છાતીમાં વચ્ચોવચ (અંદરના ભાગમાં) જયારે સખત દુ:ખાવો થાય, આખા શરીરે પરસેવો વળી જાય, ગભરામણ થાય ત્યારે જરા પણ સમય બગાડયા વગર દર્દીને હોસ્પિટલ પહોંચાડી દેવો જોઇએ. હાર્ટ એટેકના દર્દીને જેટલી જલદી સારવાર મળવી શરૂ થાય એટલું જોખમ આછું. હાર્ટ એટેકના દર્દીએ એટેક વખતે મન સ્વસ્થ રાખી ચિંતા કર્યા વગર આરામ કરવો ખૂબ જરૂરી છે. એમ્બ્યુલન્સ બોલાવવાનું કે બીજી કોઇ રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું, દોડાદોડીનું કામ ઘરમાં હાજર અન્ય વ્યક્તિને નચિંતપણે સોંપી દેવું જોઇએ.
જો એમ્બ્યુલન્સ કે ડોકટરને આવવામાં પંદર વીસ મિનિટથી વધુ સમય થવાનો હોય તો અન્ય કોઇ વાહનમાં ઝડપભેર હોસ્પિટલ ભેગા થઇ જવું વધુ સલામત છે. વાહનમાં જે સ્થિતિમાં ઓછામાં ઓછું દર્દ થાય એ સ્થિતિમાં બેસવું જોઇએ. સામાન્ય રીતે બેસવામાં દર્દ ઓછું હોય છે અને સુવાથી વધી શકે છે. હોસ્પિટલ પહોંચવામાં કલાકથી વધુ સમય લાગે એમ હોય તો હાર્ટ એટેકની શંકા લાગતી હોય એવા દર્દીએ એસ્પીરીન (૩૦૦ મિ.ગ્રા.) ની અડધી ગોળી લઇ લેવી જોઇએ. આ ગોળી હાર્ટ એટેકથી થતાં નુકસાન અને મોતની શકયતા ઘટાડે છે. સખત એસિડીટીવાળા, બેકાબૂ હાઇબ્લડપ્રેશરવાળા, એટેકને કારણે બ્લડપ્રેશર એકદમ ઘટી ગયું હોય એવા અને એસ્પીરીનથી રીએકશન આવતુ હોય એવા દર્દીઓએ એસ્પીરીન ગોળી ન લેવી જોઇએ.
નજીકની હોસ્પિટલ જેમાં હાર્ટ-સ્પેશ્યાલીસ્ટ અને આઇ.સી.સી.યુ.ની સગવડ હોય એની પહેલેથી નોંધ રાખી મૂકો, જેથી ઇમરજન્સીના સમયે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલના ધકકાથી બચી જવાય છે અને સમયસર યોગ્ય સારવાર શરૂ થાય. હાર્ટ એટેકની શંકા પણ થતી હોય તો પણ હોસ્પિટલમાં જઇને તરત તપાસ કરાવી લેવી એ ઘરે બેઠા તબિયત બગડવાની રાહ જોવા કરતાં વધુ સલાહભર્યું છે.
હોસ્પિટલ લઇ જતી વખતે દર્દીનું ખાસ ધ્યાન રાખવું. જો હાર્ટ એટેકનો દર્દી બેભાન થઇ જાય, એની નાડીના ધબકારા જતા રહે અને છાતી પર કાન મૂકવાથી પણ ધબકારા ન સંભળાય તો તરત કાર્ડિયેક મસાજ આપવો જાઇએ. દરેક નાગરિકે આવી પરિસ્થિતિ સર્જાય એ અગાઉ જ કાર્ડિયેક મસાજની તાલીમ લેવી જોઇએ.
જો કોઇ માણસનું હ્રદય અચાનક કામ કરતું બંધ થઇ જાય તો ગણતરીની સેકન્ડોમાં માણસ બેભાન થઇ ગયા પછી પણ ત્રણથી પાંચ મિનિટ સુધી મગજના કોષો જીવી શકે છે. જો આટલા સમયની અંદર અંદર મગજના કોષોને ઓકિસજનયુકત લોહી કોઇક રીતે પહોચાડી શકાય તો એ માણસને મૃત્યુના મોંમાંથી બહાર લાવી શકાય છે. સામાન્ય રીતે આખા શરીરમાં લોહી પહોંચાડવાનું કામ હ્રદય કરે છે. જયારે હ્રદય બંધ પડી ગયુ હોય અને તે છતાં લોહીને ઓછામાં આછું મગજ સુધી પહોંચાડી દર્દીને જીવતો રાખવો હોય તો એ માટે કાર્ડિયેક મસાજ તરીકે ઓળખાતી ટેકનીક ખૂબ ઉપયોગી થાય છે.
