આજકાલ
જેમ જેમ કહેવાતો 'વિકાસ' વધતો જાય છે તેમ તેમ અસ્વસ્થ જીવન શૈલી અને
માનસિક-તાણને કારણે ઉદભવતા રોગોનું પ્રમાણ પણ વધતું જાય છે. 'વિકાસ' વધવાની
સાથોસાથ માણસની જીવન શૈલી બગડતી જાય છે - અસ્વસ્થ (બિનઆરોગ્યપ્રદ) થતી જાય
છે. પહેલાંના જમાનામાં માણસને એક યા બીજા કારણે ચાલવાની તથા રોજિંદા કામથી
એટલી કસરત મળી જતી હતી કે એની તંદુરસ્તી જળવાઇ રહેતી હતી. કામ અને સમાજના
સંબંધોમાં માનસિક તાણનું પ્રમાણ પણ ઓછું રહેતું હતું. માણસ કુદરતના
સાનિધ્યમાં કુદરત સાથે તાલ મેળવીને જીવન જીવતો હતો. જેમ જેમ ઔદ્યોગિકરણ
થતું ગયું તેમ તેમ માણસે કુદરતનું સાનિધ્ય ગુમાવવા માંડયુ. મશીનો અને
ઉપકરણોથી ઘેરાઇને, શ્રમ કરવાનું બંધ કરી દીધું; કુદરતી ખોરાકનો ત્યાગ કરી
બિનકુદરતી આહાર વધુ ને વધુ લેવા માંડયો; પૈસા વધતાં ખોરાકમાં વધુ મોંઘા એવા
તૈલી આહારનું પ્રમાણ પણ વધવા માંડયું - ખોરાક અસંતુલિત થઇ ગયો; શહેરી
જીવનની ભાગદોડ અને ધમાલ વધવા લાગ્યાં - માનસિક શાંતિ ઘટવા લાગી; માનસિક
શાંતિ મેળવવા વધુને વધુ ભોગ તથા વ્યસનો તરફ માણસ ખેંચાતો ગયો; ધંધાની
હરિફાઇમાં ટકી રહેવા અનેક ખોટા રસ્તાઓ અપનાવતો થઇ ગયો. ઝગડા, ઇર્ષ્યા,
સ્વાર્થ અને તિરસ્કાર વધતા ગયા. આ બધાનું પરિણામ એ આવ્યું કે માણસમાં
જાતજાતના રોગો પણ વધતા ગયા. માણસની જીવન શૈલી બિનઆરોગ્યપ્રદ થવાથી
હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર અને મનોશારીરિક બીમારીઓનું પ્રમાણ વધવા
લાગ્યું.
મુંબઇમાં રહેતા એક મધ્યમ વર્ગના માણસની જીવન શૈલી જુઓ તો આ વાત વધુ સારી
રીતે સમજાશે. સવારે આઠ વાગ્યાની સબર્બન ટ્રેન પકડવા એણે મોડામાં મોડું સાત
વાગ્યે ઉઠવું પડે પણ આગલે દિવસે ઉજાગરો થયો હોવાથી સાતને બદલે સાડા સાતે
ઊઠાયું. ઊઠતાંની સાથે તૈયાર થવાની ધમાધમ શરૂ થઇ ગઇ. ઉતાવળે ઉતાવળે
શૌચક્રિયા પતાવી, શરીર પર પાણી રેડી, મોંમાં જેમ તેમ બે-ચાર પૂરી અને થોડોક
ચેવડો ઠાંસીને ભાગમભાગ માણસ સ્ટેશને પહોંચ્યો. દુર્ભાગ્યે આટલી ઉતાવળ કરવા
છતાં આઠની ટ્રેઇન ન પકડી શકાઇ અને પંદર-વીસ મિનિટ ગુસ્સા અને હતાશામાં
વીતાવ્યા પછી બીજી ટ્રેઇન આવી જે રોજની જેમ જ ઠસોઠસ ભરાયેલી હતી. આ
ટ્રેઇનમાં માંડમાંડ લટકીને જવા માટે પગ ટેકવવાની જગ્યા મળી. આ રીતે હેરાન
થતાં થતાં માણસ ઓફિસ પહોચ્યો ત્યારે એના બોસ ધૂંઆ પૂંઆ થતા બેઠા હતા જેણે આ
માણસને સખત શબ્દોમાં ખખડાવી નાંખ્યો અને વારંવાર મોડું થશે તો નોકરીમાંથી
કાઢી મૂકવાની ધમકી આપી.
હજી તો આ દિવસની શરૂઆત હતી. ગુસ્સા અને હતાશાના કારણે માણસનું ધ્યાન
પૂરું કામ પર ન લાગ્યું અને દિવસમાં બીજી એક-બે વાર ઠપકો સાંભળવાનો વારો
આવ્યો. પરિણામે ટેન્શનમાં ને ટેન્શનમાં આજે થોડી વધુ સિગરેટ પીવાઇ ગઇ.
બપોરે જમતી વખતે ટિફિનના ઠંડા પરાઠા અને શાક ખાધું. સાંજે ફરી પાછી
ટ્રેઇનની ભાગદોડ-ભીડ વગેરેનો ભોગ બની રાત્રે થાકયો પાકયો માણસ ઘેર પહોંચ્યો
ત્યાં એની પત્ની જુદાં જુદાં ખરીદીનાં અને સામાજિક કામો સાથે તૈયાર બેઠી
હતી. - જે કામો ઘણા દિવસથી રહી જતાં હતાં. આ જોઇને માણસ મન પરનો કાબૂ
ગુમાવી બેઠો અને પત્ની સાથે મોટો ઝગડો થઇ ગયો. એનો છોકરો તો માણસ સવારે
ઘરેથી નીકળ્યો ત્યારે ઊંઘતો હતો અને રાત્રે ઘરે પાછો ફર્યો ત્યારે પણ ઊંઘતો
જ હતો! રાત્રે થેપલાં, શાક, દાળ, ભાત ખાઇને મૂડ વગર માણસ પથારીમાં પડયો
અને કાલની ચિંતામાં - વિચારોમાં પાસા ઘસતો ઘસતો બારેક વાગે સૂઇ ગયો.
આવું રૂટીન શહેરના ઘણા લોકોનું હોય છે. રોજે રોજ અને કલાકે કલાકે માનસિક
તાણ, અનિયમિતતા, ઉજાગરા, અસંતુલિત આહાર, વ્યસન, બેઠાડુ-બિનકસરતી જીવન અનેક
લોકોના જીવનમાં જોવા મળે છે, જેઓ આ જીવન શૈલી એમના આરોગ્ય માટે ખતરારૂપ છે
એવું જાણતા કે માનતા જ નથી!
માણસના ખોરાકનો વિચાર કરીએ તો પહેલાંના યુગમાં માણસ માત્ર કુદરતી
ફળ-શાક-ભાજી વગેરેનો વપરાશ ખાવામાં કરતો હતો. ધીમે ધીમે અનાજ કઠોળની ખેતી
થતી ગઇ અને રાંધેલો ખોરાક લેવાનું શરૂ થયું. પરંતુ રાંધેલા ખોરાકની સાથે
દિવસભર અન્ય કુદરતી ખોરાક (ફળો-શાક વગેરે) લેવાનું ચાલુ જ રહેતું. ધીમે
ધીમે માણસના ખોરાકમાંથી કુદરતી તતત્વો ઘટતાં ગયાં - મીલમાં પોલિશ કરેલા
ચોખા અને રીફાઇન્ડ લોટ વધુને વધુ વપરાશમાં આવતા ગયા. શાક અને ફળો મોંઘાં
થવાથી અને બધી જગ્યાએ મળતાં ન હોવાથી એનો વપરાશ ઘટયો. કાચા શાકભાજીને બદલે
ભરપૂર તેલ-મસાલાવાળાં શાક જ લોકો પસંદ કરવા લાગ્યા. જે વસ્તુ વધુ તેલ અને
વધારે મીઠાવાળી હોય એ બધી વસ્તુઓ ફરસાણ, નમકીન કે અન્ય કોઇ નામે ખૂબ જ
પ્રચલિત થઇ ગઇ. લોકોને પણ સાદા ખોરાકને બદલે મસાલેદાર, તળેલા ખોરાક વધુ
પસંદ પડવા લાગ્યા આમ આજનો આપણો ખોરાક અસંતુલિત બની ગયો. 'ભૂખ લાગી છે માટે
ખાવું છે' એવું નહીં પણ 'સ્વાદ સારો છે માટે ખાવું છે' આવી વૃત્તિ વધતી ગઇ.
પરિણામે શરીરમાં જરૂર હોય કે ન હોય, ભાવતી વસ્તુ મળે કે તરત પેટમાં
પધરાવવી એવી ટેવ બહુ વ્યાપક થઇ ગઇ. ખાદ્યપદાર્થની જાહેરાત નાના બાળકથી મોટા
સુધી ઘણાંને લલચાવનારી-અકળાવનારી થઇ પડી અને ફેશનેબલ ખાદ્યપદાર્થો -
તેલ-ઘી-બટર-ચીઝથી ભરપૂર ખાદ્યપદાર્થો સામાન્ય વપરાશમાં વધુને વધુ પ્રમાણમાં
આવવા લાગ્યા.
આખી દુનિયામાં ભારતીય પ્રજા અને એમાં પણ ગુજરાતીઓ એમની બિનસ્વાસ્થ્યપ્રદ
ખોરાકની ટેવો તથા જનિનિક બંધારણને કારણે આજે હ્રદયરોગ જેવી બીમારીનો ભોગ
થઇ જાય છે. આજે મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગના ઘણા લોકો શરીરની જરૂરિયાત
કરતાં વધુ ખાય છે પરિણામે પેટ વધે છે કે આખું શરીર વધે છે. ખોરાકમાં
ચરબીયુકત પદાર્થો (તેલ-ઘી વગેરે) ખૂબ વધુ પ્રમાણમાં વપરાય છે. મીઠા (નમક)
નો વપરાશ ખૂબ વધ્યો છે. ઘણા લોકો શરીરની જરૂર કરતાં દોઢથી બે ગણું મીઠું
રોજ પેટમાં પધરાવતા હોય છે! તાજાં શાકભાજી, ફળો અને કઠોળ જેવા રેસાયુકત
પદાર્થોનો વપરાશ ઘટયો છે. આપણાં મોટા ભાગનાં કુટુંબોમાં નાસ્તા તરીકે હંમેશ
તળેલી ચીજવસ્તુઓની જ બોલબાલા રહી છે. તળ્યા વગરના નાસ્તાઓ એટલા વધુ ઘીથી
ચોપડવામાં આવે છે કે એમાં ચરબીનું પ્રમાણ તળેલા નાસ્તા જેટલું જ થઇ જાય છે.
મોણ નાખીને બનાવેલ રોટલી ભરપૂર ઘીથી ચોપડવામાં આવે ત્યારે એમાં અને તળેલાં
ઢેબરાં કે પૂરીમાં ખાસ કોઇ ફરક રહેતો નથી. ખોરાકનાં આ બધાં પરિવર્તનોનું
પરિણામ આધુનિક રોગો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ દર્શાવે છે કે, ખોરાકમાં ચરબીનું પ્રમાણ
જેમ જેમ વધે છે તેમ તેમ હ્રદયરોગ, કેન્સર, જાડાપણું, હાઇબ્લડપ્રેશર,
ડાયાબિટીસ વગેરે રોગો વધતાં જાય છે. હજી આજે પણ જે દેશોમાં - જે વસ્તીમાં
પ્રાકૃતિક ખોરાક (ફળો-શાકભાજી-કંદમૂળ) અને અનાજ-કઠોળ વધુ વપરાય છે ત્યાં
અન્ય દેશના લોકો કરતાં આ બધા રોગોનું પ્રમાણ ઘણું ઓછું છે.
ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રીસર્ચના રિપોર્ટ પ્રમાણે ભારતની પુખ્તવયની
વ્યક્તિઓને રોજ ૨૦ ગ્રામ જેટલી ચરબી ખોરાકમાં મળે તો એ પૂરતી છે. જયારે
ખોરાકમાં કુલ ચરબીનું પ્રમાણ આનાથી ઘણું વધી જાય ત્યારે, લાંબે ગાળે
હ્રદયરોગ, કેન્સર વગેરે રોગો ઉદભવે છે. અનાજ-કઠોળ વગેરેમાં રહેલી અદ્રશ્ય
ચરબી ઉપરાંત બીજી ૧૫-૨૦ ગ્રામ ચરબી ખાવામાં આવે તો પૂરતું થઇ જાય.
દુર્ભાગ્યે, મોટાભાગના શહેરી ગુજરાતીઓ રોજની ૨૦ ગ્રામને બદલે ૬૦ થી ૧૦૦
ગ્રામ જેટલી દ્દશ્ય ચરબી પોતાના પેટમાં પધરાવે છે અને હ્રદયરોગને આમંત્રણ
આપે છે.
અનેક વૈજ્ઞાનિક અભ્યાસોથી હવે નિશ્ચિતપણે એવું કહી શકાય એમ છે કે,
હાઇબ્લડપ્રેશર અને હ્રદયની બીમારી માટે કારણભૂત એથેરોસ્કલેરોસિસ તરીકે
ઓળખાતી, ધમનીઓ કઠણ અને સાંકડી થવાની પ્રક્રિયા માણસના જનિનિક બંધારણ ઉપરાંત
એના ખોરાક, વ્યસન, કસરત, માનસિક તાણ અને અન્ય નિરાશાજનક લાગણીઓ પર ઘણો
મોટો આધાર રાખે છે. હ્રદયને લોહી પહોંચાડતી કોરોનરી ધમની જયારે કઠણ અને
સાંકડી થઇ જાય ત્યારે હ્રદયને લોહીનો પુરવઠો ઓછો પડવા લાગે છે અને માણસ
હાર્ટ એટેકનો શિકાર બને છે. કોરોનરી ધમની અને અન્ય રકતવાહિનીઓ સાંકડી અને
કઠોર થઇ જવાની પ્રક્રિયા (તબીબી ભાષામાં એથેરોસ્કલેરોસિસ) શરીરની ઘણી બધી
રકતવાહિનીઓને અસર કરે છે અને એને પરિણામે હ્રદયરોગ ઉપરાંત પેરાલિસિસ કે
બીજા ઘણા રોગ થઇ શકે છે. આજની તારીખે આ એથેરોસ્કલેરોસિસને પરિણામે ઉદભવતા
રોગો વિકસિત દેશોના નાગરિકોના મરણનું મુખ્ય કારણ છે. દર સો મૃત્યુમાંથી
પચાસથી વધુ મૃત્યુનું કારણ એથેરોસ્કલેરોસિસ હોય છે.
આપણું દુર્ભાગ્ય એટલું જ છે કે, જે જીવન-પદ્ધતિ હાનિકારક છે - જે ખોરાક,
વ્યસન, વ્યવસાય, વિહાર વગેરે હાનિકારક છે એવું સાબિત થઇ ગયું છે એની
જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચતી જ નથી. અને જેટલી જાણકારી પહોંચે છે એ
અંગેની વૈકલ્પિક વ્યવસ્થાની જાણ લોકોને નથી હોતી. અને ઘણીવાર આ બધું જાણતા
હોવા છતાં એની ગંભીરતા અંગેની સમજણ ન હોવાથી અથવા બેદરકારીને કારણે લોકો
હાનિકારક જીવનપદ્ધતિ જલ્દી બદલતા જ નથી અને પરિણામે વધુ ને વધુ લોકો જીવન
શૈલીથી થતાં રોગોનો ભોગ બનતા જાય છે.
મોટાં શહેરોમાં રહેનાર મોટાભાગના લોકો રોજેરોજ અથવા એકાંતરે પોતાના
સમાજના અમુક માણસને હાર્ટ એટેક આવ્યો અને અમુકને હાઇબ્લડપ્રેશરને કારણે
લકવો (પેરેલિસિસ) થઇ ગયો એવા સમાચાર સાંભળતા રહે છે; આવા કેટલાય એટેક કે
પેરેલિસિસથી પીડાતા દર્દીઓની હોંશે હોંશે ખબર પૂછવા જાય છે. પરંતુ સમાજમાં
આટલા બધા લોકોને એક જ જાતની બીમારી કેમ વધુ પ્રમાણમાં લાગુ પડી જાય છે? અને
આવી બીમારી પોતાના કુટુંબમાં કોઇને ન થાય એ માટે શું કાળજી લેવી જોઇએ? એવા
પ્રષ્નો ભાગ્યેજ કોઇને ઉદભવે છે. હ્રદયરોગ અને બ્લડપ્રેશર જેવી બીમારી
યોગ્ય કાળજી લઇને થતી જ અટકાવી શકાય છે એવી જાણ ભાગ્યેજ કોઇને હોય છે. અરે,
એટેક આવી ગયા પછી કે હાઇબ્લડપ્રેશરનું નિદાન થયા પછી પણ રાખવી જોઇતી કાળજી
મોટા ભાગના દર્દીઓ રાખતા નથી અને પછી જયારે મૃત્યુ કે પેરેલિસિસ જેવી ઘટના
ઉદભવે ત્યારે રોવા સિવાય કશું બાકી રહેતું નથી.
હ્રદયરોગ
માટે જવાબદાર એથેરોસ્કલેરોસિસ પર વર્ષો સુધી સંશોધન કરીને વૈજ્ઞાનિકોએ
શોધી કાઢ્યું છે કે, એથેરોસ્કલેરોસિસ કરતાં અથવા એ થવાની ઝડપ વધારતાં, અમુક
પરિબળો માણસના સીધા અંકુશમાં છે અને માણસ ધારે તો એમાં યોગ્ય ફેરફાર કરીને
એથેરોસ્કલેરોસિસ થવાની ગતિને ધીમી પાડી શકે છે. આપણે એક પછી એક બધાં
પરિબળોને ઓળખીએ.
એથેરોસ્કલેરોસિસ
(રકત-વાહિની સાંકડી અને કઠણ) થવાની પ્રક્રિયા ઉંમરની સાથે વધે છે. ૪૦ થી
૬૦ વર્ષની ઉંમર સુધીના માણસમાં એથેરોસ્કલેરોસિસને કારણે હ્રદયરોગ થવાની
શકયતા ચાળીસ વર્ષથી નાના માણસ કરતાં પાંચ ગણી વધારે હોય છે. એંસી ટકા જેટલા
જીવલેણ હાર્ટ એટેક, ૬૫ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં આવે છે. જેમ જેમ
ઉંમર વધતી જાય છે તેમ તેમ હાર્ટ એટેક આવવાની અને હાર્ટ એટેકથી મૃત્યુ થવાની
શકયતાઓ વધતી જાય છે.
દશ વર્ષની ઉંમરથી ધમનીઓમાં ચરબીના થર જામવાની શરૂઆત થઇ જાય છે1(સંદર્ભ જોવા ક્લિક કરો).
ભવિષ્યમાં જે જગ્યાએ ધમનીમાં એથેરોસ્કલેરોસિસ થઇને અવરોધ ઊભો થતો હોય છે એ
જ જગ્યાએ નાનપણથી ચરબીના થર જામવાની શરૂઆત થઇ જાય છે. ઉંમર વધતાં આ થર
વધતા જાય છે અને પછી એથેરોસ્કલેરોસિસ તરીકે ઓળખાતી ધમનીઓ કઠણ અને સાંકડી
થવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જે છેવટે હ્રદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં
અવરોધ ઊભો કરે છે. આમ, હ્રદયરોગની શરૂઆત ખૂબ નાની ઉંમરથી થાય છે પણ
હ્રદયરોગનાં લક્ષણો અને એને કારણે ઉદભવતી તકલીફો ઉંમર વધતાં વધતી જાય છે.
આશરે
૨૬ વર્ષ સુધી ચાલેલા પ્રખ્યાત ફ્રેમીંગહામ હાર્ટ સ્ટડીનું તારણ એવું હતું
કે, હ્રદયરોગના કુલ દર્દીઓ પૈકી ૬૦ ટકા પુરુષ અને ૪૦ ટકા સ્ત્રીઓ હોય છે
અને પુરુષોમાં હ્રદયરોગને કારણે મૃત્યુ થવાનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં બમણું
હોય છે. પુરુષોમાં હ્રદયરોગની શરૂઆત સ્ત્રીઓ કરતાં આશરે દશ વરસ વહેલી થાય
છે.
સ્ત્રીઓમાં અંત:સ્રાવ તેમના શરીરને એથેરોસ્કલેરોસિસ અને હ્રદયરોગ સામે
રક્ષણ આપે છે. એટલે જયાં સુધી નિયમિત માસિક આવતું હોય ત્યાં સુધી
સ્ત્રીઓમાં હ્રદયરોગની શકયતા ખૂબ ઓછી રહે છે, પણ રજોનિવૃત્તિ પછી
હ્રદયરોગનું જોખમ એકદમ ઝડપથી વધવા લાગે છે જેથી લગભગ ૬૦-૬૫ વર્ષની ઉંમર પછી
સ્ત્રી અને પુરુષોમાં હ્રદયરોગની શકયતા એકસરખી થઇ રહે છે.
સ્ત્રીઓમાં ડાયાબિટીસની બીમારી હોય તો, હ્રદયરોગનુ જોખમ ખૂબ વધી જાય છે
અને નાની ઉંમરે પણ હ્રદયરોગ થઇ શકે છે. એ જ રીતે, સ્ત્રીના લોહીમાં ઓછું
એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ અને વધુ ટ્રાયગ્લીસરાઇડ હોય તો એને લીધે હ્રદયરોગ
થવાની શકયતા પુરુષો કરતાં પણ વધી જાય છે.
ઘણાં
કુટુંબોમાં હ્રદયરોગ વારસાગત (જનિન દ્રવ્ય નિયંત્રિત) હોય છે. જે
વ્યક્તિના મા-બાપને સિત્તેર વર્ષથી નાની વયે હાર્ટ એટેક આવ્યો હોય એ
વ્યક્તિઓને હ્રદયરોગનો હુમલો થવાની શકયતા અન્ય વ્યક્તિઓ કરતાં ૨.૨ ગણી વધી
જાય છે2. જેટલી નાની ઉંમરે મા અથવા બાપને એટેક આવ્યો હોય એટલી હ્રદયરોગની શકયતા વધે છે.
જે કુટુંબમાં હ્રદયરોગના દર્દી હોય છે એ કુટુંબનાં નવજાત બાળકોની ડાબી
કોરોનરી ધમની અન્ય બાળકો કરતાં ૧.૪ ગણી સાંકડી હતી એવું જોવા મળ્યું હતુ3.
અલબત્ત, જમણી કોરોનરી ધમનીના વ્યાસમાં બહુ નોંધપાત્ર ફરક જોવા મળ્યો ન
હતો. હ્રદયરોગનાં જોખમો જેવાં કે જાડાપણું, ડાયાબિટીસ, હાઇ બ્લડપેશર, વધુ
પડતું કોલેસ્ટેરોલ અને વઘારે પ્રમાણમાં લાઇપોપ્રોટીન (એ) વગેરે માટે પણ
આનુવંશિક પરિબળો જવાબદાર હોય છે જે છેવટે હ્રદયરોગનું જોખમ પણ વધારી દે છે.
