દારૂને
અંગ્ર્ર્રેજીમાં આલ્કોહોલ કહેવામાં આવે છે અને સામાન્ય વપરાશના
રસાયણશાસ્ત્રમાં એ ઇથેનોલ (અથવા ઇથાઇલ આલ્કોહોલ) તરીકે ઓળખાય છે. એની
રસાયણિક ફોમ્ર્યુલા છે - C2H5OH. દારૂની જુદી જુદી બનાવટોમાં જુદા જુદા
પ્રમાણમાં ઇથેનોલ અને પાણીનું મિશ્રણ હોય છે.
દારૂની બનાવટ |
ઇથાઇલ આલ્કોહોલના ટકા |
એબ્સોલ્યૂટ આલ્કોહોલ |
૯૯.૯૫ ટકા |
રેકિટફાઇડ સ્પિરિટ |
૯૦ ટકા |
રમ્સ અને લીકર્સ |
૫૦ - ૬૦ ટકા |
વ્હિસ્કી, બ્રાન્ડી, જિન |
૪૦ - ૪૫ ટકા |
પોર્ટ, શેરી |
૨૦ ટકા |
વાઇન |
૧૦-૧૫ ટકા |
બિયર |
૪-૮ ટકા |
દર વર્ષે વિશ્વભરમાં જેટલા વાહન અકસ્માતો થાય છે એમાંથી અડધોઅડધ અકસ્માત માટે દારૂ જવાબદાર હોય છે. આ જ રીતે, મોટાભાગની ઘરની અંદર કે ઘરની બહાર થતી મારામારી અને ખૂન પાછળ પણ દારૂ જ જવાબદાર હોય છે. દારૂની ખરાબ અસર શરીરના દરેકે દરેક તંત્ર પર થાય છે.
દારૂ
પીવાને કારણે શિક્ષણથી મેળવેલ નિર્ણય શક્તિ; નિરીક્ષણ શક્તિ; એકાગ્રતા અને
પ્રતિભાવ ક્ષમતામાં શુક્ષ્મ ઘટાડો થાય છે. વ્યક્તિ જે તે ક્ષણે પ્રર્વતમાન
વાતાવરણના આવેશમાં આવી જાય છે અને વ્યક્તિ પોતાનો મૂડ કાબૂમાં રાખવા
અસમર્થ બની જાય છે. શારીરિક અને માનસિક કાર્યક્ષમતામાં દારૂ પીવાથી ઘટાડો
થાય છે. જે વ્યક્તિ ટેન્શન-ચિંતાને કારણે સમાજમાં હળભળી ન શકતો હોય એને
દારૂ લેવાથી શરૂઆતમાં ટેન્શન-ચિંતા ઘટી ગયેલાં જણાય છે, અને બોલવામાં રહેલ
માનસિક નિયંત્રણ કે શરમ ઘટી જાય છે.
ઘણાં બધા અભ્યાસોથી સાબિત થયું છે કે દારૂ પીવાથી જોવાની ક્ષમતા ઘટી જાય
છે. રાતના ડ્રાઇવિંગ દરમ્યાન દારૂ પીધો હોય તો આંખમાં હેડલાઇટનો પ્રકાશ ગયા
પછી ફરીથી સામાન્ય દેખાવાનું શરૂ થતાં નોર્મલ કરતાં વધુ સમય લાગે છે.
સ્વાદ, ગંધ અને શ્રવણશક્તિમાં ઘટાડો માલૂમ પડે છે. સ્નાયુઓનું અંદરોઅંદર
કોઓર્ડિનેશન ઘટે છે. સ્થિર ઊભા રહેવામાં અનેે કોઇપણ પ્રતિક્રિયા કરવામાં
તકલીફ પડે છે. પોતાની ભૂલોને નજર અંદાજ કરવી અને કામ કરવામાં વધુ પડતો
આત્મવિશ્વાસ દારૂ પીવાથી આવે છે જે છેવટે કામની ગુણવત્તા ઘટાડી નાંખે છે.
દારૂના લાંબા ગાળાના વપરાશથી મગજ પર ખૂબ જ ખતરનાક અસરો થાય છે. યાદશક્તિનો
નાશ થાય અને શરીરનું બેલેન્સ (સમતોલન) જાળવવામાં તકલીફ પડે એ અઠંગ
દારૂડિયાનાં લક્ષણો છે. કાર્સાકોફ અને વર્નીક્સ સિન્ડ્રોમ તરીકે ઓળખાતી
બીમારી દારૂના અતિ-સેવનના કારણે જ થાય છે. આ બીમારીમાં દર્દી નવી કોઇ વસ્તુ
શીખી શકતો નથી અને જૂની વસ્તુઓ પણ ભૂલી જાય છે અને પોતે ભૂલી નથી ગયો એવું
દર્શાવવા ખોટી વાતો ઉપજાવી કાઢે છે. આ ઉપરાંત, આંખના ડોળાની ગતિ દરેક
દિશામાં નથી થઇ શકતી અને શરીરનું સમતોલન જળવાતું નથી. છેવટે 'આલ્કોહોલ
ડીમેન્સીયા તરીકે ઓળખાતી મગજ નબળું પડી જવાની તદ્દન અસાધ્ય બીમારી થઇ જાય
છે અને દર્દીનું જીવન દોજખ બની જાય છે.
દારૂની સૌથી વધુ ગંભીર અસર લિવર પર થાય છે. દારૂને કારણે લિવરમાં ચરબીનો ભરાવો થાય છે, લિવર પર સોજો આવે છે અને છેલ્લે, સાજા ન થઇ શકાય એવી સિરોસિસ તરીકે ઓળખાતી લિવરની ગંભીર તકલીફ ઊભી થાય છે. સિરોસિસ થવાને કારણે લિવરનું મોટાભાગનું કામકાજ ખોરવાઇ જાય છે, પેટમાં પાણીનો ભરાવો (જલોદર) થાય છે અને લોહીની ઊલટી થાય છે, જે કયારેક જીવલેણ બની શકે છે.
દારૂ પીવાથી બ્લડપ્રેશર વધે છે. આ ઉપરાંત ચામડીની રકતવાહિનીઓ પહોળી થાય છે જેને કારણે સહેજ ગરમાવો અનુભવાય છે, પરંતુ એનાથી શરીરની ગરમી જલદી ઘટવા લાગે છે. વધુ પડતી ઠંડીમાં દારૂ પીવાથી શરીર વધુ ઠંડુ પડવા લાગે અને એને કારણે મૃત્યુ પણ થઇ શકે.
હ્રદયની કોરોનરી ધમની સાંકડી થઇ જવાથી આવતા હાર્ટએટેક સામે થોડા પ્રમાણમાં દારૂ થોડુંક રક્ષણ આપે છે એવી એક શંકાસ્પદ રજૂઆત થાય છે. પરંતુ આની સામે દારૂ પીવાથી હ્રદયના સ્નાયુઓ ઉપર સીધું નુકસાન થાય છે જે અમુક દર્દીઓમાં હ્રદય પહોળું કરી નાંખીને હ્રદયની અસાધ્ય બીમારી ઊભી કરે છે. આલ્કોહોલિક કાર્ડિયોમાયોપથી તરીકે ઓળખાતી આ અસાધ્ય બીમારી ને લીધે હ્રદયનું પમ્પીંગ બરાબર થઇ શકતું નથી જેને કારણે સોજા આવવાની અને શ્વાસ ચઢવાની તકલીફો ઊભી થાય છે. દારૂના સેવનથી હ્રદયના ધબકારા પણ અનિયમિત થઇ જવાની શકયતા વધે છે.
દારૂ
પીવાથી જઠરની અંત:ત્વચાને નુકસાન પહોંચે છે. જઠરના કોષોને એસિડથી બચવામાં
શ્લેષ્મસ્તર ઉપર દારૂની સીધી અસરથી ગાબડાં પડે છે જેને લીધે કોષો સુધી એસિડ
પહોંચી પુષ્કળ એસિડિટિ કરે છે. એક વખત બરાબર દારૂ પીધા પછી જઠરની અંદર
નાના નાના લોહીના ટશિયા ફૂટે છે અને સોજો આવી જાય છે. કાયમી દારૂના
વ્યસનીમાંથી ૬૦ ટકા જેટલા લોકોને જઠર પર સોજો અને એસિડિટિ કાયમ માટે રહે
છે. એસિડિટિને કારણે કયારેક ઊલટી પણ થાય છે. આ ઉપરાંત લોહીમાં આલ્કોહોલનું
પ્રમાણ અમુકથી વધી જાય તો એની મગજ પર સીધી અસર થાય છે જે ઊલટીની શરૂઆત
કરાવે છે. લાંબે ગાળેે જઠરના એસિડ બનાવતા કોષો સાવ નાશ પામે એવું પણ બને
છે.
આ ઉપરાંત, આંતરડાંની અંત:ત્વચાને નુકસાન થવાથી ઝાડા થઇ શકે છે. સ્વાદુપિંડ
પર ઘણા દારૂડિયાઓને સોજો આવી જવાથી કુંપળીના ભાગે(પેટના સૌથી ઉપરના ભાગે
પાંસળીઓ વચ્ચે) સખત દુ:ખાવો થવાની તકલીફ (પેન્ક્રીએટાઇટીસ) થાય છે.
