વ્યસન મુક્તિ

1. તમાકુ

આખા વિશ્વમાં દર વર્ષે આશરે ત્રીસ લાખ લોકોનું મોત તમાકુના સેવનથી થાય છે; અને જો તમાકુનો વપરાશ આ રીતે વધતો રહેશે તો આવતાં ત્રીસ વર્ષમાં તમાકુના કારણે થતાં વાર્ષિક મૃત્યુનો આંક સિત્તેર લાખને આંબી જશે! જ્યારે એકાદ મોટો વિમાન કે ટ્રેન અકસ્માત થાય ત્યારે આખા જગતમાં હો હા મચી જાય છે, પણ ભાગ્યે જ કોઇને ખબર હશે કે આખા વર્ષ દરમ્યાન થતા ટ્રાફિક અકસ્માતમાં કમોતે મરતા લોકો કરતાં પાંચ ગણા વધુ લોકો તમાકુથી કમોતે મરે છે. દુર્ભાગ્યે ટ્રાફિક અકસ્માતથી મરનાર વ્યક્તિઓની જેમ તમાકુથી કમોતે મરનાર વ્યક્તિની નોંધ પણ કોઇ વર્તમાનપત્ર આપતું નથી, ન તો કોઇ આવા ફોટા સાથે શ્રદ્ધાંજલિ આપે છે!

તમાકુ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. તમાકુને ચાવો તો મોઢા અને ગળામાં, સુંઘો તો નાકમાં અને ફૂંકો તો ફેફસાંમાં ચેપથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો ઉદભવે છે.

રોજની એક પેકેટ સિગરેટ પીનાર માણસ આખા વર્ષમાં આશરે ૭૦,૦૦૦ કશ મારે છે અને એટલે ૭૦,૦૦૦ વખત એ વ્યક્તિનાં મોં-નાક, ગળું અને ફેફસાં સિગરેટમાંથી નીકળતા કાતિલ ઝેરના સંપર્કમાં આવે છે. વર્ષો સુધી આવું કાતિલ ઝેર ઘોળ્યા પછી કેન્સર જેવા રોગો ન થાય તો જ નવાઇ ! દરેક બીડી-સિગરેટ માણસની આવરદામાં પાંચેક મિનિટનો ઘટાડો કરતી જાય છે! બીજા શબ્દોમાં કહીએ તો, એક વ્યક્તિ બીડી-સિગરેટ ફૂંકવા પાછળ જેટલો સમય બગાડે છે, લગભગ એટલો જ બીજો સમય એની જિંદગીમાંથી આ બીડી-સિગરેટ ફૂંકી મારે છે! તમાકુથી થતા રોગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે અને આવતાં વીસેક વર્ષમાં એનાથી થતી તકલીફોનું પ્રમાણ ઝાડા અને એઇડ્સ જેવી બીમારી કરતાં પણ વધી જશે જે સાથેના ગ્રાફમાં દર્શાવ્યુ છે.

તમાકુનો વપરાશ કરનારાઓમાંથી અડધોઅડધ લોકોના મોતનું કારણ તમાકુ જ હોય છે. જો વિશ્વમાં એક પણ માણસને બીડી-સિગરેટ ફૂંકવાની કુટેવ ન હોત તો વિશ્વમાં કેન્સરનું પ્રમાણ આજે છે એના કરતાં અડધું થઇ જાત. થોડાં વર્ષો પહેલા ભારતમાં આશરે ત્રીસ હજાર વ્યક્તિઓનો દશ વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવેલો આ અભ્યાસનું તારણ એવું નીકળ્યું કે મોં-જીભ અને ગળાના કેન્સરના જેટલા દર્દી હતા એમાંથી સમ ખાવા પૂરતોય એક પણ દર્દી એવો ન હતો જેને કોઇને કોઇ પ્રકારે તમાકુનું વ્યસન ન હોય!

આપણા મનમાં કેન્સરનો જેટલો 'હાઉ છે એનાથી દસમાં ભાગનો 'હાઉ પણ તમાકુ માટે નથી! ખરેખર જરૂર છે તમાકુથી બચવાની - તમાકુનો વપરાશ બંધ થતાં કેન્સર તો આપોઆપ બંધ થઇ જશે. કેન્સર જેવા જીવલેણ રોગની હજી દવા પણ નથી શોધાઇ અને આ જ કેન્સરને ખાત્રીપૂર્વક ઉગતો જ અટકાવી શકાતો હોય ત્યારે માત્ર ઘડી બે ઘડીની મોજ માટે એને નોતરું આપવા જેટલી મૂર્ખામી બીજી કઇ હોઈ શકે?

તમાકુથી માત્ર કેન્સર જ થાય છે એવું નથી. તમાકુના કોઇ પણ પ્રકારના વ્યસનથી થતાં અપમૃત્યુમાંથી અડધો અડધ તો હ્રદયરોગનો શિકાર બન્યા હોય છે. બીડી-સિગરેટ ન પીતા માણસ કરતાં બીડી-સિગરેટ પીનારા માણસને હ્રદયરોગ થવાની શક્યતા ૬૦-૭૦% વધારે રહે છે. વળી, હ્રદયની જે બીમારી અન્ય લોકોમાં મોટી ઉંમરે જોવા મળે છે, તે તમાકુના વ્યસનીઓમાં ૩૫ થી ૫૪ વર્ષ જેટલી નાની વયે જોવા મળે છે. આમ, ભરયુવાનીમાં હ્રદયરોગથી મૃત્યુ થવાના કિસ્સા પણ તમાકુના વ્યસનીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

