હ્રદયરોગના દર્દીઓમાં કુલ જોખમી પરિબળોની હાજરી જાણવાની તપાસના ભાગરૂપે લોહીમાં કોલેસ્ટેરોલ અને અન્ય ચરબીનું પ્રમાણ માપવાની તપાસ કરવામાં આવે છે. તંદુરસ્ત વ્યક્તિમાં સામાન્ય રીતે પહેલાં માત્ર કુલ કોલેસ્ટેરોલ અને એચ.ડી.એલ. કોલેસ્ટેરોલનું પ્રમાણ જ માપવામાં આવે છે. કુલ કોલેસ્ટેરોલ વધારે આવે તો અથવા એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ આછું આવે તો પછી, બધી પ્રકારનાં કોલેસ્ટેરોલ અને ટ્રાયગ્લીસરાઇડની તપાસ (લીપીડ પ્રોફાઇલ) કરવામાં આવે છે. હ્રદયરોગના દર્દીમાં પહેલેથી જ સંપૂર્ણ લીપીડ પ્રોફાઇલની તપાસ કરાવવી હિતાવહ છે.
કોલેસ્ટેરોલના ચાર પ્રકાર છે - એચ.ડી.એલ., એલ.ડી.એલ., વી.એલ.ડી.એલ. અને આઇ.ડી.એલ.. આમાંથી એચ.ડી.એલ. પ્રકારનું કોલેસ્ટેરોલ ઉપરોગી ('સારું') કહેવાય છે જયારે બાકીના બધાં કોલેસ્ટેરોલ નુકસાનકારક ('ખરાબ') કહેવાય છે. એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ વધારે હોય તો હ્રદયરોગની શકયતા વધવાને બદલે ઘટે છે! તંદુરસ્ત વ્યક્તિઓમાં એચ.ડી.એલ. કોલેસ્ટેરોલનું પ્રમાણ ૩૫ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધારે હોવું જોઇએ અને ૪૫ મિ.ગ્રા./ડે.લિ. કરતાં વધારે હોય તો ઉત્તમ. કુલ કોલેસ્ટેરોલ તથા એચ.ડી.એલ. કોલેસ્ટેરોલનો ગુણોત્તર ચાર કરતાં ઓછો હોય તો હ્રદયરોગની શકયતા ખૂબ ઓછી રહે છે જયારે છ થી વધુ ગુણોત્તર થતાં આવી શકયતા ખૂબ વધવા લાગે છે. તંદુરસ્ત વ્યક્તિઓમાં એલ.ડી.એલ. કોલેસ્ટેરોલનું પ્રમાણ ૧૧૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું હોવું જ જોઇએ અને ૯૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું હોય તો ઉત્તમ.
ભારતની
તંદુરસ્ત વ્યક્તિમાં ભૂખ્યા પેટે કરેલ લોહીની તપાસમાં ટ્રાયગ્લીસરાઇડનું
પ્રમાણ દર ૧૦૦ મિ.લી. એ ૧૫૦ મિ.ગ્રા.થી આછું હોવું જોઇએ. ૧૫૦ થી ૨૫૦
મિ.ગ્રા. વચ્ચેનું પ્રમાણ 'બોર્ડરલાઇન વધારે' કહેવાય છે અને ૨૫૦ મિ.ગ્રા.થી
વધુ પ્રમાણ 'વધારે' તરીકે ઓળખાય છે9.
ભારતીય લોકોના લોહીમાં કોલેસ્ટેરોલનાં ઘટકોનું પ્રમાણ9
લોહીમાં કોલેસ્ટેરોલ | આદર્શ પ્રમાણ(મિ.ગ્રા./ડે.લિ.) | બોર્ડરલાઇન(મિ.ગ્રા./ડે.લિ.) | નુકસાનકારક(મિ.ગ્રા./ડે.લિ.) |
---|---|---|---|
કુલ કોલેસ્ટેરોલ | ૧૭૦ થી ઓછું | ૧૭૦ થી ૨૦૦ | ૨૦૦ થી વધુ |
કુલ ટ્રાયગ્લીસરાઇડ | ૧૫૦ થી ઓછું | ૧૫૦ થી ૨૫૦ | ૨૫૦ થી વધુ |
એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ | ૪૫ થી વધુ | ૩૫ થી ૪૫ | ૩૫ થી ઓછું |
એલ.ડી.એલ. કોલેસ્ટેરોલ | ૯૦ થી ઓછું | ૯૦ થી ૧૧૦ | ૧૧૦ થી વધુ |
કોલેસ્ટેરોલનો સંબંધ ખોરાકની ચરબી અને ખોરાકના કોલેસ્ટેરોલ સાથે હોય છે. આજે લીધેલ ચરબીવાળા ખોરાકને કારણે આજે ને આજે કંઇ લોહીનું કોલેસ્ટેરોલ નથી વધી જવાનું! અભ્યાસો જણાવે છે કે ખોરાકની ચરબીની અસર લોહીના કોલેસ્ટેરોલ પર થતાં એકથી બે અઠવાડિયા જેટલો સમય લાગે છે. એટલે કોલેસ્ટેરોલ મપાવતા પહેલાનાં ત્રણ અઠવાડિયાં સુધીનો ખોરાક એકસરખો હોવો જરૂરી છે. આ ત્રણ અઠવાડિયાં દરમ્યાન એક દિવસ ઉપવાસ અને બીજે દિવસે ઠાંસી ઠાંસીને ખાનારામાં તેમજ રૂટીન ખોરાક કરતાં વધારે ચરબીવાળો ખોરાક (દા.ત. લગ્ન કે અન્ય સમારંભમાં) લેનારના કોલેસ્ટેરોલમાં અણધાર્યા ફેરફારો જોવા મળી શકે. ટૂંકમાં, કાયમી, રૂટીન ખોરાક ત્રણ અઠવાડિયાં સુધી ખાધા પછી જ કોલેસ્ટેરોલની તપાસ કરાવવી જોઇએ. આ ત્રણ અઠવાડિયાં સુધી વજનમાં પણ ખાસ વધઘટ થવી ન જોઇએ. તપાસના ત્રણ દિવસ પહેલાંથી દારૂ પીવાનું બંધ કરવું જોઇએ.