લિવર, સ્વાદુપિંડ, અન્નનળી, જઠર, ગળા અને સ્તનનાં કેન્સર થવાની શકયતા દારૂ પીવાથી ખૂબ વધી જાય છે
: દારૂ પીવાને કારણે શરીરમાં યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય છે. વળી જયારે વધુ પ્રમાણમાં દારૂ પીવામાં આવે ત્યારે કિડની દ્વારા યુરિક એસિડને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. લોહીમાં યુરિક એસિડ વધી જાય ત્યારે એ હાથ-પગની આંગળીના સાંધાઓમાં જમા થાય છે અને ખાસ તો પગના અંગૂઠાના મૂળ પાસેના સાંધા પર અચાનક સોજો અને દુ:ખાવો થવા લાગે છે. ગાઉટ તરીકે ઓળખાતો સાંધાનો આ દુ:ખાવો દારૂ બંધ કરી દેવાથી ઓછો થઇ જાય છે. હાથ-પગના સ્નાયુઓ નબળા પડવાનું, દુ:ખવાનું કે સોજો આવવાનું દારૂને કારણે બને છે જે આલ્કોહોલિક માયોપથી તરીકે ઓળખાય છે.
દારૂ પીવાથી હાડકાંનું કેલ્શિયમ ઘટે છે અને થોડીક ઇજા થવાથી ફ્રેકચર થવાની શકયતા વધી જાય છે. હાડકાંની અંદર અસ્થિમજામાં શ્વેતકણો અને રકતકણોનું ઉત્પાદન દારૂ પીવાથી ઘટી જાય છે.
દારૂ પીવાથી પેશાબ વધુ થાય છે. પરંતુ પેશાબ વાટે ક્ષારને બદલે પાણી વધુ નીકળે છે. દારૂથી જાતીય આવેગ અને ઇચ્છા વધે છે પરંતુ જાતીય સમાગમ સારી રીતે થઇ શકતો નથી. અન્ય શારીરિક ક્ષમતા ઘટવા સાથે જાતીય-ક્ષમતા પણ ઘટે છે. લાંબે ગાળે નપુંસકતા પણ આવે છે. સ્ત્રીઓ દારૂ પીવે તો એમના અંડકોષનું કદ ઘટી જાય છે અને વંધ્યત્વ પણ આવી શકે છે. પ્રસૂતિ વખતે દારૂ પીવાથી પ્રસૂતિની પ્રક્રિયા બિનજરૂરી લંબાય છે. સગર્ભાવસ્થા દરમ્યાન દારૂ પીવાથી ખોડખાંપણવાળું બાળક જન્મે છે જેને ''ફીટલ આલ્કોહોલ સિન્ડ્રોમ કહેવાય છે. કેટલાક આવાં બાળકો માનસિક રીતે કાયમ માટે પછાત રહે છે.
દારૂ પીવાને કારણે સોરીયાસીસ તરીકે ઓળખાતી ચામડીની તકલીફ થવાની શકયતા વધી જાય છે.
દારૂ પીવાને કારણે વ્યક્તિ ખોરાક તરફ દુર્લક્ષ સેવે છે જેને લીધે અનેક જાતનાં વિટામિનની ઊણપ દારૂડિયામાં જોવા મળે છે.
આમ, દારૂ પીવાને લીધે અનેક જાતની શારીરિક માનસિક બીમારીઓ આવે છે. દારૂ
પીવાની લત કે વ્યસન પણ એક પ્રકારની માનસિક બીમારી જ છે જેમાંથી છૂટવું
મુશ્કેલ હોય છે. જેમ અફીણ કે અન્ય 'ડ્રગ્સ ના બંધાણીઓ પોતે કુટેવ છોડી શકતા
નથી અને કુટેવ છોડવા પ્રયત્ન કરે તો એમનો સાથીદાર ફરીથી શરૂ કરવા આગ્રહ
અને જબરજસ્તી કરે છે એમ જ દારૂ પીનારા વ્યસનીઓમાંથી ઘણા એ છોડી નથી શકતા
અને એટલે એના પ્રચારમાં એનાં ગુણ-ગાન ગાવામાં લાગી જાય છે. અમેરિકાનો એક
અંદાજ જણાવે છે કે અમેરિકામાં ૯૦ ટકા લોકો દારૂ પીવે છે, ૪૦ થી ૫૦ ટકા
જેટલા અમેરિકન પુરુષો અને ૩ થી ૫ ટકા જેટલી સ્ત્રીઓમાં દારૂને કારણે લાંબા
ગાળાની તકલીફો ઊભી થાય છે અને આ લોકો અઠંગ દારૂડિયા બની જાય છે. માત્ર
ટૂંકા ગાળા માટે પણ વધુ પ્રમાણમાં દારૂ પીવાથી મોટાભાગની શારીરિક બીમારીઓ
વધી જાય છે અને થોડી માત્રામાં પણ દારૂ લેવાથી મોટાભાગની દવાઓની કામગીરી પર
વિપરીત અસર પહોંચે છે.
તાજેતરમાં થયેલ એક સર્વે મુજબ વાહન અકસ્માતના કુલ કિસ્સાઓમાંથી ૫૦ થી ૫૫ ટકા જેટલા કિસ્સાઓ દારૂ પીને ડ્રાઇવિંગ કરવાથી થતા હોય છે.
દારૂને કારણે માનવ મગજ પર જાત જાતની અસરો થતી હોય છે. મુખ્યત્વે માણસની
અંદર રહેલ જાત-નિયંત્રણ ઓછું થઇ જતું હોય છે અને માણસ વધુ પડતા
આત્મવિશ્વાસથી વર્તતો થઇ જાય છે. બ્રિટનમાં થયેલા એક રસપ્રદ અભ્યાસમાં સૌથી
સલામત ડ્રાઇવિંગનો એવોર્ડ જીતેલા ડ્રાઇવરોના સમૂહને, દારૂ પીધા પહેલાં અને
દારૂ પીધા પછી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું કહેવામાં આવ્યું. જે ડ્રાઇવરો દારૂ
પીધા પહેલાં એકદમ સલામત ડ્રાઇવિંગ કરતા હતા, તેઓ દારૂ પીધા પછી પહેલાં
કરતાં અનેક ગણી સાંકડી અને જોખમી જગ્યાએથી બસ હંકારવા લાગ્યા! આમ, દારૂ
પીધા પછી આ ડ્રાઇવરોની સલામત બસ હંકારવાની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થઇ
ગયો.
બીજા એક અભ્યાસમાં મોટર ચલાવવાનું શીખતા ડ્રાઇવરોને દારૂ પાવામાં આવ્યો.
જેણે થોડોક પણ દારૂ પીધેલ એ ડ્રાઇવરો પોતાની મોટરને રસ્તાની વચ્ચોવચ્ચ
ચલાવવાની વૃત્તિવાળા થઇ ગયા જયારે દારૂ ન પીધેલ શિખાઉ ડ્રાઇવરો રસ્તાની એક
બાજુએ પોતાની સલામતી જોઇને મોટર હંકારતા હતા. ખાસ કરીને અંતર્મુખી પ્રતિભા
ધરાવતા ડ્રાઇવરોમાં દારૂની અસર ઘણી વધારે થતી જયારે બહિર્મુખી પ્રતિભાવાળા
લોકોમાં ઓછી. રસ્તાની વચ્ચોવચ્ચ મોટર ચલાવવા ઉપરાંત દારૂને કારણે મગજનો
રિએકશન ટાઇમ (પ્રતિક્રિયા આપવાનો સમય) એટલો વધી જાય છે કે બ્રેક મારવાની
શરૂઆત જે સમયે થવી જોઇએ એનાથી મોડી થાય છે, પરિણામે અકસ્માત થવાની શકયતાઓ
ઘણી વધી જાય છે.
વળી, દારૂ પીધેલ ડ્રાઇવર પોતાના વાહનના સ્ટીયરીંગ વ્હીલને વારંવાર આમતેમ
ઘુમરાવ્યા કરે છે. સ્પીડ પણ વારંવાર વત્તી ઓછી કર્યા કરે છે. કોઇક જરૂર
કરતાં પણ ઓછી ઝડપ રાખીને ગાડી ચલાવે તો કોઇક એકદમ ઉડતી ઝડપે.
દારૂને કારણે મગજની નિર્ણય શક્તિ પર પણ ખૂબ અસર પડે અને અચાનક આવી પડતી
પરિસ્થિતિમાં દારૂડિયો ડ્રાઇવર ત્વરાથી નિર્ણય લઇ નથી શકતો જેને પરિણામે
રસ્તા પર અચાનક આવી જતા બાળક કે ઢોર-ઢાંખરને બચાવી શકતો નથી. એ જ રીતે
અચાનક સામેથી ઓવરટેક કરીને આવતા વાહન સાથે અથડાઇ જવાની શકયતા વધી જાય છે.
