આ એક સામાન્ય રીતે જોવા મળતી તકલીફ છે કે જ્યારે બાળકને શરદીની લીંટ કે ઓકેલું દુધ નાકમાં ફસાઇ જાય ત્યારે તેનું નાક બંધ થઇ જાય. અને તેને સ્તનપાન કરતા તકલીફ થાય. ધાવણા બાળકો મોં કરતા નાકથી શ્વાસ સરળતાથી લઇ શકતા હોય છે. જો નાક જ બંધ થઇ જાય ત્યારે સ્તનપાન કરતી વખતે મોં રોકાયેલું રહે તો શ્વાસ ના લઇ શકવાને કારણે ગુંગળામણ થાય. એટલે, બાળક સ્તનપાન છોડી દે છે અને મોં ખોલીને રડવા માંડે છે.
આવી પરિસ્થિતિમાં શું કરવું તે મહત્વનો પ્રશ્ન રહે છે. કોઇ પણ ડોક્ટર પાસે જતા પહેલા હવે બતાવ્યા પ્રમાણે કરવું. એક વાટકી ઉકાળેલા પાણીમાં ચપટી કરતા ઓછું મીઠુ નાખવું ( આંસુ કરતા વધુ ખારુ ના થાય તેનું ધ્યાન રાખવું). પછી સાબુથી હાથ ધોઇને રૂના પુમડા વડે એક નાકમાં પાંચ ટીપા નાખવાં. પછી દસ મિનિટનાં અંતરે બીજીવાર ટીપા નાખવા. આમ ટીપુ પડશે ત્યારે કદાચ બાળક વધુ અકળાશે પણ પછીથી નાકમાં ભરાયેલી લીંટ ઓગળી જશે અને નાક આપો આપ સાફ થઇ જશે. જો જરૂર પડે તો રૂના પુમડાની લાંબી વાટ બનાવીને નાકમાં ફેરવવી, તેથી લીંટ તો સાફ થશે જ, સાથે છીંક આવવાથી અવરોધ પણ દૂર થશે. (નમકના પાણીનું ૦.૬૫ ટકા સલાઇન દ્રાવણના ટીપાં બજારમાં તૈયાર મળે છે. તે વાપરી શકાય).