જયારે માત્ર કુલ કોલેસ્ટેરોલ જ માપવું હોય ત્યારે દિવસના કોઇપણ સમયે. ગમે ત્યારે ખાધા પછી કે પહેલાં તપાસ થઇ શકે છે. પરંતુ કોલેસ્ટેરોલની સાથોસાથ ટ્રાયગ્લીસરાઇડ અને એલ.ડી.એલ. કોલેસ્ટેરોલ માપવુ હોય તો તપાસ માટે લોહી લેતાં પહેલાના બાર કલાક સુધી કોઇ પણ ખાદ્ય પદાર્થ દર્દીએ ખાધો ન હોવો જોઇએ. બાર કલાકના ઉપવાસ પછી જ ટ્રાયગ્લીસરાઇડ અને એલ.ડી.એલ. કોલેસ્ટેરોલના સાચા રિપોર્ટ મળી શકે છે.
જી હા! તમને જાણીને નવાઇ લાગશે પરંતુ આ હકીકત છે કે ઊભાં ઊભાં લીધેલ લોહી કરતાં વીસ મિનિટ બેઠાં પછી લીધેલ લોહીની અંદર કોલેસ્ટેરોલમાં છ ટકાનો ઘટાડો થાય છે અને વીસ મિનિટ સૂતાં પછી લીધેલ લોહીની અંદર કોલેસ્ટેરોલમાં દશ થી પંદર ટકા જેટલો ઘટાડો નોંધાય છે! વ્યક્તિની શારીરિક સ્થિતિને કારણે કોલેસ્ટેરોલના રિપોર્ટમાં ફેરફાર ન આવે એ માટે, અમેરિકાના નેશનલ કોલેસ્ટેરોલ એજયુકેશન પ્રોગ્રામની માર્ગદર્શિકા મુજબ, દર્દી લેબોરેટરીમાં પાંચ મિનિટ બેઠેલો હોય એ પછી જ તપાસ માટે લોહી લેવુ જોઇએ.
લોહી તપાસ માટે લેતી વખતે, નસ (વેઇન) પકડવા સામાન્ય રીતે બાવડાના ભાગે ટાઇટ રબર, દોરી, ટુર્નીકેટ કે હાથ વડે દબાણ આપવામાં આવે છે. જો આ રીતે દબાણ આપીને લોહીને બે મિનિટથી વધુ સમય સુધી મુકત રીતે ફરતું અટકાવવામાં આવે તો કોલેસ્ટેરોલના પ્રમાણમાં બેથી પંદર ટકા જેટલો વધારો થઇ જાય છે! માટે, કોલેસ્ટેરોલની તપાસ કરવા લોહી લેતી વખતે બાવડા પર બાંધેલ ટુર્નીકેટ કે દબાણ એક મિનિટથી વધુ સમય ન રાખવું. જો એક હાથમાં નસ ન પકડાય તો તરત બીજા હાથે નસ પકડવાનો પ્રયત્ન કરવો, જેથી એક જ હાથે લાંબો સમય ટુર્નીકેટ કે દબાણ ન રાખવું પડે.
તાજેતરના કેટલાક રિપોર્ટો દર્શાવે છે કે ઋતુ પ્રમાણે કોલેસ્ટેરોલના પ્રમાણમાં વધઘટ થાય છે. ઘણા લોકોમાં શિયાળા દરમ્યાન કોલેસ્ટેરોલનું પ્રમાણ થોડુંક વધી જાય છે.
કોલેસ્ટેરોલ વધારવામાં વારસાગત પરિબળો ખૂબ અગત્યનો ફાળો આપે છે. કોલેસ્ટેરોલ વધવાની પ્રક્રિયા જનિનથી નિયંત્રીત છે. આ સિવાય લીવર, કીડનીની બીમારી તથા થાઇરોઇડ ઘટી જવાની તકલીફમાં કોલેસ્ટેરોલ વધી જાય છે. સગર્ભાવસ્થાને કારણે પણ કોલેસ્ટેરોલ વધે છે. (ડીલિવરીના ચાર મહિના પછી જ કોલેસ્ટેરોલ તપાસ કરાવવી)
જી હા! એટેનોલોલ જેવી હાઇબ્લડપ્રેશરની દવા; થાયેઝાઇડ જૂથની પેશાબ વધારતી દવાઓ; ગર્ભનિરોધક ગોળીઓ; હોર્મોન રીપ્લેસમેન્ટ થેરપી માટે વપરાતી ઇસ્ટ્રોજન વગેરે દવાઓ શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારી મૂકે છે.