કોઇપણ માણસને કાર્ડિયેક મસાજ આપતા પહેલાં એ નકકી કરવું ખૂબ જરૂરી છે કે ખરેખર એના બેભાન થવાનું કારણ હ્રદયનું બંધ પડી જવું જ છે ને. હ્રદય બંધ પડી ગયું છે એની ખાત્રી દર્દીની છાતી પર કાન મૂકીને અથવા શરીરના કોઇપણ ભાગ પર નાડી (પલ્સ) પકડીને થઇ શકે છે. બેભાન દર્દીમાં હ્રદય કે નાડીના ધબકારનો અભાવ હ્રદય બંધ પડી ગયુ છે એવું સૂચવે છે અને આવા દર્દીને તાત્કાલિક કાર્ડિયેક મસાજ આપવો જરૂરી બને છે. નાડીના ધબકારા હાથમાં જોવા કરતાં ગળામાં સ્વરપેટી (હેડિયા)ની કોઇપણ એક બાજુએ અંગુઠો પાછળની તરફ દબાવાથી વધુ ચોકસાઇથી અનુભવી શકાય. (જૂઓ ચિત્ર-અ)
કાર્ડિયેક મસાજ માટે, દર્દીને કઠણ ફરસ કે બાંકડા પર ચત્તો સુવડાવી દેવો જોઇએ. દર્દીના પગ માથાથી ઊંચા રાખવા જોઇએ. આ પછી છાતીની વચ્ચોવચ આવેલ હાડકા (સ્ટર્નમ) ના નીચલા ભાગ પર સારવાર આપનારે એના ડાબા હાથની હથેળી મૂકી એની ઉપર જમણા હાથની હથેળી મૂકવી જોઇએ. આ પછી, હાથને કોણીમાંથી વાળ્યા વગર સારવાર આપનારના શરીરનું ઘણું વજન દર્દીની છાતી પર આવે એ રીતે આશરે અડધી સેકન્ડ સુધી દબાણ આપવું જોઇએ. (જૂઓ ચિત્ર-બ). આ પછી બાકીની અડધી સેકન્ડ દબાણ છોડી દેવુ. દર વખતે દર્દીની છાતી ૩ થી ૫ સે.મી. જેટલી નીચી દબાવી જોઇએ. આ પ્રમાણે એક મિનિટમાં સાંઠ થી એંશી વખત છાતી પર દબાણ આપવાથી હ્રદયમાં રહેલું લોહી રકતવાહીનીઓમાં અને ખાસ તો નીચા લેવલે રહેલાં મગજની રકતવાહીનીઓમાં જઇ શકે છે. છાતી પરથી દબાણ છોડતી વખતે શરીરના બીજા ભાગોમાંથી લોહી હ્રદય સુધી પહોંચી શકે છે.
આમ, કાર્ડિયેક મસાજની મદદથી હ્રદય બંધ પડી ગયું હોવા છતાં લોહીનું આંશિક પરિભ્રમણ ચાલુ રાખી શકાય છે અને દર્દીની જીવાદોરી લંબાવી શકાય છે. જો હ્રદયની સાથે શ્વાસોશ્વાસ પણ બંધ થઇ ગયો હોય (મોટા ભાગના કિસ્સામાં બને છે) તો કૃત્રિમ શ્વાસોશ્વાસ અને કાર્ડિયેક મસાજ એક સાથે આપવા પડે છે. બે જણ હોય તો એક વ્યક્તિ પાંચ કાર્ડિયેક મસાજ આપે અને બીજી વ્યક્તિ એક વખત કૃત્રિમ શ્વાસોશ્વાસ આપે એવું કરી શકાય. પણ એક જ સારવાર આપનાર વ્યક્તિ હોય તો દર પંદર મસાજે બે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા પડે છે.
કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટે સૌથી પહેલાં દર્દીના મોં કે ગળામાં દાંત, ચોકઠું, પાણી, કાદવ, કોળીયો કે ઉલટી જેવી કોઇપણ વસ્તુ ફસાઇ ગઇ હોઇ તો એને મોંમાં આંગળી નાખીને દૂર કરવી જરૂરી છે. આ પછી શ્વાસોશ્વાસમાં અવરોધ ન થાય એટલા માટે દર્દીનાં ટાઇટ કપડાં કાઢી નાખવાં કે ઢીલાં કરવાં. શ્વસનમાર્ગ બને તેટલો સીધો રહે અને જીભનો પાછલો ભાગ એમાં અવરોધરૂપ ન બને એટલા માટે ગળાનો ભાગ સીધો કરવો જરૂરી છે. આ માટે ઊભાં ઊભાં ઊંચે આકાશમાં ઉડતું વિમાન જોતા હોઇએ ત્યારે ગળું અને માથું જે સ્થિતિમાં હોય એવી સ્થિતિમાં દર્દીનું માથું ગોઠવવું જોઇએ. દર્દીના ગરદનના મણકાને વાગવા-પડવાથી કોઇ ગંભીર ઇજા નથી થઇ એવી ખાત્રી કર્યા પછી જ પ્રાથમિક સારવાર આપનારે દર્દીનું માથું આ રીતે ગોઠવવું જરૂરી છે.