દારૂની બીજી અસર આંખો પર થાય છે. આંખની કીકી પર દારૂની અસરને કારણે જયારે
દારૂ પીને ડ્રાઇવર રાત્રે ગાડી ચલાવતો હોય ત્યારે એની આંખમાં સામેની
હેડલાઇટનો પ્રકાશ ખૂબ લાંબા સમય સુધી દ્રશ્ય બરાબર જોવા નથી દેતો.
સામાન્ય તંદુરસ્ત માણસની આંખો પણ તેજસ્વી હેડલાઇટના પ્રકાશથી અંજાઇ
જાય તો થોડો સમય જોવાની તકલીફ પડે છે. દારૂડિયા માટે તો આવી તકલીફ લાંબો
સમય રહે છે. આને પરિણામે, પણ રાતના ડ્રાઇવિંગમાં અકસ્માત થવાની શકયતાઓ ખૂબ
વધી જાય છે. વળી, કેટલાક લોકોમાં દારૂ પીધા પછી રંગો ઓળખવાની ક્ષમતા પણ ઘટી
જાય છે જેને લીધે સિગ્નલોને સમજવામાં દારૂડિયા ડ્રાઇવરને તકલીફ પડે છે.
આમ, દારૂ અને ડ્રાઇવિંગ ભેગાં કરવાથી એક નહીં અનેક પ્રકારે વાહન અકસ્માત
થવાની શકયતા વધી જાય છે. માટે કદી દારૂ પીવાનું અને એ પછી ડ્રાઇવિંગ
કરવાનું ભેગું ન કરો.
વારંવાર
છાપાંઓ, અન્ય સામાયિકો અને વૈજ્ઞાનિક જર્નલ્સમાં એક જુઠાણું છપાયા કરે છે
કે ''થોડા પ્રમાણમાં દારૂ પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે. આ જુઠાણું ફેલાવનારાઓ
ખૂબ પદ્વતિસર એકની એક વાત જુદા જુદા સ્વરૂપે અને જુદા જુદા સમયે રજૂ કરતા
રહે છે જેથી લોકો કોઇ ને કોઇ રીતે એવું સ્વીકારવા લાગે કે દારૂથી ફાયદો થાય
જ છે. ''સો વાર કહેવાયેલું અસત્ય, છેવટે સત્ય તરીકે સ્વીકાર પામે છેએવી
ગોબેલ્સના સિદ્ધાંતને આ લોકો અનુસરે છે. દારૂ અંગે જુઠાણું ફેલાવવાનું
કાવતરું આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે.
૧૯૯૫ની ક્રિસમસના થોડા દિવસ પહેલાં જ બિરટિશ સરકારે જાહેર કર્યુ કે,
રોજનાં ૩ થી ૪ યુનિટ (એક યુનિટ એટલે આઠ ગ્રામ) આલ્કોહોલ પીનાર પુરુષને અને ૨
થી ૩ યુનિટ આલ્કોહોલ પીનાર સ્ત્રીને કોઇ ''નોંધપાત્ર સ્વાસ્થ્ય સંબંધી
જોખમ ઊભું થતું નથી. એ પહેલાં આ મર્યાદા ઓછી હતી. (અનુક્રમે રોજના વધુમાં
વધુ ૩ અને ૨ યુનિટ.) બ્રિટનની સરકારની આ જાહેરાતનો બ્રિટનના જ મેડિકલ
એસોસિએશને વિરોધ કર્યો અને બ્રિટીશ મેડિકલ જર્નલમાં ઘણી ચર્ચા થઇ અને
સરકારની જાહેરાત પર માછલાં ધોવાયાં. પરંતુ દારૂ બનાવતી કંપનીઓને તો જબરજસ્ત
ફાયદો થઇ ગયો અને ક્રિસમસ દરમ્યાન એમનું વેચાણ પણ વધી ગયું!
આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે દારૂનું વેચાણ કરનારાઓની એક ખૂબ બળવાન
લોબી છે, જે પૈસાના જોરે અનેક રાજકારણીઓ, તબીબો, વૈજ્ઞાનિકો વગેરેને નચાવી
જાણે છે અને પોતાને માટે લાભદાયક એવા રિપોર્ટ અને ફતવાઓ કઢાવી લે છે.
સરકારની આ જાહેરાત જે રિપોર્ટો ઉપર આધારિત હતી એ મોટાભાગના રિપોર્ટ દારૂનું
ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા તૈયાર કરાવેલા હતા!
માત્ર બ્રિટનમાં જ આવુ ચાલે છે એવુ નથી. ફ્રાંન્સમાં દારૂના ઉત્પાદકોએ
''ફ્રેંચ ઇન્સ્ટીટ્યૂટ ફોર સાઇન્ટીફીક રિચર્સ ઇન ટુ ડ્રીન્કસ નામની મોટી
''વૈજ્ઞાનિક સંસ્થા ઊભી કરી છે જે દર પાંચ વર્ષે જાત જાતના સર્વે કરે છે
અને રિપોર્ટો બહાર પાડયા કરે છે. નેધરલેન્ડમાં દારૂની કંપનીઓએ ''ફાઉન્ડેશન
ફોર રિસ્પોન્સબલ આલ્કોહોલ યૂઝ નામની અન્ય એક સંસ્થા ઊભી કરી છે, જે પણ આવું
જ કામ કરે છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધી જગ્યાએ દારૂનું ઉત્પાદન
કરતી કંપનીઓનાં સીધાં કે આડકતરાં જૂથ છે જે કહેવાતું ''સંશોધન કરીને દારૂનો
વપરાશ વધે એ માટે પ્રયત્નો કરે છે. એમની દ્દષ્ટિએ આવા રિપોર્ટ તૈયાર
કરાવીને પ્રસિદ્વ કરવા એ દારૂની જાહેરાતનો જ એક ભાગ છે!
ઘણી વૈજ્ઞાનિક જર્નલોમાં છેલ્લા કેટલાક વખતથી એવી જાતના રિપોર્ટ આવે છે કે,
થોડી માત્રામાં દારૂ પીનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય, દારૂ ન પીનાર કરતાં અને
વધુ પડતો દારૂ પીનાર કરતાં વધુ સારું હોય છે. હ્રદયરોગને કારણે થતાં
મૃત્યુનું પ્રમાણ, કદી દારૂ ન પીનાર કરતાં અને ખૂબ દારૂ પીનાર એ બંનેની
સરખામણીએ, ઓછી માત્રામાં દારૂ પીનાર વ્યક્તિમાં ઓછું હોય છે એવો દાવો ઘણા
વૈજ્ઞાનિક રિપોર્ટમાં કરવામાં આવે છે. આવા રિપોર્ટનો ઝીણવટપૂર્વક અભ્યાસ
કરવામાં આવ્યો ત્યારે ખરી હકીકત સામે આવી. જે દેશોમાં આવા અભ્યાસ કરવામાં
આવે છે ત્યાં સાંસ્કૃતિક દ્દષ્ટિએ દારૂને સામાજિક સ્વીકૃતિ મળેલી છે, આને
પરિણામે ૯૦ ટકા લોકો કયારેક ને કયારેક દારૂ પીવે છે.
ઉપરોકત
અભ્યાસમાં જે વ્યક્તિઓ દારૂ નહોતી પીતી એ વ્યક્તિઓનો ઇતિહાસ ઝીણવટથી
તપાસતાં માલૂમ પડયુ કે કાં તો બીમારી ને કારણે અથવા અગાઉ દારૂ પીવાથી
શારીરિક નુકસાન થયેલું હોવાથી અથવા અન્ય કારણોસર ડોકટરે મનાઇ ફરમાવી હોય
એવી વ્યક્તિઓ જ દારૂ નહોંતી પીતી. બાકી બધા લોકો દારૂ પીતા હતા. સ્વાભાવિક
છે કે મૂળમાં જ શારીરિક રીતે સ્વસ્થ ન હોય એવી વ્યક્તિઓમાં મૃત્યુનું
પ્રમાણ અન્ય તંદુરસ્ત (અને બધાની જેમ થોડોક જ દારૂ પીનાર) વ્યક્તિ કરતાં
વધુ હોય! આમ, દારૂ પીવાને કારણે નહીં પણ દારૂ ન પીનાર જૂજ વ્યક્તિઓ પહેલેથી
બિમાર કે અશકત હોવાને લીધે અભ્યાસનું તારણ એવું આવ્યુ કે થોડી માત્રામાં
દારૂ પીનાર વ્યક્તિ વધુ સ્વસ્થ હોય છે. કોઇ રિપોર્ટમાં એવું તો આવ્યું જ
નથી કે વધુ માત્રામાં દારૂ લેવાથી વધુ ફાયદો થાય છે.
દારૂની કંપનીઓ એવો પણ દાવો કરે છે કે દારૂ પીવાથી એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ
વધે છે. એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ વધારે હોય તો એથેરોસ્કલેરોસીસ (અને પરિણામે
ઉદભવતા હ્રદયરોગ, હાઇબ્લડપ્રેશર, પેરેલિસિસ વગેરે) થવાની શકયતા ઘટી જાય છે.
આ અંગે પણ વધુ ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં જણાયું કે એચ.ડી.એલ.