તમને જાણીને નવાઇ લાગશે પણ એ હકીકત છે કે ભલે કોલેસ્ટેરોલ વધવાથી હ્રદયરોગનો હુમલો થતો હોય, પરંતુ હ્રદયરોગનો હુમલો થયા પછી દર્દીના શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટી જાય છે. (કદાચ લાંબા સમય સુધી સૂઇ રહેવાથી / આરામ કરવાથી કે અન્ય કોઇ કારણસર), એ જ રીતે પેરેલિસિસનો હુમલો પણ (વધારે કોલેસ્ટેરોલ સાથે સંકળાયેલ હોવા છતાં) કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડી દે છે.
અરે, કંઇ પણ વાગવાથી, બેકટેરિયા કે વાઇરસના ચેપથી પણ થોડા દિવસ માટે કોલેસ્ટેરોલ ઘટી જાય છે. એટલા માટે જ કોલેસ્ટેરોલની તપાસ કરવાની હોય એના અગાઉના બે મહિનામાં દર્દીને કોઇપણ પ્રકારની ભારે ઇજા, હાર્ટ એટેક, પેરેલિસિસનો હુમલો, ભારે ઓપરેશન, બેકટેરિયાનો ચેપ કે વાઇરસનો ચેપ થયો હોવો જોઇએ નહીં.
એક જ વખત માપેલ કોલેસ્ટેરોલમાં ઘણી બધી જગ્યાએ ભૂલોની શકયતા રહે છે એટલે માત્ર એક વખતના કોલેસ્ટેરોલને સંપૂર્ણ ભરોસાપાત્ર ગણી શકાય નહીં. અમેરિકાના નેશનલ કોલેસ્ટેરોલ એજયુકેશન પ્રોગ્રામની માર્ગદ(ર્શકામાં જણાવ્યા મુજબ ચાર વખત કોલેસ્ટેરોલ (ખાસ કરીને એલ.ડી.એલ. અને એચ.ડી.એલ.) માપવાનું આદર્શ ગણાય, પરંતુ ખર્ચ અને વ્યવહારિકતાની દ્દષ્ટિએ ઓછામાં ઓછી બે વખત એક-બે અઠવાડિયાના અંતરે કરાવેલ તપાસ કોલેસ્ટેરોલનો ભરોસાપાત્ર અંદાજ આપી શકે છે. બે વખત લીધેલ કોલેસ્ટેરોલ (અને જુદા જુદા પ્રકારો) ના પરિણામમાં ૨૫ ટકાથી વધુ ફરક ન હોવો જોઇએ અને આ બંનેની સરેરાશ વ્યક્તિનું સાચુ કોલેસ્ટેરોલ દર્શાવે છે.
એક વખત કોલેસ્ટેરોલની તપાસમાં વધુ કોલેસ્ટેરોલ આવે પછી ઓછામાં આછું દર વર્ષે એક વખત કોલેસ્ટેરોલ ચેક કરાવવું જરૂરી છે. કેટલાક દર્દીઓમાં (ખાસ તો કોલેસ્ટેરોલ ઘટાડવાની દવા લેતા દર્દીઓમાં) દર ત્રણ કે છ મહિને કોલેસ્ટેરોલ ચેક કરતાં રહેવું પડે છે.
કોલેસ્ટેરોલ એ લોહીમાં ફરતી ચરબી છે અને પાતળા તેમજ જાડા બંને પ્રકારના લોકોમાં એ વધારે હોઇ શકે. તમે પાતળા હો એનો અર્થ એટલો જ છે કે તમારા શરીરમાં ચરબીના થર નથી જામ્યા પરંતુ તમારા લોહીમાં ચરબીનું પ્રમાણ વધુ હોઇ શકે છે. અલબત્ત, તાજેતરના રિપોર્ટ મુજબ જાડા લોકોમાં વધુ કોલેસ્ટેરોલ હોવાની શકયતા વધારે રહે છે તેમજ જાડાપણાને લીધે કોલેસ્ટેરોલ (ખાસ કરીને એલ.ડી.એલ.) અને ટ્રાયગ્લીસરાઇડ વધે છે જે સહેલાઇથી (દા.ત. ખોરાકના પરિવર્તનથી) કાબૂમાં નથી આવતા. (જેટલી સહેલાઇથી પાતળા માણસમાં વધી ગયેલ કોલેસ્ટેરોલ કાબૂમાં આવે છે.) ટૂંકમાં, કોલેસ્ટેરોલ ઘટાડવું હોય તો જાડામાંથી પાતળા થવું ફાયદાકારક છે.
કાર્ડિયોગ્રામ... આમ તો આ શબ્દથી મોટા ભાગના લોકો પરિચિત હશે જ. હ્રદયના અને બ્લડપ્રેશરના ઘણા દર્દીઓને કાર્ડિયોગ્રામ કઢાવવાની જરૂર પડે છે. તબીબી પરિભાષામાં ઇલેકટ્રો-કાર્ડિયોગ્રામ અથવા ઇ.સી.જી. તરીકે ઓળખાતી આ તપાસથી હ્રદયમાં ચાલતી ઇલેકિટ્રક (વિદ્યુત) ગતિવિધિઓની જાણકારી મળે છે.