એકવાર ગળું અને શ્વસનમાર્ગ સીધા થઇ જાય પછી સારવાર આપનારે ઊંડો શ્વાસ ભરી, દર્દીના ખુલ્લા મોઢાની અંદર જોશભેર શ્વાસ ફૂંકવો જોઇએ. આમ કરતી વખતે દર્દીનું નાક બંધ કરવાનું ખાસ યાદ રાખવુ જોઇએ. નહીંતર દર્દીના મોં વાટે અંદર નાંખેલ હવા, ફેફસાં સુધી પહોંચવાને બદલે એના નાકમાંથી સીધી બહાર નીકળી જશે. કોઇ કારણસર દર્દીનું મોં ન ખૂલી શકે તો નાક વાટે હવા આપવાનું પણ કરી શકાય.
એકવાર હવા દર્દીનાં ફેફસાંમાં જાય એટલે છાતી ફૂલતી દેખાશે. દર મિનિટે ૧૦ થી ૧૫ વખત આવા કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા જોઇએ. કોઇને પ્રશ્ન થતો હશે કે એક માણસ (સારવાર આપનાર) ઉચ્છ્વાસમાં કાઢેલી હવા દર્દીનાં ફેફસાંમાં દાખલ કરવાથી ફાયદો કઇ રીતે થાય? હકીકતમાં કૃત્રિમ શ્વાસોશ્વાસ આપનાર જયારે એ હેતુ માટે ઊંડો શ્વાસ ભરે છે ત્યારે પોતાની જરૂરિયાત કરતાં ત્રણ ગણો વધારે ઓકિસજન એનાં ફેફસાંમાં જાય છે અને તરત જ એ હવા દર્દીના મોંમાં દાખલ થતી હોવાથી દર્દીનું જીવન બચાવવા માટે પૂરતો ઓકિસજન પહોંચે છે.
માઉથ-ટુ-માઉથની આ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ પામેલ છે અને પોતાના સગા-સંબંધીનો જાન બચાવવા ખૂબ ઉપયોગી થઇ શકે છે પરંતુ અત્યારના એઇડ્સના જમાનામાં અજાણ્યા માણસને આ રીતે શ્વાસોશ્વાસ આપવાથી સારવાર આપનારને કોઇ નુકસાન થઇ શકે એવી ચર્ચા આજકાલ ચાલે છે અને ડોકટરો આ પદ્ધતિને બદલે જુદાં જુદાં અન્ય સાધનોથી જ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાનો આગ્રહ રાખે છે. તેમ છતાં જયારે કંઇ સાધન ન હોય અને પોતાના નજીકના સગાના જીવનમરણનો પ્રશ્ન હોય ત્યારે માઉથ-ટુ-માઉથ શ્વાસોશ્વાસ ખૂબ આશીર્વાદરૂપ બને છે.
આ પ્રક્રિયા હ્રદય અને શ્વાસોશ્વાસ ફરી ચાલુ ન થાય ત્યાં સુધી અથવા હોસ્પિટલમાં બીજી સગવડ મળે ત્યાં સુધી અથવા દર્દી મૃત જાહેર થાય ત્યાં સુધી ચાલુ રાખવી જોઇએ. કાર્ડિયેક મસાજની તાલીમ કોઇ જાણકાર પાસેથી પ્રેકિટકલ શીખવાથી એ જ્ઞાન અણીના સમયે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે.
એકવાર હાર્ટ એટેકનું નિદાન થાય એટલે તરત દર્દીને હોસ્પિટલમાં આઇ.સી.સી.યુ. વિભાગમાં દાખલ કરવામાં આવે છે. હ્રદયના દર્દીઓ માટે બનેલ આ ખાસ વિભાગમાં ચોવીસે કલાક દર્દીના હ્રદયની ગતિ પર ઇ.સી.જી. મોનિટરથી ધ્યાન રાખવામાં આવે છે. અને હ્રદયની ગતિની ખરાબીના પ્રથમ ચિહ્નથી જ તત્કાળ જરૂરી સારવાર આપવામાં આવે છે.