'માણસની
જિંદગી ટૂંકી અને દુ:ખદાયક કરનાર બધાં કારણોમાં સૌથી મોટુ કારણ કસરતનો
અભાવ છે' અઢારમી સદીના ડો. વીલીયમનું આ વિધાન આજે પણ એટલું જ સાચું જણાય
છે. જુદા જુદા અનેક અભ્યાસો જણાવે છે કે બેઠાડુ જિંદગીને લીધે હ્રદયરોગ,
હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, ઓસ્ટીયોપોરોસીસ (હાડકાં નબળાં પડી જવાં),
આંતરડાંનું કેન્સર, ચિંતા - તણાવ અને ડીપ્રેશન (ઉદાસી) જેવા રોગો થાય છે
અથવા વકરે છે. શારીરિક રીતે સક્રિય વ્યક્તિને હ્રદયરોગ થવાની શકયતા બેઠાડુ
વ્યક્તિઓ કરતાં અડધી હોય છે. બેઠાડુ જીવન જીવતા લોકોમાં હ્રદયરોગનું પ્રમાણ
શ્રમયુકત કામ કરતા લોકોની સરખામણીમાં ઘણું વધારે હોય છે. આપણે ત્યાં
કહેવાતા 'સુખી' વર્ગ માટે કહેવત છે 'ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે' આજના
સંદર્ભમાં આ કહેવત કહેવી હોય તો 'ખુરશી પરથી વાહનમાં અને વાહન પરથી
ખુરશીમાં' જેવુ કંઇક કહી શકાય, આજનો શહેરી સમાજ આખો દિવસ 'દોડાદોડ' માં હોય
છે - કોઇની પાસે સમય નથી હોતો. પરંતુ આ દોડાદોડ કોઇ પોતાના પગ ઉપર નથી
કરતાં. બધા સ્કૂટર, ગાડી, રીક્ષા, રેલવે એમાંથી કોઇને કોઇ વાહન ઉપર
'દોડાદોડી' કર્યા કરે છે પરિણામે એમનું શરીર નહીં પણ મન જલદી થાકે છે.
ઘણા દર્દીઓને પૂછીએ કે વધારે ચાલવુ પડે કે દાદર ચઢવા પડે તો શ્વાસ ચઢે
છે? તો જવાબ મળે છે 'સાહેબ, છેલ્લાં દશ વર્ષથી દશ ડગલાથી વધુ ચાલ્યો નથી
ઘરથી બહાર પડેલી ગાડી સુધી જ ચાલવાનું થાય. લીફટવાળા મકાનમાં જ જવા આવવાનું
થાય એટલે ચઢવા- ઉતરવાનો તો સવાલ જ નથી' ટૂંકમાં , શહેરી પ્રજાનો ઘણો મોટો
વર્ગ એવો છે કે જેણે જિંદગીમાં કયારેય કસરત નથી કરી. અમેરિકાના આંકડા જણાવે
છે કે કુલ વસ્તીના ૫૮ ટકા લોકો જિંદગીમાં કયારેય કસરત નથી કરતા અથવા ખૂબ
અનિયમિતપણે કરે છે. ભારતમાં પાંચ શહેરમાં થયેલ તાજેતરના અભ્યાસો જણાવે છે
કે ભારતીય શહેરી સ્ત્રીઓ પૈકી સિત્તેર ટકાથી વધુ સ્ત્રીઓ કયારેય કસરત કરતી
નથી! અને જે સ્ત્રીઓમાં હાઇબ્લડપ્રેશર જેવી બીમારી છે એમાંથી તો ૮૮ ટકા
સ્ત્રીઓ કસરત નહોતી કરતી. ફુરસદના સમયે, અઠવાડિયે કુલ એકવીસ કિ.મિ. કરતાં
વધુ ચાલવાની કસરત જે લોકો કરે છે તેમની જિંદગી કસરતવાળી ગણાય છે અને એથી
ઓછી કસરત કરનાર વ્યક્તિનું જીવન બિનકસરતી ગણાય છે. ચાલવાને બદલે એટલી જ
શક્તિ વપરાતી હોય એવી બીજી કોઇ પણ કસરત પણ આ માટે ગણતરીમાં લેવામાં આવે છે.
19. બેઠાડુ જિંદગી જીવનારાઓને (શારીરિક સક્રિય વ્યક્તિ કરતાં) હ્રદયરોગ થવાની શકયતા ૧.૯ ગણી વધારે હોય છે20.
બેઠાડુ જીવન શરીરમાં શક્તિનો (કેલરીનો) વ્યય ઘટાડી નાંખે છે, ચરબીનો ભરાવો
થવા દે છે, શરીરમાં ચયાપચયનો દર ઉર્ફે બેસલ મેટાબોલીક રેટ (બી.એમ.આર.)
ઘટાડી નાંખે છે, ઇન્સ્યુલિનની અસરકારતા ઓછી કરે છે જે છેવટે ડાયાબિટીસથી
માંડીને હ્રદયરોગ સુધીની અનેક બીમારીઓ નોતરે છે. બેઠાડુ જિંદગીને માનસિક
હતાશા (ડીપ્રેશન) સાથે સીધો સંબંધ છે. આખો દિવસ બેઠાં બેઠાં દુનિયાભરના
વિચારો અને ચિંતા કર્યા કરતો માણસ બિલકુલ શારીરિક શ્ર્રમ છોડી દે ત્યારે
માનસિક સંતુલન ગુમાવી દે એવી શકયતાઓ ઘણી વધારે રહે છે. માનસિક તાણ અને
હતાશા હ્રદયરોગ કરવામાં અગત્યનો ફાળો આપે છે. કસરત કરવાથી વ્યક્તિને માનસિક
સુખશાંતિનો અનુભવ થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.
આમ, અનેક જાતની બીમારીઓ સહન કરવાની અને એને કારણે મૃત્યુ થવાની શકયતા
બેઠાડુ લોકોમાં ખૂબ વધારે હોય છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં દર વર્ષે
આશરે અઢી લાખ જેટલાં મૃત્યુનું કારણ બેઠાડુ જિંદગી હોય છે. બીજા શબ્દોમાં
અમેરિકામાં કુલ મૃત્યુ પામતા લોકોના ૧૨ ટકા જેટલા લોકો કસરત ન કરવાને લીધે
કમોતે મરે છે.
એક સરખી ઉંમર માટે બેઠાડુ જીવન જીવનાર વ્યક્તિની સરખામણીએ કસરતી શરીર
ધરાવનાર અને કસરત કરનાર વ્યક્તિઓમાં મૃત્યુદરનું પ્રમાણ ત્રીજા ભાગનું હતું21.
કસરત કરનારાઓ પૈકી મૃત્યુદરમાં કોઇ નોંધપાત્ર ફરક નહોતો રોજનું ત્રણ
કિ.મી. ચાલનાર અને રોજના ત્રીસ કિ.મી. દોડનારના મૃત્યુદરમાં કે આયુષ્યમાં
કોઇ જ ફરક નથી પડતો પરંતુ રોજ બેસી રહેનાર અને માત્ર ત્રીસ મિનિટ
શ્ર્રમ/કસરત કરતા વ્યક્તિના મૃત્યુદરમાં ઘણો મોટો (ત્રીજા ભાગનો) ફરક પડે
છે.
જયારે
વ્યક્તિનું વજન, એની જેટલી જ ઉંમર અને ઊંચાઇ ધરાવતા સરેરાશ માણસ કરતાં,
ત્રીસ ટકા જેટલું કે એથી પણ વધારે હોય ત્યારે હ્રદયરોગ થવાની શકયતા ઘણી વધી
જાય છે. ખાસ કરીને પચાસ વર્ષથી નાની ઉમરની વ્યક્તિમાં આ પરિબળ ઘણું
મહત્વનું પુરવાર થઇ શકે. પચાસ વર્ષથી નીચેના સૌથી જાડા અને સૌથી પાતળા
માણસોના જૂથ વચ્ચે હ્રદયરોગ થવાની શકયતાઓમાં બે થી અઢી ગણો તફાવત જોવા મળે
છે8. સામાન્ય રીતે
વ્યક્તિ જાડી છે કે નહિ એ નકકી કરવા માટે બોડી માસ ઇન્ડેક્ષ (બી.એમ.આઇ.)
તરીકે ઓળખાતી એક ગણતરી વાપરવામાં આવે છે. વ્યક્તિના કિલોગ્રામમાં માપેલા
વજનને મીટરમાં માપેલી ઊંચાઇના વર્ગ વડે ભાગવાથી મળતો આંક બોડી માસ ઇન્ડેક્ષ
તરીકે ઓળખાય છે. ભારતીય લોકોમાં ૧૯ થી ૨૩ વચ્ચેનો બોડી માસ ઇન્ડેક્ષ
નોર્મલ ગણાય છે9.
બોડી માસ ઇન્ડેક્ષ જયારે ૨૩ થી વધારે હોય તો વધુ વજન (ઓવર વેઇટ) કહેવાય અને
૨૫ થી વધારે હોય ત્યારે મેદવૃદ્ધિની બીમારી છે એવું કહી શકાય. પરદેશની
૧,૧૫,૮૧૮ સ્ત્રીઓના એક અભ્યાસ માં એવું જાણવા મળ્યુ હતુ કે વજન નોર્મલ
રેન્જમાં હોય તો પણ જેમ જેમ વજન વધતું જાય છે તેમ તેમ હ્રદયરોગ થવાની
શકયતામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળે છે. ઉપરોકત અભ્યાસમાં એવું પણ જાણવા
મળ્યું હતું કે ૨૩ થી ૨૫ બોડી માસ ઇન્ડેક્ષ ધરાવનાર વ્યક્તિઓમાં
હ્રદયરોગનું જોખમ ૧.૪૬ ગણું અને ૨૫ થી ૨૯ બોડી માસ ઇન્ડેક્ષ વચ્ચે જોખમ
૨.૦૬ ગણું અને ૨૯ થી વધારે બોડી માસ ઇન્ડેક્ષ હોય તો જોખમ ૩.૫૬ ગણું રહે છે10.
મોટી ફાંદ: માત્ર વધારે વજન જ નહિ પરંતુ પેટનો વધારે ઘેરાવો પણ
હ્રદયરોગનું જોખમ વધારે છે. તમારા પેટનો ઘેરાવો જેટલો વધારે એટલી બીમાર
થવાની શક્યતા વધારે રહે છે. જે વ્યક્તિના પેટની આસપાસ ચરબી વધુ હોય અને
હાથ-પગ-થાપા આગળ ચરબી ઓછી હોય એવી વ્યક્તિને ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર,
હાર્ટ એટેક વગેરે અનેક બીમારીઓ થવાની શકયતા વધુ હોય છે. ઘણા લોકો ગણપતિ
જેવું પેટ ધરાવવાનો ફાંકો રાખતા હોય છે ક્યારેક 'સ્ટેટસ સિમ્બોલ' સમજતા
હશે, પરંતુ આ વધેલુ પેટ અનેક રોગોનું ઉદભવ સ્થાન છે એ હકીકત દરેક વ્યક્તિએ
સમજી લેવાની જરૂર છે.