હ્રદયના સ્નાયુઓને અસરકારક રીતે ધબકતા રાખવા હોય તો હ્રદયના દરેક ખાનાનું સંકોચન અમુક ચોકકસ સમયે થવું જરૂરી છે. પહેલાં કર્ણક અને પછી ક્ષેપક - એ રીતે હ્રદય ધબકતુ હોય તો જ લોહીનું પંપીંગ અસરકારક થાય. હ્રદયના સ્નાયુઓને વારા ફરતી ધબકતા રાખવા માટે હ્રદયમાં કુદરતી 'પેસ મેકર' અને 'ઇલેકિટ્રક સર્કિટ' ધરાવતું તંત્ર હોય છે. હ્રદયની ઇલેકિટ્રક સ(ર્કટની શરૂઆત કર્ણકથી થાય છે. જમણા કર્ણકમાં હ્રદયના ધબકારાને શરૂ કરવા માટેનું ખાસ કેન્દ્ર (કુદરતી 'પેસ મેકર') આવેલું હોય છે. આ કેન્દ્રમાં આપોઆપ જ દરેક મિનિટે ૬૦ થી ૧૦૦ વખત ઇલેકિટ્રક કરંટનો ઉદભવ થાય છે, જે તરત જ ઇલેકિટ્રક સ(ર્કટ વાટે પહેલાં બંને કર્ણકમાં અને ત્યાર બાદ ક્ષણાર્ધના ગાળા બાદ બંને ક્ષેપકમાં પહોંચી જાય છે. આમ, ઇલેકિટ્રક સર્કિટની ખાસ ગોઠવણને કારણે હ્રદયના કર્ણક અને ક્ષેપકનું વારાફરતી સંકોચન શકય બને છે.
હ્રદયમાં, જે કરંટ આ દરેક સંકોચન વખતે ઉદભવે છે એ ગેલ્વેનોમીટરની મદદથી માપી શકાય છે. જો માણસના જમણા હાથ પર ગેલ્વેનોમીટરનો ઋણ (નેગેટીવ) છેડો અને ડાબા હાથ પર ઘન (પોઝીટીવ) છેડો જોડવામાં આવે તો ગેલ્વેનોમીટરમાં પોઝીટીવ રીડિંગ આવે અને આથી વિરુદ્ધના જોડાણથી નેગેટીવ રીડિંગ આવે! કારણ કે હ્રદયમાં ઇલેકિટ્રક કરંટ જમણી બાજુથી ડાબી બાજુ તરફ વહેતો હોય છે. આ જ રીતે જો ગેલ્વેનોમીટરના ઋણ અને ઘન છેડા અનુક્રમે જમણા હાથ અને ડાબા પગે બાંધવામાં આવે તો પણ ગેલ્વેનોમીટરનું રીડિંગ પોઝીટીવ આવશે. કારણ કે હ્રદયમાં ઉપરથી નીચે (કર્ણકથી ક્ષેપક) તરફ ઇલેકિટ્રક કરંટ વહેતો હોય છે.
ગેલ્વેનોમીટરનો આ સાદો સિદ્ધાંત વાપરીને ઇલેકટ્રોકાર્ડિયોગ્રામ લેવામાં આવે છે. સામાન્ય વપરાશમાં, બાર જુદી જુદી જગ્યાએ ઘન અને ઋણ છેડાઓ જોડીને ઇ.સી.જી. પાડવામાં આવે છે. જેથી કરીને બારે દિશાઓમાં થતી હ્રદયની ઇલેકિટ્રક ગતિવિધિ માપી શકાય.
દરેક વ્યક્તિ દીઠ એનો કાર્ડિયોગ્રામ બદલાય છે. પણ કેટલાક ચિહ્નો બધા માટે એક સરખાં રહે છે. દરેક તંદુરસ્ત માણસમાં દર મિનિટે ૬૦ થી ૧૦૦ વખત ઇલેકિટ્રક કરંટનો ઉદભવ થતો જોઇ શકાય છે. આથી વધુ વખત કે ઓછી વખત થતી ઇલેકિટ્રક ગતિવિધિનું કારણ શોધવામાં કાર્ડિયોગ્રામ ખૂબ ઉપયોગી થઇ શકે છે. એ જ રીતે અનિયમિત ચાલતા હ્રદયના ધબકારનું કારણ શોધવામાં પણ કાર્ડિયોગ્રામ સિંહફાળો આપે છે.
હ્રદયના વાલ્વમાં ખરાબી હોય ત્યારે અને કેટલાક બ્લડપ્રેશરના દર્દીઓમાં હ્રદયના ક્ષેપકના સ્નાયુઓ મોટા થઇ ગયા હોય ત્યારે કાર્ડિયોગ્રામમાં પણ વોલ્ટેજ વધી જાય છે અને જે તે બીમારી તરફ અંગુલિનિર્દેશ થઇ શકે છે.
કાર્ડિયોગ્રામનો સૌથી મહતત્વનો ઉપયોગ હાર્ટ એટેકના નિદાનમાં થાય છે. જયારે કોઇ દર્દીને હાર્ટ એટેક આવે ત્યારે હ્રદયના કેટલાક સ્નાયુઓમાંથી ઘણાં બધાં ઇલેકિટ્રક ગતિવિધિમાં ભાગ ભજવતાં તતત્વો (ઇલેકટ્રોલાઇટ્સ) એક સાથે છૂટાં પડે છે કે જે કાર્ડિયોગ્રામને તદ્ન બદલી નાખે છે. એટેક આવ્યા પછી થોડા દિવસો બાદ હ્રદયનો એટલો ભાગ ઇલેકિટ્રક કાર્યવાહીમાં જિંદગીભર કોઇ ભાગ લઇ શકતો નથી. આ નિષક્રિયતા કાર્ડિયોગ્રામમાં જુદી જ ભાત પાડે છે. આમ, કાર્ડિયોગ્રામને આધારે હમણાં આવેલ હાર્ટ એટેક અને જૂના હાર્ટ એટેક વચ્ચે પણ તફાવત કરી શકાય છે! હાર્ટ એટેક અને હ્રદયરોગના નિદાનમાં કાર્ડિયોગ્રામ એટલો મહત્વનો ભાગ ભજવે છે કે હવે પરદેશમાં તો ફોન દ્વારા ફેકસની જેમ કાર્ડિયોગ્રામ ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચી શકે એવાં મશીનો શોધાય છે. જેથી હોસ્પિટલમાં બેઠેલ કાર્ડિયોલોજીસ્ટ ત્યાં બેઠાં બેઠાં હાર્ટ એટેકનું નિદાન કરી દર્દીના ઘરે ગયેલ ડોકટરને તાત્કાલિક સારવાર શરૂ કરવાનું સૂચવી શકે છે.
સાદા કાર્ડિયોગ્રામ કરવાથી હ્રદયની બધી જ ખરાબી પકડાઇ જાય છે એવા વહેમમાં કોઇએ રહેવું નહીં. ભવિષ્યમાં આવનાર એટેક અંગે કે માત્ર શ્રમ પહોંચવાથી થતી એન્જાઇનાની તકલીફ અંગે સાદા કાર્ડિયોગ્રામથી કોઇ માહિતી મળતી નથી.
આ તપાસમાં સાદા કાર્ડિયોગ્રામની લાંબી પટ્ટીને બદલે ખાસ પ્રકારના કોમ્પ્યુટરની મદદથી હ્રદયના સો થી ત્રણ સો ધબકારાના કાર્ડિયોગ્રામની મદદથી સરેરાશ (એવરેજ) કાઢવામાં આવે છે. હાર્ટ એટેક આવ્યા પછી આવા એવરેજ ઇ.સી.જી.નો અભ્યાસ કરવાથી હાર્ટ એટેકના કયા દર્દીમાં જીવલેણ કોમ્પ્લિકેશન ઊભાં થવાની શકયતા છે એ જાણી શકાય છે. લેઇટ પોટે(ન્શયલ તરીકે ઓળખાતી ખરાબીને આધારે હાર્ટ એટેક, કાર્ડિયોમાયોપથી, એન્યુરિઝમ વગેરેના દર્દીઓમાં કોમ્પ્લિકેશનની શકયતા જાણી શકાય છે. કેટલાક ચકકર આવીને પડી જવાની ફરિયાદ કરતા દર્દીઓમાં પણ આ તપાસથી ચકકરનું કારણ હ્રદયની બીમારી હોય તો જાણી શકાય છે.
સ્ટ્રેસ ટેસ્ટ એટલે કસરત કરતાં કરતાં લીધેલ કાર્ડિઓગ્રામ. ભારે પરિશ્રમ વખતે જ છાતી દુ:ખવાની ફરિયાદ કરતા હ્રદયરોગ (એન્જાઇના પેકટોરિસ) ના અનેક દર્દીઓનો, આરામના સમયે લીધેલ, કાર્ડિયોગ્રામ બિલકુલ નોર્મલ આવે છે. આવા દર્દીઓમાં છાતીનો દુ:ખાવો ખરેખર હ્રદયરોગને કારણે છે કે અન્ય કોઇ કારણે છે એ નકકી કરવા માટે સ્ટ્રેસ ટેસ્ટ તરીકે ઓળખાતી તપાસ કરવામાં આવે છે.
દર્દીનો આરામની સ્થિતિમાં કાર્ડિયોગ્રામ લીધા પછી કાર્ડિયોગ્રામના વાયરો દર્દી સાથે જોડેલ રાખીને જ દર્દીને સરકતાં રોલર (ટ્રેડ મીલ) પર ચાલવાનું કહેવામાં આવે છે. ઘીમે ઘીમે રોલરની ઝડપ વધારતા જઇ દર્દીની ચાલવાની ઝડપ વધારવામાં આવે છે. દર ત્રણ મિનિટે ઝડપમાં વધારો કરતા રહી, દર્દીની કસરત કરવાની મહત્તમ ક્ષમતા માપવામાં આવે છે.
એન્જાઇના પેકટોરિસ (હ્રદયશૂળ) ના દર્દીઓ ઉપરાંત હ્રદયરોગના અન્ય દર્દીઓ પર પણ સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવે છે. જે દર્દીને હાર્ટ એટેકનો હુમલો આવી ગયો હોય એવા દર્દીને હોસ્પિટલમાંથી રજા આપતી વખતે કે એ પછી થોડા સમયે, દર્દીની કસરત કરી શકવાની ક્ષમતા જાણવા માટે અને હ્રદયની અન્ય કોઇ ધમનીઓમાં તકલીફ છે કે નહીં તે નકકી કરવા માટે અને આ જ રીતે બાયપાસ સર્જરી કે બલૂન એન્જિયોપ્લાસ્ટી જેવાં ઓપરેશન કર્યા પછી પણ ઓપરેશન સફળ થયું છે કે નહીં જાણવા માટે સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવે છે.
કેટલાક દર્દીઓમાં હ્રદયના ધબકારની ગતિ વધઘટ થતી હોય કે નાડી અનિયમિત ચાલતી હોય એમાં સાદા કાર્ડિયોગ્રામ ઉપરાંત કયારેક સ્ટ્રેસ ટેસ્ટ જરૂરી થઇ પડે છે. હાઇબ્લડપ્રેશરના દર્દી કે વાલ્વની બીમારીના દર્દીઓની કસરત કરવાની ક્ષમતા માપવા માટે પણ સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવે છે.
આમ, સ્ટ્રેસ ટેસ્ટના અનેક જુદા જુદા ઉપયોગ થઇ શકે છે. અલબત્ આ ટેસ્ટ સાદા કાર્ડિયોગ્રામ જેટલો સલામત તો નથી જ. દસ હજાર દર્દીઓ પર સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવે તો એમાંથી (ટેસ્ટને કારણે) એક દર્દીનું મૃત્યુ થાય અને બે દર્દીઓને હાર્ટ એટેકના હુમલા જેવાં ભારે કોમ્પ્લિકેશન થઇ શકે છે.
આથી જ સ્ટ્રેસ ટેસ્ટ વખતે દર્દીને કાંઇ પણ તકલીફ થાય તો તરત ટેસ્ટ બંધ કરી દેવામાં આવે છે. છાતીમાં દુ:ખાવો થવો, હાંફ ચડવી, ચકકર આવવા, ખૂબ થાક લાગવો, ગભરામણ થવી વગેરેમાંથી એક પણ ફરિયાદ જો દર્દી કરે તો તાત્કાલિક ટેસ્ટ બંધ કરીને દર્દીને આરામ કરવાનું જણાવાય છે. વધારાનાં કોમ્પ્લિકેશનો અટકાવવા માટે જ સામાન્ય રીતે ટેસ્ટ કરવાના ત્રણ કલાક પહેલાંના ગાળામાં દર્દીને ખોરાક ખાવાની અને ચા-કોફી કે બીડી-સિગારેટ પીવાની મનાઇ ફરમાવામાં આવે છે.
જો સ્ટ્રેસ ટેસ્ટ પોઝીટીવ આવે (એટલે કે સ્ટ્રેસ ટેસ્ટમાં કોઇ ખરાબી આવે) તો એ પ્રમાણે યોગ્ય સારવાર કે ઓપરેશનની સલાહ આપી શકાય છે.
ઇકો-કાર્ડિયોગ્રાફી તરીકે ઓળખાતી તપાસમાં અલ્ટ્રાસોનિક તરંગોને, છાતી પર નાનું હેન્ડલ જેવું સાધન (ટ્રાન્સડયૂસર) મૂકીને હ્રદય તરફ મોકલવામાં આવે છે. અને હ્રદયની વિવિધ રચનાઓમાંથી આ તરંગના પડઘા (ઇકો) પાછા પેલા હેન્ડલ જેવા સાધનમાં ઝીલાય છે. આ પાછા આવતા તરંગોને તેમની શક્તિ અનુસાર દ્દશ્ય તરંગોમાં ફેરવવામાં આવે છે, જે ટી.વી. જેવા સ્ક્રીન પર હ્રદયની વિવિધ દિવાલો, વાલ્વ અને ખાનાં તરીકે દેખાય છે. જુદી જુદી જગ્યાએ હ્રદયનાં ખાનાં અને દિવાલોનું કદ જુદું જુદું હોય છે. આ દરેક વસ્તુને જોવા માટે છાતી પર જુદી જુદી જગ્યાએ અને અલગ અલગ સ્થિતિમાં ટ્રાન્સડયૂસર મૂકવામાં આવે છે. વળી, હ્રદયના દરેક ધબકાર વખતે થતી સંકોચનની પ્રક્રિયા પણ જોઇ શકાય છે. આમ, ઇકો-કાર્ડિયોગ્રાફીની મદદથી હ્રદયની રચના ઉપરાંત હ્રદયની કાર્યક્ષમતાનો કયાસ પણ કાઢી શકાય છે.
ઇકો-કાર્ડિયોગ્રાફીનો સૌથી વધુ ઉપયોગ હ્રદયના વાલ્વની બીમારીનું નિદાન કરવામાં થાય છે. હ્રદયના વાલ્વની બીમારીની ગંભીરતા, ઓપરેશનની જરૂર અને હ્રદયની કાર્યક્ષમતાનો કયાસ કાઢવા માટે આ તપાસ ઉપયોગી છે. હ્રદયની જન્મજાત બીમારીઓનું પણ પાકું નિદાન ઇકો-કાર્ડિયોગ્રાફી કરી આપે છે. ઘણા દર્દીઓમાં હ્રદયની જન્મજાત ખોડને લીધે બે કર્ણક કે બે ક્ષેપક વચ્ચેની દિવાલ અધૂરી હોય છે. પરિણામે શુદ્ધ અને અશુદ્ધ લોહી એકબીજામાં ભળી જાય છે. હ્રદયની દિવાલની આ અધૂરપ ઇકો-કાર્ડિયોગ્રાફીથી તરત દેખાઇ આવે છે. ઇકો-કાર્ડિયોગ્રાફીની મદદથી જ ડોપલર અને કલર ડોપલર તરીકે ઓળખાતી તપાસ થઇ શકે છે જે લોહીનો પ્રવાહ હ્રદયમાં કઇ દિશામાં જઇ રહ્યો છે એની જાણકારી આપે છે.