એટેકના દર્દીને હોસ્પિટલ પહોંચતાંની સાથે જ નળી કે માસ્ક વાટે ઓકિસજન આપવાનું શરૂ કરી દેવામાં આવે છે. ઘણીવાર દર્દીનાં સગાં કે દર્દી પોતે ઓકિસજન આપવામાં આવે એટલે ગભરાઇ જાય છે અને દર્દી ઓકિસજન પર જીવે છે એવી વાતો ફેલાવા લાગે છે. હકીકતમાં હાર્ટ એટેકના બધા દર્દી ઓકિસજન વગર મરી નથી જવાના. ઓકિસજન આપવાનું કારણ એટલું જ હોય છે કે હાર્ટ એટેકથી (ઓકિસજનયુકત લોહીના અભાવે) નાશ પામી રહેલા સ્નાયુઓમાંથી થોડાક સ્નાયુઓ બચાવી શકાય તો બચાવી લેવા. આ ઉપરાંત ગભરામણ, ગૂંગળામણ કે દમ ચડવાની ફરિયાદ કરતાં દર્દીઓ ઓકિસજન આપવાથી રાહત અનુભવે છે.
આ પછી હાર્ટ એટેકના દર્દીની સૌથી મોટી જરૂરિયાત સંપૂર્ણ આરામની હોય છે. જે રીતે ખેતરનો પંપ ખોટકાય તો ખેતરના છોડને પાણીની ખેંચ પડે છે એ જ રીતે શરીરનો પંપ (હ્રદય) ખોટકાય ત્યારે શરીરના કોષોને લોહી પહોંચાડવાનું કામ અવ્યવસ્થિત બને છે અને જો આવા સમયે વધુ પડતો શ્રમ કરીને શરીરમાં અમુક કોષો લોહીનો વધુને વધુ જથ્થો માંગ્યા કરે તો બાકીના કોષોને મળતું લોહી ઓર ઘટી જાય છે. આને પરિણામે કયારેક હ્રદયને મળતો લોહીનો જથ્થો પણ ઓછો થઇ જાય અને વધુને વધુ સ્નાયુઓ નાશ પામવા લાગે. હાર્ટ એટેકનો વિસ્તાર વધતો જાય.
હાર્ટ એટેકની શરૂઆતના બે-ત્રણ દિવસ તો દર્દીએ સંપૂર્ણ પથારીવશ જ રહેવું જોઇએ. ત્રીજા-ચોથા દિવસથી દિવસમાં બે-ત્રણ વખત અડધો પોણો કલાક માટે બેસવાની છૂટ આપવામાં આવે છે. લગભગ પાંચમા દિવસની આસપાસ દર્દીને ઊભા થઇને થોડું ચાલવાનું શરુ કરી શકાય, જેનું અંતર ક્રમશ: વધારી શકાય. જો બીજું કોઇ કોમ્પ્લિકેશન ઊભું ન થાય તો દર્દીને દસેક દિવસમાં રજા આપી દેવામાં આવે છે. જો હાર્ટ એટેક ભારે હોય તો ત્રણેક અઠવાડિયાં હોસ્પિટલમાં આરામ કર્યા પછી જ ઘરે જવાની રજા મળે છે.
હ્રદયને લોહી પહોંચાડતી રકતવાહિનીઓમાં ત્રાકકણ ગંઠાઇ જવાથી અવરોધ આવી જાય ત્યારે હ્રદયરોગનો હુમલો આવે છે. એસ્પિરિન લેવાથી લોહીના ત્રાકકણોને ગંઠાતા અટકાવી શકાય છે અને એટલે હ્રદયરોગના હુમલાનો વિસ્તાર વધતો અટકાવી શકાય છે. પરિણામે હ્રદયરોગના હુમલાથી મૃત્યુ થવાની શકયતા ઘટી જાય છે. માત્ર સાદી એસ્પિરિનની ગોળી હ્રદયરોગના હુમલાથી મૃત્યુ થવાની શકયતામાં ૨૩ ટકા જેટલો ઘટાડો કરે છે.
હાર્ટ એટેકના દર્દીને થતો અસહ્ય દુ:ખાવો ઓછો કરવા માટે આઇ.સી.સી.યુ.માં આવ્યા પછી તરત જ ભારે દર્દશામક દવા (દા.ત. મોર્ફીન) નું ઇન્જેકશન આપવામાં આવે છે અને દર્દી ખોટી ચિંતા કરી નાખી પોતાના હ્રદયને નુકસાન ન કરી નાખે એ માટે ઘેનની અસરવાળી દવાઓ (દા.ત. ડાયઝેપામ) પણ આપવામાં આવે છે.