કોલેસ્ટેરોલનાં બે પ્રકાર હોય છે - એચ.ડી.એલ.૨ અને એચ.ડી.એલ.૩ સ્વાસ્થ્ય
માટે ઉપયોગી અસરો મુખ્યત્વે એચ.ડી.એલ.૨ કરે છે જયારે દારૂ પીવાથી
એચ.ડી.એલ.૩ નું પ્રમાણ વધે છે જે એટલું ઉપયોગી નથી. આમ, દારૂ પીવાથી
ફાયદાકારક એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ વધતું નથી.
તાજેતરમાં બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્વ થયેલ એક અભ્યાસમાં જુદાં
જુદાં પ્રકારના દારૂની સ્વાસ્થ્ય પર થતી અસર અંગે તપાસ કરવામાં આવી. વાઇન,
બિઅર અને સ્પિરિટ આ ત્રણ પ્રકારનાં દારૂ પીવાથી સ્વાસ્થ્ય પર થતી અસરો
તપાસતાં કેટલાંક ચોંકાવનારાં પરિણામો મળ્યા. આ ત્રણે પદાર્થમાં આલ્કોહોલ
(ઉર્ફે દારૂ) હોય છે એટલે જો આલ્કોહોલ પીવા માત્રથી કોઇ ફાયદો થતો હોય તો આ
ત્રણમાંથી કોઇપણ પ્રકારનો દારૂ પીવાથી એ ફાયદો થાય, પરંતુ અભ્યાસમાં થોડી
માત્રામાં પણ
(૧) સ્પિરિટ (દેશી દારૂ) પીવાથી ફાયદો થવાને બદલે નુકસાન થતું જણાયું
(૨) બીયર પીવાથી કોઇ વિશેષ ફાયદો કે નુકસાન જણાયાં નહીં
(૩) વાઇન (ખાસ કરીને રેડ વાઇન) પીનારાઓનાં સ્વાસ્થ્યમાં થાડોક સુધારો નોંધાયો (હ્રદયરોગથી થતાં મૃત્યુનું પ્રમાણ ઓછું જણાયું.)
આ
અને આની જેવા અન્ય અભ્યાસોથી સ્પષ્ટ થાય છે કે દારૂ (આલ્કોહોલ) પીવાથી
સ્વાસ્થ્યને કોઇ ફાયદો થતો નથી (નહીં તો કોઇપણ પ્રકારના દારૂથી ફાયદો થયો
હોત!). વાઇનમાં કેટલાંક એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો હોય છે જે હ્રદયરોગ સામે
રક્ષણ આપી શકે. રેડ વાઇન દ્રાક્ષમાંથી બનતો દારૂ છે. દ્રાક્ષનો જયુસ પીવાથી
પણ આ ફાયદાકારક તતત્વો મળી શકે. એન્ટિ-ઓકિસડન્ટ તતત્વ મેળવવા માટે વાઇનને
બદલે ફળનો રસ કે શાકભાજીનો સૂપ પીવાનું વધુ સ્વાસ્થ્યપ્રદ, સસ્તું અને
જોખમ-રહિત છે. દારૂ પીવાનું હદ બહાર થઇ જવાનું જોખમ કાયમી રહેલું હોય છે
અને વધુ માત્રામાં વાઇન પીવાથી પણ નુકસાન જ થાય છે.
આમ, દારૂ (આલ્કોહોલ) પીવાથી સ્વાસ્થ્યને કોઇ ફાયદો થાય છે એ વાત સત્યથી વેગળી છે.
દારૂથી
સ્વાસ્થ્યને નુકસાન જ થાય છે અને દારૂ અંગેના અત્યાર સુધી પ્રસિદ્વ થયેલ
બધા અભ્યાસોનો તલસ્પર્શી પુન:અભ્યાસ કર્યા પછી હ્રદયરોગ અંગેના
આંતરરાષ્ટ્રીય પાઠયપુસ્તક ''હાર્ટ ડીસીઝ (સંપાદક -બ્રાઉનવલ્ડ) માં દારૂ
અંગે અંતિમ વાકય લખતાં લેખક કહે છે કે ''અત્યારે, હ્રદયરોગ કે અન્ય રોગો
અટકાવવા માટે દારૂનું સેવન શરૂ કરવુ જોઇએ એવુ લેખકો માનતા નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ દારૂથી ફાયદો થાય કે નુકસાન એનો ખૂબ
તલસ્પર્શી અભ્યાસ કર્યો છે એનું તારણ ''કેટલાક દારૂને કારણે હ્રદયરોગથી
થતાં મૃત્યુમાં થોડોક ઘટાડો થાય છે પરંતુ એની સામે ઇજા, લિવરની
બીમારી(સિરોસિસ), સ્વાદુપિંડનો સોજો, અને માનસિક બીમારીથી થતાં મૃત્યુનું
પ્રમાણ ખૂબ વધી જાય છે. દારૂ પીવાથી અટકાવી શકાતાં કુલ મૃત્યુ કરતાં એ
પીવાથી થતાં કુલ મૃત્યુનું પ્રમાણ ખૂબ વધારે છે. સમાજમાં મૃત્યુ જેટલી જ
અગત્યતા ઉત્પાદક શ્રમ કરી શકવાની ક્ષમતા છે. દારૂને કારણે ઉદભવતા રોગોનું
સમાજ પર એટલું બધું ભારણ વધે છે કે સમાજના ઘણા લોકો ઉત્પાદક શ્રમ કરી
શકવાની ક્ષમતા ગુમાવી બેસે છે. તમાકુથી ઉદભવતી બીમારીઓના ભારણ કરતાં પણ વધુ
પ્રમાણમાં દારૂથી ઉદભવતી બીમારીઓનું ભારણ સમાજમાં જોવા મળે છે.
સંપૂર્ણ
દારૂબંધી હોવી જોઇએ; દારૂ મર્યાદિત પ્રમાણમાં લાયસન્સ - પરમીટ પર મળવો
જોઇએ; કે છૂટથી જેને અને જયાં જોઇએ ત્યાં મળવો જોઇએ? આ અંગેનો વિવાદ માત્ર
ગુજરાતમાં જ ચાલે છે એવું નથી પણ વિશ્વના અનેક દેશોમાં અને રાજયોમાં
દારૂપ્રેમી અને દારૂવિરોધીઓ કાયમ માટે આ પ્રશ્ને ચર્ચા કર્યા કરતા હોય છે.
દારૂથી શારીરિક અને સામાજિક સ્વાસ્થ્ય - સંબંધી નુકસાન થાય છે એ વાત
નિર્વવાદ છે. પરંતુ કેટલાક લોકો દલીલ કરતાં કહે છે કે દારૂબંધી દૂર કરવાથી
કોઇ વધારાનું નુકસાન નહીં થાય કારણ કે અત્યારે પણ દારૂ ગુજરાતમાં છૂટથી મળે
છે! આ દલીલ અંગે અન્ય દેશોના અનુભવ જોઇએ તો જ આપણે સાચી હકીકત સમજી શકીએ.
આ વિષય પર અમેરિકાના ''જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશનના માર્ચ ૧૯૯૬ ના
અંકમાં એક રસપ્રદ પ્રશ્નોત્તરી રૂપે લેખ પ્રસિદ્વ થયો છે. આ લેખમાં 'દારૂની
ઉપલબ્ધતા અને દારૂ-સંબંધિત પ્રશ્નો અંગે તાજેતરમાં પ્રસિદ્વ થયેલ ૨૪ જેટલા
જુદા જુદા વૈજ્ઞાનિક રિપોર્ટ ટાંકવામાં આવ્યા છે. આ વૈજ્ઞાનિક માહિતીનો
આધાર લઇને તૈયાર કરેલ લેખમાં સ્પષ્ટપણે જણાવે છે કે જયાં દારૂની રેલમછેલ
હોય છે - દારૂ ખૂબ છૂટથી મળતો હોય છે - ત્યાં દારૂ પીવાનું પ્રમાણ અને
દારૂના કારણે ઉદભવતા પ્રશ્નોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ હોય છે. ઘણા
અભ્યાસોથી એ સાબિત થયુ છે કે દારૂની છૂટથી ઉપલ(બ્ધ દારૂ પીવાનું પ્રમાણ
વધારે જ છે. જયાં દારૂ છૂટથી મળે છે ત્યાં દારૂડિયાઓનું દારૂ પીને વાહન
ચલાવનારાઓનું, અકસ્માત, મારામારી અને દારૂ-સંબંધિત લિવરના પ્રશ્નોનું
પ્રમાણ વધારે હોય છે.
જે રાજયોમાં પહેલાં દારૂ છૂટથી મળતો હોય ત્યાં સરકારી પ્રતિબંધ કે અન્ય
કારણસર (દા.ત. યુદ્ધને કારણે) દારૂ મળવાનું બંધ થઇ જાય ત્યારે દારૂ-
સંબંધિત લિવરના રોગો તથા અકસ્માતોનું પ્રમાણ પણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી
જાય છે. એ જ રીતે મારામારી, ઘરેલુ ઝગડાઓ વગેરેનું પ્રમાણ પણ દારૂની
ઉપલબ્ધતા ઘટવા સાથે ઘટે છે.