બ્લડ પ્રેશરના દર્દીઓમાં પ્રેશરને કારણે હ્રદય મોટું તો નથી થઇ ગયું ને એ જોવા માટે ઇકો-કાર્ડિયોગ્રાફી કરવામાં આવે છે. હાર્ટ એટેકનાં દર્દીઓમાં એટેકને કારણે હ્રદયની જે દિવાલોને નુકસાન પહોચ્યું હોય એનું હલનચલન અન્ય દિવાલો કરતાં ઘટી જાય છે જે પણ ઇકો-કાર્ડિયોગ્રાફીથી જાણી શકાય. હ્રદયમાં આવતા લોહીમાંથી કેટલા ટકા લોહી અસરકારક રીતે હ્રદયની બહાર ફેંકાય છે (ઇજેકશન ફ્રેકશન) એની જાણકારી પણ આ તપાસથી મળે છે. જે દર્દીઓમાં ઇજેકશન ફ્રેકશન (પમ્પીંગ) ઘટી જાય છે એમનું ભાવિ અન્ય દર્દીઓ કરતાં ઓછુ સારુ હોય છે.
આ ઉપરાંત હ્રદયના અન્ય અનેક રોગો જેવાં કે હ્રદય પહોળું થઇ જવું (કાર્ડિયો-માયોપથી), હ્રદયની આસપાસ પ્રવાહી ભરાઇ જવું (પેરિકાર્ડિયલ ઇફયુઝન), હ્રદયમાં લોહીનો ગઠ્ઠો જામી જવો (થ્રોમ્બસ) કે હ્રદયમાં ચેપ લાગવો (એન્ડોકાર્ડાઇટીસ) વગેરેનું નિદાન ઇકો-કાર્ડિયોગ્રાફીની મદદથી સરળ બને છે.
એન્જિયોગ્રાફી એટલે રકતવાહીનીઓની તપાસ. હ્રદયને લોહી પહોંચાડતી રકતવાહીનીઓ કોરોનરી ધમની તરીકે ઓળખાય છે અને એની તપાસ કોરોનરી એન્જિયોગ્રાફી તરીકે ઓળખાય છે. આ તપાસ માટે એકસ-રેમાં એકદમ ચોખ્ખી દેખાતી ખાસ પ્રકારની 'ડાઇ' નું ઈન્જેકશન ધમનીઓમાં આપવામાં આવે છે. હ્રદયની જે રકતવાહીની સાંકડી થઇ ગઇ હોય - જેમાંથી લોહી પૂરતા પ્રમાણમાં પસાર ન થઇ શકતું હોય - એમાંથી ડાઇ પણ ઓછી માત્રામાં પસાર થાય છે. આને કારણે રકતવાહીનીના સાંકડા થઇ ગયેલા (અને એના પછીના) ભાગમાં ઓછી ડાઇ દેખાય છે અને બાકીના ભાગમાં પૂરતા પ્રમાણમાં ડાઇ દેખાય છે. આ રીતે હ્રદયની કઇ ધમનીમાં કેટલા ટકા સંકડાસ છે એ પણ જાણી શકાય છે. તાજેતરમાં એન્જિયોગ્રાફીનું ડીજીટલ (કોમ્પ્યુટરરાઇઝડ) એનાલીસીસ કરીને એની ચોકસાઇ વધારવાના પ્રયત્નો પણ થયા છે. એન્જિયોગ્રાફીની 'ડાઇ' ને કોરોનરી રકતવાહીનીમાં ઇન્જેકટ કરવા માટે ખાસ કેથેટર (નળી) પગની (જાંઘ પાસેની) ઘમની દ્વારા દાખલ કરવામાં આવે છે અને છેક હ્રદયમાંથી નીકળતી મુખ્ય ધમનીના મૂળ સુધી આ કેથેટર પહોંચાડવામાં આવે છે. ત્યાર બાદ ડાબી અને જમણી કોરોનરી ધમનીઓમાં 'ડાઇ' ઇંન્જેકટ કરવામાં આવે છે અને એ ડાઇ કઇ રીતે પસાર થાય છે એની ફીલ્મ ઉતારવામાં આવે છે. આંતરરાષ્ટ્રીયસ્તરે હ્રદયરોગના કયા દર્દીને એન્જિયોગ્રાફી કરાવવી એ વિવાદનો મુદ્દો છે.
ટૂંકમાં, દવાઓથી કાબૂમાં ન આવતા, કે ખૂબ જોખમી ચિહ્નો ધરાવતા દર્દીઓને જ એન્જિયોગ્રાફી કરાવવાની જરૂર પડે છે. ખરેખર તો મોટાભાગના કિસ્સામાં બાયાપાસ ઓપરેશન કે એન્જિયોપ્લાસ્ટીની પૂર્વતૈયારીરૂપે જ એન્જિયોગ્રાફી થવી જોઇએ. જયારે દર્દીનાં લક્ષણો અને અન્ય તપાસોથી લગભગ એવું નકકી થઇ જાય કે દવાથી દર્દીને ફાયદો થતો નથી અથવા દવા આપીને રાહ જોવામાં મોટું જોખમ રહેલું છે એવા દર્દીઓમાં ઓપરેશન કરવું કે એન્જિયોપ્લાસ્ટી કરાવવી એ નકકી કરવા માટે, અને આવી કોઇ પ્રક્રિયા કરતી વખતે કોરોનરી ધમનીની ચોકકસ સ્થિતિ જાણવા માટે જ મોટા ભાગની એન્જિયોગ્રાફી થવી જોઇએ.
એન્જિયોગ્રાફીને કારણે કોમ્પ્લિકેશન થવાની શકયતા પ્રમાણમાં ઘણી ઓછી રહે છે. તે છતાં, અમુક દર્દીમાં એલર્જી, એનાફાયલેકસીસ, હાર્ટ એટેક, હેમરેજ (રકતસ્રાવ), પેરેલિસિસ, ચેપ કે મૃત્યુ જેવાં કોમ્પ્લિકેશનો થઇ શકે છે. એટલે આ તપાસ કંઇ સાદા કાર્ડિયોગ્રામ જેવી મામૂલી નથી કે મન થયું ને કરાવી લીધી.
