ધૂમાડા કે ગેસથી થયેલી ગુંગળામણની પ્રાથમિક સારવાર

ધૂમાડાથી ગૂંગળામણ થવાના પ્રસંગો મોટેભાગે આગ લાગેલ મકાનમાં અથવા કોલસાની ખાણોમાં ફસાયેલ વ્યક્તિઓ સાથે બને છે. મોટેભાગે આ ધૂમાડો કાર્બનમોનોક્સાઇડ ગેસનો હોય છે. આ સિવાય કયારેક કોઇ કારખાના કે લેબોરેટરીમાં અન્ય કોઇ ગેસ આકસ્મિક રીતે લીક થાય ત્યારે ગુંગળામણ થઇ શકે છે.

આવા પ્રસંગે નીચે મૂજબની કાળજી લેવી :

¤ ફસાયેલી વ્યક્તિને બચાવવા જતાં પહેલાં તેના રૂમની બારીઓ, બારણા, વેન્ટિલેટરો વગેરે ખોલી નાખવા અને ના ખૂલે તો તોડી નાખવાં જેથી બહારની ચોખ્ખી હવા અંંદર જાય અને ગેસ-ધૂમાડો બહાર જાય. આમ થોડો વખત રાહ જોઇને પછી અંદર જવાની પેરવી કરવી, નહીં તો બચાવનાર વ્યક્તિ પોતે જ ગૂંગળાઇ જઇ શકે છે.

¤ રૂમમાં અંદર જતી વખતે જો અંદર અંધારુ હોય અને ઝાંખુ દેખાતું હાય તો કયારેય દિવાસળી કે દિવો કે અન્ય વસ્તુ સળગાવવી નહીં. કારણ કે આવી જગ્યાઓએ આગ લાગવાની અને ધડાકા થવાની ઘણી શકયતાઓ હોય છે.

¤ મોટે ભાગે કાર્બન-મોનોકસાઇડ ગેસનો ધૂમાડો હવા કરતા વજનમાં હલકો હોવાથી રૂમમાં ઉચે રહે છે. તેથી રૂમમાં પ્રવેશતી વખતે ઘૂંટણીયભેર ચાલવું. પણ જો બીજો કોઈ ગેસ હોય અને તે હવા કરતા વધુ વજનવાળો હોય તેવી જાણકારી હોય ( જેમ કે કાર્બન ડાયોકસાઈડ) તો રૂમમાં ઉભા ઉભા જ ચાલવું.

¤ નાની રૂમમાં તો બચાવનાર પોતાનો શ્વાસ રોકીને રૂમમાં પ્રવેશી ગૂંગળાયેલી વ્યક્તિને તરત જ બહાર કાઢી શકે.

¤ ગૂંગળાયેલી વ્યક્તિ બહાર આવે કે તરત જ તેનો શ્વાસ જોવો. જો તે નબળો ચાલતો હોય કે બંધ પડી ગયો હોય તો તરત જ કૃત્રિમ શ્વાસોશ્વાસ ચાલુ કરવો.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર