Maru BP મારું બીપી

7. હ્રદયરોગના દવા અને ઓપરેશન સિવાયના ઉપાયો અને હ્રદયરોગ થતો જ અટકાવવાના રસ્તાઓ

ઇ.સ. ૧૯૯૭માં અમેરિકન હાર્ટ એસોસિએશન દ્વારા પ્રસિદ્ધ થતી પ્રતિષ્ઢિત જર્નલ 'સકર્યુલેશન'માં એક અભ્યાસપૂર્ણ લેખ છપાયો છે જે આપણને બધાને બાયપાસ સર્જરી તથા એન્જિયોપ્લાસ્ટી અંગે વિચારતા કરી મૂકે છે. લેખનો સારાંશ એટલો જ છે કે 'બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટીથી સ્ટેબલ એન્જાઇનાના(હ્રદયરોગના) દર્દીમાં હાર્ટ એટેક આવવાની શકયતા ઘટતી નથી30.'(સ્ટેબલ એન્જાઇના એટલે હ્રદયરોગની એવી જૂની તકલીફ કે જેમાં શ્રમ પડવાથી એન્જાઇનાનો દુ:ખાવો થાય અને દવા-આરામથી સારું થઇ જાય)

જયારે કોઇ વ્યક્તિમાં બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે ત્યારે એવું માની લેવામાં આવે છે કે જો કોરોનરી ધમની(હ્રદયને લોહી પહોંચાડતી ધમની) માં વધુ બ્લોક હોય તો એ જોખમી છે અને ઓપરેશન કે પ્લાસ્ટીથી આવા બ્લોક દૂર કરવાથી ચોકકસ ફાયદો થશે. હકીકતમાં, હાર્ટ એટેક મોટા ભાગે હ્રદયના એ ભાગમાં આવે છે જયાં પહેલેથી કોરોનરી ધમનીમાં ખાસ નોંધપાત્ર બ્લોક ન હોય. થેલીયમ સ્ટ્રેસ ટેસ્ટ તરીકે ઓળખાતા ટેસ્ટમાં હ્રદયના કયા ભાગમાં લોહી ઓછું પહોંચે છે તે દેખાય છે. આ ટેસ્ટના આધારે પણ એવું સાબિત થઇ ચૂકયું છે કે એટેક આવતાં પહેલાં હ્રદયના જે ભાગમાં લોહી આછું પહોંચતું હતું એ ભાગમાં એટેક આવવાને બદલે હ્રદયના બીજા જ કોઇ ભાગમાં એટેકની અસર થાય છે.

કોરોનરી આર્ટરી સર્જરી સ્ટડી(સી.એ.એસ.એસ.) નામના મોટા અભ્યાસમાં એવું જાણવા મળ્યુ કે જે ધમનીમાં ૫૦ ટકાથી ઓછો બ્લોક હતો ત્યાં હાર્ટ એટેકને કારણે ધમની સંપૂર્ણ બ્લોક થઇ જવાની શકયતા(૫૦ ટકા કરતા વધુ બ્લોક ધરાવતી ધમની કરતાં) સાડા સાત ગણી વધારે છે. અત્યારે સામાન્ય રીતે જે ધમનીમાં વધુ બ્લોક હોય(૭૦-૮૦ ટકાથી વધુ બ્લોક હોય) ત્યાં જ બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે. એનો સીધો અર્થ એ નીકળે કે એન્જિયોગ્રાફીની મદદથી ભવિષ્યમાં હાર્ટ એટેકને કારણે કઈ ધમની બ્લોક થશે એ જાણી શકાતું નથી અને બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કરાવવાથી ભવિષ્યમાં આવનાર એટેકને અટકાવી શકાતો નથી. એટેકને કારણે બ્લોક થયેલ ધમનીમાં, એટેક આવતાં પહેલાં કરેલ એન્જિયોગ્રાફીમાં નોંધપાત્ર બ્લોક દેખાતો નથી31. બીજા ઘણા અભ્યાસોનું તારણ એવું છે કે એટેકમાં સંડોવાયેલી ધમનીઓમાંથી માત્ર ૧૩% ધમનીઓમાં જ એટેક પહેલાં, ૭૫ ટકાથી વધુ બ્લોક હતો.

