કેફીન એ કદાચ વિશ્વમાં સૌથી વ્યાપક વપરાતો કેફી પદાર્થ છે. ચા-કોફી-કોલા-કોકો-ચોકલેટ વગેરેમાં કેફીન અને થીયોબ્ર્રોમીન નામના ઉત્તેજક પદાર્થ હોય છે જે શરીરના અનેક તંત્ર ઉપર જાત જાતની અસર કરી શકે છે.
મગજને ઉત્તેજિત અને સક્રિય કરવાનું; વિચારો ઝડપી બનાવવાનું; કંટાળા અને થાકનો અનુભવ ઘટાડવાનું કે એને મોડો કરવાનું કામ આ પદાર્થ કરે છે. મગજને ઉત્તેજિત કરવા ઉપરાંત, હ્રદયના ધબકારા વધારવાનું, હાથ-પગમાં ધ્રુજારી કરવાનું, વધુ પેશાબ બનાવવાનું, ઊંઘ ઉડાડી દેવાનું, એસિડિટિ, ગાઉટ, પથરી વગેરે રોગો વધારી દેવાનું કામ પણ આ તતત્વો કરી શકે છે. બાળકોમાં વર્તણુંક-સંબંધિત તકલીફો અને બીમારી કરવા માટે કોલા જેવાં પીણાં જવાબદાર જણાયાં છે. ચિંતાતુર સ્વભાવ અને વર્તણુંક પણ ઘણી વખત કેફીનને આભારી હોય છે. કાયમ ચિંતામાં ખોવાયેલા લોકો ઉપરના એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે માત્ર કોફીનો વપરાશ બંધ કરવાથી ઘણા લોકોની ચિંતા ઘટી જાય છે. ચિંતાતૂર વ્યક્તિની કામ કરવાની ક્ષમતા ચા-કોફીના સેવનથી ઓર ઘટી જાય છે. વૃદ્ધોની ઊંઘ ઊડાડી દેવાનું કામ કેફીન કરે છે. ઊંઘ મોડી આવે; ઊંઘનો કુલ સમય ઘટે અને ઊંઘમાંથી વારંવાર ઉઠવુ પડે એવું કેફીનના સેવનથી થાય છે. યુવાનોમાં આ અસર ઓછી જોવા મળે છે પરંતુ ઉંમરની સાથે કેફીનની અસર વધતી જાય છે.
ઘણા બધા અભ્યાસો જણાવે છે કે ચા-કોફી-કોલા-કોકો-ચોકલેટ વગેરેમાં આવતા આ પદાર્થના વપરાશથી ઉપરનું (સિસ્ટોલિક) બ્લડપ્રેશર ૫ થી ૧૫ મિ.મિ. મકર્યુરી જેટલું અને નીચેનું (ડાયાસ્ટોલિક) બ્લડપ્રેશર ૫ થી ૧૦ મિ.મિ. મકર્યુરી જેટલું વધે છે. એક વખત કેફીન શરીરમાં જાય પછી અડધાથી એક કલાકમાં એની મહત્તમ અસર દેખાય છે અને પછી પાંચ કલાકમાં આ અસર અડધી થઇ જાય છે. જો વસ્તીનો દરેક સભ્ય કેફીનનું સેવન છોડી દે તો આખી વસ્તીના સરેરાશ બ્લડપ્રેશરમાં ૨ થી ૪ મિ.મિ. મકર્યુરી જેટલો ઘટાડો થાય. અને સરેરાશ બ્લડપ્રેશરમાં થતો આટલો ઘટાડો, આશરે ૯ થી ૧૪% હ્રદયરોગના હુમલા અને ૧૭ થી ૨૪% પેરાલિસિસના હુમલાને આવતા અટકાવી શકે. બ્લડ પ્રશર ઘટાડવાની બધી દવાઓના વપરાશ પછી પણ આટલો ઘટાડો શકય નથી જે માત્ર કેફીનનો વપરાશ બંધ કરવાથી થઇ શકે છે.!