ત્રાકકણના ગઠ્ઠાને તોડતી (થ્રોમ્બોલાઇટીક) દવાઓ: સ્ટ્રેપ્ટોકાઇનેસ, યુરોકાઇનેસ અથવા ટિસ્યુ પ્લાસ્મીનોજન એકટીવેટર નામની દવાઓ કોરોનરી ધમનીમાં બાઝી ગયેલા ગઠ્ઠાને તોડી નાખવાનું કામ કરે છે. જો હાર્ટ એટેકની શરૂઆતના ચાર થી છ કલાકની અંદર જ નસ વાટે આ દવાઓ આપી દેવામાં આવે તો આ ગઠ્ઠાને તોડીને, બ્લોક થઇ ગયેલ કારોનરી ધમનીમાં ફરીથી લોહી વહેતું કરી શકાય છે. પરિણામે, હ્રદયના મર્યાદિત સંખ્યાના સ્નાયુઓ જ નાશ પામે અને બાકી બધા બચી જાય. આ દવાઓ ખૂબ મોંઘી છે, પણ યોગ્ય સમયે (શરૂઆતના ૪ થી ૬ કલાકમાં) વાપરવાથી હાર્ટ એટેકનો વિસ્તાર ઘટાડી શકાય છે. આ દવાનો સમયસરનો વપરાશ હ્રદયરોગના હુમલાથી મૃત્યુ થવાની શકયતામાં ૨૫ ટકા જેટલો ઘટાડો કરે છે. જો એસ્પિરિન અને આ દવા ભેગી વાપરવામાં આવે તો હ્રદયરોગના હુમલાથી મૃત્યુ થવાની શકયતામાં ૪૨ થી ૫૩ ટકા જેટલો ઘટાડો થાય છે.
નાઇટ્રેટ જૂથની દવાઓ (સોર્બીટ્રેટ, આઇસોર્ડીલ, મોનોટ્રેટ) એન્જાઇનાના દર્દીઓમાં મુખ્યત્વે વપરાય છે અને ઘણા એટેકના દર્દીઓનું નિદાન પાકકુ થાય એ પહેલાં આ ગોળીઓ વપરાઇ ચુકી હોય છે. ઘણી વાર તો એટેક છે કે એન્જાઇના એ નકકી કરવા માટે આ દવા વાપરવામાં આવે છે - જો દવા લીધા પછી તરત જ દુ:ખાવો મટી જાય તો એન્જાઇના નહીંતર એટેક! આ સિવાય એટેક આવી ગયા પછી એન્જાઇનાનો દુ:ખાવો થયા કરતો હોય છે જેની સારવાર માટે આ જૂથની દવાઓ (નાઇટ્રોગ્લીસરીન વગેરે) નસ વાટે ચઢાવેલ બાટલા સાથે અથવા જીભ નીચે મૂકવાની કે ગળી જવાની ગોળી સ્વરૂપે અપાય છે. આ દવાને કારણે ઘણા દર્દીઓને માથાનો અસહ્ય દુ:ખાવો થાય છે.
બીટા બ્લોકર જૂથની દવાઓ (મેટોપ્રોલોલ, પ્રોપ્રેનોલોલ, એટેનોલોલ વગેરે) હાર્ટ એટેકનો વિસ્તાર અને કોમ્પ્લિકેશન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને હોસ્પિટલ છોડયા પછી પણ એક-બે વર્ષ સુધી ચાલુ રાખવાની સલાહ આપવામાં આવે છે. જેમનું બ્લડપ્રેશર ખૂબ ઘટી ગયુ હોય કે હ્રદયનુ પંપીંગ બરાબર થતું ન હોય એવા દર્દીઓમાં આ દવા વાપરી શકાતી નથી.
આ સિવાય જયારે હાર્ટ એટેકને કારણે કોમ્પ્લિકેશન ઊભાં થાય ત્યારે પરિસ્થિતિ મુજબ યોગ્ય સારવાર આપવામાં આવે છે.
ઘણીવાર દર્દી કે સગાંઓ, દર્દીને કયો ખોરાક આપવો એ અંગે દ્વિધા અનુભવતા હોય છે. જે રીતે વધુ પડતી કસરતથી હ્રદયને તાણ અનુભવાય એ જ રીતે વધુ ભારે ખોરાકથી પણ હ્રદયને કષ્ટ પડી શકે. એટલે હાર્ટ એટેકના શરૂઆતના ચાર-પાંચ દિવસ સુધી એકદમ થોડો, હળવો સુપાચ્ય ખોરાક લેવો જોઇએ.
વળી, એકસાથે વધારે ખોરાક લેવાને બદલે થોડો થોડો ખોરાક વધુ વખત લેવાનું સલામત છે (કેમ કે એનાથી હ્રદય પર એકાએક બોજ વધી જતો નથી). ખોરાકમાં રેસાવાળાં શાકભાજી વધારે પ્રમાણમાં લેવા જરૂરી છે જેથી દર્દીને કબજિયાત થવાની શકયતા ઘટી જાય છે. કબજિયાતને કારણે પણ વધુ પડતો શ્રમ આંતરડાં અને હ્રદયને પડી શકે! કબજિયાત દૂર કરવા માટે કયારેક હળવો જુલાબ કે ઇસબગુલ પણ ડોકટરને પૂછીને વાપરી શકાય.
