ઇમરજન્સી સુવાવડ
મોટા ભાગની સુવાવડો દાયણો અથવા નર્સ કે ડોકટરો કરાવતાં હોય છે. પણ કયારેક પ્રસંગોપાત ઘરે, બસ, ટ્રેન, પ્લેન, એમ્બ્યુલન્સ કે સ્ટીમરમાં પ્રસૂતિ કરાવવી પડે. અકસ્માતથી પણ સગર્ભા સ્ત્રીને પ્રસુતિની પીડા ઉપડી શકે છે અને જો ડૉક્ટર કે હોસ્પિટલ સુધી પહોંચવા જેટલો સમય અથવા યોગ્ય વાહન ના મળે તો જયાંને ત્યાં જ સુવાવડ કરાવવી પડે. મોટા ભાગની સુવાવડો નોર્મલ અને સમી સૂતરી પાર પડે છે. એટલે દરેક પ્રાથમિક ઉપચારકે સુવાવડ કરાવવાની સાદી રીત અને તે વખતે લેવાની કાળજીઓ જાણવી જ જોઇએ. આ ઉપરાંત પ્રસૂતિ કયારેક ગંભીર વળાંક લે તો તેનાં ચિહ્નો પણ જાણવા જોઇએ કારણ કે સુવાવડ બે જીવનું જોખમ ધરાવી શકે છે - મા અને બાળકનું.
સુવાવડ થતાં પહેલા આટલું કરો :
(૧) સૌથી પહેલાં તો સગર્ભા સ્ત્રીને થતો દુ:ખાવો ખરેખર સુવાવડનો જ છે અને સુવાવડ ટુંક સમયમાં થશે કે નહીં તે નકકી કરવું જોઇએ. સુવાવડનો દુ:ખાવો હોય તો તે જેમ જેમ સમય જાય તેમ વારંવાર અને વધુ જોરથી થાય. દસેક મિનિટમાં ત્રણથી વધુ વખત દુ:ખાવો ઉપડે તો તે સુવાવડના દુ:ખાવાની લગભગ ચોકકસ નિશાની માની લેવી.
(૨) આવા સંજોગોમાં પહેલુ તો ડૉક્ટર, નર્સ કે પ્રશિક્ષિત દાયણની મદદ મેળવવા વ્યવસ્થા કરવી. જો તેમાથી કોઇ ના મળે તો કોઇ પણ અનુભવી વ્યક્તિની મદદ મેળવવી હિતાવહ છે.
(૩) આ મદદ મળે તે દરમ્યાન દર્દીને ડાબે પડખે સુવડાવી રાખવી અને તેને સાંત્વના તથા ધરપત સાથે સુચના આપવી કે દુ:ખાવો ઉપડે ત્યારે નીચે જોર ના કરવુ અને ઊંડો શ્વાસ લેવો. આમ કરવાથી સુવાવડ જરાક લંબાશે અને જરૂરી મદદ એટલીવારમાં કદાચ મળી શકે.
(૪) દર્દીને મોં વાટે કંઇ આપવુ નહીં.
સુવાવડ વખતે આટલું કરો:
ડૉક્ટર-નર્સ કે દાયણ આવતાં પહેલાં જ બાળક જન્મવા લાગે તો નીચે પ્રમાણે પગલાં લેવા:
(૧) સગર્ભાને ચોખ્ખી, હવા-ઉજાસવાળી, શાંત અને ભીડથી દૂર એવી જગ્યાએ ખસેડવી. જો એવી જગ્યા ન મળે તો ભીડવાળી જગ્યામાં કામ-ચલાઉ પડદા ઉભા કરી દેવા.
(૨) સગર્ભાને પલંગ અથવા જમીન પર સ્વચ્છ કપડું, ચાદર કે પ્લાસ્ટિક પાથરીને સુવાડવી. તેના પગ ઘૂંટણ અને થાપાથી વાળીને પહોળા રાખવા.
