આ તકલીફ બહુ લાક્ષણીક રીતે થાય છે. અઠવાડીયાથી માંડીને એક મહિનાની ઉંમરેથી સાંજે આશરે પાંચ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધીમાં, લગભગ દરરોજ, બાળક અમળાયેલું રહે અથવા ચિડીયું થઇને રડે. વધારે તકલીફ હોય ત્યારે તો આખું ઘર માથે લ્યે તેવી હાલત થાય. તે કેમેય કરતા છાનું ના રહે, રડતી વખતે તેનું મોં લાલ થઇ જાય, પગ વાળીને પેટ પર લઇ લે, પેટ થોડુક ફુલી ગયેલું દેખાય, તેની મુઠ્ઠીઓ વાળીને રાખે, પછી લાંબું ચાલે ત્યારે તો હાથપગ ઠંડા પડી જાય. છેવટે થાકીને બાળક ઉંઘી જાય. આ રડવાનું એકદમ અચાનક જ થઇ આવે છે. અને પુરુ પણ એકદમથી જ થઇ જાય. કોઇકને બે પાંચ મિનિટ તકલીફ રહે તો વળી કોઇક બે-ચાર કલાક પણ હેરાન કરી મૂકે. આવું રડતું બાળક સાથે સાથે મળદ્વાર વાટે વાછુટ પણ છોડે અને તેના પેટમાં વાયું ફરવાથી ગુડ-ગુડ અવાજ પણ આવી શકે છે. આ તકલીફ હોય તેવા બધા બાળકોમાં વાયુ જ કારણભુત છે તેવું પૂરવાર નથી થયું. આવી રીતે સાંજે રડવાની પ્રક્રીયા કોઇ બાળકમાં બે દિવસ ચાલે તો કોઇને ત્રણ મહિના સુધી પણ ચાલે!! અમુક આવા બાળકોને તકલીફ બંધ થઇ ગયા પછી ફરીથી છઠ્ઠા મહીનાની ઉંમરે આસપાસ શરૂ થાય છે!!
આ તકલીફને આટલી વિગતવાર જાણવી એટલા માટે જરૂરી છે કારણકે તે ઘણી ત્રાસદાયક હોય છે. અને તેને માટે વાલીઓ જાત જાતના નુસ્ખાઓ અને દવાઓ કરાવતા હોય છે. જાત જાતની દવાઓથી નુકશાન થવાની શક્યતાઓ રહે છે તે ધ્યાન રાખવું જોઇએ.
ઉપાયો : (૧) બાળકને ધાવણ આપ્યા બાદ ઓડકાર ખવડાવવાનું ભૂલવું નહી. (૨) રોજ સાંજે રડતાં બાળકનાં વાલીઓએ યોગ્ય ઉપાય તો કરવાં જ પણ સાથે માનસિક રીતે તૈયાર રહેવું કે થોડા દિવસ રોજ સાંજે બાળક રડશે જ અને ત્યારે જરૂર કરતાં વધારે પડતા હાફળાં-ફાંફળા ના થવું. (૩) બાળકના કપડાં બદલી ઘરની બહાર ફેરવવું. ખોળામાં, હીંચકામાં વગેરે જગ્યાએ તેને શાંત કરવાની કોશીશ કરવી. ઘણા આવા બાળકો તાલ સાથે અવાજ કરવાથી શાંત થઇ જાય, એટલે ગીતો ગાવાથી ફાયદો ખરો. (૪) બાળકને ખોળામાં પેટભર ઉધુ સુવડાવીને તેની પીઠ થાબડવી જેથી તેનું પેટ દબાશે અને વાછુટ સહેલાઇથી થશે. આમ કરવા માટે તેને ખભે તેડીને અથવા પલંગ પર ઉંધુ સુવડાવી શકાય. (૫) ક્યારેક થોડા સમય માટે, બાળકને કંઇક ચૂસવા અપાય તો શાંત થઇ જાય. (૬) છેવટે કંઇ કારગર ના નિવડે ત્યારે બાળકના મળદ્વાર (ગુદા)માં તેલ લગાવેલી ટચલી આંગળી નાખીને વાછુટ કરવામાં મદદ કરી શકાય.
જો તકલીફ બહુ વધારે લાગે તો ડોક્ટર પાસેથી યોગ્ય દવા લેવી. ઘરમેળે સુવાનુ પાણી, થોડો ખાવાનો સોડા નાખીને આપી શકાય, પણ બાળગોળી કે ઘેનની દવા ના આપવી. સઘળા ઉપાયો કરવાં છતાં બાળક રોજ સાંજે રડયા કરે તો તેને દવાખાનામાં માત્ર દાખલ કરવાથી રાહત થાય તેવું કોઇ કિસ્સાઓમાં બને છે ખરૂં.