આ જ રીતે, બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી, એકાદ મહિનામાં જ એટેક આવે છે તે ઘણી વખત જેની કોઇ સારવાર કરવાની જરૂર ન જણાઈ હોય એવી ધમનીઓમાં નવેસરથી બ્લોક ઉદભવવાથી થાય છે. એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી આવતા એટેકના ૫૭% કિસ્સાઓમાં જયાં એન્જિયોપ્લાસ્ટી કરાવાની જરૂર ન જણાઇ હોય એવી ખુલ્લી(નોંધપાત્ર બ્લોક વગરની) ધમનીઓ બ્લોક થઇ જવાથી એટેક આવ્યો હતો.

જેમના હ્રદયનું પંપીંગ સારું હતું(LVEF > 50 %) એ લોકોમાં જીવલેણ ન હોય એવા હાર્ટ એટેક આવવાનું પ્રમાણ બાયપાસ કરેલ દર્દીમાં ૪૯ ટકામાં અને ન કરેલ દર્દીમાં ૪૧ ટકા કિસ્સામાં જોવા મળ્યું હતું32. અલબત્ત, એટેકને કારણે મૃત્યુ થવાની શકયતા ઓપરેશન કરેલ દર્દીમાં ઓછી હતી. બાયપાસ સર્જરી પછી પાંચ વર્ષ સુધી એટેક આવવાનું પ્રમાણ બાયપાસ સર્જરી કરેલ જૂથમાં ૪૦ ટકા અને ન કરેલમાં ૨૩ ટકા જેટલુ હતું અને મૃત્યુનું પ્રમાણ બંને જૂથમાં સરખા જેવું હતું33. એન્જિયોપ્લાસ્ટી પણ એટેક આવવાની શકયતા ઘટાડે છે એવું સાબિત થઇ શકયુ નથી. અન્ય એક રસપ્રદ અભ્યાસમાં જે દર્દીઓને ડોકટરે તાત્કાલિક બાયપાસ ઓપરેશન કરાવવાનું કહેલું પરંતુ આ દર્દીઓએ ના પાડેલી, એમના(ના પાડયા પછીના) આયુષ્યની વિગત હતી28. આવા ૧૫૦ દર્દીઓ ના પાડયા પછી, બે થી આઠ વર્ષ જીવ્યા હતા. જેમની એક અથવા બે જ નળી બ્લોક હતી એ તો દસ વર્ષ પછી પણ જીવતા હતા!

આમ, જેવું હ્રદયરોગનું નિદાન થાય કે તરત એન્જિયોગ્રાફી- એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરીના ચકકરમાં ચઢી જવાની જરૂર નથી. મોટા ભાગના કિસ્સાઓમાં દવાઓ, ખોરાકની પરેજી, કસરત, તણાવ-મુક્તિ અને વ્યસનમુક્તિથી હ્રદયરોગને કાબૂમાં રાખી શકાય છે. સ્ટ્રેસ ટેસ્ટ અને ઇકોકાર્ડિયોગ્રામની મદદથી, દર્દીની તકલીફો અને લક્ષણોને ધ્યાનમાં લઇને દર્દીને ઓપરેશન/પ્લાસ્ટીની જરૂર છે કે નહીં એ નકકી થઇ શકે છે. એન્જિયોગ્રાફીની જરૂર તો જયારે ઓપરેશન/પ્લાસ્ટી કરવી જ પડશે એવું નકકી થઇ જાય પછી કઇ રીતે ઓપરેશન કરવું એ નકકી કરવા માટે જ પડે છે.