કેફીનના સેવનથી હ્રદયના ધબકારા વધી જાય છે અને હ્રદયમાંથી વધુ લોહીનું પંપીંગ થાય છે. ટૂંકમાં કેફીનયુકત પીણાં હ્રદયની કામગીરી વધારી દે છે. આ ઉપરાંત, કોફીમાં રહેલ કાફેસ્ટોલ અને કાહ્વીઓલ નામનાં દ્રવ્યો લિવર પર વિપરીત અસર કરે છે અને પરિણામે કોલેસ્ટેરોલના ચયાપચયમાં વિક્ષેપ આવે છે. દિવસમાં પાંચ થી છ કપ ઉકાળેલી કોફી પીનાર વ્યક્તિના શરીરમાં નુકસનાકારક (એલ.ડી.એલ.) કોલેસ્ટેરોલનું પ્રમાણ ૯ થી ૧૪ ટકા જેટલું વધે છે. જો કોઇ વ્યક્તિના શરીરમાં નુકસનાકારક (એલ.ડી.એલ.) કોલેસ્ટેરોલનું પ્રમાણ ૧૦ ટકા જેટલું વધે તો એને હ્રદયરોગ થવાની શકયતામાં ૨૦ ટકા જેટલો વધારો થાય છે. (જો પેપર ફિલ્ટર વાપરીને કોફી બનાવવામાં આવે તો આ કોલેસ્ટેરોલ વધવાની અસર અટકાવી શકાય છે પણ ફિલ્ટરથી કેફીન ઘટતું નથી.)
રજોનિવૃત્તિ પછી ચા-કોફીનું સેવન કરવાથી હાડકાં નબળાં પડવાની તકલીફ (ઓસ્ટિયોપોરોસીસ) થાય છે. આખી જિંદગી દરમ્યાન શરીરમાં ગયેલ કુલ કોફી (અને અન્ય કેફીનયુકત પદાર્થ)નું પ્રમાણ હાડકાં નબળાં પડવાની તીવ્રતા નકકી કરે છે.
ચા, કોફી અને કોલા ડ્રીન્ક્સનું સેવન કરવાથી પેટમાં એસિડ બનવાની પ્રવૃત્તિ ઝડપી બને છે. જેમ વધુ કડક ચા-કોફી હોય તેમ એસિડિટિ થવાની શકયતા વધુ રહે છે. કેફીન કાઢી નાંખેલ (ડિ-કેફીનેટેડ) કોફીથી પણ આવી અસર થાય છે. કોલા ડિ્રન્ક પોતે જ ખૂબ એસિડિક હોય છે અને કાર્બોનેટેડ હોવાથી એસિડિટિ કરવાની શકયતા વધારી દે છે.
સગર્ભાવસ્થા દરમ્યાન જો કોફીનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો આવનાર બાળક ખોડખાંપણ ધરાવતું આવી શકે છે. રોજના પાંચ કપથી વધુ કોફી પીનાર સગર્ભા સ્ત્રીને કસુવાવડ થવાની, અધૂરા માસે બાળક જન્મવાની, અને ઓછા વજનવાળું બાળક આવવાની શકયતા વધી જાય છે. માત્ર કોફી જ નહીં પરંતુ કેફીન ધરાવતા દરેક પદાર્થ (દા.ત. ચોકલેટ કે કોલા ડ્રીન્કસ) સગર્ભાવસ્થા દરમ્યાન લેવાથી બાળકને નુકસાન થઇ શકે છે.