હાથ-પગ-થાપાની ચરબી વધવાથી જેટલું નુકસાન થાય એનાથી અનેકગણું નુકસાન
પેટની ચરબી વધવાને કારણે થાય છે. પેટની ચરબી વધવાને કારણે વ્યક્તિની અંદર
ઇન્સ્યુલિનની કાર્યક્ષમતા ઘટી જાય છે. મોટી ફાંદ ધરાવતા લોકોમાં ઇન્સ્યુલિન
રેઝીસ્ટન્સ અને ડાયાબિટીસ થવાની શક્યતા વધે છે, અને જે વ્યક્તિમાં
ઇન્સ્યુલિન રેઝીસ્ટન્સને કારણે વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિન બનતું હોય એમને
હ્રદયરોગ થવાની શક્યતા ઘણી વધી જાય છે. પેટનો વધુ ઘેરાવો, શરીરની અંદરનાં
ચરબીનાં ઘટકોમાં પણ મોટા ફેરફાર કરે છે. ફાંદાળા વ્યક્તિના લોહીમાં
એલ.ડી.એલ. (નુકસાનકર્તા) કોલેસ્ટેરોલ અને ટ્રાયગ્લીસરાઇડ્સનું પ્રમાણ ઘણું
વધારે હોય છે જ્યારે ફાયદાકારક એચ.ડી.એલ. કોલેસ્ટેરોલનું પ્રમાણ આછું હોય
છે. આ ઉપરાંત પેટનો ઘેરાવો વધવાથી બ્લડપ્રેશર વધે છે. આ બધાં પરિબળો ભેગા
થઇને હ્રદયરોગની સંભાવના ખૂબ વધારી મૂકે છે. એક જ સમાજમાં, સૌથી વધુ
કમ્મર-થાપાનો ગુણોત્તર ધરાવતી વ્યક્તિના જૂથમાં, સૌથી ઓછો ગુણોત્તર ધરાવતી
વ્યક્તિના જૂથ કરતાં, હાર્ટ એટેક અને મૃત્યુનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઊંચુ
હોય છે. આમ, થાપાની સરખામણીએ પેટનો ઘેરાવો વધતો જાય એમ અનેક રોગો અને
વહેલું મૃત્યુ થવાની શક્યતા વધતી જાય છે. ભારતીય લોકોમાં પુરુષમાં પેટનો
ઘેરાવો થાપાના ઘેરાવાના ૮૮ ટકાથી ઓછો અને સ્ત્રીઓમાં ૮૫ ટકાથી આછો હોવો
જરૂરી છે9.
કોલેસ્ટેરોલ
એ શરીરને ઉપયોગી રસાયણ છે જે શરીરના કોષોની દિવાલ અને સ્ટીરોઇડ અંત:સ્રાવ
બનાવવા માટે થોડા પ્રમાણમાં શરીરમાં હોવું જરૂરી છે. જયારે કોલેસ્ટેરોલનું
પ્રમાણ જરૂર કરતાં વધી જાય ત્યારે હ્રદયરોગ થાય છે.
તંદુરસ્ત નવજાત બાળકમાં દર ૧૦૦ મિ.લિ. લોહીમાં ૬૦ મિ.ગ્રા. કોલેસ્ટેરોલ
હોય છે અને એક વર્ષની ઉંમરે ૧૫૦ મિ.ગ્રા. જેટલું. આ પછી આ જ પ્રમાણ છેક
૨૦-૩૦ વર્ષ સુધી રહે છે અને ત્યારબાદ ધીમેધીમે વધવા લાગે છે. ભારતીય લોકો
માટે કુલ કોલેસ્ટેરોલની આદર્શ મર્યાદા ૧૨૫ થી ૧૭૦ મિ.ગ્રા./ડે.લી. વચ્ચેની
ગણાય છે. અમેરિકામાં આ મર્યાદા ૧૫૦ થી ૨૪૦ મિ.ગ્રા./ડે.લી. જેટલી છે.
દુર્ભાગ્યે આપણી મોટાભાગની લેબોરેટરી પણ 'નોર્મલ' રેન્જ તરીકે ૧૫૦ થી ૨૪૦
મિ.ગ્રા./ડે.લી. જ લખવાની ભૂલ કરે છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય અભ્યાસો
દર્શાવે છે કે ૨૦૦ મિ.ગ્રા./ડે.લી.થી જેટલું કોલેસ્ટેરોલ વધે એનાથી બમણી
ટકાવારીમાં હ્રદયરોગ થવાનું જોખમ વધે છે. ભારતીય વંશના લોકોના જનિનની
ખાસિયતને કારણે એમનાં લોહીમાં લાઇપોપ્રોટીન (એ) નામના પ્રોટીનનું પ્રમાણ
ખૂબ વધારે હોય છે, સહેજ જ વધારે કોલેસ્ટેરોલની હાજરી હોય તો પણ હ્રદયરોગની
શકયતા ખૂબ વધારી મૂકે છે. આ જ કારણસર ભારતીય લોકોમાં કોલેસ્ટેરોલ અમેરિકન
લોકો કરતાં આછું (આશરે ૧૭૦ મિ.ગ્રા./ડે.લિ. કરતાં ઓછું) હોવું જરૂરી છે.
ભારતીય લોકોમાં જો દર ૧૦૦ મિ.લી. લોહીમાં ૧૭૦ મિ.ગ્રા.થી વધારે કોલેસ્ટેરોલ
અથવા ૧૫૦ મિ.ગ્રા.થી વધારે ટ્રાઇગ્લીસરાઇડ નામના ચરબીદ્રવ્ય હોય તો એ
માણસને હ્રદયરોગ થવાની શકયતા ઘણી વધી જાય છે9.
જે લોકોમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ૨૪૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધારે હોય
એ લોકોમાં હ્રદયરોગ થવાની શકયતા અન્ય (૨૦૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં ઓછું
કોલેસ્ટેરોલ ધરાવતા લોકો) કરતાં ત્રણ ગણી વધારે હોય છે. જેમનું કોલેસ્ટેરોલ
૧૫૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં ઓછું હોય એવી એક પણ વ્યક્તિને હ્રદયરોગ થતો
નથી. કોલેસ્ટેરોલનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા./ડે.લી.થી જેટલા પ્રમાણમાં વધે છે
એટલા પ્રમાણમાં હ્રદયરોગની શકયતા વધ્યા કરે છે12.
જુદાજુદા સાત દેશોના લોકોમાં કોલેસ્ટેરોલના પ્રમાણનો અભ્યાસ કર્યા પછી
એવું તારણ નીકળ્યું કે જે દેશના લોકોનું સરેરાશ કોલેસ્ટેરોલ વધારે હોય છે,
ત્યાં હ્રદયરોગથી મૃત્યુ પામનારાઓની સંખ્યા પણ વધારે હોય છે13.
લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઓછું હોય છતાં જો ખોરાકમાં કોલેસ્ટેરોલ
વધુ પ્રમાણમાં લેવામાં આવે તો હ્રદયરોગ થવાની શકયતા વધે છે. આમ
કોલેસ્ટેરોલના રિપોર્ટ નોર્મલ હોય તો પણ વધુ પડતો કોલેસ્ટેરોલવાળો ખોરાક
નુકસાનકારક જ બને છે14.
કોઇપણ
વનસ્પતિજન્ય ખોરાકમાં કોલેસ્ટેરોલ હોતું નથી. એટલે કે સંપૂર્ણ શાકાહારી
(દૂધ પણ ન લેનાર) માણસના ખોરાકમાં જરા પણ કોલેસ્ટેરોલ હોતું નથી. શરીર
પોતાની જરૂરિયાતનું કોલેસ્ટેરોલ જાતે જ બનાવી લે છે. ખોરાકમાં રહેલ સંતૃપ્ત
ચરબીમાંથી શરીરની અંદર કોલેસ્ટેરોલ બને છે. દૂધ, એની પેદાશો અને
માંસાહારમાં કોલેસ્ટેરોલ હોય છે પરંતુ એ ખાવું જરૂરી નથી. દૂધના એક ગ્લાસ
(૨૫૦ મિ.લી.) માંથી આશરે ૩૦ મિ.ગ્રા. જેટલું કોલેસ્ટેરોલ મળે છે. એક કપ
આઇસ્ક્રીમ (૧૦૦ ગ્રા.) માંથી આશરે ૫૦ મિ.ગ્રા. અને એક ચમચો ભરીને માખણ (૧૫
ગ્રા.) માંથી આશરે ૨૫ મિ.ગ્રા. કોલેસ્ટેરોલ મળે છે. આની સામે માત્ર એક
ઇંડાંમાંથી આશરે ૨૭૦ મિ.ગ્રા. કોલેસ્ટેરોલ હોય છે! અન્ય માંસાહારી
પદાર્થોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં કોલેસ્ટેરોલ હોય છે. જયારે ખોરાકમાં
કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે ત્યારે લોહીમાં પણ સ્વાભાવિક રીતે કોલેસ્ટેરોલ
વધે છે. લોહીમાં કોલેસ્ટેરોલ ખૂબ વધી ન જાય એ માટે આપણા સદભાગ્યે લીવરમાં
એવી વ્યવસ્થા હોય છે કે જયારે લોહીનું કોલેસ્ટેરોલ વધારે હોય ત્યારે
લીવરનું પોતાનું કોલેસ્ટેરોલનું ઉત્પાદન ધીમું થઇ જાય. આમ છતાં, અમુક
પ્રમાણમાં લોહીનું કોલેસ્ટેરોલ વધુ કોલેસ્ટેરોલવાળો ખોરાક ખાવાથી વધે જ છે.
આપણા
શરીરમાં મોટાભાગનું કોલેસ્ટેરોલ લીવર બનાવે છે. જે વ્યક્તિના ખોરાકમાં
બિલકુલ કોલેસ્ટેરોલ ન હોય એવી વ્યક્તિના શરીરમાં પણ કોલેસ્ટેરોલ પૂરતા
પ્રમાણમાં હોય છે ટૂંકમાં, શરીરના કોલેસ્ટેરોલ માટે ખોરાકી કોલેસ્ટેરોલ પર
આધાર નથી રાખવો પડતો. લીવરમાં થતું કોલેસ્ટેરોલનું ઉત્પાદન, ખોરાકમાં
સંતૃપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ) નું પ્રમાણ વધારે હોય તો વધી જાય છે.
સંતૃપ્ત ચરબી કોલેસ્ટેરોલના ઉત્પાદન માટેનો કાચો માલ પૂરો પાડે છે અને
કોલેસ્ટેરોલના ઉત્પાદનને ઉત્તેજન આપે છે. માંસાહારી ખોરાક, ઇંડાં અને દૂધની
બનાવટો (માખણ-ઘી-મલાઇ વગેરે) પ્રાણીજન્ય ખોરાકમાં તથા નારિયેળ તેલ,
પામોલીવ, કપાસિયા તેલ અને સિંગતેલ જેવા વનસ્પતિજન્ય ખોરાકમાં સંતૃપ્ત
ચરબીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ બધા ખોરાક ખાવાથી લોહીમાં
કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે છે.
બ્રિટનમાં
વસતા ગુજરાતીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ બ્રિટનના અન્ય લોકો કરતાં ત્રણ
ગણું વધારે છે. ઘી અને સિંગતેલનો વધુ પડતો વપરાશ ગુજરાતીઓના હ્રદયરોગ માટે
જવાબદાર છે15,16. તળવાથી તેલનું ઓકિસડેશન થાય છે જે કાચા તેલ કરતાં અનેક ગણું વધારે નુકસાન કરે છે.
ઘી અને સિંગતેલમાં રહેલ સંતૃપ્ત ચરબી, દર્દીનું કોલેસ્ટેરોલ વધારીને
હ્રદયરોગમાં વધારો કરે જ છે. આ સિવાય એમાં રહેલ લીનોલિક એસિડને કારણે પણ
હાર્ટ એટેકની શકયતા વધી જાય છે. કોલેસ્ટેરોલ (ખાસ કરીને એલ.ડી.એલ.
કાલેસ્ટેરોલ) વધવાથી ધમનીઓને નુકસાન થાય છે અને કાયમી નુકસાન (ઇજા) ને લીધે
ધમનીઓ કઠણ અને સાંકડી થઇ જાય છે. આવા સાંકડા ભાગ પર ત્રાકકણો જમા થઇને
થ્રોમ્બોકસેન એ-૨ નામનું રસાયણ વધુ પ્રમાણમાં છોડે તો એની અસર હેઠળ લોહી
ગંઠાવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે અને રકતવાહિનીનું વધુ સંકોચન થાય છે -
જેને પરિણામે રકતપ્રવાહ બિલકુલ બંધ થઇ જાય છે અને એટલે હાર્ટ એટેક આવે છે.