હ્રદયના નાશ પામેલ ભાગને રૂઝ આવતાં લગભગ દોઢ-બે મહિના જેટલો સમય લાગતો હોય છે. એટલે ત્યાં સુધી હ્રદયને કોઇપણ પ્રકારે વધારાનો બોજ ન પડે એનો ખાસ ખ્યાલ રાખવાનો હોય છે. એક પગનું હાડકું તૂટે તો એને આપણે પ્લાસ્ટરમાં જડબેસલાક બંધ કરી દઇ બે-ત્રણ મહિનાનો આરામ આપી દઇએ છીએ તો પછી હ્રદયનું તો આનાથી વધારે જ ધ્યાન રાખવું જોઇએ ને! હ્રદયને તો નુકસાની પામેલા ભાગ સાથે પણ ચોવીસે કલાક ધબકયા કરવું પડે છે. એટલે આરામની સ્થિતિમાં હ્રદયને જરા પણ તાણ ન પડે એનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
આરામ પછી ડોકટરની સલાહ મુજબ પ્રવૃત્તિઓ વધારી શકાય અને ફરીથી રૂટીન કામમાં લાગતાં પહેલાં સંપૂર્ણ ડોકટરી તપાસ કરાવી લેવી જોઇએ. આરામથી શ્રમ તરફ જવા માટે ઘીમે ઘીમે વધતી માત્રામાં કસરત ઉપયોગી થાય છે. ઘણી જગ્યાએ, દર્દીના હ્રદયની શ્રમ કરવાની ક્ષમતાનો અંદાજ સ્ટ્રેસ ટેસ્ટની તપાસથી મેળવાય છે અને એને આધારે કસરત કરવાની સલાહ આપવામાં આવે છે.
જીવન શૈલીના ફેરફારોથી હાર્ટ એટેક પછી કઇ રીતે સ્વસ્થ રહેશો?:
જયારે કોઇ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને હોસ્પિટલના આઇ.સી.સી.યુ.માં દાખલ કરવામાં આવે છે ત્યારે, ઘણા દર્દી એકદમ નાસીપાસ થઇ જાય છે. આજુબાજુ સ્ટેથોસ્કોપ અને સફેદ કોટમાં ફરતાં ડોકટરો અને નર્સોથી ઘેરાયેલ દર્દી ઘણીવાર સ્વજનોના ચિંતાતુર મોઢાના હાવભાવ જોઇને વધુ હતાશા અને તાણ અનુભવે છે. હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે આવેલ હ્રદયરોગનો દર્દી પણ ઘણી વખત પોતાની જાતને કમજોર, પરવશ અનુભવે છે અને પોતાના ભવિષ્યની ચિંતામાં ડૂબી જાય છે. ચિંતા-હતાશા-ટેન્શન વગેરે પરિબળો દર્દીને સાજા થવામાં ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે.
હાર્ટ એટેક આવ્યા પછી નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી હોતી. હાર્ટ એટેકથી થયેલ નુકસાનને રૂઝાતાં અઠવાડિયાંઓ થાય છે. જે ભાગના સ્નાયુઓ નુકસાન પામ્યા હોય એની આસપાસના સાજા સ્નાયુઓને વધુ કામ કરવું પડે છે અને ત્યાં વધુ લોહી પહોંચાડવા માટે નવી ધમનીઓ પણ ખૂલે છે. આમ, હાર્ટ એટેક આવ્યા પછી જયારે દર્દી હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે જાય છે ત્યારે, એના હ્રદયમાં રૂઝ આવવાની પ્રક્રિયા ચાલુ હોય છે. આ પ્રક્રિયા સારી રીતે થાય અને એની સાથોસાથ હ્રદય-ફેફસાં અને શરીરના અન્ય સ્નાયુઓની તંદુરસ્તી બરાબર જળવાઇ રહે એ માટે હાર્ટ એટેક પછી દર્દીએ પુનર્વસન માટે વ્યવસ્થિત કાર્યક્રમ ઘડી કાઢવો જરૂરી છે. હાર્ટ એટેકના દર્દીઓ માટે પૂનર્વસન કેન્દ્ર (રીહેબિલિટેશન સેન્ટર) ઘણાં ઉપયોગી થઇ શકે. ડોકટરની દેખરેખ હેઠળ, ધીમે ધીમે વધતા જતા પ્રમાણમાં કસરત કરવાથી, ખોરાકમાં યોગ્ય પરિવર્તન કરવાથી, વ્યસનમૂકત રહેવાથી, યોગ-ધ્યાન કે અન્ય ટેકનીકની મદદથી માનસિક શાંતિ મેળવવાથી અને જરૂરિયાત મુજબ દવા લેવાથી પુનર્વસનનું કામ શકય બને છે.
