ્ખા કપડાંથી બે થી પાંચ મિનિટ સુધી એકધારું દબાણ આપવું અથવા જોરથી પાટો બાંધી દેવો એ છે. તે ભાગે બરફ લગાવવાથી ફાયદો થતો નથી, ઊલટું ક્યારેક ઠંડકના કારણે લોહી ગંઠાઇ જવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને વધુ લોહી વહે છે!! ઇજા પામેલ ભાગ પર દબાણ આપ્યા પછી અથવા કડક પાટો બાંધ્યા પછી એ ભાગને હ્રદયની સપાટીથી ઉંચો રાખવામા આવે તો એ ભાગની શીરાઓમાંથી હ્રદય તરફ જતુ લોહી ઘણી સહેલાઇથી જઇ શકે છે. પરિણામે રક્તસ્રાવમાં ઘટાડો થાય છે. ખાસ કરીને જ્યારે રક્તસ્રાવનું કારણ હ્રદય તરફ લોહી લઇ જતી રક્તવાહીની પર થયેલી ઇજા હોય ત્યારે આમ કરવાથી ફાયદો થાય છે.

મોટા ભાગના રક્તસ્રાવ ઉપર જણાવેલ સાદા ઉપાયોથી બંધ થઇ જ જાય છે. પણ કેટલીક વખત, જ્યારે હ્રદયમાંથી જુદા જુદા અવયવોને લોહી પહોંચાડતી રક્તવાહીની કપાઇ જાય ત્યારે હ્રદયના દરેક ધબકારા સાથે ફુવારાની જેમ લોહી વહે છે. આવા વખતે, જો ઘા પર સીધું દબાણ આપવા છતાં રક્તસ્રાવ ચાલુ રહે તો ( ાસ કરીને હાથ કે પગનો અમુકજ ભાગ કપાઇ ગયો હોય ત્યારે બાવડા પર કે જાંઘ પર) ઇજાગ્રસ્ત ભાગથી જરા હ્રદય તરફના ભાગે પાટો, રબર, કે હાથવગી કોઇપણ વસ્તુ કસીને બાંધી દેવી જોઇએ.

ધમનીનાં જોરદાર રક્તસ્રાવને બંધ કરવા માટે વપરાતા કસીને બાંધેલ પાટાને ટુર્નિકેટ કહેવામાં આવે છે. આ ટુર્નિકેટ બાંધતી વખતે કેટલીક ખાસ કાળજી રાખવી જોઇએ, નહીં તો એનાથી લાભને બદલે નુકસાન પણ થઇ શકે છે. ટુર્નિકેટ બાંધતા પહેલા ઇજા પામેલ ભાગને પાંચેક મિનિટ સુધી હ્રદયની સપાટીથી ઊંચે પકડી રાખવો જોઇએ. આ પછી હાથની ઇજા હોય તો બાવડા પર અને પગની ઇજા હોય તો જાંઘ પર ટુર્નિકેટ ને બે વાર વીંટી ખેંચીને ગાંઠ વાળવી જોઇએ અને એ પછી ગાંઠ આગળ વળ ચડાવીને ટુર્નિકેટ ટાઇટ કરતાં જવું જોઇએ. આમ કરવાથી ત્યાં આગળથી પસાર થતી ધમની પર દબાણ આવે છે. અને તેમાંથી લોહીનો પ્રવાહ વહેતો બંધ થઇ જાય છે. પરિણામે રક્તસ્રાવ પણ બંધ થઇ જાય છે. એક જગ્યાએ ર્શોટ-સર્કીટ થવાથી જેમ આખા ઘર કે મહોલ્લાનો ઇલેક્ટ્રીક સપ્લાય બંધ કરી દેવામાં આવે છે, તેમ રક્તસ્રાવ થતો હોય તે હાથ કે પગનો લોહીનો સપ્લાય જ આ રીતે બંધ કરી નાખવામાં આવે છે. જો સાચી રીતે ટુર્નિકેટ બાંધવામાં આવ્યો હશે તો જે તે હાથ કે પગ ઠંડો અને ફિક્કો થઇ જશે. જો ટુર્નિકેટ પૂરતા દબાણથી ન બાંધ્યો હોય તો એનાથી ઉલ્ટુ નુકસાન થઇ શકે છે. ઢીલા ટુર્નિકેટને કારણે હ્રદયમાંથી અવયવ તરફ જતી ધમનીનો રક્તપ્રવાહ અટકતો નથી પણ લોહી પાછું લઇ જતી શીરાનો રક્તપ્રવાહ અટકી જાય છે. પરિણામે, લોહીનો પ્રવાહ વન-વે ટ્રાફીક જેવો થઇ જશે. આને લીધે હ્રદયમાંથી આવતું લોહી ત્યાં જમા થવા લાગશે અને ત્યાં સોજો આવી જશે અને એ ભાગ ભૂરો પડી જશે. આવું ન થાય તેવી કાળજી રાખવા માટે ટુર્નિકેટ બાંધ્યા પછી તરત જ એનાથી નીચેના ભાગે નાડીના ધબકાર બંધ થઇ ગયા છે તેની ખાત્રી કરી લેવી જરુરી છે. જો ધબકારા બંધ ન થયા હોય તો ટુર્નિકેટ વધું ટાઇટ કરી જે તે હાથ કે પગમાં નાડીનાં ધબકારા અને રક્તસ્રાવ બંધ કરવો જોઇએ.