(૩) આ દરમ્યાન એક તપેલીમાં પાણી ઉકાળવા મૂકવું જેમાં જાડો દોરો, નવી બ્લેડ કે કાતર, રૂનાં પૂમડાં કે પાટાના નાના ટુકડા (ડબ્બામાં મૂકીને) ૧૫ મિનિટ સુધી ઉકાળવા અને પછી તેનો ઉપયોગ થાય ત્યાં સુધી તેમાં જ રાખવા. જો અગાઉથી જંતુમુકત કરેલ ડિલિવરી પેક હોય તો એમાંથી કાઢેલ સાધનોને ઉકાળવાની જરૂર નથી.
(૪) સુવાવડ કરાવનારે પોતાના હાથ સાબુ અને ચોખ્ખા પાણી વડે કોણી સુધી બરાબર ફીણવાળીને ૫ મિનિટ સુધી ધોવા.
(૫) સગર્ભાના જનન-અંગો અને તેની આસપાસનો ભાગ એટલે કે પેઢુ અને પેટ, સાથળ અને નિતંબ સાબુ અને પાણીથી ધોવા, ભીની થયેલી ચાદર બદલી નાખવી.
(૬) સગર્ભાને હવે સૂચના આપવી કે જયારે દુ:ખાવો ઉપડે ત્યારે નીચે તરફ, (સંડાસ કરતી વખતે કરવું પડે તેમ) જોર કરવું. દુ:ખાવો ના હોય ત્યારે મોં ખોલી શાંતિથી શ્વાસ લેવા અને જોર ના કરવું.
(૭) બાળકને નીચે લાવવા કયારેય પેટ પર જોરથી ધકકો ન મારવો (કલ્લા ન કરવા) કે મસાજ ના કરવો તેનાથી નુકસાન થાય.
(૮) બાળકનું માથું બહાર આવવા માંડે ત્યારે તેને ટેકો આપવો જેથી તે ઢળી ના પડે. માથું બહાર આવવાની પ્રક્રિયા વખતે સગર્ભાની ગુદા અને જનન-અંગ વચ્ચેના ભાગ પર કપડું મૂકીને હથેળી વડે હળવા જોરથી ટેકો આપવો જેથી કરીને માથું ઝડપથી બહાર આવે તો તે ભાગ ચિરાઇ ન જાય.
(૯) પછી તરત જ જોઇ લેવું કે બાળકના ગળા ફરતે નાળ તો વીંટળાયેલી નથી ને? જો તેમ હોય તો નાળ અને ગળા વચ્ચે આંગળી રાખવી જેથી નાળ ગળું ભીંસીને શ્વાસ અવરોધ ના કરે. જો ગળા આસપાસ નાળ વીંટળાયેલી હોય તો, આ તબકકે જ જંતુમુકત દોરાના બે ટૂકડા નાળ પર ચાર આંગળનું અંતર રાખીને જોરથી બાંધવા અને તેમની બરાબર વચ્ચેથી નાળને જંતુમુકત બ્લેડ કે કાતર વડે કાપી નાખવી.
(૧૦) બાળકનું બાકીનું શરીર જન્મે તે પહેલાં સમય લાગે એવું હોય તો એક વ્યક્તિએ ચોખ્ખા પાટાના ટુકડા વડે બાળકની આંખો, મોઢું અને નાક સાફ કરવાં જેથી તેને શ્વાસ લેવામાં સરળતા રહે.
(૧૧) આ પછી બાળકનું બાકીનું શરીર આપોઆપ બહાર આવશે. તેને ખેંચવા ખોટું જોર ના કરવું.