એરોબિકસ તરીકે ઓળખાતી કસરતો, જેમાં ચાલવા-દોડવા-સાઇકલ ચલાવવા જેવી કસરતો આવે છે એ કરવાથી હ્રદયના સ્નાયુઓને કસરત મળે છે અને હ્રદયના સ્નાયુઓ વધુ મજબૂત બને છે. પરંતુ આ કસરતોની તીવ્રતા હ્રદયની એટેક પછીની પરિસ્થિતિ જોઇને નકકી કરવી પડે છે. હ્રદયના ધબકારાની ગતિની મહત્તમ સીમા નકકી થયેલ છે જે મુજબ ૨૨૦માંથી માણસની ઉંમર (વર્ષોમાં) બાદ કરવામાં આવે છે. એટલે કે જો ૫૦ વર્ષની વયની વ્યક્તિ હાર્ટ એટેક પછી કસરત કરવા માંગતી હોય તો, એના હ્રદયના મહત્તમ ધબકારા એક મિનિટના એકસોને સીત્તેર જેટલા (બસોવીસ ઓછા પચાસ) થઇ શકે. આ મહત્તમ ધબકારના સાઠ ટકા ધબકાર એટલે કે દર મિનિટે એકસોને બે ધબકાર સુધીની તીવ્રતાથી શરૂઆતના તબકકામાં કસરત કરાવવામાં આવે છે. આનાથી વધુ ઝડપે હ્રદયના ધબકાર; હાર્ટ એટેકના દર્દીઓને શરૂઆતના તબકકામાં ન થાય એનું ધ્યાન રાખવું પડે છે. આ પછી ધીમે ધીમે મહત્તમ ધબકારના સાઠ ટકાને બદલે પાંસઠ, સીત્તેર કે પંચોતેર ટકા સુધી પહોંચવાનું રહે છે. બીજી સાદી રીતે ગણીએ તો, એટેક પછી તરત આરામના સમયે થતા હ્રદયના ધબકારમાં મિનિટે ૨૦ ધબકાર વધે ત્યાં સુધીની કસરત કરવી જોઇએ. કસરત કરતી વખતે થોડીક અઘરી લાગે એટલી કસરત કરવી. ઘરની રોજિંદી પ્રવૃત્તિઓ કરતી વખતે પણ હ્રદયના ઘબકાર આનાથી વધવા ન જોઇએ. ડ્રાઇવીંગ અને જાતીય સમાગમ જેવી પ્રવૃત્તિ સ્ટ્રેસ ટેસ્ટ સારો આવે એ પછી જ ધીમે ધીમે વધતા જતા પ્રમાણમાં શરૂ કરવી જાઇએ.
જો ડોકટરના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ચાલતા કાર્ડિયેક રીહેબિલિટિશેન સેન્ટરમાં કસરત કરવામાં આવે તો હ્રદયના સ્નાયુઓને રૂઝાવામાં અને દર્દીને પુન: તંદુરસ્તી મેળવવામાં ઘણો ફાયદો રહે છે. જે લોકોને હ્રદયરોગનો હુમલો આવ્યા પછી કસરત કરાવવામાં આવી હતી એ દર્દીઓમાં ફરી એટેક આવવાનું અને મૃત્યુ થવાનું પ્રમાણ અન્ય દર્દીઓ કરતાં નોંધપાત્ર પ્રમાણમાં ઓછું હતું26. હ્રદયરોગની સારવાર, સંપૂર્ણ સજજ કાર્ડિયેક રીહેબિલિટેશન પ્રોગ્રામ (હ્રદયરોગ પુનર્વસન કાર્યક્રમ) વિના અધૂરી છે.
અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ (શકય હોય તો પાંચ દિવસ) અડધા કલાક સુધી ઝડપી ચાલવાની, દોડવાની કે સાઇકલ ચલાવવાની કસરત કરવાથી ઘણો ફાયદો થાય છે. શરૂઆતનાં થોડાં અઠવાડિયાં ડોકટરની દેખરેખ હેઠળ અને પછી પોતાની રીતે જ કસરત કરવાથી દર્દીની શારીરિક ક્ષમતા અને તંદુરસ્તીમાં નોંધપાત્ર સુધારો થાય છે. કસરત કરવાને લીધે હ્રદયની, ફેફસાંની અને સ્નાયુઓની ક્ષમતા (ફીટનેસ) વધે છે. દર્દીનો આત્મવિશ્વાસ વધે છે, ચિંતા-હતાશામાંથી દર્દી ઝડપભેર બહાર આવે છે, અને સ્વસ્થ જીવન જીવવાની શરૂઆત કરી શકે છે.