એન્જિયોગ્રાફીમાં જુદી જુદી કોરોનરી ધમનીમાં જુદી જુદી માત્રામાં બ્લોક (સાંકડી ધમની) દેખાય છે. જો ડાબી બાજુની મુખ્ય કોરોનરી ધમનીના શરૂઆતના ભાગમાં જ બ્લોક હોય તો દર્દીને એટેક આવવાનું કે મૃત્યુ થવાનું જોખમ ખૂબ વધી જાય છે. આ ઉપરાંત મુખ્ય કુલ ત્રણ કોરોનરી ધમનીમાંથી કેટલી ધમનીઓમાં બ્લોક છે એ જાણવાથી પણ જોખમનો થોડોક અંદાજ આવે છે. એક ધમનીમાં બ્લોક હોય તો એનું જોખમ ત્રણ ધમનીમાં બ્લોક હોય એનાં કરતાં આછું રહે છે. આ સિવાય એન્જિયોગ્રાફીમાં કેટલા ટકા બ્લોક છે એ જાણવાથી કોઇ વિશેષ ફાયદો થતો નથી.
ઘણા બધા, જુદા જુદા અભ્યાસો જણાવે છે કે એન્જિયોગ્રાફીમાં દેખાયેલ બ્લોક કેટલા ટકા છે એની સાથે દર્દીને ભવિષ્યમાં આવનાર એટેક કે મૃત્યુને કોઇ સીધો સંબંધ નથી. એક અભ્યાસમાં જે દર્દીઓએ કોઇ કારણસર એન્જિયોગ્રાફી કરાવી હોય અને પછી થોડા વખતમાં જેમને એટેક આવ્યો હોય આવા દર્દીઓમાં અગાઉની એન્જિયોગ્રાફીમાં માત્ર સરેરાશ ૩૪ ટકા જેટલો જ અવરોધ (બ્લોક) જણાયો હતો! કુલ એટેક આવેલ દર્દીઓ પૈકી માત્ર ૧૫ થી ૨૦ ટકા દર્દીઓમાં જ હ્રદયની ધમનીઓમાં ૭૫ ટકાથી વધુ અવરોધ હતો. આમ, એન્જિયોગ્રાફીમાં વધારે ટકા બ્લોક આવે તો ગભરાઇ જવાની કે ઓછો બ્લોક આવે તો ખૂબ ખુશ થઇ જવાની જરૂર નથી. દર્દીનું ભવિષ્ય કેવું છે એ નકકી કરવામાં કેટલા ટકા અવરોધ છે એ નહીં પરંતુ કેટલી ધમનીઓમાં અવરોધ છે એ જાણવું વધુ અગત્યનું છે. આ ઉપરાંત સ્ટ્રેસ ટેસ્ટ કેવો છે અને ઇકોકાર્ડિયોગ્રાફીની તપાસમાં હ્રદયનું પંપીંગ (ઇજેકશન ફ્રેકશન) કેટલાં ટકા છે એ જાણવું વધુ ઉપયોગી સાબિત થયુ છે.
આમ, કોરોનરી એન્જિયોગ્રાફીની તપાસ, અન્ય ચિહ્નો તથા તપાસો (દા.ત. સ્ટ્રેસ ટેસ્ટ, ઇકોકાર્ડિયોગ્રાફી કે થેલીયમ ટેસ્ટ) ના આધારે 'વધુ જોખમ ધરાવતા' દર્દીઓ માટે જ છે અને એનો મુખ્ય હેતુ દવાથી રોગ કાબૂમાં ન રહેતો હોય ત્યારે કઇ રીતે (બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટી) આગળની સારવાર કરવી એ નકકી કરવા માટેનો હોય છે.
હ્રદયનો કેટલો ભાગ જીવંત છે અને કયા ભાગમાં લોહીનો પુરવઠો વધુ પહોંચે તો હ્રદય સારું કામ કરી શકે એમ છે એ જાણવા માટે આ તપાસ કરવામાં આવે છે. ખાસ પ્રકારના રેડિયો-એકિટવ પદાર્થનુ ઇન્જેકશન આપીને પછી દર્દીને કસરત કરાવવામાં આવે છે અને ગામા કેમેરાની મદદથી આ રેડિયો-એકિટવ પદાર્થ હ્રદયમાં કયાં પહોંચે છે એની જાણકારી મેળવવામાં આવે છે.
હાર્ટ એટેક આવે ત્યારે હ્રદયના સ્નાયુઓને નુકસાન થવાથી કેટલાક ઉત્સેચકો અને પ્રોટીનો હ્રદયના સ્નાયુમાંથી લોહીમાં આવી જાય છે. લોહીમાં આવા ઉત્સેચકો અને પ્રોટીનનું વધી ગયેલું પ્રમાણ એટેક આવ્યાનો આડકતરો પુરાવો આપે છે. હાર્ટ એટેક આવ્યા પછી ૧ થી ૪ કલાકમાં માયોગ્લોબીન વધે છે; પછી ૪ થી ૨૪ કલાકમાં ક્રીએટીનીન કાઇનેઝ નામનો ઉત્સેચક અને ટ્રોપોનીન નામનું પ્રોટીન વધે છે. છેલ્લે એલ.ડી.એચ નામના ઉત્સેચકનું પ્રમાણ વધે છે જે ૧૦-૧૫ દિવસ સુધી વધેલું રહે છે.