સામાન્ય રીતે સ્ત્રીઓમાં હ્રદયરોગનું પ્રમાણ ઓછું હોય છે. હવે સ્ત્રીઓમાં પણ તમાકુનું વ્યસન વધવા લાગ્યું છે, અને સાથોસાથ જ સ્ત્રીઓમાં પણ હ્રદયરોગ અને ફેફસાંના કેન્સરનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. જો સ્ત્રી ગર્ભનિરોધક ગોળીઓ અને સિગરેટ બંને વાપરતી હોય તો હ્રદયરોગ થવાની શકયતા ભયજનક રીતે વધી જાય છે. (અન્ય સ્ત્રીઓ કરતાં હાર્ટએટેકની શક્યતા ૩૦ ગણી વધુ) આ ઉપરાંત સિગરેટથી ગર્ભદ્વારના કેન્સરનું પ્રમાણ વધે છે તેમજ સ્ત્રી અને પુરુષ બંનેની પ્રજનન શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.

કેન્સર અને હ્રદયરોગ જેવી ગંભીર જીવલેણ બીમારીઓ ઉપરાંત સિગરેટને કારણે બ્રોન્કાઇટીસ, એમ્ફાઇસીમા (શ્વસનકોષોના નુકસાનથી ફેફસાંનું વધુ પડતું ફુલવું), એસિડિટિ, પેપ્ટક અલ્સર (જઠર - પકવાશયમાં ચાંદાં પડવાં), પેરાલિસિસ નો હુમલો વગેરે અનેક પીડા-દાયક રોગોને નિમંત્રણ મળે છે. કાયમી ખાંસી અને શ્વસનતંત્રમાં વારંવાર થતું ઇન્ફેક્શન (ચેપ) એ બીડી-સિગરેટના વ્યસનીઓ માટે કાયમી ઘટના બની જાય છે. અને આ બધા રોગો પાછળ થતો ખર્ચ, સિગરેટ પાછળ થતા કુલ ખર્ચ કરતાં અનેક ગણો વધી જાય છે. બીડી-સિગરેટના બે કશ મારવા કે તમાકુવાળા પાનની બે પિચકારી મારવાની કિંમત કેટલી ભારે હોય છે એનો અછડતો અંદાજ પણ આ વ્યસનીઓને નથી હોતો. તમાકુ ધરાવતી વસ્તુઓ (બીડી, સિગરેટ, ગુટખા, પાનમસાલા વગેરે) ખરીદવા પાછળ થતો ખર્ચ તો આખા સમાજને થતા કુલ ખર્ચનો એક નાનો ભાગ માત્ર છે. આ ઉપરાંત, વ્યસનીની માંદગી પાછળ થતો તબીબીખર્ચ, માંદગીને કારણે પડતી રજાઓ અને તકલીફોથી વેડફાતા માનવ-કલાકો, આકસ્મિક આગને કારણે થતું નુકસાન અને વ્યસનમુક્તિ-કેન્દ્રો પાછળ થતા ખર્ચાઓ સમાજ માટે મોટા ભારરૂપ બની જાય છે. જે ઘરમાં વડીલો બીડી-સિગરેટ ફૂંકતા હોય તે ઘરમાં ઉછરી રહેલાં બાળકો અન્ય બાળકોની સરખામણીમાં વધુ માંદાં રહે છે અને આ બાળકોની માંદગી પાછળ ૩૦% વધુ ખર્ચ થાય છે. જો સગર્ભા સ્ત્રીને તમાકુનું વ્યસન હોય તો કાચો ગર્ભ પડી જવાની, ગર્ભાશયમાં જ શિશુનું મૃત્યુ થવાની કે જન્મ્યા બાદ તુરંત મૃત્યુ થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. વળી, જો બાળક જીવિત જન્મે તો પણ એ બાળકનાં વજન, ઊંચાઈ અને પરિપકવતા અન્ય બાળક કરતા ઓછા જ રહે છે. બાળકના લાંબા ગાળાના શારીરિક અને માનસિક વિકાસમાં પણ સગર્ભાવસ્થા દરમ્યાન અને તે પછી પણ સિગરેટ પીતા રહેવાથી વિક્ષેપ પડી શકે છે. સિગરેટ પીતા રહેવાનો તમારો શોખ કે કુટેવ તમારા બાળકને બીજા બાળકોથી નીચું દેખાડવામાં કારણભૂત બની શકે છે. ટૂંકમાં, બીડી-સિગરેટ-તમાકુ શરીરને, કુટુંબને અને સમાજને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ દૂષણને ઊગતું જ ડામવું જોઇએ. દેખાદેખી, શોખ, ફેશન કે ટેન્શનથી દોરવાઇને કાતિલ રોગો કરનાર તમાકુરૂપી ઝેરને કદી હોઠે લગાવવાની ભૂલ ન કરશો.

    1. તમાકુથી ઉદભવતા રોગોની યાદી

    2. બીમારી અને મોત નોતરતી તમાકુની વિવિધ વાનગીઓ (?)

    3. પેસિવ સ્મોકિંગ - એકની મજા બીજાને સજા

    4. બાળકો અને તરૂણોને તમાકુથી બચાવો

    5. તમાકુ કંપની દ્વારા આયોજિત રમતગમતની સ્પર્ધાઓ

    6. ખતરનાક ગુટખા અને પાનમસાલાઓ

    7. તમાકુ છોડવાના ફાયદાઓ

    8. તમાકુ કઇ રીતે છોડશો?

    9. તમાકુ છોડવા માટે દવાઓ, નિકોટીન પેચ અને ચ્યુઇંગ-ગમ

    10. તમાકુ છોડવાનાં સરળ પગથિયા