'સેકન્ડ ઓપીનીયન ટ્રાયલ' નામના એક અભ્યાસમાં જે દર્દીઓને ડોકટરોએ એન્જિયોગ્રાફી માટે મોકલ્યા હતા એમના કેસમાં નિષ્ણાત ડોકટરોની પેનલ દ્વારા બીજો અભિપ્રાય લેવડાવવામાં આવ્યો તો ૧૦૦માંથી માત્ર ત્રણ જ દર્દીને ખરેખર એન્જિયોગ્રાફી જરૂરી હતુ એવું સાબિત થયું34! આવા જ એક બીજા અભ્યાસમાં જણાયુ કે બ્રિટનમાં થતી બાયપાસ સર્જરીમાંથી માત્ર ૫૫ ટકા જેટલી સર્જરી જ ખરેખર જરૂરી હતી35. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે બ્રિટન કરતાં અમેરિકામાં બાયપાસ ઓપરેશનનું પ્રમાણ સાત ગણું વધારે છે! એટલે ત્યાં કેટલાં ઓપરેશનો બિનજરૂરી થતાં હશે એ કલ્પનાનો જ વિષય છે. ૧૯૮૦ થી ૧૯૯૨ દરમ્યાન અમેરિકામાં એન્જિયોપ્લાસ્ટીનું પ્રમાણ ૬૦૦૦ ટકા જેટલું વધ્યુ છે.

જે રીતે સ્ટેબલ એન્જાઇનામાં ઓપરેશનથી વિશેષ ફાયદો નથી થતો એ જ રીતે માઇલ્ડ હાર્ટ એટેકમાં પણ રૂટીન તત્કાલ ઓપરેશન કે પ્લાસ્ટીથી કોઇ ફાયદો થતો નથી. 'નોન-કયુ વેવ' તરીકે ઓળખાતા માઇલ્ડ હાર્ટ એટેકમાં દવાઓથી રોગને કાબૂમાં લેવાનું ઓપરેશન કે પ્લાસ્ટી કરતાં વધુ સલામત અને અસરકારક છે36. અત્યાર સુધીમાં ચાર મોટા અભ્યાસો આવા એક સરખા તારણ પર આવ્યા છે તે છતાં આવાં તત્કાલ ઓપરેશન કે પ્લાસ્ટીનું પ્રમાણ વધતું જાય છે. પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી તરીકે ઓળખાતી, દરેક હાર્ટએટેકના દર્દીને દાખલ થતાની સાથે જ એન્જિયોપ્લાસ્ટી કરી નાંખવાની આ રીત દર્દીઓ માટે કાંઈ વિશેષ ફાયદો નથી કરતી ઉલટું ખર્ચનો બોજ અને કોમ્પ્લિકેશન થવાની શકયતા વધારે છે.

ટૂંકમાં, મોંઘી અને ખર્ચાળ સારવાર હંમેશા સલામત અને અસરકારક હોય એ જરૂરી નથી. બાયપાસ ઓપરેશન અને એન્જિયોપ્લાસ્ટી ઘણા કિસ્સામાં લાભદાયી, જીવનરક્ષક સાબિત થાય છે પણ એની જરૂર અમુક જ જોખમી કેસમાં ઉભી થાય છે. સાદા હ્રદયરોગના મોટાભાગના કિસ્સાઓ ઓપરેશન વગર જ કાબૂમાં રહે છે. દવાથી કાબૂમાં ન રહેતા; હ્રદયનું પંપીંગ ખૂબ આછું હોય એવા અથવા સ્ટ્રેસ ટેસ્ટ જોખમી જણાય તેવા દર્દીમાં ઓપરેશન કરવું પડે છે.

