શ્વસનમાર્ગમાં અવરોધ અને શ્વાસ રૂંઘાવો
(૧) શ્વાસનળીમાં કોઇ વસ્તુ ઊતરીને ફસાઇ જવી. દા.ત.,અનાજનો દાણો, ફળ-ફૂલનું બી, લખોટી, પથરો, ડૂબતી વ્યક્તિમાં કાદવ-કીચડ, સીંગ-ચણાનો દાણો, વગેરે.
(૨) ગળામાં શ્વાસનળી પર ફટકો અથવા માર લાગવાથી, ફાંસો વળવાથી ઈજા થાય.
(૩) શ્વાસનળી સૂજીને અંદરથી ફુલી જાય જેમકે કોઈ એલર્જી, ઝેરી ગેસ, કે ગળામાં ચેપ વગેરેથી.
(૪) ગાઢ ધૂમાડામાં શ્વાસ લેવાથી ચોખ્ખી હવા ના મળે ત્યારે પણ શ્વાસ રૂંઘાઈ જાય.
શ્વાસ રૂંઘાવાથી જ્યારે શ્વાસની પ્રક્રિયા બંધ પડી જાય ત્યારે અથવા તો જરૂર કરતાં ઘણી ઓછી માત્રામાં ચોખ્ખી હવા ફેફસા સુધી પહોંચે ત્યારે શરીરને મળતો પ્રાણવાયુનો પુરવઠો બંધ થઇ જાય. આવી હાલત અત્યંત ગંભીર હોય છે અને મિનિટોની ગણતરીમાં જ દર્દી મૃત્યુ પામે છે. એટલે રૂંઘાયેલ અને બંધ શ્વાસની સારવાર જરા પણ સમય વેડફયા વગર ચાલુ કરી દેવી જાઇએ. કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાની રીતો આપણે કૃત્રિમ શ્વાસોચ્છવાસના પ્રકરણમાં જોઇ ગયા. પણ તે આપતા પહેલાં શ્વાસને ફેફસાં સુધી જવાનો રસ્તો, જે રૂંઘાયેલ શ્વાસમાં અવરોધાઇ ગયો હોય છે, તેને ખોલવો પડે.
મોટા ભાગે શ્વાસનળીમાં જેવી કોઇ વસ્તુ દાખલ થાય કે તરત જ જોરદાર ખાંસી દ્વારા તે બહાર ફેંકાય જાય અથવા મોંમા આવી જાય. મોંમાં આવેલી વસ્તુ દર્દી થૂંકી નાખે અથવા સારવાર આપનાર તેને આંગળી વડે કાઢી શકે. જો આમ તે વસ્તૂ ના નીકળે તો આકૃતિમાં દર્શાવ્યા પ્ર્રમાણે દર્દી પાછળ ઉભા રહી સારવાર આપનારે પોતાના બન્ને હાથ દર્દીના પેટ પર નાભિથી ઉપરના ભાગે વીંટીને પકડવા પછી ત્રણ ચાર વખત ઝાટકા સાથે સારવાર આપનારે પોતાના હાથ દર્દી તરફ ખેંંચવા. આમ કરવાથી પેટ દબાશે અને ફેફસામાંથી જોરપૂર્વક હવા નીકળશે.
જો દર્દી બેભાન હોય અથવા તેનું શરીર ભારે હોય તો તેને ચત્તો સુવડાવીને પેટ પર નાભિની ઉપરના ભાગે હથેળીઓ મૂકીને ઝાટકાભરે દબાણો આપી શકાય.
આ સિવાયના રસ્તા તરીકે દર્દીને ખુરસી પર કમરથી વાળીને ઉભો રાખવો અને પછી બરડા પર વચ્ચે જોશભેર ચાર પાંચ થપાટો આપવી.
નાનું બાળક હોય તો તેને ઉંધે માથે લ ટકાવીને પીઠ પર થપાટો મારી શકાય. આમ ચાર પાંચ ઝાટકા અથવા થપાટો પછી દર્દીના મોંમા આંગળી વડે વસ્તુની તપાસ કરવી. તેમ ક રતા ઘ્યાન રાખવું કે તે ઉંડી ઉતરે નહીં. જાતે ના નીકળી હોય તો પાછી ઝાટકા-થપાટની કોશિશ બે વાર કરવી. પછી પણ શ્વાસ ચાલુ ના થાય તો કૃત્રિમ શ્વાસોચ્છવાસ ચાલુ કરવો. આ આખી પ્રક્રિયામાં દોઢ થી બે મિનિટથી વધુ સમય શ્વાસ સદંતર બંધ ના રહે તે ખાસ જોવું.