શૉક શબ્દ આધુનિક તબીબ વિજ્ઞાનમાં એ હાલત માટે વપરાય છે જેમાં દર્દીનું બ્લડપ્રેશર ખૂબ ઘટી જાય, શરીરના મહત્વના અંગોને લોહીનો પૂરવઠો ના મળે અને તેને લીધે શરીરની અત્યંત નાજુક અને મહત્વની ર્કાયપ્રણાલીઓ ખોરવાઈ જાય. જો આ સ્થિતિ લાંબો સમય રહે તો મહત્વના અંગો, જેમ કે મગજ, કિડની, હ્રદય, ફેફસાં વગેરેને કાયમી નુકસાન થાય અને મોત પણ થઈ શકે છે.
વધુ પડતું લોહી વહી જવાથી : પુખ્ત વયના શરીરમાં આશરે પાંચ થી છ લિટર લોહી હોય છે. કુલ લોહીના ૧૦ ટકાથી વધુ ( એટલે આશરે ૫૦૦ થી ૬૦૦ મિલીલિટર) વહી જાય તો શૉકની હાલતના લક્ષણો પેદા થવા માંડે.
શરીરમાંથી કોઈપણ પ્રકારે પ્રવાહી નીકળી જાય ત્યારે: જેમ કે ઝાડા-ઊલટી; દાઝયા પછી ખુલ્લી ચામડી અને ફોલ્લાઓમાંથી; સખત લૂ લાગી જવાથી, વગેરે.
હ્રદયની કામગીરી ખોરવાઇ જવાથી: જેમકે હાર્ટએટેક, છાતીમાં હવા ભરાય જવાથી કે સીધો હ્રદય પર માર પડવાથી, વીજળીનો આંચકો લાગવાથી.
અકસ્માતે અથવા કોઈ કારણોસર જોરદાર સતત અસહ્ય દુઃખાવો શૉકની હાલત પેદા કરી શકે છે. જેમકે ફ્રેક્ચરો, ગોળી વાગવાથી, સંવેદનશીલ અવયવોને ઈજાથી. તેવી રીતેજ મગજ પર જોરદાર ફટકો પડે અથવા બ્લડ પ્રેશર ઘટાડવાની દવા વધુ માત્રામાં લેવાઈ જાય તેનાથી પણ શૉકની હાલત થઈ શકે છે.
મોટી માત્રામાં માંસપેશીઓ કચડાઈ જવાથી, ચેપ લાગવાથી ઝેરી પદાર્થો લોહીમાં ભળે ત્યારે.
ઊભેલી સ્થિતિમાં અને ખાસ તો બેઠેલી કે સુતેલી સ્થિતિમાંથી ઊભા થતી વખતે ચકકર આવે.
તરસ વધુ લાગે.
હોઠ અને ચહેરો ફિકકો પડવા લાગે.
બેચેની; ઉશ્કેરાટ થાય; દર્દી લવારા કરે.
હાથ પગના પંજા ઠંડા પડવા લાગે અને ઠંડો પરસેવો વળે.
નાડીની ઝડપ વધી જાય.
આવા શરૂઆતના લક્ષણો જેને વધુ લોહી કે પ્રવાહી વહી ગયું હોય તેને ખાસ થાય. જેને બીજા કારણોસર શૉક થવાનો હોય તેને વધુ તરસ ન પણ લાગે. આ લક્ષણો પર ધ્યાન ના દેવાય અને ઈજા ચાલુ રહે તો શૉકની હાલત ગંભીર રીતે સ્થપાઈ જાય.
હાથ પગ વધુ ઠંડા પડવા માંડે.
ચહેરો ફિકકો લાગે.
દર્દી જે ઉશ્કેરાયેલ લવારા કરતો હોય તે અવાજ બંધ કરી દે અને માત્ર ઊંહકારાં જ કરી શકે, પછી તો તે પણ બંધ પડી જાય અને તે કંઈ ફરિયાદ પણ કરવાની હાલતમાં ના રહે. તે માત્ર ચુપચાપ એકીટસે નજર રાખીને આજુબાજુની કોઈપણ વસ્તુમાં રસ લીધા વગર પડી રહે.