છેલ્લાં થોડાં વર્ષોથી અમેરિકામાં ડો. ડીન ઓર્નીશ નામના ડોકટરે એવું સાબિત કરી બતાવ્યું કે ઓપરેશન કર્યા વગર પણ માત્ર જીવન જીવવાની પદ્ધતિમાં ફેરફાર કરવાથી હ્રદયની બ્લોક થઇ ગયેલ ધમનીઓ પાછી ખૂલી શકે છે. ખૂબ જ ઓછી ચરબીવાળો શાકાહારી ખોરાક, નિયમિત કસરત, ધ્યાન, વ્યસનમુક્તિ વગેરે અપનાવવાથી હ્રદયરોગ થતો અટકે છે એટલું જ નહીં થઇ ગયેલ રોગ અને બ્લોક થયેલ ધમનીઓ પાછી ખૂલી પણ શકે છે. PET નામની અત્યાધૂનિક તપાસથી આ ડોકટરે સાબિત કર્યું છે કે ચાર જ વર્ષમાં સરેરાશ આઠ ટકા જેટલું બ્લોકેજ માત્ર જીવન પદ્ધતિના ફેરફારથી ઘટયું!! અમેરિકામાં એક બાયપાસ સર્જરી કરવાનો ખર્ચ આશરે ૫૦,૦૦૦ ડોલર આવે છે. દર વર્ષે અમેરિકામાં કુલ અઢાર અબજ ડોલર બાયપાસ સર્જરી પાછળ અને ૬ અબજ ડોલર કોરોનરી એન્જિયોપ્લાસ્ટી પાછળ ખર્ચાય છે. જો લોકો પોતાની જીવન શૈલીમાં જરૂરી ફેરફારો કરે તો અબજો ડોલરનો ખર્ચો બચી શકે. વળી, બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટી કંઇ કાયમ માટે હ્રદયરોગને મટાડી નથી દેતી એ તો માત્ર તાત્કાલિક રાહત પૂરી પાડે છે. અડધોઅડધ બાયપાસ સર્જરી પાંચથી દશ વર્ષમાં ફરીથી બ્લોક થઇ જાય છે અને ત્રીજા ભાગની એન્જિયોપ્લાસ્ટી માત્ર છ મહિનામાં જ પાછી બ્લોક થઇ જાય છે. એટલે હ્રદયરોગથી બચવાનો કાયમી ઉપાય માત્ર એક જ છે અને એ દર્દીની બિનતંદુરસ્ત જીવન પદ્ધતિ બદલવાનો! જેટલી હદે દર્દી તંદુરસ્ત જીવન શૈલી અપનાવે છે એટલા પ્રમાણમાં હ્રદયરોગ ઘટે છે એવું ડો.ઓર્નીશે પૂરવાર કર્યુ છે.

માણસ જો પોતાની જીવન પદ્ધતિને સંયમિત રાખે તો કોરોનરી ધમનીમાં ઉદભવેલ બ્લોક કોઇ જાતના ઓપરેશન વગર ખૂલી શકે છે. નિયમિત યોગાસન-ધ્યાન કરવાથી; ખોરાકમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ ઘટાડી દેવાથી; વ્યસનમુક્તિથી અને નિયમિત કસરતથી હ્રદયરોગને અલવિદા કહી શકાય છે. માત્ર જરૂર છે આ બધા જીવન પદ્ધતિના ફેરફારો કાયમી ટકાવી રાખવાની. આ સારી ટેવો કેળવવાથી બાયપાસ ઓપરેશનથી બચી શકાય અને જીવન જીવવાનો આનંદ પાછો મેળવી શકાય છે. જેમને રોગ ન થયો હોય પણ કુટુંબમાં રોગનો ઇતિહાસ હોય તેવા લોકોએ નાનપણથી જ આવી ટેવો(કસરત - યોગ - ધ્યાન - નિવ્ર્યસનીપણું - સ્વસ્થ ખોરાક) વિકસાવવી જોઇએ જેથી હ્રદયરોગને થતો જ અટકાવી શકાય. આ દરેક પાસા અંગે અહીં ચાર ભાગમાં વિગતે જાણકારી આપી છે(૧) કસરત;(૨) મનોશાંતિ;(૩) સ્વસ્થ ખોરાક અને (૪) વ્યસનમુક્તિ. જીવનના આ દરેક પાસાંઓ પર એક સાથે ધ્યાન આપવું અને એમાં હકારાત્મક ફેરફારો કરવા જરૂરી છે. જેટલી વધુ તંદુરસ્ત જીવન પદ્ધતિ હોય છે એટલાં વધુ સારાં પરિણામો મળે છે.

    1. કસરત

    2. મનોશાંતિ - યોગાસન, પ્રાણાયામ, ધ્યાન

    3. હકારાત્મક માનસિક અભિગમ કેળવો

    4. સ્વસ્થ ખોરાક

    5. વ્યસનમુક્તિ