આથી ઊલટું, જયાં દારૂબંધી હળવી કરવામાં આવે છે ત્યાં દારૂ પીવાનું અને દારૂ
સંબંધિત પ્રશ્નોનું પ્રમાણ પણ વધી જાય છે. દારૂબંધી હળવી કરવાથી દારૂ ન
પીનાર અને ભાગ્યે જ પીનાર વ્યક્તિ વધુ દારૂ પીવા લલચાય છે, એટલુ જ નહીં
અઠંગ દારૂડિયો પણ પહેલાં કરતાં વધુ દારૂ પીવા લાગે છે. દારૂની વ્યાપક
ઉપલબ્ધતાને કારણે યુવાનોમાં એવી લાગણી ફેલાય છે કે દારૂને સામાજિક સ્વીકૃતિ
મળેલ છે અને દારૂ પીવામાં કશું ખોટું નથી. વ્યાપક ઉપલબ્ધતાને કારણે જ આજે
અમેરિકામાં ઘણાં લોકો દારૂ પીવાને કારણે થતાં લાંબા ગાળાના નુકસાનો ભોગવે
છે.
ગુજરાતમાં
વર્ષોથી દારૂબંધી હોવા છતાં ''સ્વાસ્થ્ય ના નામે દારૂની પરમીટ કાઢી
આપવામાં આવે છે. આધુનિક તબીબીશાસ્ત્રની કોઇ ચોપડીમાં સ્વાસ્થ્ય માટે કાયમ
દારૂ પીવો જોઇએ એવું લખેલ નથી. લઠ્ઠાની ઝેરી અસર થઇ હોય એવા કેસ સિવાય બીજી
કોઇ પણ પરિસ્થિતિમાં દવા તરીકે મોં વાટે દારૂ પીવાની જરૂર પડતી નથી. લોકો
શરદીથી માંડીને હ્રદયરોગ સુધીની અનેક તકલીફોમાં ખોટેખોટો દારૂનો ઉપયોગ કરવા
લાગે છે અને જાણે અજાણ્યે દારૂના વ્યસની બની જાય છે. દારૂની ''હેલ્થ પરમીટ
આપવાની પ્રથા જ તદ્દન બોગસ છે અને ભ્રષ્ટાચારની જનની છે. દારૂબંધી રાખવી
હોય તો આવી 'હેલ્થ પરમીટ ને તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઇએ અને કડકાઇથી
અમલ કરવો જોઇએ.
દારૂને કારણે લિવર, હ્રદય, મગજ અને અન્ય અવયવોને થતી ખરાબ અસરો; તથા
ઉદભવતા અકસ્માતોનું પ્રમાણ એટલું મોટું છે કે ''દારૂ-સંબંધિત કારણો એ
વિશ્વમાં થતાં કુલ મૃત્યુનાં કારણોમાં ત્રીજા નંબરે છે. વિશ્વના કુલ વાહન
અકસ્માતમાંથી અડધોઅડધ અકસ્માતોનું કારણ દારૂ હોય છે. કરૂણ વાત એ છે કે દારૂ
પીનાર અકસ્માત કરે છે અને દારૂ ન પીનારા મૃત્યુ પામે છે! (આ એક જ રોગ એવો
છે કે જેમાં રોગીની સાથે સાથે સમાજના અન્ય વ્યક્તિઓ પણ કમોતે મરે છે.) એક
અંદાજ પ્રમાણે ભારતમાં દર દશ હજાર વાહને ૬૧ મૃત્યુ વાહન અકસ્માતથી થાય છે.
એક દારૂડિયો પોતાની ઉપરાંત પોતાના કુટુંબ, સમાજ અને અન્યને કાયમી નુકસાન
પહોંચાડી શકતો હોય ત્યાં દારૂની સ્વાસ્થ્ય-સંબંધિત અસરનો પૂરો અંદાજ મેળવવો
જ મુશ્કેલ થઇ પડે છે.
તમે
જો દારૂ પીતા હો તો તમને દારૂ છોડવા માટે મદદની જરૂર છે કે નહીં એ જાણવા
માટે આલ્કોહોલિક એનોનિમસ દ્વારા તૈયાર થયેલ આ સાથેના પ્રશ્નપત્રનો ઉપયોગ
કરી શકો છો. (જો તમારા હરેક પ્રશ્નનો ઉત્તર 'ના માં હોય તો તમારા નિકટના
કોઇ સ્નેહીની મદદ લઇ ફરી પ્રશ્નોના ઉત્તર આપો.)
(હા) (ના)
૧) દારૂ પીવાના કારણે તમારા કામના સમયનો વ્યય થાય છે? |
( ) ( ) |
૨) મદ્યપાનની આદત તમારા કૌટુંબિક જીવનને દુ:ખી બનાવે છે |
( ) ( ) |
૩) શરમાળ સ્વભાવને કારણે પીઓ છો? |
( ) ( ) |
૪) દારૂ પીવાને કારણે તમારી પ્રતિષ્ઠાને આંચ આવે છે? |
( ) ( ) |
૫) દારૂ પીધા પછી તમે પષ્ચાતાપની લાગણી અનુભવો છો? |
( ) ( ) |
૬) મદ્યપાનના પરિણામ રૂપે કોઇવાર તમે આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છો? |
( ) ( ) |
૭) પીતી વખતે તમારાથી નીચલા સ્તરના લોકો સાથે હળવા લાગો છો? |
( ) ( ) |
૮) પીવાના કારણે તમે કૌટુંબિક હિત પરત્વે દુર્લક્ષ કર્યુ છે? |
( ) ( ) |
૯) દારૂના સેવનના પરિણામે તમારી મહત્વકાંક્ષા ઘટવા લાગી છે? |
( ) ( ) |
૧૦) અમુક નિશ્ચિત સમયે દરરોજ દારૂની તલપ લાગે છે? |
( ) ( ) |
૧૧) રાત્રે પીધા પછી ફરી બીજા દિવસે સવારે તમને દારૂ જોઇએ છે? |
( ) ( ) |
૧૨) પીવાને કારણે ઊંઘની બાબતમાં સમસ્યાઓ ઊભી થાય છે? |
( ) ( ) |
૧૩) દારૂ પીવાનું શરૂ કર્યા પછી તમારી કાર્યક્ષમતા ઘટવા લાગી છે? |
( ) ( ) |
૧૪) મદ્યપાનથી તમારી નોકરી કે ધંધામાં સમસ્યા ઊભી થઇ છે? |
( ) ( ) |
૧૫) ચિંતા કે મુશ્કેલીમાંથી બચવા માટે દારૂ પીઓ છો? |
( ) ( ) |
૧૬) એકલા દારૂ પીઓ છો? |
( ) ( ) |
૧૭) મદ્યપાનના પરિણામે કોઇવાર તમને વિસ્મૃતિ થઇ છે? |
( ) ( ) |
૧૮) દારૂના અતિસેવનના પરિણામે કોઇવાર દાકતરી ઇલાજ કરાવ્યો છે? |
( ) ( ) |
૧૯) તમારો આત્મવિશ્વાસ વધે એટલા માટે પીઓ છો? |
( ) ( ) |
૨૦) દારૂના સેવનના પરિણામરૂપે તમારે હોસ્પિટલ જવું પડયું છે? |
( ) ( ) |
શરૂઆતમાં દારૂના વ્યસનને કારણે માનસિક આનંદ મળે છે. દારૂ સંબંધિત
વાતો-ચર્ચા મિત્રવર્તુળમાં થયા કરે. ત્યારબાદ દારૂની અસર હેઠળ વ્યક્તિ
કેટલીક વર્તણુક કરે છે જે તેને જરા પણ યાદ રહેતી નથી.
એ પછી આખો દિવસ દારૂ પીવાના વિચારો આવ્યા કરે છે. કયારે જલદી સાંજ પડેને દારૂ મળે?; દારૂ માટે કોની પાસેથી પૈસા મળશે?
દારૂ સંબંધિત વાત કરવાનું ટાળવા લાગે.
- જાત પરના નિયંત્રણનો સંપૂર્ણ અભાવ. કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે , કોઇ પણ પ્રસંગે દારૂ પીવાની ઇચ્છા અને એનો અમલ થાય.
- દારૂ પીવા માટેનાં બહાનાં અને કારણો (દા.ત. દુ:ખી લગ્ન જીવન; ટેન્શન; મિત્રવર્તુળનું દબાણ) આગળ ધરવામાં આવે.
- દારૂ છોડવાના વ્યર્થ પ્રયત્નો. થોડા સમય માટે દારૂ બંધ કરવાનો આવેશ અને પછી હતા ત્યાં ને ત્યાં.
- ઓછી તીવ્રતાવાળો દારૂ પીવાના વ્યર્થ પ્રયત્ન.
- દિવસોના દિવસો સુધી માત્ર દારૂ જ પીવો - ખાવું પીવું કે અન્ય કોઇ સામાજિક - વ્યાવસાયિક કામ ન કરવું.
- આવક બંધ થઇ જવાથી જૂઠું બોલીને; ચોરી કરીને કે કોઇ પણ ગેરકાનુની રસ્તા લઇને દારૂ મેળવવાનો પ્રયત્ન
- કુટુંબીજનો, પત્ની, મિત્રો વગેરે સામે શંકાશીલ બની જવું. પોતાની સામે કોઇ કાવતરું ઘડાઇ રહ્યું છે એવું લાગ્યા કરવું.