થ્રોમ્બોકસેન એ-૨ રસાયણ એરોકીડોનિક એસિડમાંથી બને છે અને આ એરેકીડોનિક એસિડ
લીનોલિક એસિડમાંથી બને છે. જો વધુ પ્રમાણમાં લીનોલિક એસિડ ધરાવતાં તેલ
(સિંગતેલ, કપાસિયાનું તેલ, કરડીનું તેલ, સૂર્યમુખીનું તેલ વગેરે) ખોરાકમાં
લેવામાં આવે તો એમાંથી વધુ થ્રોમ્બોકસેન એ-૨ બને છે જે હાર્ટ એટેકને નોતરે
છે. આ ઉપરાંત, માખણમાંથી ઘી બનાવવાની (ખુલ્લી કઢાઇમાં ઉકાળવાની) પ્રક્રિયા
દરમ્યાન એ કોલેસ્ટેરોલનું ઓકિસડેશન થઇ જાય છે. માખણમાં જરા પણ કોલેસ્ટેરોલ
ઓકસાઇડ નથી હોતા પરંતુ ઘીમાં ૧૨.૩% જેટલાં કોલેસ્ટેરોલ ઓકસાઇડ જોવા મળે છે16.
પ્રાણીઓ ઉપરના અભ્યાસોથી એવું સાબિત થયુ છે કે ઘીમાં જોવા મળતા ઓકસાઇડ
એથેરોસ્કલેરોસિસની બીમારી કરે છે. એથેરોસ્કલેરોસિસની પ્રક્રિયા શરૂ કરવા
માટે રોજનું માત્ર એક ગ્રામ ઘી પૂરતુ છે! વેજીટેબલ ઘી (દા.ત. ડાલડા ઘી) તો
સૌથી વધુ નુકસાન કરે છે કારણકે એમાં રહેલી ચરબી 'ટ્રાન્સ' પ્રકારનાં ફેટી
અસિડ ધરાવે છે જે ખૂબ ઝડપથી અથેરોસ્કલેરોસીસ કરે છે.
કોફી પીવાથી કોલેસ્ટેરોલ વધવાની અને હાર્ટ એટેક આવવાની શકયતા વધી જાય છે17.
કોફીમાં રહેલ કાફેસ્ટોલ અને કાહ્વીઓલ નામનાં દ્રવ્યો લીવર પર વિપરીત અસર
કરે છે અને પરિણામે કોલેસ્ટેરોલના ચયાપચયમાં વિક્ષેપ આવે છે. દિવસમાં પાંચ
થી છ કપ ઉકાળેલી કોફી પીનાર વ્યક્તિના શરીરમાં એલ.ડી.એલ. (ખરાબ)
કોલેસ્ટેરોલનું પ્રમાણ ૯ થી ૧૪ ટકા જેટલું વધે છે. જો કોઇ વ્યક્તિના
શરીરમાં એલ.ડી.એલ. કોલેસ્ટેરોલનું પ્રમાણ ૧૦ ટકા જેટલું વધે તો એને
હ્રદયરોગ થવાની શકયતામાં ૨૦ ટકા જેટલો વધારો થાય છે.
કેફીન એ કદાચ વિશ્વમાં સૌથી વ્યાપક વપરાતા કેફી (અને દવા જેવી અસર
ધરાવતો) વ્યાપક પદાર્થ છે. ઘણા બધા અભ્યાસો જણાવે છે કે આ પદાર્થના વપરાશથી
ઉપરનું (સિસ્ટોલીક) બ્લડપ્રેશર ૫ થી ૧૫ મિ.મિ. મકર્યુરી જેટલું અને
નીચેનું (ડાયાસ્ટોલીક) બ્લડપ્રેશર ૫ થી ૧૦ મિ.મિ. મકર્યુરી જેટલું વધે છે.
એક વખત કેફીન શરીરમાં જાય અને એની અસર શરૂ થાય પછી પાંચ કલાકમાં આ અસર અડધી
થઇ જાય છે. જો વસ્તીનો દરેક સભ્ય કેફીનનું સેવન છોડી દે તો આખી વસ્તીના
સરેરાશ બ્લડપ્રેશરમાં ૨ થી ૪ મિ.મિ. મકર્યુરી જેટલો ઘટાડો થાય. અને સરેરાશ
બ્લડપ્રેશરમાં થતો આટલો ઘટાડો આશરે ૯ થી ૧૪ ટકા હ્રદયરોગના હુમલા અને ૧૭ થી
૨૪ ટકા પેરેલિસિસના હુમલાને આવતા અટકાવી શકે.
ટૂંકમાં, ચા-કોફી અને કોલા સોફટડ્રીંકસમાં આવતુ કેફીન રોગો વધારે છે અને
એમાંથી શકય એટલો વહેલો છુટકારો મેળવો એ તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
ઘણા લોકો નાનાં બાળકોને ચા-કોફી નથી આપતા પણ એટલું જ નુકસાન કરતાં કોલા
સોફટડ્રીંકસ છુટથી પીવા દે છે.! કોલા ડ્રીંકસમાં રહેલ કેફીન ચા-કોફીના
કેફીન જેવી જ આડઅસરો કરે છે.
ખોરાકમાં
કે લોહીમાં કોલેસ્ટેરોલનું વધારે પ્રમાણ હ્રદયરોગ કરે છે એ વાત સર્વ
સ્વીકૃત છે. પરંતુ આ નુકસાન કઇ રીતે થાય છે એ અંગે હજી પૂરેપૂરી માહિતી
વૈજ્ઞાનિકો મેળવી નથી શકયા. હ્રદયરોગની બીમારીના મૂળમાં એથેરોસ્કલેરોસિસ
તરીકે ઓળખાતી રકતવાહીનીઓ કઠણ અને સાંકડી થઇ જવાની પ્રક્રિયા જવાબદાર હોય છે
એ પણ બહુ જાણીતી વાત છે પણ મૂળ પ્રષ્ન એ છે કે કોલેસ્ટેરોલ વધવાથી
એથેરોસ્કલેરોસિસની પ્રક્રિયા કઇ રીતે શરૂ થાય છે.
આ અંગે ઘણા જાત જાતના સિદ્ધાંતો વૈજ્ઞાનિકો રજૂ કરે છે. આમાંથી અત્યારે
સૌથી વધુ પ્રચલિત અને સ્વીકૃતિપ્રાપ્ત સિદ્ધાંત અહીં રજૂ કર્યો છે.
'રીસ્પોન્સ ટુ ઇન્જરી' (ઇજાનો પ્રતિસાદ) તરીકે ઓળખાતા આ સિદ્ધાંત મુજબ
જુદાં જુદાં કારણોસર શરીરની રકતવાહીનીઓને ઈજા થયા કરે છે અને આ ઈજાના
પ્રતિસાદરૂપે રકતવાહીનીની આસપાસ થતી પ્રક્રિયા છેવટે એથેરોસ્કલેરોસિસ
નોંતરે છે.
કોલેસ્ટેરોલના સંદર્ભમાં આ સિદ્ધાંતને વિગતે સમજીએ તો, જયારે લોહીમાં
કોલેસ્ટેરોલનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે રકતવાહિનીના (ખાસ કરીને ધમનીઓના)
લોહીને અડીને આવેલા કોષો સતત આ વધુ પડતા કોલેસ્ટેરોલના સંપર્કમાં આવ્યા
કરે છે. જયારે લોહીમાં કોલેસ્ટેરોલ વધી જાય ત્યારે વધુ પડતું કોલેસ્ટેરોલ
રકતવાહિનીના કોષની કોષદિવાલમાં જોડાય છે. કોલેસ્ટેરોલનું પ્રમાણ
કોષદિવાલમાં વધે છે ત્યારે કોષદિવાલની સ્થિતિસ્થાપકતા ઘટી જાય છે અને બરડતા
વધી જાય છે. આ બરડ કોષો રકતવાહિનીમાંથી ભારે દબાણ હેઠળ પસાર થતા લોહીના
પ્રવાહ સામે પોતાની સ્થિતિસ્થાપકતા જાળવી શકતા નથી અને ઇજા પામે છે.
તાજેતરમાં જ રજૂ થયેલ અન્ય એક સિદ્ધાંત મુજબ, જયારે એલ.ડી.એલ. નામનું
લાઇપોપ્રોટીન (ચરબીના કણ) ઓકિસડાઇઝ્ડ થાય છે ત્યારે એ રકતવાહિનીના કોષો
માટે ઝેર સમાન બની જાય છે. રકતવાહિનીના કોષોને ઇજા પહોંચાડવા ઉપરાંત
ઓકિસડાઇઝ્ડ એલ.ડી.એલ. ઇજાના પ્રતિસાદને ઝડપી બનાવે છે.
જયારે રકતવાહિનીના કોષોને ઇજા થાય ત્યારે ઇજા પામેલ કોષો ઉપર અને આસપાસ
લોહીમાં ફરતા શ્વેતકણો ભેગા થઇ જાય છે. આ શ્વેતકણો ત્યાં રહેલ હાનિકારક
ઓકિસડાઇઝ્ડ એલ.ડી.એલ.ને પકડીને પોતાનાં પેટમાં પધરાવી દે છે. વધુ ને વધુ
આવા ચરબીના કણો આ રીતે રકતવાહિની પર જમા થયેલ શ્વેતકણોનાં પેટમાં જાય છે.
આને લીધે રકતવાહિનીની દિવાલ પર ચરબીયુકત પદાર્થો એક લાઇનમાં જમા થયેલાં
દેખાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે વિકસીત દેશોમાં માત્ર દશ વર્ષના
બાળકોમાં આવાં રકતવાહિની પર ચરબી જમા થવાનાં ચિહ્નો દેખાય છે.
આ પ્રક્રિયા વધુ આગળ ચાલે ત્યારે શ્વેતકણો પોતાની મદદમાં અન્ય કણોને
બોલાવે છે. ઇજાથી નાશ પામતા કોષોની જગ્યાએ બીજા કોષો આવી જાય એ માટે કોષોની
વૃદ્ધિ વધારતાં રસાયણો શ્વેતકણોમાંથી નીકળે છે. આ રસાયણોની અસર હેઠળ
રકતવાહિનીના કોષો અને સ્નાયુઓનું ઉત્પાદન વધી જાય છે અને રકતવાહિની જાડી થઇ
જવાનાં ચિહ્નો દેખાય છે.
ઇજા પામેલ ભાગમાં શ્વેતકણો ઉપર ત્રાકકણો પણ ચોંટી જાય છે અને
રકતવાહિનીના બે કોષો વચ્ચે જગ્યા પડે તો ત્યાં પણ લોહીમાં ફરતા ત્રાકકણો
ચોંટી જાય છે. ત્રાકકણો લોહીને ગંઠાઇ જવામાં મદદ કરે છે (એને કારણે જ કંઇક
વાગ્યા પછી થોડીક જ વારમાં લોહી નીકળતુ બંધ થઇ જાય છે). પરંતુ જયાં લોહીને
ગંઠાવાની જરૂર ન હોય ત્યાં ત્રાકકણો ભેગા થઇને લોહી ગંઠાવાની પ્રક્રિયા શરૂ
કરી દે તો એને કારણે જે તે ભાગમાં લોહી ફરતું બંધ થઇ જાય અને આ ભાગને
નુકસાન થાય છે.
