વ્યસન મુક્તિ

5. ચરસ - ગાંજો - ભાંગ

કેનાબીસ ઈન્ડકા નામે ઓળખાતા ભાંગના છોડમાંથી ચરસ-ગાંજો અને ભાંગ જેવા નશીલા પદાર્થો મળે છે. આ છોડમાંથી મળતું રસાયણ આમ તો બિન-નશાકારાક હોય છે. પરતું એની પર પ્રકાશ પડવાથી ટેટ્રાહાલ્કેનાબીનોલ નામનો નશીલો પદાર્થ બને છે. આ વનસ્પતિનાં સૂકાં પાન અને અંકુરને ઉકાળીને ભાંગ બનાવવામાં આવે છે. ભાંગમાં લગભગ ૧૫ ટકા જેટલું નશીલું દ્રવ્ય હોય છે. તાજી બનાવેલ ભાંગ વધુ નશો કરાવે છે. ભાંગ નાંખીને બનાવેલ મિઠાઈને મજુન કહેવાય છે જે ભૂખ અને જાતીયવૃત્તિ ઉત્તેજવા માટે વપરાય છે.

કેનાબીસ ઈ(ન્ડકાના માદા છોડના ફૂલમાંથી ગાંજો બનાવવામાં આવે છે. એમાં ૧૫ થી ૨૫ ટકા નશીલું દ્રવ્ય હોય છે. મરીજુઆના તરીકે પણ ઓળખાતો આ પદાર્થ (ગાંજો) ધૂમ્રપાન વાટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે છોડની ડાળી અને પાનમાંથી 'રેઝિન્સ બનાવવામાં આવે ત્યારે ચરસ અથવા હશીશ બને છે. જેમાં ૩૫ થી ૪૦ ટકા નશીલાં દ્રવ્ય હોય છે. આનો ઉપયોગ પણ ધૂમ્રપાન વાટે જ થાય છે. હુકકા કે પાઈપમાં આ ચરસ નાખીને એનો ધુમાડો શ્વાસમાં ભરી લેવામાં આવે છે.

મોં વાટે ભાંગ કે મજુન લીધા પછી અડધા કલાકમાં એની અસર શરૂ થાય અને બે-ત્રણ કલાક સુધી રહે છે. શ્વાસમાં ગાંજો કે ચરસ લીધા પછી તરત એની અસર શરૂ થઈ જાય છે અને અડધા-એક કલાક સુધી રહે છે. થોડા પ્રમાણમાં આ નશીલાં દ્રવ્યો લેવાથી આંનદ અને સુખ-શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિ વધુ વાતચીત કરવા લાગે છે. વધુ પડતું બેહદ હસવાનું જોવા મળે છે. નશાની અસરમાં સમયનું ભાન બિલકુલ જતું રહે છે. સવાર-સાંજનું કે સમય પસાર થઈ રહ્યાનું ધ્યાનમાં આવતું નથી. ટૂકા-ગાળાની યાદશક્તિ ઘટી જાય છે - વાકય પૂરું બોલાઇ રહે ત્યાં સુધીમાં વાકયની શરૂઆત ભૂલી જવાય છે. એકાગ્રતા ઘટી જાય છે. વાહન ચલાવવાની ક્ષમતામાં ઘટાડો થાય.

ચરસ-ગાંજો કે ભાંગ લેવાથી આંખ લાલ થઇ જાય છે, અને હ્રદયના ધબકારા વધી જાય છે. હ્રદયરોગના દર્દીમાં એન્જાઇનાનો કે હ્રદયરોગનો હુમલો લાવવા માટે ચરસ-ગાંજો જવાબદાર બની શકે છે. ફેફસાંને નુકસાન કરવામાં આ પદાર્થો ફાળો આપે છે. ઊંઘ આવી ગયા પછી સામાન્ય રીતે નશો ઉતરી જાય છે

કયારેક નશાને કારણે આનંદનો અનુભવ થવાને બદલે દુ:ખ અને શત્રુતાનો અનુભવ થાય એવું પણ બને છે. લાંબો સમય સુધી નિયમિત ચરસ-ગાંજાનું સેવન કર્યા પછી અચાનક એ લેવાનું બંધ કરી નાંખવામાં આવે તો, ધ્રુજારી, પરસેવો, ઊબકા, ઊલટી, ઝાડા, બેચેની, ચીડિયાપણું, ભૂખ મરી જવી, ઊંઘ ન આવવી વગેરે જોવા મળે છે. આ બધી તકલીફ દારૂ કે અફીણ છોડનારાને થતી તકલીફ કરતાં ઘણી ઓછી છે અને આ વ્યસન છોડવા માટે કોઇ દવા કે સારવારની મોટે ભાગે જરૂર પડતી નથી. દ્દઢ મનોબળથી નિષ્ચય કરીને કાયમ માટે આ વ્યસન છોડી શકાય છે.