- ચાલવા, ઉઠવા, બેસવામાં લથડીયાં ખાવાં.
- સંપૂર્ણ માનસિક અસ્વસ્થતા
- લિવરની કે પેટની અન્ય બીમારી અને સંપૂર્ણ શારીરિક અસ્વસ્થતા.
- મૃત્યુ.
દારૂની
આદતમાં ફસાયા પછી એમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે. જૂની સોબત, જલદીથી
છૂટી નથી શકતી અને દારૂને લીધે તન-મન-ધન અને કુટુંબથી ખુંવાર થઇ ગયેલ
માણસને ફરીથી નોર્મલ જિંદગી શરૂ કરતાં કરતાં આંખે પાણી આવી જાય છે. દારૂના
વ્યસનીએ વ્યસનને કાયમ માટે તિલાંજલી આપવી હોય તો માત્ર દારૂ પીવાનું બંધ
કરવાથી એ કામ શકય નહીં બને. દારૂ બંધ કરવાની સાથે સાથે જ અથવા એ પહેલાંથી
જીવનની ગુણવત્તા સુધારવા માટેનાં ક્રમબદ્ધ પગલાં વ્યસનને કાયમી જાકારો આપવા
માટે અતિઆવશ્યક છે. વ્યસનમુક્તિને પરિણામે શારીરિક, માનસિક, સામાજિક અને
આઘ્યા(ત્મક સ્વાસ્થ્યનું પુન:નિર્માણ થવું જ જોઇએ. જો આ દરેક જાતની
સ્વાસ્થ્યપ્રાપ્તિ પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવે તો થોડાક જ વખતમાં દારૂનું
વ્યસન પાછું ચાલુ થઇ જાય છે.
આમ, કાયમી વ્યસનમુક્તિ માટે દારૂ છોડવાની સાથોસાથ જ નીચેની બાબતોનો અમલ કરવો જરૂરી છે.
- શારીરિક સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
- વધુ પ્રોટીન ધરાવતો પૌષ્ટિક આહાર ખાવો.
- નિયમિત ઊંઘ લેવી.
- શવાસન-ધ્યાન-યોગાસન કરવાં.
- જીવનને મૂલ્યનિષ્ઠ બનાવવું.
- સમયસર કામ પર જવું. દૈનિક કાર્યક્રમનું સમયબધ્ધ આયોજન રાખવું.
- જાતની ઓળખ સુધારવી-સ્વમાની બનવું.
- જવાબદારી સ્વીકારીને નિભાવવી
- કુટુંબ સાથે વધુ સમય ગાળવો
- કુટુંબનો આધાર બનવા પ્રયત્ન કરવો
- સર્વશક્તિમાન કુદરત કે ભગવાન પર શ્રદ્ધા રાખવી
- પ્રાર્થનાની શક્તિને અનુભવવી.
લાંબા
સમય સુધી દારૂનું વ્યસન થઇ ગયા પછી દારૂ પીવાનું અચાનક બંધ કરી નાંખવાથી
હાથ-પગમાં ધ્રુજારી, હ્રદયના ધબકારા ઝડપથી ચાલવા, શરીર ગરમ લાગવું, ઊંઘ ન
આવવી, ખરાબ સ્વપ્ન આવવા, ચિંતા થવી, અચાનક ગભરાટ થવો અને પેટમાં ગરબડ થવી
વગેરે લક્ષણો જોવા મળે છે. આ બધાં લક્ષણોની શરૂઆત દારૂ બંધ કર્યા પછી દશેક
કલાકમાં થઇ જાય છે. લક્ષણોની તીવ્રતામાં શરૂઆતના બે દિવસ વધારો થયા કરે છે
અને ચોથે - પાંચમે દિવસે તીવ્રતા ઘટવા લાગે છે. ચિંતા અને અનિદ્રાની તકલીફ
કયારેક મહિનાઓ સુધી ચાલુ રહે છે. કેટલાંક દર્દીઓમાં દારૂ છોડવાથી ભારે
માનસિક લક્ષણો જણાય છે જેમાં દર્દીને જાતજાતની બિહામણી ભ્રમણાઓ થયા કરે છે
અને મનમાં ભારે ગૂંચવાડો રહે છે. બહુ ભાગ્યે જ દારૂ બંધ કરવાને કારણે ખેંચ
આવે એવું પણ બનતું હોય છે. અહીં દારૂ છોડવાથી ઉદભવતી તકલીફોની યાદી આપી છે
જે દારૂ છોડવાની ઇચ્છા ધરાવનારાઓ એ ધ્યાનમાં રાખી આમાંથી કોઇ લક્ષણો જણાય
તો ખોટો ગભરાટ ન કરવો જોઇએં
- બેચેની, અશક્તિ
- ભૂખ મરી જવી (પેટમાં-કુંપળીમાં બળતરા / દુખાવો; ઊલટી-ઊબકા; ખાટા ઓડકાર)
- અનિદ્રા, ચિંતા
- હતાશા (આપઘાતના વિચારો)
- જાતીય ઇચ્છાનો અભાવ (કયારેક નપુંસકતા કે વહેલા વીર્યસ્રાવની તકલીફ)
- હાથ-પગમાં ઝણઝણાટી થાય / ખાલી ચઢે / બળતરા થાય
- હાથ-પગ ધૂરજે
- ચકકર-અસંતુલન
- માથું દુ:ખે
- ચિત્તભ્રમ (જયાં કંઇ ન હોય ત્યાં જાતજાતનું કંઇંક દેખાય અને ન હોય ત્યાં અવાજ સંભળાય; ચામડી પર કંઇક ચાલતું હોય એવો ભ્રમ થાય)
- યાદ ન રહે, એકાગ્રતાનો અભાવ
- વધુ પડતી લાગણીશીલતા અથવા કયારેક લાગણીશૂન્યતા
- શારીરિક અવયવોના સંકલનનો અભાવ
- ચીડિયાપણું, વધુ પડતો ગુસ્સો
દારૂના
વ્યસનીઓ દારૂ છોડયા પછી ફરી ગમે ત્યારે દારૂના વ્યસનમાં 'લપસી પડવાની
શક્યતા રહેલી છે. દારૂ છોડયા પછી ફરીથી દારૂ શરૂ થવાની પ્રક્રિયામાં માણસના
મનની લાલચ ભાગ ભજવે છે. આ પ્રક્રિયા દરમ્યાન માણસના વિચાર, વર્તન અને
લાગણીઓમાં નીચે મુજબનાં પરિવર્તનો જોવા મળે છે.
૧) વિચારોમાં પરિવર્તન
- જીવન પ્રત્યે નકારાત્મક અભિગમ
- વ્યસનમુક્ત રહેવા પ્રત્યે લાપરવાહી
- ઘણા વખતથી મેં દારૂ નથી પીધો. હવે એકાદ વખત તો દારૂ મળવો જ જોઇએ
- મારો વધુ પડતો દારૂ પીવાનો પ્રષ્ન તો હલ થઇ ગયો છે હવે ક્યારેકે ક્યારેક દારૂ પીવામાં શું વાંધો?
- દારૂ છોડવાની દવા હું ગમે ત્યારે ફરીથી પણ સફળતાપૂર્વક વાપરી શકીશ.
૨) લાગણીમાં પરિવર્તન
- વધુ પડતો લાગણીનો ઉછાળ
- હતાશા અને ચિંતા
- ગુસ્સો અને નકામાપણાની લાગણી
- કંટાળો અને એકલતા
- જાત પ્રત્યે દયાની લાગણી
૩) વર્તણુંકમાં પરિવર્તન
- અન્ય લોકો સાથે વધુ પડતી દલીલબાજી અને અધીરાપણું.
- દારૂ છોડવા માટેની ખાસ દવા લેવાનું વારંવાર ભૂલાઈ જવું.
- દારૂ છોડેલા મિત્રોના જૂથની મીટિંગથી અળગા રહેવું.
- દારૂની દુકાન આગળ મિત્રોને મળવાના બહાનાથી ઊભા રહેવું અને સોડા કે સોફટ-ડ્રીન્કસ પીવા.
- વધુ પડતી સિગરેટ પીવી.
- દારૂ સાથે સંકળાયેલ આનંદને વારંવાર યાદ કરીને એની ચર્ચા કરવી.
- દારૂ પીવાનું શરૂ કરી દેવાની ધમકી આપવી.
- વધુ પડતો અવિચારી ખર્ચ કરવો.
- વધુ પડતો આત્મવિશ્વાસ દાખવવો અને સારા હોવાનો દેખાવ કરવો.
જો આ વિચારો-લાગણી અને વર્તણુંકને ઓળખીને સમયસર ચેતી જવામાં આવે તો ફરીથી વ્યસન શરૂ થતું અટકી શકે છે.