એથેરોસ્કેલેરોસિસને કારણે કઠણ, જાડી અને સાંકડી થયેલ રકતવાહિનીમાં આમ પણ
લોહીનો પ્રવાહ રૂંધાય છે. એમાં જો એ જગ્યાએ ત્રાકકણ ચોંટી જઇને લોહી
ગંઠાવાની પ્રક્રિયા શરૂ કરી દે તો એ રકતવાહિનીમાંથી લોહીનો પ્રવાહ બિલકુલ
બંધ જેવો થઇ જાય છે અને પરિણામે જે ભાગને એ રકતવાહિની લોહી પહોંચાડતી હોય એ
ભાગ (હ્રદય, મગજ વગેરે) કામ કરતા બંધ થઇ જાય છે અને એનાં કોષો કાયમ માટે
નાશ પામે છે. જયારે કોઇ વ્યક્તિને હાર્ટ એટેક આવે ત્યારે એની રકતવાહિનીમાં
આવી જ પ્રક્રિયા (એથેરોસ્કેલેરોસિસ થયેલ ધમનીની અંદર લોહી ગંઠાવાની
પ્રક્રિયા) થાય છે. લોહી ગંઠાઇ જવાની પ્રક્રિયા થ્ર્રોમ્બોસિસ તરીકે ઓળખાય
છે.
આમ, શરીરમાં કોલેસ્ટેરોલનું (અને ઓકિસડાઇઝ્ડ એલ.ડી.એલ.નું) પ્રમાણ
વધવાથી રકતવાહિનીને ઇજા થાય છે અને આ ઇજાને રીપેર કરવા માટે શરૂ થયેલી
પ્રક્રિયા છેવટે રકતવાહિનીની દિવાલો જાડી અને કઠણ કરી મૂકે છે, જે
એથેરોસ્કેલેરોસિસ તરીકે ઓળખાય છે. રકતવાહિનીની અંદરનો ભાગ સાંકડો થઇ જવાથી
એની અંદર લોહીને પસાર થવામાં સંકડાશ પડે છે. જયારે આવી રકતવાહિનીના અંદરના
ભાગેથી પસાર થતી વખતે ત્રાકકણો આ સાંકડા ભાગ પર ચોંટી જાય અને લોહી
ગંઠાવાની પ્રક્રિયા શરૂ કરી દે તો લોહીનો પ્રવાહ સદંતર અટકી જાય છે અને
લોહી ન મળવાને કારણે અગત્યના અવયવો જેવા કે હ્રદય-મગજ વગેરેને નુકસાન થઇ
શકે છે.
ટ્રાયગ્લીસરાઇડ,
જે ચરબીના ઘટકમાં ત્રણ ફેટી એસિડ, ગ્લીસરોલના અણુ સાથે જોડાય એને
ટ્રાયગ્લીસરાઇડ કહેવામાં આવે છે. જેમાં એક ફેટી એસિડ હોય તે મોનોગ્લીસરાઇડ
અને બે ફેટી અસિડ હોય તે ડાયગ્લીસરાઇડ તરીકે ઓળખાય છે.
આપણા શરીરમાં, જયારે ખોરાકમાં લીધેલ કુલ કેલરીનું પ્રમાણ, શરીરના વપરાશ
કરતાં વધી જાય ત્યારે વધારાની કેલરી લાવનાર પદાર્થનું ચરબીમાં રૂપાંતર થાય
છે અને તે ટ્રાયગ્લીસરાઇડના સ્વરૂપે ચરબીના કોષોમાં સંઘરાય છે. ખોરાકમાં
લીધેલ ચરબી પણ મુખ્યત્વે ટ્રાયગ્લીસરાઇડના સ્વરૂપમાં જ લોહીમાં ફરે છે.
લીવરમાં બનતી ચરબીમાં ટ્રાયગ્લીસરાઇડ અને કોલેસ્ટેરોલ બંને હોય છે.
ટૂંકમાં, ટ્રાયગ્લીસરાઇડ એ ચરબીનું બહુ જ વ્યાપકપણે જોવા મળતુ સ્વરૂપ છે જે
ખોરાક, લોહી, લીવર અને ચરબીના કોષોમાં હોય છે.
લોહીમાં ટ્રાયગ્લીસરાઇડનું પ્રમાણ વધી જાય એ સ્થિતિ
હાઇપરટ્રાયગ્લીસરાઇડેમીયા તરીકે ઓળખાય છે. ભારતની તંદુરસ્ત વ્યક્તિમાં
ભૂખ્યા પેટે કરેલ લોહીની તપાસમાં ટ્રાયગ્લીસરાઇડનું પ્રમાણ દર ૧૦૦ મિ.લી. એ
૧૫૦ મિ.ગ્રા.થી આછું હોવું જોઇએ. ૧૫૦ થી ૨૫૦ મિ.ગ્રા. વચ્ચેનું પ્રમાણ
'બોર્ડરલાઇન વધારે' કહેવાય છે અને ૨૫૦ મિ.ગ્રા.થી વધુ પ્રમાણ 'વધારે' તરીકે
ઓળખાય છે9.
લોહીમાં ટ્રાયગ્લીસરાઇડ વધવાથી હ્રદયરોગ થાય કે નહીં એ અંગે વર્ષોથી
વિવાદ ચાલે છે. મોટાભાગના રિપોર્ટો જણાવે છે કે ટ્રાયગ્લીસરાઇડ વધવાને
કારણે હ્રદયરોગ થવાની શકયતાઓ છે18.
મોટાભાગના દર્દીમાં ટ્રાયગ્લીસરાઇડની સાથોસાથ એલ.ડી.એલ. (ખરાબ)
કોલેસ્ટેરોલ પણ વધતું હોવાથી હ્રદયરોગની શકયતા વધે છે. જો
ટ્રાયગ્લીસરાઇડનું પ્રમાણ વધારે હોય પરંતુ કુલ કોલેસ્ટેરોલ ૧૭૦
મિ.ગ્રા./ડે.લી.થી ઓછું હોય, એચ.ડી.એલ. (સારુ) કોલેસ્ટેરોલ ૪૫
મિ.ગ્રા./ડે.લી.થી વધુ હોય અને એલ.ડી.એલ. (ખરાબ) કાલેસ્ટેરોલ ૯૦
મિ.ગ્રા./ડે.લી.થી ઓછું હોય તો માત્ર ટ્રાયગ્લીસરાઇડથી હ્રદયરોગ થવાની
શકયતા ઓછી રહે છે.
ભારતીય
વંશના લોકોમાં ગોરા લોકોની સરખામણીએ લાઇપોપ્રોટીન(એ) વધુ પ્રમાણમાં હોય
છે, જેને કારણે ભારતીયોમાં નાની ઉંમરે હાર્ટ એટેક આવવાનું ઘણું સામાન્ય છે.
લાઇપોપ્રોટીન(એ) વધવાને કારણે એથેરોસ્કલેરોસિસની પ્રક્રિયા ઝડપી બને છે એ
ઉપરાંત ધમનીમાં લોહી ગંઠાઇ જવાની પ્રક્રિયા બેરોકટોક ચાલુ રહે છે, જે એટેક
લાવવામાં નિમિત્ત બને છે. લાઇપોપ્રોટીન(એ) નું પ્રમાણ નકકી કરવામાં સૌથી
વધુ ફાળો વારસાનો હોય છે. લાઇપોપ્રોટીન(એ) {LP(a)} એ એલ.ડી.એલ.(નુકસાનકારક)
કોલેસ્ટેરોલને મળતું આવતું ચરબીનું ઘટક છે. જયારે લોહીમાં લાઇપોપ્રોટીન(એ)
નું પ્રમાણ ૩૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ હોય ત્યારે નાની ઉંમરે હાર્ટ
એટેક આવવાની શકયતા ખૂબ વધી જાય છે.
લાઇપોપ્રોટીન(એ) નું પ્રમાણ દવાઓની મદદથી થોડુંક ઘટાડી શકાય છે પરંતુ આ
રીતે પ્રમાણ ઘટાડવાથી હ્રદયરોગની શકયતા ઘટે છે કે નહીં એ હજી સુધી જાણી
શકાયું નથી. દુર્ભાગ્યે, આ લાઇપોપ્રોટીન(એ) નું લોહીમાં પ્રમાણ જાણવા
માટેની ટેસ્ટ ખૂબ મોંઘી અને અટપટી છે એટલે રૂટીન ટેસ્ટ તરીકે આ
લાઇપોપ્રોટીન(એ) કરવામાં નથી આવતુ. પરંતુ જે કુટુંબ કે વ્યક્તિમાં ખૂબ નાની
ઉંમરે હાર્ટ એટેક આવવાનો ઇતિહાસ હોય એમાં આ ટેસ્ટ કરાવવો ઉપયોગી સાબિત થઇ
શકે.
વધુ
પડતા માનસિક તાણને કારણે હ્રદયરોગ થવાની શકયતાઓ વધી જાય છે. હાર્ટ એટેક
આવવાનું જોખમ ગુસ્સો કર્યા પછીના બે કલાકમાં ૨.૩ ગણું વધી જાય છે22.
વયોવૃધ્ધ વ્યક્તિમાં ગુસ્સાને કારણે એટેક આવવાની શકયતા ઓર વધી જાય છે.
સૌથી વધુ ગુસ્સો ધરાવનાર વડીલોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ સૌથી ઓછા
ગુસ્સાવાળા વડીલો કરતાં ત્રણ ગણું વધારે હતું23.
ગુસ્સાને કારણે આખા શરીરમાં એવાં પરિવર્તનો થાય છે જેને કારણે હ્રદયને
લોહી પહોંચાડતી ધમનીઓ સંકોચાય છે અને લોહી ગંઠાઇ જવાની પ્રક્રિયા ઝડપી બને
છે. આ બંને પરિબળો હાર્ટ એટેકનો હુમલો લાવવામાં અગત્યનો ફાળો આપે છે. આ
ઉપરાંત, વેરભાવ અને હ્રદયરોગને સીધો સંબંધ છે એવું તાજેતરના અભ્યાસો
ભારપૂર્વક જણાવે છે. થોડાં વર્ષો પહેલાં એવું મનાતું હતું કે 'ટાઇપ એ'
પ્રકારનું વ્યક્તિત્વ ધરાવનારાઓને હ્રદયરોગ થવાની શકયતા વધારે હોય છે. જે
વ્યક્તિઓ ખૂબ જ સ્પર્ધાત્મક અભિગમ ધરાવતી હોય, ખૂબ મહાત્વકાંક્ષી હોય, ખૂબ જ
ઉતાવળી હોય (કાયમ સમયની ખેંચમાં જીવતી હોય) અને આક્રમક સ્વભાવની હોય એમને
'ટાઇપ એ' પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતી કહેવામાં આવે છે. આવી વ્યક્તિઓમાં
હ્રદયરોગનું પ્રમાણ વધારે હોય છે. 'ટાઇપ એ' વ્યક્તિત્વમાં પણ આક્રમક
સ્વભાવના, વારંવાર ગુસ્સો કે ઝગડો કરી બેસતા લોકોને હ્રદયરોગ થવાની શકયતા
સૌથી વધારે હોય છે24. આમ, શારીરિક સ્વાસ્થ્ય માટે હવે વ્યક્તિત્વના પ્રકાર કરતાં વધુ મહતત્વ આક્રમક ઝગડાખોર સ્વભાવનું છે.
આક્રમકતા - ઝગડાખોર સ્વભાવને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં આવે તો, એનાં
ઘણાં બધાં પાસાં હોય છે. ગુસ્સો, આક્રમકતા અને કાયમી નિરાશાપૂર્ણ કે વાંકી
દ્રષ્ટિ વગેરે, આક્રમક સ્વભાવને ત્રણ વિભાગમાં વહેંચે છે - (૧) આક્રમક
વિચાર (અવિશ્વાસ, બીજાનો વિરોધ કરવાની ઇચ્છા, બીજાને નુકસાન પહોંચાડવાનો
વિચાર વગેરે); (૨) આક્રમણનો અનુભવ (કોઇના ગુસ્સાનો ભોગ બનવું, અપમાન કે માર
સહન કરવાં); (૩) આક્રમક કર્તવ્ય (ગુસ્સે થઈને બોલવું, ચીડાવું, અપમાન
કરવું કે માર મારવો). આ બધા પ્રકારને સહેલાઇથી છુટા પાડવાનું અઘરું છે
પરંતુ તે છતાં ઊંડાણપૂર્વક થયેલા અભ્યાસો જણાવે છે કે આક્રમક કર્તવ્ય
હ્રદયરોગ સાથે સૌથી ગાઢ સંબંધ ધરાવે છે.
