કોઇ પણ જાતના દુખાવામાં નોંધપાત્ર ઘટાડો કરે, થોડુંક ઘેન લાવે, ઉધરસ અને
ઝાડાનાં લક્ષણો દબાવી દે અને એક પ્રકારની 'બધું સારું ચાલી રહ્યું છે ની
(સારાપણાંની) લાગણી ઊભી કરે એવી અદભુત શક્તિ અફીણ અને એના જેવી દવાઓમાં
રહેલી છે. અફીણમાંથી અનેક તબીબી દવાઓ બને છે એ ઉપરાંત અનેક નશીલી દવાઓ પણ
એમાંથી બને છે. હેરોઇન અને બ્રાઉન સુગર આવી અફીણ જેવા ગુણધર્મ ધરાવતી નશીલી
દવાઓ છે. હેરોઇન એ સફેદ પાવડર સ્વરૂપે હોય છે અને ખૂબ મોંઘો હોય છે. આ
પાવડરમાં અન્ય પદાર્થ (દા.ત. ચુનો, રાખ કે કોઇપણ નકામી વસ્તુ) ભેળવીને મળતો
સસ્તો પાવડર બ્રાઉન સુગર તરીકે વેચવામાં આવે છે. અફીણ માત્ર મોં વાટે લઇ
શકાય છે જયારે હેરોઇન નસમાં ઇન્જેકશન વાટે અને બ્રાઉન સુગર ધુમાડા સ્વરૂપે
લેવામાં આવે છે.
અફીણનાં મન બહેલાવવાના અને દર્દ દૂર કરવાનાં લક્ષણોને કારણે એ લેવાની લાલચ
થાય છે, એટલું જ નહીં દેશી અને ઘરગથ્થુ દવાઓમાં પણ એનો ઉપયોગ થાય છે. એક
વાર લીધા પછી મગજની અંદર એવાં પરિવર્તનો કરે છે કે જેથી શરીર અને મન
વારંવાર એની માંગ કર્યા કરે અને એ ન મળે તો શારીરિક અને માનસિક તકલીફો ઊભી
થાય. અફીણનું બંધાણ ખૂબ જ ભારે હોય છે અને માણસને માનસિક, શારીરિક, આર્થિક
અને સામાજિક રીતે પાયમાલ કરી નાંખે છે.
અફીણનું બંધાણ શરૂ થવામાં સોબત અને સામાજિક રીતરિવાજ જવાબદાર હોય છે. ઘણી
જગ્યાએ બાળકો રડીને મા-બાપને હેરાન ન કરે એ માટે નાની ઉંમરે બાળક ઘોડિયામાં
હોય ત્યારથી રોજ થોડુંક અફીણ આપવામાં આવે છે! કયારેક કોઇક બીમારી કે પેટના
દુખાવા માટે પણ અફીણ આપવામાં આવે છે. દરેક લગ્ન કે મરણ પ્રસંગે ફરજિયાત
અફીણ લેવાની પ્રથા કેટલાંક સમાજમાં જોવા મળે છે.
લાંબા ગાળાના અફીણના વપરાશને કારણે શરીરના ચેતાતંત્ર, પાચનતંત્ર અને
શ્વસનતંત્ર પર આડ અસરો થાય છે. બૌદ્ધિક ક્ષમતામાં ઘટાડો થવો, કાયમી કબજિયાત
રહેવી, ભૂખ મરી જવી, શ્વસનતંત્રમાં વારંવાર ચેપ લાગવો, જાતીય જીવનમાંથી રસ
ઉડી જવો વગેરે તકલીફો લાંબે ગાળે જોવા મળે છે.
જો એક સાથે વધુ પ્રમાણમાં અફીણ લઇ લેવામાં આવે તો, શ્વાસોશ્વાસનો દર એકદમ
ઘટી જાય છે અને હ્રદયના ધબકારા પણ ઘટી જાય છે. આંખની કીકી એકદમ ઝીણી થઇ જાય
છે, શરીરનું તાપમાન ઘટવા લાગે છે અને દર્દી બેહોશ થઇ જાય છે. જો તાત્કાલિક
સારવાર ન મળે તો શરીર ભૂરું પડી જાય અને પછી મૃત્યુ થાય છે.
અફીણનાં બંધાણીઓને જો સમયસર અફીણ ન મળે તો, ઝાડા થઇ જાય, ઊબકા આવે, ખાંસી
આવે, આંખમાંથી પાણી નીકળે, નાક ગળે, ખૂબ પરસેવો થાય, હાથ-પગના સ્નાયુ
ખેંચાય, તાવ જેવું લાગે, શ્વાસોશ્વાસનો દર વધી જાય, આખા શરીરમાં કળતર થાય,
ખૂબ બગાસાં આવે, ઊંઘ ન આવે અને અફીણ માટે તીવ્ર તલપ લાગે. આ બધાં લક્ષણોની
શરૂઆત છેલ્લું અફીણ લીધાના આઠ થી સોળ કલાક પછી થાય છે, જેની તીવ્રતા ૩૬ થી
૭૨ કલાકની આસપાસ વધી જાય છે અને પાંચ થી આઠ દિવસ સુધી આવી વિશેષ તકલીફો થયા
પછી ધીમે ધીમે બધી તકલીફ જતી રહે છે.
જો પાંચ થી સાત દિવસ સુધી યોગ્ય દવાઓ આપીને આ તકલીફોને કાબૂમાં રાખવામાં
આવે તો સહેલાઇથી અફીણ છોડાવી શકાય છે. કેટલાક લોકોમાં છ મહિના સુધી થોડી
થોડી તકલીફ રહ્યા કરે અને એ દરમ્યાનમાં જો અફીણ મળી જાય તો ફરી પાછા એના
વ્યસની બની જાય છે. ભણશાળી ટ્રસ્ટ દ્વારા છેલ્લાં દશથી પણ વધુ વર્ષોથી
બનાસકાંઠામાં ચાલતા અફીણ-મુક્તિ કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં દશ હજારથી
પણ વધુ બંધાણીઓને સફળતાપૂર્વક અફીણ છોડાવી શકાયું છે. અલબત્ત, સામાજિક
રિવાજ, ચુંટણી અને લાલચને લીધે આશરે પચ્ચીસ ટકા બંધાણીઓમાં ફરીથી વ્યસન શરૂ
થઇ જાય છે. જો અફીણ મળવાનું બંધ થાય તો, આ વ્યસન સંર્પૂપણે નાબૂદ કરી
શકાય.