કોઇપણ વ્યસનથી મુકત થવા માટેનું સૌપ્રથમ પગથિયું છે મનને વ્યસન છોડવા માટે તૈયાર કરવાનું! દ્દઢ મનોબળ અને ઇચ્છાશક્તિ વગર કોઇ પણ વ્યસન છોડવાનું અશકય છે. જયાં સુધી મન તૈયાર નહીં થાય ત્યાં સુધી કોઇપણ બાહ્ય દબાણ દારૂ છોડાવી નહીં શકે.
પહેલાં જ દિવસથી કાયમ માટે દારૂ છોડવાનું અશકય લાગતું હોય તો એક કલાક કે એક દિવસ માટે દારૂ છોડવાનું નકકી કરો. માત્ર આજનો દિવસ હું દારૂ નહીં પીઉં એમ નકકી કરીને એને દ્દઢતાપૂર્વક વળગી રહો. ગમે એટલી તલપ લાગે કે લાલચ જાગે પણ આજે તો હું નહીં જ પીઉ એટલું નકકી રાખો. ધીમે ધીમે દારૂની તલપ કઇ રીતે ટાળવી એ તમે શીખી જશો અને પછી દારૂ વગરના દિવસોની સંખ્યા વધારતાં જરા પણ વાર નહીં લાગે.
દારૂ છોડયા પછી અચાનક એ પીવાની તીવ્ર ઇચ્છા થઇ આવે છે. આવા સમયે,
(અ) આ તીવ્ર ઇચ્છાને થોડાક કલાક માટે મુલતવી રાખવાનું આયોજન કરો. જયારે
રોકી ન શકાય એવી તલપ લાગે ત્યારે થોડાક સમય માટે જયાં દારૂ પીવાનું શકય જ ન
હોય એવા સ્થળે (દા.ત. મંદિરમાં કે કોઇ નિવ્ર્યસની મિત્રના કે ગુરુના
સાનિધ્યમાં) જતા રહેવું. કલાક બે કલાકનો સમય પસાર થઇ ગયા પછી મનની સ્થિતિ
ફેરવાઇ ગઇ હશે.
(બ) દારૂ પીવાની રોકી ન શકાય એવી તીવ્ર ઇચ્છા થાય ત્યારે તમે છેલ્લે દારૂ
પીને કરેલું બેહૂદું, શરમજનક અને નુકસાનકારક વર્તન યાદ કરી લેજો. ફરીથી
દારૂનો એક પણ ઘૂંટ આ જ પરિસ્થિતિ તરફ લઇ જશે એ ચોકકસ છે એનું ધ્યાન રાખશો.
મિત્ર, નોકરી, પત્ની કે પૈસા ગુમાવવાની દુ:ખભરી સ્થિતિ દારૂને કારણે ઊભી
થાય છે એ ભૂલશો નહીં. એક કાગળ પર આવા અનુભવોની નોંધ રાખો અને એની નકલ કાયમ
ખિસ્સામાં રાખી મૂકો.જયારે દારૂ પીવાની તીવ્ર ઇચ્છા થાય ત્યારે આ ચબરખીમાં
દારૂ સાથે સંકળાયેલ તમારો પોતાનો ભૂતકાળ વાંચીને યાદ કરી લેજો. પછી મન
સાબૂત હશે તો કદી ફરીથી પીવાની હિંમત નહીં થાય.
કેટલીક
દવાઓ એવી આવે છે જે નિયમિત લેનાર વ્યક્તિ, જો દવા ચાલુ હોય ત્યારે દારૂનું
સેવન કરે તો એનાથી આનંદ મળવાને બદલે ન ગમતી તકલીફો ઊભી થાય છે.
'ડાઇસલ્ફીરામ નામની આ દવા અને દારૂ ભેગા થાય ત્યારે , હાથ પગની ધ્રુજારી,
ચક્કર, ઊલટી, ઊબકા, ઝાડા વગેરે તકલીફો થાય છે. (અલબત્ત હાઇબ્લડપ્રેશર,
ડાયાબીટીસ, હ્રદયરોગ કે પેરાલિસિસના દર્દીઓમાં આ દવા વાપરી શકાતી નથી). આવી
તકલીફ થવાને કારણે દારૂનો વ્યસની ફરીથી દારૂને હાથ લગાવવાનો વિચાર પણ કરતો
નથી. આ દવા ખૂબ જૂના બંધાણીને દારૂ છોડવાના શરૂઆતના દિવસોમાં ડોકટરની સલાહ
મુજબ ઉપયોગી થઈ શકે છે. કુમળા છોડને શરૂઆતના દિવસોમાં જે રીતે વાડના
રક્ષણની જરૂર હોય છે, એ જ રીતે બંધાણીને વ્યસનમુક્તિના શરૂઆતના દિવસોમાં
ફરીથી દારૂ શરૂ કરતો અટકાવવા માટે આ દવા ઉપયાગી થાય છે.
વ્યસન
છોડવાની સાથે જીવનની ગુણવતામાં પણ અમૂક પરિવર્તન જરૂરી છે. જે જગ્યા
વાતાવરણ કે લોકો સાથે દારૂ પીવાનું સંકળાયેલ છે એ તમામને આયોજનપૂર્વક તમારી
રૂટિન જિંદગીથી દૂર કરવા ખૂબ જરૂરી છે. દારૂ સાથે સંકળાયેલા વિચારોને પણ
મનમાંથી દૂર કરી નાખો. રોજની અવરજવરનો રસ્તેા પણ જરૂર લાગે તો બદલી નાખો.
જૂના દારૂડિયા 'મિત્રોને (ખરેખર શત્રુઓને?) મળવાનું પણ ટાળો અને જયાં દારૂ
પીરસાતો હોય એવી પાર્ટીમાં જવાનું બંધ રાખો.
(અ) ખાવાનો સમય નિયમિત કરી દો: ભૂખ્યા રહેવાથી (ખાલી પેટે) દારૂ પીવાની તલપ
વધુ તીવ્ર બને છે. નિયમિતપણે સમયે સમયે ખાતાં રહેવાથી દારૂની તલપ ઓછી રહે
છે. વળી પૌષ્ટિક ખોરાકની આમ પણ દારૂના વ્યસનીઓને ખાસ જરૂર હોય છે. વધુ
પ્રોટીન અને વધુ વિટામિન મળે એ માટે દૂધ અને કઠોળનો ખોરાકમાં ભરપૂર ઉપયોગ
કરો. જયારે ખૂબ કામના બોજા હેઠળ હો ત્યારે તો ખાસ યાદ રાખીને સમયસર જમી
લેવું જોઇએ, નહીં તો આવા પ્રસંગે જ માનસિક તાણ હેઠળ ફરીથી દારૂ શરૂ થઇ જતો
હોય છે.
(બ) કાયમ લોકોની વચ્ચે જ રહો - એકલતા ટાળો: એકલતા દારૂના વ્યસનને વકરાવે
છે. દારૂ છોડવા માટે મહેનત કરનાર વ્યક્તિએ એકલા રહેવાનું પ્રયત્નપૂર્વક
ટાળવું જોઇએ. કુટુંબીજનો કે નીવ્ર્યસની મિત્રોના સાનિધ્યમાં રહેવાથી વ્યસન
યાદ નથી આવતું. તમારા ગુરુ કે માર્ગદર્શકને પણ વારંવાર મળતા રહો અને
અજાણ્યા લોકો સાથે પણ હળવા મળવાનું વધારો.
(ક) સક્રિય બનો: દારૂ છોડવાથી દારૂ અને નશા પાછળ બરબાદ થતો સમય બચે છે જેના
સદ્ઉપયોગનું પૂર્વ આયોજન કરી રાખો. નિરંતર કાર્યરત રહેનાર વ્યક્તિને જલદી
વ્યસનની યાદ નથી સતાવતી. ફુરસદના સમયમાં ખુલ્લા વાતાવરણમાં ચાલવાનું; બાળકો
સાથે બાગમાંફરવાનું; યોગાસન કરવાનું; એરોબીક કસરત કરવાનું; સંગીત
સાંભળવાનું કે અન્ય કોઇ પણ મનપસંદ નિવ્ર્યસની કામ કરવાનું ગોઠવી શકાય. અન્ય
દારૂ પીનારાઓને દારૂ છોડાવવાનું કામ કે જરૂરિયાતવાળી વ્યક્તિને યથાશક્તિ
મદદ કરવાનું કામ પણ કરી શકાય.
દારૂ છોડનારાઓ પોતાના અનુભવ પરથી અન્ય લોકોને દારૂ છોડાવવામાં ખૂબ ઉપયોગી થઇ પડે છે. આલ્કોહોલિક એનોનિમસ નામનું જૂથ આવા ભૂતપુર્વ અને વર્તમાન વ્યસનીઓનું બનેલું હોય છે. જે એક બીજાના અનુભવ અને ટેકાથી દારૂ છોડી શકે છે. જૂથમાં વ્યક્તિ પોતાની તકલીફો, લાગણીઓ અને વિચારોને વ્યકત કરી શકે છે અને અન્ય લોકોનું માર્ગદર્શન તથા હૂંફ મેળવી શકે છે. પોતાના જેવી જ તકલીફ ધરાવતા અન્ય લોકોને મળીને વ્યક્તિની એકલતા અને નિરાશાની લાગણી દૂર થાય છે. વળી વ્યસન છોડનાર વ્યક્તિમાં દારૂ ફરી શરૂ થઇ શકે એવા વિચારો, લાગણી કે વર્તન આ જૂથના ધ્યાનમાં જલદીથી આવી જાય છે જે વ્યક્તિને વધુ તકેદારી રાખવાની તાકીદ કરી શકે છે. દારૂ પીનારા પુરુષોની પત્નીઓ માટે પણ વિશ્વભરમાં ''અલ-અનોન તરીકે ઓળખાતું જૂથ ચાલે છે. આ જૂથમાં જોડાનાર દરેક વ્યક્તિની ઓળખ છૂપી રહે છે અને કોઇને પણ પોતાનું નામ જણાવવાની કે નોંધાવવાની જરૂર હોતી નથી.