છેવટે તેની નાડી નબળી પડવા માંડે, બ્લડ પ્રેશર ઘટી જાય.
શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી અને જોરથી ચાલે, જે પછીથી વધુ ગંભીર હાલત થવાથી અનિયમિત અને નબળી થવા માંડે. ખેંચ પણ આવી શકે છે, અને ઊલટીઓ પણ થાય.
આ શૉકના લક્ષણો થોડી મિનિટોથી માંડીને કલાકો સુધીમાં પેદા થાય જે ઈજાની ગંભીરતા પર આધાર રાખે છે. જો શૉકને ઓળખવામાં અને સારવાર કરવામાં ઢીલ થાય તો દર્દીને જીવલેણ પણ નીવડી શકે છે. એકવાર શૉકની હાલતનું નિદાન થાય કે શંકા પણ થાય તો તરત જ જરા પણ સમય વેડફયા વગર તબીબી સારવાર મેળવવી. બને ત્યાં સુધી તો શૉકની સ્થિતિ ઉદભવે જ નહીં એની દરેક દર્દીમાં કાળજી રાખવી.
(૧) દર્દીને સુવડાવેલી હાલતમાં રાખવો જેથી મગજને લોહી બરાબર મળી રહે. જો હ્રદયને ઈજા થયાની કે હ્રદયના કારણે શૉક પેદા થયાની શકયતા ના હોય તો દર્દીને એવી રીતે (30૦ થી 60૦ ડીગ્રી) ઢળતો સુવડાવવો કે તેના માથા તરફનો છેડો પગ તરફના છેડા કરતા નીચો રહે. તે માટે ખાટલાના પગ તરફનાં પાયા નીચે ઈંટો મૂકવી. જો શ્વાસોશ્વાસમાં વધુ તકલીફ જણાય, ઊલટીઓ થતી હોય કે બેભાનાવસ્થા હોય તો દર્દીને પોણે પડખે ઊંધો સુવડાવવો ( પ્રકરણ ૪માંની આકૃતિ જુઓ); કૃત્રિમ શ્વાસની જરૂર પડે તો તે આપવો.
(૨) ઈજા અને શૉક પેદા કરતી પ્રક્રિયા રોકવી. એટલે કે લોહી વહેતુ હોય તો રોકવાની કોશિશ કરવી; ફ્રેકચરવાળુ અંગ ખપાટિયા બાંધી સ્થિર કરવું.
(૩) દર્દીની ગરદન, છાતી અને કમ્મર પરના કપડાં ઢીલા કરવા.
(૪) દર્દીને ધાબળામાં વીંટવો અને હૂંફાળો રાખવો. પણ વધુ પરસેવો વળે તેટલી ગરમીની જરૂર નથી હોતી.
(૫) જો દર્દીને પેટની ઈજા, ઊલટીઓ કે બેભાનાવસ્થા ના હોય અને તેને તરસ લાગતી હોય તો તેને પાણી, ચ્હા, કોફી વગેરે પ્રવાહી આપી શકાય. પણ બ્રાન્ડી, વ્હિસ્કી વગેરે ના આપવા. જો દર્દીને ગંભીર ઈજાને કારણે ઓપરેશન કરવાની જરૂર લાગે તો મોં વાટે કંઈ ના આપવું.
(૬) ઝાડા ઊલટી કે દાઝયાથી પ્રવાહી વધુ વહી ગયુ હોય તો ખાંડ-મીઠાનું શરબત બનાવીને આપવું.
(૭) દર્દીને સાંત્વના, તથા હિંમત આપતા રહી તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવો.
(૮) દુ:ખાવાથી શૉક વધુ વકરે છે માટે દુ:ખાવો ના થાય તે ખાસ જોવું
(૯) દર્દીની સાથે રક્તદાન કરી શકે તેવા એ ગ્રુપના રકતદાતાઓને લઈ જવા.
(૧૦) આટલી પ્રાથમિક સારવારથી જિંદગી બચાવી શકાય નહીં, પણ માત્ર થોડીક રાહત મળી શકે. માટે દર્દીને હૉસ્પિટલ લઇ જવામાં જરા પણ વિલંબ ન કરવો.