જયારે જયારે માણસ એવી પરિસ્થિતિમાં આવી જાય કે જેમાંથી નીકળવા માટે બે જ
રસ્તા બાકી રહે - કાં તો લડીને પરિસ્થિતિનો સામનો કરવો અથવા ભાગી છુટવું,
ત્યારે શરીરમાં થતાં પરિવર્તનો 'ફાઇટ ઓર ફલાઇટ રીસ્પોન્સ' ('લડો અથવા ભાગો'
એવી પ્રતિક્રિયા) તરીકે ઓળખાય છે. મુશ્કેલીભરી પરિસ્થિતિમાં શરીરને મદદરૂપ
થવા અને ત્યારે માણસની જિંદગી બચાવવા માટે ઉપયોગી આ પ્રતિક્રિયા શરીરમાં
નીચે મુજબના ફેરફારો કરીને શરીરને ઇજાથી બચાવવા કોશીશ કરે છે.
- આપણા શરીરના સ્નાયુઓ સંકોચાવા લાગે છે જેથી ઝડપભેર હલનચલન થઇ શકે અને કંઇક વાગે તો એનાથી બહુ ઊંડી ઇજા ન થાય.
- આપણો શ્વાસોશ્વાસનો દર વધી જાય છે જે શરીરને કટોકટીના સમયે જરૂરી વધુ ઓકિસજન પૂરો પાડવામાં મદદરૂપ થાય છે.
- શરીરની અંદર ચયાપચયની પ્રક્રિયા ઝડપી થઇ જાય છે જેથી શરીરના કોષોને વધુ શક્તિ મળી રહે.
- આપણા હ્રદયના ધબકારા અને દરેક ધબકારે થતું લોહીનું પંપીંગ વધી જાય છે જેથી દરેક કોષોને પૂરતા પ્રમાણમાં લોહી પહોંચે.
- આપણું પાચનતંત્ર કામ ઘટાડી નાખે છે. જેથી વધુ લોહી સ્નાયુઓમાં પહોંચી શકે, જેનાથી લડવાનું કે ભાગવાનું સારી રીતે થઇ શકે.
- વારંવાર પેશાબ કે ઝાડે જવાની હાજત થાય. એટલે જો પેટમાં કંઇક વાગે તો ચેપ (ઇન્ફેકશન) થવાની શકયતાઓ ઘટી જાય.
- ચામડીને મળતો લોહીનો પ્રવાહ ઘટી જાય; હાથ પગની ચામડી ફિકકી અને ઠંડી થઇ જાય, જેથી કંઇક વાગે તો લોહી આછું નીકળે.
- લોહી ગંઠાવાની પ્રક્રિયા એકદમ ઝડપી થઇ જાય, જેથી લોહી નીકળે તો તરત બંધ થઇ જાય.
- આંખોની કીકી પહોળી થઇ જાય જેથી અંધારામાં પણ સ્પષ્ટ દેખાય અને શ્રવણશક્તિ સતેજ થઇ જાય.
આમ, કટોકટીભરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કુદરતે એવી ઝીણવટભરી ગોઠવણ
કરી છે કે શરીરને ઓછામાં આછું નુકસાન પહોંચે અને કટોકટી પાર ઉતરી જાય. પણ આ
રચના કયારેક જ ઉભી થતી કટોકટી માટે છે જે ક્ષણિક હોય અને પછી કટોકટી પૂરી
થઇ જતી હોય. દા.ત. રસ્તો ઓળંગતી વખતે અચાનક કોઇ વાહન તમારી તરફ ધસી આવે તો
ઉપર જણાવેલ બધી પ્રતિક્રિયા ('લડો અથવા ભાગો') તમારા શરીરમાં થશે. જેવી
કટોકટીભરી પરિસ્થિતિ પૂરી થશે, તમે નિરાંતનો શ્વાસ લેશો - તમને કદાચ થોડીક
નબળાઇ જેવું અનુભવાશે; બેસવાની ઇચ્છા થશે, ચામડી પર ફરી પાછું લોહી બરાબર
ફરવા લાગશે અને ફિક્કાશ દૂર થશે. આ પછી થોડીક મિનિટોમાં પૂર્વવત્ સામાન્ય
સ્થિતિ સ્થપાશે.
'લડો અથવા ભાગો'ની પ્રતિક્રિયા વખતે શરીરમાં એડ્રીનાલીન અને
નોરએડ્રીનાલીન નામના રસાયણનું પ્રમાણ વધી જાય છે. આ રસાયણો શરીરના ઘણા બધા
અવયવો પર જાતજાતની અસર કરે છે. મુખ્યતત્વે, ચામડી પરની અને અન્ય
રકતવાહીનીઓને સંકોચવાનું કામ આ રસાયણોને કારણે થાય છે. રકતવાહીનીઓના
સંકોચનના કારણે બ્લડપ્રેશર વધે છે અને ચામડી પર જતો લોહીનો પ્રવાહ ઘટે છે.
વળી, આ રસાયણોની હ્રદય ઉપર સીધી અસર થવાને લીધે હ્રદયની ગતિ વધે છે અને
ઝડપથી હ્રદય ધબકવા લાગે છે. હવે, કોઇ કારણસર કોઇ વ્યક્તિ એક કટોકટી પાર
પાડે ત્યાં બીજી ઉપાધિ હાજર થઇ જાય અને બીજી તકલીફ ચાલુ હોય ત્યાં ત્રીજી
હાજર થઇ જાય તો એ માણસની પરિસ્થિતિ શું થાય? એવી મુશ્કેલ પરિસ્થિતિઓ
રોજેરોજ સર્જાય છે જયારે માણસને લડવાની કે ભાગી છુટવાની ઇચ્છા થઇ આવે.
જયારે ક્ષણિક ઘટના કાયમ ક્ષણે ક્ષણે બનતી રહે ત્યારે આ 'લડો અથવા ભાગો' -
પ્રતિક્રિયા ફાયદો કરવાને બદલે નુકસાન કરવા માંડે છે. આને પરિણામે હ્રદય પર
કામનો કુલ બોજો વધે છે અને હ્રદયને વધારાનું કામ કરવા માટે વધારે લોહીની
જરૂર પડે છે. હ્રદયને લોહી પહોંચાડતી ધમનીઓ પણ એડ્રીનાલીન અને
નોરએડ્રીનાલીનની અસર હેઠળ સાંકડી થવાને લીધે હ્રદયને જરૂર હોવા છતાં પૂરતુ
લોહી મળી નથી શકતું. આમ, હ્રદયરોગ વકરે છે. કાયમ જો આપણા પાચનતંત્રને આછું
લોહી મળે; કાયમ હ્રદયના ધબકાર અને શ્વાસોશ્વાસનો દર વધુ રહે; કાયમ સ્નાયુઓ
તાણ હેઠળ રહે કે કાયમ આંખની કીકી પહોળી રહે તો શરીરને કેટલું બધું નુકસાન
પહોંચે!
આજે સતત માનસિક તાણ હેઠળ જીવતા લોકો માનસિક કારણોસર, કાલ્પનિક લડાઇ લડયા
કરતાં હોય છે અને વારંવાર શરીરની અંદર 'લડો અથવા ભાગો' જેવી પ્રતિક્રિયા
જગાવતા હોય છે. આખો દિવસ કોઇ એક મુદ્દા પર ચિંતા કર્યા કરનાર વ્યક્તિના
શરીરમાં જાતજાતની પ્રતિક્રિયાઓ ચાલ્યા કરે છે જેને પરિણામે શરીરને નુકસાન
પહોંચે છે અને મનોશારીરિક (સાઇકોસોમેટીક) રોગો ઉદભવે છે.
મનના વિચારો અને ચિંતાને કારણે શરીરમાં થતી પ્રતિક્રિયાઓનો પણ વિગતવાર
અભ્યાસ ઘણા વૈજ્ઞાનિકોએ કર્યો છે. એક અભ્યાસમાં તંદુરસ્ત વ્યક્તિઓની મનમાં
ને મનમાં ગણિતના દાખલા ગણવાની હરિફાઇ યોજવામાં આવી. આ દાખલા ગણતાં પહેલાં
અને દાખલા ગણતી વખતે તંદુરસ્ત વ્યક્તિઓનું બ્લડપ્રેશર, હ્રદય દ્વારા
લોહીનું પંપીંગ અને હ્રદયના ધબકારા માપવામાં આવ્યા. બધાના આષ્ચર્ય વચ્ચે
દાખલાની હરિફાઇ વખતે હ્રદયના ધબકારા બ્લડપ્રેશર અને હ્રદય દ્વારા લોહીના
પંપીંગમાં નોંધપાત્ર વધારો જણાયો!! જો સાદા દાખલા ગણવાની હરિફાઇમાં આવા
ફેરફારો થતા હોય તો રોજની જીવન જીવવાની હરિફાઇમાં-ધંધાની હરિફાઇમાં; સમયસર
કામ પૂરું કરવાના ટેન્શનમાં, સમયસર ઓફીસ પહોંચવાની લ્હાયમાં...વગેરે
રોજિંદી ઘટનાઓમાં પણ આમ જ બ્લડપ્રેશર વધી જતું હશે ને!
આવા જ અન્ય એક અભ્યાસમાં પી.ઇ.ટી. સ્કેનની મદદથી આરામના સમયે અને દાખલા
ગણતી વખતે હ્રદયને પોતાના માટે મળતાં લોહીના પ્રવાહનો અંદાજ કાઢવામાં
આવ્યો. આ અભ્યાસમાં જણાયું કે દાખલા ગણતી વખતે હ્રદયની ધમનીઓ સંકોચાય છે
અને એટલે હ્રદયને મળતો લોહીનો જથ્થો ઘટે છે. અને આ રીતે હ્રદયને થોડુંક
આછું લોહી પહોંચે તો તંદુરસ્ત વ્યક્તિને કોઇ નુકસાન ન પહોંચે પરંતુ જેમના
હ્રદયમાં હ્રદયરોગને કારણે આછું લોહી જ પહોંચતું હોય એમને માટે આટલો ઘટાડો
પણ વિપરીત અસર કરી શકે.
સતત માનસિક તાણ રહેવાને કારણે શરીરમાં કોર્ટીસોલ નામના અંત:સ્રાવનું
પ્રમાણ પણ વધે છે જે હ્રદયની ધમનીઓને સાંકડી કરવાની પ્રક્રિયા વધારે છે. જે
માણસ દિવસનો મોટાભાગનો સમય ગુસ્સા અને નિરાશામાં વિતાવે છે એના હ્રદયને
સતત નુકસાન પહોંચ્યા કરે છે અને લાંબે ગાળે હાર્ટ એટેક આવવાની શકયતાઓ ખૂબ
વધી જાય છે. આક્રમક સ્વભાવને કારણે દારૂ કે સિગારેટનુ વ્યસન થવાની શકયતાઓ
પણ વધી જાય છે અને બીજી બાજુથી આવા વ્યસનો હ્રદયરોગની શકયતા વધારી દે છે.
આમ, આક્રમક સ્વભાવ અને વ્યસનની જોડી તંદુરસ્તીને ખેદાન મેદાન કરી નાખવામાં
સહેજ પણ કચાસ નથી રાખતા.
રોજની
એક પેકેટ સિગારેટ ફૂંકનાર માણસને હ્રદયરોગ થવાની સંભાવના સિગારેટ ન પીતા
માણસ કરતાં ત્રણથી પાંચ ગણી વધારે હોય છે. રોજ પંદરથી ઓછી સિગારેટ
પીનારાઓમાં હ્રદયરોગથી મૃત્યુ થવાની શકયતા સિગારેટ ન પીનાર કરતાં ૧.૮ મૃત્ય
ગણી વધારે હોય છે.