એરોબિકસ કસરતો ઉપરાંત દર્દીએ પોતાની જીવન શૈલીમાં બીજા પણ કેટલાક જરૂરી ફેરફારો કરવા પડે છે. કામ ઓછી તાણવાળું અને આનંદદાયક બને એવા પ્રયાસો દર્દીએ કરવા જોઇએ. માનસિક તાણ ઓછી કરવા માટે અને દિવસભર માનસિક-શારીરિક સ્ફૂર્તિ જાળવી રાખવા માટે યોગ-ધ્યાનની મદદ લેવાથી ઘણો મોટો ફાયદો થાય છે. તાજેતરમાં અમેરિકામાં ડો. ડીન ઓર્નીસ અને સાથીઓ દ્વારા પ્રસિદ્ધ થયેલા અભ્યાસો જણાવે છે કે, હ્રદયરોગને દૂર રાખવા માટે અને તેની સારવાર માટે યોગ-ધ્યાન મહત્વનાં છે. યોગ ધ્યાનની મદદથી માનસિક શાંતિ તો મળે જ છે અને એ ઉપરાંત, દર્દીને ખાવાની કુટેવો અને વ્યસનોને અંકુશમાં લેવા માટે પણ ઘણી મોટી મદદ મળે છે.
બિનતંદુરસ્ત, ચરબીયુકત ખોરાક (જેવો કે ઘી-તેલ-માખણ-મલાઇ-ચીઝ વગેરે) નો ત્યાગ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. ખોરાકમાં લેવાતી વધુ પડતી ચરબી એ હ્રદયરોગનું એક સૌથી અગત્યનું કારણ છે. માંસાહારી ખોરાક અને ઇંડાં તો કોઇપણ માણસે કયારેય ખાવાં જ ન જોઇએ અને અન્ય ચરબીયુકત પદાર્થોનું પ્રમાણ પણ ખૂબ ઘટાડી નાંખવું જોઇએ.
છેલ્લે, ઘુમ્રપાન કે અન્ય કોઇ પણ રીતે તમાકુનું સેવન કરવાની કુટેવ હોય તો એને સદંતર બંધ કરી દેવી જોઇએ. તમાકુ એ ઝેર છે. શરીરમાં કોઇપણ સ્વરૂપે તમાકુ પ્રવેશે તો શરીરને નુકસાન પહોંચાડે છે અને હ્રદયરોગનો હુમલો લાવવામાં ઘણો આગળ પડતો ભાગ ભજવે છે. આ જ રીતે દારૂ કે કોફી જેવાં વ્યસનોથી પણ દૂર રહેવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
જો હ્રદયરોગની સાથોસાથ હાઇબ્લડપ્રેશર કે ડાયાબિટીસ જેવી કોઇ બીમારી હોય તો એની સારવાર-દવાઓ વગેરે નિયમિતપણે લેવી જોઇએ. હ્રદયરોગને વકરાવવામાં હાઇબ્લડપ્રેશર કે ડાયાબિટીસ જેવા રોગો નિમિત્ત બને છે ઘણા લોકો એવું માનતા હોય છે કે મને હાઇબ્લડપ્રેશરથી કે ડાયાબિટીસથી કોઇ તકલીફ તો થતી નથી પછી શા માટે મારે દવા લેવી? અને કેટલાક લોકો આવી અણસમજથી દવા બંધ પણ કરી દે છે. હકીકતમાં આ બંને રોગો માણસના છૂપા શત્રુ છે એમની હાજરીની જાણ બધાને સહેલાઇથી થતી નથી. કોઇપણ પ્રકારની બાહ્ય તકલીફ વગર આ રોગો થાય છે. અને છેવટે હ્રદય, કીડની, આંખ કે અન્ય મહતત્વના અવયવને ભારે નુકસાન પહોંચે ત્યારે જ દર્દીને આ રોગોની જાણ થાય છે અને ભયાનકતા સમજાય છે. એટલે જો હ્રદયરોગની સાથે અન્ય રોગો હોય તો એની સંપૂર્ણ અને નિયમિત સારવાર કરવી ખૂબ જરૂરી હોય છે.
આમ, હાર્ટ એટેક આવી ગયા પછી પુન: સ્વાસ્થ્ય મેળવવા માટે, ડોકટરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કસરતો; યોગનિષ્ણાતની દેખરેખ હેઠળ યોગ-ધ્યાનની તાલીમ; ખોરાકમાં સંયમ; વ્યસનમુક્તિ અને નિયમિત દવાઓ જરૂરી છે