એકવાર ટુર્નિકેટ બાંધ્યા પછી, જો સાચી રીતે બંધાયો હશે તો તરત જ લોહી વહેતુ બંધ થઇ જશે. જેવું લોહી બંધ થઇ જાય કે તરત જ દર્દીને ઝડપભેર હોસ્પિટલ ભેગો કરવો જોઇએ. ટુર્નિકેટના કારણે જે તે હાથ કે પગનો લોહીનો સપ્લાય તદન બંધ થઇ ગયો હોય છે અને આવી સ્થિતિમાં હાથપગના સ્નાયુ અને ચેતાઓ વધુમાં વધુ એકાદ કલાક સુધી પોતાનું અસ્તિતત્વ ટકાવી શકે છે. એટલે ટુર્નિકેટ બાંધ્યા પછી વધુમાં વધુ એક કલાક પછી, દર્દી હોસ્પિટલ પહોંચ્યો હોય કે નહીં, ટુર્નિકેટ ખોલી નાખવો પડે છે. પાંચેક મિનિટ ટુર્નિકેટ ખોલ્યા પછી જો ફરીથી રક્તસ્રાવ શરૂ થાય તો ફરી અડધા કલાક માટે બાંધી શકાય પણ આ પછી વધુ સમય ટુર્નિકેટ રાખી મૂકવાથી આખો હાથ કે પગ ગુમાવવાનું નુકસાન વહોરી લેવુ પડે છ!!

વળી, બાંધેલો ટુર્નિકેટ, રક્તસ્રાવ બંધ થઇ ગયો હોવાથી ભુલાઇ જવાની શકયતાઓ પણ રહે છે આવું ન થાય એટલા માટે ટુર્નિકેટ બાંધનાર વ્યક્તિએ છેક સુધી દર્દીની સાથે જ રહેવુ જોઇએ અને ટુર્નિકેટ પર એક કાગળની ચિઠ્ઠી બાંધી એમા બાંધવાનો સમય ભુલ્યા વગર લખી લેવો જોઇએ. જેણે ટુર્નિકેટ બાંધ્યો હોય તેની જ જવાબદારી એ છોડવાની પણ છે એ વાત હંમેશા યાદ રાખવી જોઇએ.

ટુર્નિકેટને બદલે કયારેક ધમની પર અમુક ચોક્કસ પ્રેશર-પોઇન્ટ પર આંગળીઓ વડે દબાણ આપીને પણ રક્તસ્રાવ કાબૂમાં લઇ શકાય. જોકે આ માટે જુદી જુદી ધમનીની જગ્યાનું જ્ઞાન અને અનુભવ જરૂરી છે. અને આ પદ્ધતિ ટુર્નિકેટ જેટલી અસરકારક પણ નથી. પાછળના પાન પરની આકૃતિમાં આવાં પ્રેશર-પોઇન્ટ અને તેને દબાવવાની રીતો દર્શાવેલ છે.

ટૂંકમાં, રક્તસ્રાવ અટકાવવા સીધું દબાણ, હ્રદયથી ઊંચી સપાટીએ રાખેલ ભાગ અને છેલ્લાં ઉપાય તરીકે ટુર્નિકેટ ઉપયોગી થઇ શકે છે.

યાદ રાખો કે રક્તસ્રાવના દરેક દર્દીનુ શૉકની ગંભીર સ્થિતિ માટે નિરીક્ષણ કરતાં રહેવું અત્યંત જરૂરી છે.

નાકમાંથી લોહી નીકળવું

ઊલટીમાં લોહી નીકળવું

મોઢામાંથી લોહી નીકળવું

કાનમાંથી લોહી નીકળવું

પેશાબ વાટે લોહી નીકળવું

અન્ય રક્તસ્રાવો

શૉકની ગંભીર હાલત