શકય હોય ત્યાં સુધી ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઇ પણ પ્રકારની માનસિક અસરો ધરાવતી દવાઓથી દૂર રહેવું જરૂરી છે. ડોકટરની દેખરેખ હેઠળ લેવાતી દવાઓ સિવાયની બીજી કોઇ પણ માનસિક અસરો કરતી દવાનું વ્યસન થઇ જવાની શકયતા દારૂના વ્યસનીઓમાં વિશેષ હોય છે. ઊંઘ ન આવવી કે ખરાબ સ્વપ્ન આવવાં વગેરે તકલીફો માટે જાતે દવા લેવાની જરૂર નથી. કસરત, યોગાસન અને ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયા મનને શાંત કરવા તથા ઊંઘ લાવવા માટે ઉપયોગી છે.
કોઇ
ગમે એટલો આગ્રહ કરે પરંતુ એને વિવેકપૂર્વક અને દ્દઢતાપૂર્વક 'ના પાડતાં
શીખવું ખૂબ જરૂરી છે. દારૂની ના હંમેશ દ્દઢ અને સ્પષ્ટ શબ્દોમાં પાડો.
આગ્રહ કરનાર વ્યક્તિની આંખમાં આંખ મેળવીને વાત કરો. 'ના પાડવાથી તમે કોઇની
લાગણી નથી દૂભાવતા અને લાગણી દૂભાવતા હો તો પણ એ લાગણી તમારા ભલા માટેની
નથી જ એની ખાતરી રાખજો. ઘણી વખત તો કોણે શું પીધું એની કોઇને દરકાર જ નથી
હોતી. તમે દારૂને બદલે જયૂસ કે સોડા જેવું કંઇક પી શકો. 'દોસ્તી માટે એક
પેગ પીવાની ઓફર કરનારને એટલું જ કહેવું કે 'જો તું મારો દોસ્ત હોય તો મને
મારા દુશ્મન જેવા દારૂનો આગ્રહ ન કર. દારૂ ન પીવા માટે બહાનાં ન કાઢો (આજે
તબીયત નથી સારી વગેરે) પણ સ્પષ્ટપણે તમે કદી નથી પીવાના એ નિર્ણય જાહેર
કરો.
આમ, દારૂ છોડવાનું અને છોડયા પછી ફરી કદી ન પીવાનું મહાભગીરથ કામ સફળ
બનાવવું હોય તો એ માટે માનસિક તૈયારી અને પૂર્વઆયોજન ખૂબ જરૂરી છે. દારૂ
છોડવા ઇચ્છનાર દરેક દારૂડીયાએ સંપૂર્ણ દાકતરી તપાસ કરાવ્યા પછી ડોકટરની
સલાહ મુજબ આરામ કરવો જોઇએ. સંતુલિત ખોરાક અને બી-કોમ્પ્લેક્ષ જૂથની દવાઓ
તથા ડોકટરની સલાહ મુજબની દવાઓ લેવાથી દારૂ છોડવામાં સરળતા રહે છે. દ્દઢ
મનોબળ અને બુધ્ધપૂર્વકના આયોજનથી વ્યસનની ચુંગાલમાંથી છૂટી શકાય છે.
(૧) મનને દારૂ છોડવા માટે તૈયાર કરો: કોઇપણ વ્યસનથી મુકત થવા માટેનું
સૌપ્રથમ પગથિયું છે મનને વ્યસન છોડવા માટે તૈયાર કરવાનું! દ્દઢ મનોબળ અને
ઇચ્છાશક્તિ વગર કોઇ પણ વ્યસન છોડવાનું અશકય છે. જયાં સુધી મન તૈયાર નહીં
થાય ત્યાં સુધી કોઇપણ બાહ્ય દબાણ દારૂ છોડાવી નહીં શકે.
(૨) દારૂ છોડવા માટે નાનાં નાનાં પગથિયાં નકકી કરો:- પહેલાં જ દિવસથી કાયમ
માટે દારૂ છોડવાનું અશકય લાગતું હોય તો એક કલાક કે એક દિવસ માટે દારૂ
છોડવાનું નકકી કરો. માત્ર આજનો દિવસ હું દારૂ નહીં પીઉં એમ નકકી કરીને એને
દ્દઢતાપૂર્વક વળગી રહો. ગમે એટલી તલપ લાગે કે લાલચ જાગે પણ આજે તો હું નહીં
જ પીઉ એટલું નકકી રાખો. ધીમે ધીમે દારૂની તલપ કઇ રીતે ટાળવી એ તમે શીખી
જશો અને પછી દારૂ વગરના દિવસોની સંખ્યા વધારતાં જરા પણ વાર નહીં લાગે.
(૩) દારૂ છોડયા પછી એ પીવાની તીવ્ર ઇચ્છા થઇ આવે ત્યારે...: દારૂ છોડયા પછી અચાનક એ પીવાની તીવ્ર ઇચ્છા થઇ આવે છે. આવા સમયે,
(અ) આ તીવ્ર ઇચ્છાને થોડાક કલાક માટે મુલતવી રાખવાનું આયોજન કરો. જયારે
રોકી ન શકાય એવી તલપ લાગે ત્યારે થોડાક સમય માટે જયાં દારૂ પીવાનું શકય જ ન
હોય એવા સ્થળે (દા.ત. મંદિરમાં કે કોઇ નિવ્ર્યસની મિત્રના કે ગુરુના
સાનિધ્યમાં) જતા રહેવું. કલાક બે કલાકનો સમય પસાર થઇ ગયા પછી મનની સ્થિતિ
ફેરવાઇ ગઇ હશે.
(બ) દારૂ પીવાની રોકી ન શકાય એવી તીવ્ર ઇચ્છા થાય ત્યારે તમે છેલ્લે દારૂ
પીને કરેલું બેહૂદું, શરમજનક અને નુકસાનકારક વર્તન યાદ કરી લેજો. ફરીથી
દારૂનો એક પણ ઘૂંટ આ જ પરિસ્થિતિ તરફ લઇ જશે એ ચોકકસ છે એનું ધ્યાન રાખશો.
મિત્ર, નોકરી, પત્ની કે પૈસા ગુમાવવાની દુ:ખભરી સ્થિતિ દારૂને કારણે ઊભી
થાય છે એ ભૂલશો નહીં. એક કાગળ પર આવા અનુભવોની નોંધ રાખો અને એની નકલ કાયમ
ખિસ્સામાં રાખી મૂકો.જયારે દારૂ પીવાની તીવ્ર ઇચ્છા થાય ત્યારે આ ચબરખીમાં
દારૂ સાથે સંકળાયેલ તમારો પોતાનો ભૂતકાળ વાંચીને યાદ કરી લેજો. પછી મન
સાબૂત હશે તો કદી ફરીથી પીવાની હિંમત નહીં થાય.
(૪) ડોક્ટરે દારૂ છોડવા માટે દવા આપી હોય તો નિયમિત લેવી : કેટલીક દવાઓ એવી
આવે છે જે નિયમિત લેનાર વ્યક્તિ, જો દવા ચાલુ હોય ત્યારે દારૂનું સેવન કરે
તો એનાથી આનંદ મળવાને બદલે ન ગમતી તકલીફો ઊભી થાય છે. 'ડાઇસલ્ફીરામ નામની આ
દવા અને દારૂ ભેગા થાય ત્યારે , હાથ પગની ધ્રુજારી, ચક્કર, ઊલટી, ઊબકા,
ઝાડા વગેરે તકલીફો થાય છે. (અલબત્ત હાઇબ્લડપ્રેશર, ડાયાબીટીસ, હ્રદયરોગ કે
પેરાલિસિસના દર્દીઓમાં આ દવા વાપરી શકાતી નથી). આવી તકલીફ થવાને કારણે
દારૂનો વ્યસની ફરીથી દારૂને હાથ લગાવવાનો વિચાર પણ કરતો નથી. આ દવા ખૂબ
જૂના બંધાણીને દારૂ છોડવાના શરૂઆતના દિવસોમાં ડોકટરની સલાહ મુજબ ઉપયોગી થઈ
શકે છે. કુમળા છોડને શરૂઆતના દિવસોમાં જે રીતે વાડના રક્ષણની જરૂર હોય છે, એ
જ રીતે બંધાણીને વ્યસનમુક્તિના શરૂઆતના દિવસોમાં ફરીથી દારૂ શરૂ કરતો
અટકાવવા માટે આ દવા ઉપયાગી થાય છે.