(૧૨) બાળક પૂરું જન્મે એટલે તેને માતાનાં પગ વચ્ચે, ચોખ્ખા કપડામાં, માતાથી નીચી સપાટીએ, નાળમાં ધબકારા આવતા બંધ થાય ત્યાં સુધી રાખવુ, જેથી શકય એટલું વધુ લોહી માતામાંથી બાળકને મળે. નબળા કે અધૂરા માસે જન્મેલા બાળકમાં જન્મ પછી તરત નાળ કાપવી. ધબકારા બંધ થવાની રાહ જોવી નહીં. બાળકની નાભિથી ચાર આંગળ દૂર નાભિ સાથે જોડાયેલ નાળ પર એક દોરી અને પહેલી દોરીથી બીજા ચાર આંગળને અંતરે બીજી દોરી બાંધવી. બે દોરી બરાબર બંધાઇ જાય એ પછી બે દારીની વચ્ચેથી નાળને બ્લેડ, ચપ્પુ કે કાતરથી કાપવી. નાળ કાપ્યા પછી કપાયેલા કોઇપણ છેડામાંથી વધુ રકતસ્રાવ થાય તો બીજા દોરા વડે તેને સજજડ બાંધીને લોહી વહેતું અટકાવવું. આ મુદ્દો ખાસ ધ્યાનમાં લેવો કારણ કે અહી ગફલત રહી જાય તો બાળક કે માતાના શરીરમાંથી લોહી વહી જાય અને બહુ ગંભીર૫ણે નુકસાન થઇ શકે છે. નાળ કાપ્યા પછી બાળક બીજાને સોપી દેવું જો બાળક રડતું ન હોય તો બાળકને રડાવવા પીઠ પર હળવેથી થપાટો મારવી.
(૧૩) પછી થોડીવાર રહીને ગર્ભાશયમાંથી નાળ સાથે જોડાયેલ મેલી (ઓર) આપોઆપ છૂટી પડીને બહાર આવશે. અને તેની સાથે થોડું લોહી પણ નીકળશે.
(૧૪) ઓર (મેલી) આખી છે કે નહીં તે તપાસો. જો ઓર (મેલી) આખી બહાર આવી ગઇ હોય તો પેઢુ પર આંગળીઓ વડે માલિશ કરો, જેથી ગર્ભાશય જલ્દી સંકોચાશે અને રકતસ્રાવ ઘટશે.
(૧૫) છેલ્લે એક ચોખ્ખું જંતુરહિત અથવા તડકામાં સૂકવેલ કપડું દર્દીના જનન-અંગ પર મૂકીને પાટા વડે ટેકવી રાખો.
(૧૬) બાળકને જન્મ પછી તાત્કાલિક કોરું કરી સૂકાં કપડાંમાં લપેટો. ખાસ ધ્યાન રહે કે બાળક ખૂલ્લું ના રહે અને ઠંડું ના પડે.
(૧૭) માતાને હળવો પ્રવાહી ખોરાક આપી શકાય. તેને આરામ કરવા દેવો.
(૧૮) બાળકને જન્મ પછી તરત ધાવણ આપવું. બાળક તરત ધાવશે તો સુવાવડ બાદ થતો રકતસ્રાવ ઘટશે અને સ્તનમાં ઝડપથી વધુ દૂધ બનશે.
સુવાવડ વખતનાં જોખમો
(૧) સુવાવડ પહેલાં લોહી પડવું. (૨) સુવાવડ દરમ્યાન ખેંચ આવવી. (૩) સુવાવડનો દુ:ખાવો ખૂબ હોવા છતાં સુવાવડ ન થાય. (૪) બાળકના માથાને બદલે હાથ, પગ કે ચહેરો સૌથી પહેલાં બહાર આવવા. (૫) સુવાવડ વખતે કે પછી ખૂબ લોહી વહી જવુ. (૬) સુવાવડ વખતે કે પછી ધ્રુજારી સાથે તાવ આવવો. (૭) સુવાવડ વખતે કે પછી પરુ જેવો ગંધાતો સ્રાવ આવવો.
આમાંથી કોઇપણ ચિહ્ન હોય તો જરાય સમય બગાડયા વગર બહેનને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી. જો સમયસર પગલાં ભરવામાં ન આવે તો, આ બધી તકલીફ બે કલાકથી માંડીને બે દિવસ સુધીમાં જીવલેણ સાબિત થઇ શકે છે.