સિગારેટ પીવાને કારણે હ્રદયરોગથી મૃત્યુ થવાની શકયતામાં આશરે સિત્તેર
ટકા જેટલો વધારો થાય છે, એટલું જ નહિ સિગારેટ પીવાનું છોડી દેવાથી હ્રદયરોગ
થવાની શકયતાઓ તરત જ ઘટવા લાગે છે, અને સિગારેટ છોડવાનાં ત્રણેક વર્ષમાં તો
એ ઘટીને સિગારેટ ન પીવાવાળા જેટલી જ થઇ જાય છે.
જે લોકો બીડી - સિગારેટ પીતા નથી પરંતુ એના ધુમાડાના સંપર્કમા સતત આવ્યા
કરે છે (પરોક્ષ ધુમ્રપાનનો ભોગ બને છે) એ લોકોમાં પણ હ્રદયરોગનું પ્રમાણ
વધી જાય છે. પરોક્ષ ધુમ્રપાનને કારણે સ્ત્રીઓમાં ૧.૨ ટકા (૪.૯ ટકાને બદલે
૬.૧ ટકા) અને પુરૂષોમાં ૨.૨ ટકા (૭.૪ ટકાને બદલે ૯.૬ ટકા) જેટલી હ્રદયરોગથી
મૃત્યુ થવાની શકયતા વધી જાય છે4.
બીડી - સિગારેટ જેટલું જ નુકસાન તમાકુને કોઇપણ સ્વરૂપે ચાવવાથી થાય છે.
કુલ ૧,૩૫,૦૩૬ લોકોના ૧૨ વર્ષ સુધી ચાલેલા એક અભ્યાસમાં એવું જાણવા મળેલું
કે તમાકુનો કોઇપણ સ્વરૂપે વપરાશ ન કરનાર વ્યક્તિ કરતાં તમાકુ (પાન - માવા -
ગુટખા વગેરે) ખાનારાઓમાં હ્રદયરોગને કારણે મૃત્યુ થવાની શકયતા ૧.૪ ગણી
વધારે હોય છે5.
તમાકુને કારણે, શરીરમાં ફાયદાકારક (એચ.ડી.એલ.) કોલેસ્ટેરોલમાં નોંધપાત્ર
ઘટાડો થાય છે અને ટ્રાયગ્લીસરાઇડમાં વધારો થાય છે. તમાકુને કારણે હ્રદયને
લોહી પહોંચાડતી ધમનીઓ સંકોચાય છે અને પરિણામે, એન્જાઇના પેકટોરીસ થવાની
શકયતા વધી જાય છે. તમાકુ હ્રદયની ધમનીના અંદરના પડ પર અને ત્રાકકણો પર પણ
એવી ખતરનાક અસર કરે છે કે જેથી હાર્ટ એટેક આવવાની શકયતા ખૂબ જ વધી જાય છે.
આમ, હ્રદયને અનેક મોરચે નુકસાન પહોંચાડવાનું કામ તમાકુ કરે છે. એટલે જ
હ્રદયરોગનાં દર પાંચમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ હોય છે.
લોહીનું
ઊંચુ દબાણ (હાઇબ્લડપ્રેશર) હ્રદયરોગ કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.
હાઇબ્લડપ્રેશરવાળા માણસમાં હ્રદયરોગ થવાની સંભાવના નોર્મલ બ્લડપ્રેશરવાળા
માણસ કરતાં પાંચ ગણાથી પણ વધારે છે. જો કે બ્લડપ્રેશરને દવાઓથી બરાબર
નિયંત્રણમાં રાખવામાં આવે તો હ્રદયરોગ થવાની સંભાવનામાં ઘટાડો થાય છે.
હાઇબ્લડપ્રેશરના ૪,૨૦,૦૦૦ દર્દીઓ પર દશ વર્ષ સુધી થયેલા અભ્યાસમાં
જણાયું કે જેટલા પ્રમાણમાં બ્લડપ્રેશર વધુ રહે એટલા પ્રમાણમાં હ્રદયરોગ
થવાની શકયતા વધે છે6.
એક જ સમાજમાં, સૌથી વધુ બ્લડપ્રેશર ધરાવનાર લોકોમાં સૌથી આછું બ્લડપ્રેશર
ધરાવનાર લોકો કરતાં હ્રદયરોગ થવાની શકયતા પાંચથી છ ગણી વધારે હોય છે.
નીચેના (ડાયાસ્ટોલીક) બ્લડપ્રેશરમાં દર સાડાસાત મિ.મિ.નો વધારો હ્રદયરોગની
શકયતામાં ૨૯ ટકાનો વધારો કરે છે. દવાઓ લઇને હાઇબ્લડપ્રેશર કાબૂમાં રાખવાથી
હ્રદયરોગની શકયતામાં આશરે ૧૪ ટકા જેટલો ઘટાડો થાય છે6.
ડાયાબિટીસની
બીમારીને કારણે હ્રદયરોગ થવાની શકયતા બમણી થઇ જાય છે. ખાસ તો નાની ઉંમરે
અથવા સ્ત્રીઓમાં થતો ડાયાબિટીસ, દર્દીને હ્રદયરોગની ખૂબ નજીક પહોંચાડી દે
છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં રજોનિવૃત્તિ પહેલાં હ્રદયરોગ થવાની શકયતા
નહિવત્ હોય છે, પરંતુ ડાયાબિટીસની હાજરી સ્ત્રીઓને હ્રદયરોગ સામે મળતું આ
સંરક્ષણ હટાવી દે છે અને રજોનિવૃત્તિ પહેલાં પણ હ્રદયરોગ થઇ શકે છે.
ડાયાબિટીસની હાજરીને કારણે હ્રદયરોગથી મૃત્યુ થવાની શકયતા પુરુષોમાં ૧.૯ ગણી અને સ્ત્રીઓમાં ૩ ગણી વધી જાય છે11.
ડાયાબિટીસના દર્દીઓમાં એથેરોસ્કલેરોસિસની પ્રક્રિયા ઝડપી અને વ્યાપક બને
છે. ડાયાબિટીસના ઘણા દર્દીઓમાં ટ્રાયગ્લીસરાઇડ નામના ચરબીના ઘટકનું પ્રમાણ
ખૂબ વધી જાય છે અને એચ.ડી.એલ. (સારા) કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટી જાય છે. આ
ઉપરાંત, ડાયાબિટીસને કારણે એલ.ડી.એલ કોલેસ્ટેરોલનું ઓકિસડેશન અને ગ્લાઇકેશન
વધી જાય છે જે એથેરોસ્કલેરોસિસની પ્રક્રિયા ઝડપી બનાવે છે. ડાયાબિટીસના
ઘણા દર્દીઓમાં ઇન્સ્યુલિનની અસરકારકતા ઘટી જાય છે અને એટલે ઘણા વધારે
પ્રમાણમાં ઇન્સ્યુલિન બને છે. વધારે પડતા ઇન્સ્યુલિનને પરિણામે ધમનીની
દિવાલોના કોષોની વૃદ્ધિ ઝડપી બને છે અને વધારે કોલેસ્ટેરોલ ધમનીની
દિવાલોમાં જમા થયા કરે છે. પરિણામે ધમનીઓ જલ્દી સાંકડી અને કઠણ થવા લાગે
છે.
વધારે
પ્રમાણમાં હોમોસીસ્ટીન (એમિનો એસિડ): હ્રદયરોગના દર્દીઓમાં હ્રદયરોગ કરવા
માટે જવાબદાર એવાં ૨૦૦થી વધુ પરિબળો (જોખમો) શોધાયાં છે. નવું નોંધપાત્ર
પરિબળ છે - લોહીમાં હોમોસીસ્ટીન નામના એમિનો એસિડનું વધુ પડતું પ્રમાણ.
તંદુરસ્ત માણસના લોહીમાં સામાન્ય રીતે ૫ થી ૧૫ મિ.મોલ./લિ. જેટલું
હોમોસીસ્ટીન હાજર હોય છે. જયારે આ પ્રમાણ થોડુંક પણ વધે ત્યારે હ્રદયરોગનું
જોખમ વધી જાય છે . ઘણા બધા અભ્યાસોમાં એવું જણાયું છે કે, જો ખોરાકમાં
પાઇરીડોક્ષીન, ફોલીક એસિડ અને વીટામીન બી-૧૨ જેવા બી કોમ્પ્લેક્ષ જૂથના
વિટામિનોનું પ્રમાણ વધારી દેવામાં આવે તો હોમોસીસ્ટીનનું વધેલું પ્રમાણ
ઘટાડી શકાય છે. દૂધ, લીલાં શાકભાજીઓ, ફળો, કઠોળ અને અનાજમાં આ વિટામિન
ભરપૂર હોય છે. જો લોહીની તપાસમાં હોમોસીસ્ટીનનું પ્રમાણ વધુ આવે તો શરૂઆતના
તબકકામાં દવા સ્વરૂપે આ વિટામિનો લઇ લેવાં જોઇએ. રોજનું એક મિ.ગ્રા.
જેટલું ફોલિક એસિડ જ મોટાભાગનું વધેલું હોમોસીસ્ટીન ઘટાડી નાંખે છે. (વૃદ્ધ
વ્યક્તિઓમાં ફોલિક એસિડ સાથે વિટામિન બી-૧૨ (૩૦૦ માઇક્રોગ્રામ જેટલું) પણ
આપવું જોઇએ. ટૂંકમાં, હવે કદાચ લોહીના સુગર અને કોલેસ્ટેરોલની જેમ જ
હોમોસીસ્ટીન મપાવવાનુ રૂટીન શરૂ કરવું પડે. અને રિપોર્ટ મુજબ યોગ્ય ખોરાકની
કે દવાની સલાહ આપી શકાય.
બેકટેરિયાનો
ચેપ (કલેમાઇડીયા ન્યૂમોની): તાજેતરના સંખ્યાબંધ અભ્યાસો એવો નિર્દેશ આપે
છે કે કદાચ હ્રદયરોગનો સબંધ કલેમાઇડીયા ન્યૂમોની નામના બેકટેરિયા સાથે હોય.
કલેમાઇડીયા ન્યૂમોનીના ચેપની હાજરી હોય તો હ્રદયરોગ થવાની શકયતા ૨૮ ટકા
જેટલી ઊંચી રહે છે. જો આ ચેપ ગેરહાજર હોય તો આવી શકયતા ૭ ટકા જેટલી હોય છે.
અને જો એન્ટીબાયોટિક દવાનો કોર્સ કરી લેવામાં આવે તો પછી હ્રદયરોગની શકયતા
૨૮ ટકાથી ઘટીને ૮ ટકા થઇ જાય છે25.
હ્રદયરોગ થવાનું મૂળ કારણ હ્રદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં
એથેરોસ્કલેરોસિસ તરીકે ઓળખાતો ધમનીઓ કઠણ અને સાંકડી થઇ જવાનો રોગ છે. આ
એથેરોસ્કલેરોસિસની પ્રક્રિયા ઝડપી બનાવવામાં કલેમાઇડીયા બેકટેરિયા ફાળો આપે
છે એવી ધારણા કરવામાં આવે છે. અલબત્ત, હજી બધા વૈજ્ઞાનિકોએ આ બેકટેરિયાના
ચેપની થીયરી સ્વીકારી નથી. હજી વધુ સંશોધનો આ રસપ્રદ વિષય પર વધુ પ્રકાશ
ફેંકી શકશે. આમ, હ્રદયરોગ થવાનું કારણ અનેક પરિબળોનું મિશ્રણ હોય છે. આ
પરિબળોમાંથી બધાં દૂર ન થઇ શકે તો પણ શકય એટલાં પરિબળો દૂર કરીને માણસ
હ્રદયરોગથી દૂર રહી શકે ખરો.