શરૂઆતના એક-દોઢ અઠવાડીયામાં ધાવણ ઉતરવાની પ્રક્રિયા વેગ પકડે છે અને બાળકને જોઇએ તેના કરતા વધું ધાવણ બનવા માંડે. ક્યારેક આ વધારાનું ધાવણ તકલીફ કરી મુકે છે જેને 'ભરાવો' તરીકે ઓળખાય છે. તેમા સ્તન ભારી લાગે અને દુઃખાવો થાય, ભરાવો બહુ વધી જાય તો સ્તન પથ્થર જેવા કડક થઇ જાય, દુઃખાવો અસહ્ય થાય અને ક્યારેક એક દિવસ પુરતો તાવ પણ આવે. ક્યારેક સોજો પણ આવે જેથી ચામડી ખેચેલી અને ચમકતી દેખાય અને લાલાશ રંગ પણ પકડી શકે. બાળક કડક થયેલા એરીયોલા ( નિપ્પલની આસપાસનો ઘેરો ભાગ) પર જોર ના કરી શકતા સ્તનપાન કરાવવામાં નિષ્ફળ જાય છે. પછી તો સ્તનપાન દરમ્યાન બાળકનાં મો માં માત્ર નિપ્પલ જ આવે અને તેના પર ચુસ્યા કરવાથી ત્યાં ઇજા થાય. તેથી નિપ્પલ આળી થઇ જાય, દુઃખાવો વધારે થાય. છેવટે તો દુઃખાવો અને ચિંતાથી ઊઘ પણ હરામ થઈ જાય.
ભરાવો થતો નિવારવા જન્મ બાદ તરત જ સ્તનપાન શરૂ કરાવવું અને વારંવાર સ્તનપાન કરાવતા રહેવું. ઘણા ઘરોમાં એવું મનાય છે કે 'ભરાવો' થાય ત્યારે બાળકને સ્તનપાન ના કરાવાય અને ધાવણ પણ ના કઢાય કારણકે તેનાથી ધાવણ વધું બનશે. ખરેખર તો 'ભરાવો' નિવારવા માટે ધાવણ કાઢવું અત્યંત જરૂરી છે. પછી તે બાળક દ્વારા સ્તનપાનથી નીકળે તો તેમ અને બાળક પુરતુ ધાવી ના શકે તો તેને હાથેથી પણ કાઢવાની કોશીશ જરૂર કરવી. બાળક તેવા સ્તન પર ધાવી શકતું હોય તો તેને વારંવાર સ્તનપાન કરાવવા કોશીશ કરવી. બહુ વધારે પડતા ભરાવામાં હાથેથી પણ ધાવણ ના નીકળે તો તેને ખાસ પમ્પ વડે કાઢવું પડે છે. તે માટે સ્ત્રીરોગ ડોક્ટર અથવા આ અંગે જાણકાર નર્સ પાસે જવું.
ધાવણ કાઢવાની સાથે સ્તન પર ગરમ-હૂંફાળો શેક કરવાથી અને ગરમ પાણીથી સ્નાન કરવાથી પણ આરામ મળે છે. એકવાર આટલું કરવાથી ભરાવો ઓછો થાય છે. જ્યારે બાળક સ્તનપાન કરી લે પછી દર વખતે વધારાનું ધાવણ હાથેથી કાઢી લેવું. આમ કરવાની જરૂર આશરે એક બે અઠવાડીયા લાગે પછી તો આપોઆપ બાળક પુરતુ જ ધાવણ બનશે.
માતાની પીઠ અને ગરદન પર માલીશ કરવી. સ્તનને પણ હળવેથી હૂંફાળા પાણીમાં ભીંજવેલ ટુવાલ અથવા કપડાથી માલીશ કરવા. માતાને હળવાશ અનુભવ કરાવવા બધી કોશીશ કરવી . સ્તન પર સોજો આવે ત્યારે બાળક સ્તનપાન કરી લે પછી અથવા ધાવણ કાઢયા બાદ ઠંડો બરફનો શેક કરી શકાય. આ સિવાય સ્તનને ટેકો રહે તે માટે માપની બ્રેસીયર પહેરવાથી દુ:ખાવો ઓછો થાય છે. દુ:ખાવો ઘટાડવા કે ઉંઘવા માટે બને ત્યા સુધી કોઇ પ્રકારની દવા લેવી નહીં. દવાનો આશરો ઉપરોક્ત નુસ્ખા નિષ્ફળ જાય અને દુ:ખાવો ખરેખર અસહ્ય હોય તો જ લેવો અને તે પણ ડોક્ટરની સલાહ લઇને જ. ધાવણ ઓછું બને તે માટે બજારમાંથી કોઇ દવા ડોક્ટરની સલાહ વગર ના જ લેવી હિતાવહ છે. અસહ્ય દુ:ખાવો અને ઉપરોક્ત નુસ્ખાઓ નિષ્ફળ જાય; સ્તનના કોઇ એક ભાગમાં વધુ દુ:ખે કે ત્યાં ચામડી લાલ થઇ જાય અથવા કોઇ એક ભાગમાં અડવાથી ત્યાં જ વધું દુ:ખે તેને પાકની નિશાની માની ડોક્ટરની સલાહ લેવી.