કોકા
વનસ્પતિના પાનમાંથી કોકેઇન મળે છે. આ ઉત્તેજક પદાર્થ છે. ચામડી પર
લગાવવામાં આવે તો એ ભાગની સંવેદના અને રકતપ્રવાહ ઘટાડી દે છે. જયારે મોં
વાટે ખાવાથી, નાક વાટે સુંઘવાથી, નસ વાટે ઇન્જેકશનથી કે ધૂમ્રપાન સ્વરૂપે
ફૂંકવાથી એ શરીરની અંદર પ્રવેશે ત્યારે માણસના મન અને વર્તન ઉપર ગાઢ અસર
કરે છે. સામાન્ય રીતે કોકેઇનના વ્યસનની શરૂઆત નાક વાટે છીંકણીની જેમ એનો
પાવડર સુંઘવાથી થાય છે. નાકથી સુંધ્યા પછી ત્રણ થી પાંચ મિનિટની અંદર
કોકેઇનની અસર શરૂ થઇ જાય છે; દશ-બાર મિનિટમાં તો એની સર્વોચ્ચ અસર દેખાય છે
અને અડધાથી એક કલાક પછી બધી અસર ખતમ થઇ જાય છે.
કોકા-પેસ્ટ અથવા કોકેઇન-ફ્રી બેઝનો ઉપયોગ ધૂમ્રપાનથી કોકેઇન લેવા
માટે થાય છે. ધૂમ્રપાન દ્વારા કે નસમાં ઇન્જેકશન દ્વારા જયારે કોકેઇન
લેવામાં આવે ત્યારે ગણતરીની સેંકડોમાં (૮ થી ૧૦ સેકન્ડમાં) એની અસર શરૂ થઇ
જાય છે અને કલાકેકમાં અસર પૂરી થઇ જાય છે.
કોકેઇનને કારણે મનમાં ઉત્તેજના આવે ''મૂડ ખીલે છે, અને ''બધું સારું લાગે
છે. સાથે સાથે બ્લડપ્રેશર, હ્રદયના ધબકારા અને શરીરનું તાપમાન પણ થોડુંક
વધે છે. જો ડોઝ વધી જાય તો વધુ બ્લડપ્રેશર કે વધુ પડતા તાવને કારણે
કોકેઇનના બંધાણીનું મૃત્યુ થાય છે. કોકેઇન લેવાથી હ્રદયના ધબકારા અનિયમિત
થઇ જવાને લીધે કે ખેંચ આવવાને કારણે મૃત્યુ થયાના કિસ્સાઓ પણ નોંધાયા છે.
લિવર અને ફેફસાંને કાયમી નુકસાન કરવા માટે કોકા-પેસ્ટનું ધૂમ્રપાન જવાબદાર
જણાયું છે. લાંબા સમય સુધી કોકેઇનનું સેવન કરનાર વ્યક્તિ ગાંડા જેવો થઇ જાય
છે - બીજા લોકો પોતાને નુકસાન કરશે એવા વિચારો આવે અને ન હોય ત્યાં અવાજ
સંભળાવા કે કશું ન હોય તો પણ કંઇક દેખાયાનો ભ્રમ એવી વ્યક્તિને થયા કરે છે.
કોકેઇન લીધા પછી તરત જાતીયવૃત્તિઓ ઉશ્કેરાય છે પરંતુ એના લાંબા ગાળાના
વપરાશથી સામાજિક અને જાતીય જીવનમાંથી રસ ઉડી જાય છે. પુરૂષમાં નપુંસકતા અને
સ્તન મોટા થવાની તકલીફ તથા સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતા અને વંધ્યતત્વ
કોકેઇનના સેવનથી થઇ શકે છે. સગર્ભાવસ્થા દરમ્યાન કોકેઇનનું સેવન કરવાથી
ખોડખાંપણવાળું બાળક આવે છે.
કોકેઇન છોડાવવા માટે મનોચિકિત્સક, ફેમીલી ફીઝીશ્યન અને મનોસામાજિક
કાર્યકરની જરૂર પડે છે. કોકેઇન લીધા પછી એને બંધ કરવા ઇચ્છનાર વ્યક્તિને
હતાશા, ગુનાહીત લાગણીઓ, અનિદ્રા, ભૂખ મરી જવી વગેરે તકલીફો થાય છે.
સાઇકોથેરપી, ગૃપથેરપી, અને સામાજિક ટેકો દરેક વ્યસની માટે ખૂબ જરૂરી છે.
જરૂર પડયે ડોકટર ડેસિપ્રામીન જેવી ડિપ્રેશનમાં વપરાતી દવા કોકેઇન છોડાવવા
માટે આપતા હોય છે. જો કોકેઇનનો વધુ પડતો ડોઝ લેવાથી કોઇ તકલીફ થાય તો
તાત્કાલિક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે અને એનું જીવન બચાવવા માટે
ઇન્ટેન્સવ-કેર યુનિટમાં યોગ્ય સારવાર આપવી પડે છે.