જો સ્તનપાન કરાવતી માતા કોકો પાવડર કે ચોકલેટ ખાય તો એના દૂધ વાટે બાળકના શરીરમાં પણ થીયોબ્ર્રોમીન જઇ શકે છે જેને કારણે બાળકમાં એલર્જીક લક્ષણો આવી શકે છે. કોકો પાવડર અને ચોકલેટમાં હીસ્ટામીન અને ટાઇરેમાઇન નામના તત્વો હોય છે જે અમુક સંવેદનશીલ વ્યક્તિઓમાં એલર્જી કરી શકે. આ ઉપરાંત ધાવણા બાળકની ઉંઘ ઊડાડી નાંખવા માટે અને ચીડિયાપણા માટે માતા દ્વારા કેફીનનું વધુ પડતું સેવન જવાબદાર હોય છે.
કોફી અને કેફીનના વધુ પડતા સેવનથી મૂત્રાશયનું કેન્સર થઇ શકે એવા પ્રાથમિક રિપોર્ટ છેલ્લા થોડા વખતથી મળી રહ્યા છે. કેફીનથી કેન્સર થવાની શંકા ઘણાં વૈજ્ઞાનિકોને છે જે હજી વધુ અભ્યાસોથી પાકી થઇ શકશે.
સાથેનાં કોષ્ટકમાં દર સો ગ્રામ ખાદ્ય પદાર્થમાં રહેલ કેફીન અને થીયોબ્રોમીનનું સરેરાશ પ્રમાણ જણાવેલ છે. આ કોષ્ટકમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, તૈયાર કોફીમાં દર સો ગ્રામે પચાસ મિ.ગ્રા. કેફીન આવે છે અને કોલા સોફટ ડ્રીન્કસમાં એ પ્રમાણ સો ગ્રામે દશ મિ.ગ્રા. જેટલું હોય છે. ઘણા લોકો નાના બાળકોને ચા-કોફી નથી આપતા પણ એટલું જ નુકસાન કરતાં ચોકલેટ અને કોલા સોફટડ્રીન્કસ છૂટથી લેવા દે છે! કોલા ડ્રીન્કસમાં રહેલ કેફીન ચા-કોફીના કેફીન જેવી જ આડઅસરો કરે છે. ઇ.સ. ૧૯૬૦ થી ૧૯૮૦ ની સાલ વચ્ચે દુનિયામાં કોફીના વપરાશમાં ૩૬% નો ઘટાડો નોંધાયો હતો પણ એ જ ગાળા દરમ્યાન કેફીનયુકત સોફટ ડ્રીન્કસના વપરાશમાં ૨૩૧% ટકા જેટલો ભારે વધારો નોંધાયો! આ જ રીતે કેફ્રીનયુકત ચોકલેટનું ચલણ પણ દિન-પ્રતિદિન વધતું જ જાય છે.
ખાદ્ય પદાર્થ (સો ગ્રામ) |
કેફીન (મિ.ગ્રા.) |
થીયોબ્રોમીન (મિ.ગ્રા.) |
કોફી પાવડર |
૩,૧૪૨ |
- |
કોફી પાવડર, ચીકોરી સાથે |
૨,૦૬૩ |
- |
ચા ભૂકી |
૪,૩૫૨ |
૨૯૩ |
કોકો પાવડર |
૨૩૦ |
૨,૦૫ |
તૈયાર કોફી |
૫૦ |
- |
એક્ષપ્રેસો કોફી |
૨૧૨ |
- |
તૈયાર ચા |
૨૦ |
૨ |
કોલા,સોફ્ટડ્રીન્કસ |
૧૦ |
- |
ડ્રીન્કીંગ ચોકલેટ |
૨ |
૨૩ |
મિલ્ક ચોકલેટ બાર |
૨૫ |
૧૦૦ |
ચા - કોફીનું વ્યસન છોડવા માટે કોઇ મોટા પ્રયત્ન કરવા નથી પડતા. સામાન્ય રીતે, માત્ર દ્દઢ નિશ્ચય અને માથાનો સામાન્ય દુખાવો સહન કરવાની તૈયારી હોય તો આપમેળે જ વ્યક્તિ વ્યસનમુકત થઇ શકે છે.