કસરત

11. કસરતની તીવ્રતા કેટલી હોવી જોઇએ?

ઘણા લોકો કસરત કરવા માટે 'મોર્નિંગ વોક માં જાય છે અને ત્યાં દોસ્તો સાથે ગપ્પાં મારતાં મારતાં એમની ઝડપ એટલી ઘટી જાય છે કે એને કસરત કહેવી કે નહીં એ એક સવાલ થાય છે. કસરતની તીવ્રતા રોજિંદા કામકાજની તીવ્રતાથી તો વધારે હોવી જ જોઇએ. સામાન્ય કામકાજમાં આપણે હ્રદયની મહત્તમ ક્ષમતાનો માત્ર ૪૦ ટકા જ ઉપયોગ કરીએ છીએ.
 

લાભદાયક કસરત કરવા માટે હ્રદયની મહત્તમ ક્ષમતાનો ઓછામાં ઓછો ૬૦ ટકા જેટલો ઉપયોગ થવો જોઇએ. બીજા શબ્દોમાં ૨૦ વર્ષના એક યુવાનના હ્રદયના ધબકારા રોજિંદા કામકાજ દરમ્યાન દર મિનિટે ૮૦ જેટલા હોય છે અને યુવાનના હ્રદયની મહત્તમ ક્ષમતા મિનિટના ૨૦૦ ધબકારાની હોય છે (હ્રદયનો મહત્તમ દર = ૨૨૦-ઉંમર વર્ષ). હવે આ યુવાને લાભદાયક રીતે કસરત કરવી હોય તો એ કસરતની તીવ્રતા એટલી હોવી જોઇએ કે જેથી એના હ્રદયના ધબકારા દર મિનિટે ૧૨૦ (૨૦૦ ના ૬૦ ટકા) જેટલા પહોંચે.

કસરત કે શારીરિક શ્રમ નવેસરથી શરૂ કરવા માગતા મોટાભાગના લોકોને કસરત કરતાં પહેલાં ડોકટરની સલાહ લેવાની પણ જરૂર નથી હોતી. ૪૦ વર્ષથી મોટા પુરુષ અને ૫૦ વર્ષથી મોટી સ્ત્રીઓ જેઓ બેઠાડુ હોય, જાડાં હોય, બીડી-સિગારેટ પીતાં હોય, માનસિક તાણ હેઠળ જીવતાં હોય કે હ્રદયરોગની તકલીફ અગાઉ થઇ હોય એમણે કસરત કે શ્રમ શરૂ કરતાં પહેલાં ડોકટરને મળી લેવું જોઇએ.

હ્રદય ધબકવાનો મહત્તમ દર (પ્રતિ મિનિટ) = (૨૨૦ - ઉંમર વર્ષ)

૬૦ ટકા ક્ષમતાથી કસરત એટલે (૨૨૦ - ઉંમર વર્ષ) ગુણ્યા (.૬૦)

આ રીતે ૮૦ ટકા ક્ષમતા સુધી પહોંચી શકાય.

કસરતને માણો:

કોઇપણ કસરત કે શારીરિક શ્રમ કરો ત્યારે એ કરવાનું ટેન્શન ન થવું જોઇએ. જે તે કાર્યમાંથી આનંદ આવવો જોઇએ - ચાલવું, દોડવું, કુદવું, ચડવું, તરવું કંઇ પણ કરો એ પ્રવૃત્તિ આનંદદાયક હોવી જોઇએ અને પ્રવૃત્તિ કર્યા પછી થાક લાગવાને વદલે સ્ફ્રૂર્તિ લાગવી જોઇએ. જયાં સુધી કસરત કરવાથી આનંદ અને સ્ફૂર્તિનો અનુભવ ન થાય ત્યાં સુધી કસરત કે શ્રમ જોઇએ એટલી શારીરિક -માનસિક તંદુરસ્તી આપી શકતાં નથી. વધુ તાણયુકત કે વધુ જોશભેર કસરત / શ્રમ કરવાથી શરીરને અન્ય ઇજાઓ થવાની શકયતાઓ પણ વધે છે.

વધારે કસરતથી વધુ ફાયદો થાય?

અમુક હદથી વધારે ફિટનેશ મેળવવાથી અથવા વધુ કસરત કરવાથી શરીર વધુ સુડોળ બને છે - અથવા વધુ મજબૂત બની શકે છે પણ એનાથી તમારા સ્વાસ્થ્યને બીજો કોઇ વધારાનો ફાયદો થતો નથી. અમુક પ્રમાણથી વધારે કસરત કરનારાઓના મૃત્યુદરમાં કોઇ નોંધપાત્ર ફરક નથી હોતો - રોજનું ત્રણ કિ.મી. ચાલનાર અને રોજના ત્રીસ કિ.મી. દોડનારના મૃત્યુદરમાં કે આયુષ્યમાં કોઇ જ ફરક નથી પડતો. એટલે કે અડધો કલાકની કસરતથી જેટલો ફાયદો થાય એના કરતાં ચારગણો ફાયદો બે કલાક કસરત કરવાથી નથી જ થવાનો. પરંતુ રોજ બેસી રહેનાર અને માત્ર ત્રીસ મિનિટ શ્રમ કે કસરત કરતી વ્યક્તિના મૃત્યુદરમાં ઘણો મોટો (ત્રીજા ભાગનો) ફરક પડે છે. ખાસ યાદ રાખવુ જોઇએ કે કસરત કરવા માટે તીવ્રતા કરતાં નિયમિતતા વધુ અગત્યની છે.