જો
બેઠાડુ જીવન જીવતા માણસની આખા દિવસમાં વપરાતી શક્તિના દસ ટકા જેટલી શક્તિ
કસરત પાછળ વપરાય તો કસરતનું ધ્યેય સિદ્ધ થાય. એક તંદુરસ્ત બેઠાડુ જીવન
જીવતો સરેરાશ ભારતીય માણસ આખા દિવસમાં આશરે ૨૫૦૦ કિ.કેલરી જેટલી શક્તિ
જુદાં જુદાં કામો કે આરામી પાછળ વાપરે છે. એટલે કે સરેરાશ ભારતીયે
અર્થપૂર્ણ કસરત કરવી હોય તો કસરત પાછળ આશરે ૨૫૦ કિ.કેલરી શક્તિ ખર્ચવી
જોઇએ.
શરીરના ફાયદા માટે દરરોજ હળવી કસરત ઓછામાં ઓછી સાંઠ મિનિટ સુધી; અથવા મધ્યમ
તીવ્રતાની કસરત ત્રીસ થી સાંઠ મિનિટ સુધી; અથવા ભારે તીવ્રતાની કસરત વીસ
થી ત્રીસ મિનિટ સુધી કરવી જોઇએ.
દરેક બાળક અને પુખ્ત ઉંમરની વ્યક્તિએ રોજની ઓછામાં ઓછી ત્રીસ થી સાંઠ મિનિટ
સુધી કસરત અથવા મધ્યમ પ્રકારનો શારીરિક શ્ર્રમ કરવો જરૂરી છે. કસરતની
શરૂઆતમાં ૫-૧૦ મિનિટનો સમય વોર્મ-અપ માટે; ત્રીસ મિનિટ ખરેખરી કસરત માટે
અને કસરત પૂરી થયા પછી ૫-૧૦ મિનિટનો સમય કુલ ડાઉન માટે આપવો જોઇએ. દરેક
કસરત જુદા જુદા પ્રમાણમાં કેલરી વાપરે છે. એટલે જે કસરતમાં વધુ શક્તિ કેલરી
ની જરૂર પડતી હોય એ ઓછા સમય માટે કરવામાં આવે તો પણ ચાલે. દા.ત. આશરે ૨૫૦
કિ.કેલરી વાપરવા માટે ચારેક કિ.મી. ચાલવું પડે કે તરવું પડે અથવા ૪૫ મિનિટ
સુધી બેડમિંટન કે ટેનિસ રમવું પડે. દિવસના કોઇ નિશ્ચિત સમયે કસરત કરવી પડે
એવું જરૂરી નથી પણ નિયમિતતા જળવાઇ રહે એ હેતુથી સવારનો કે સાંજનો અમુક સમય
નક્કી રાખ્યો હોય તો સારું પડે. કસરતના બે-ત્રણ કલાક પહેલાં સુધી કંઇ ખાધું
ના હોય તો વધુ સારું. જો રોજ શકય ન હોય તો અઠવાડિયાના જેટલા વધુ દિવસ
શ્ર્રમ / કસરત કરવાનું શકય બને એટલું કરવું જોઇએ. કસરત માટે સમય ન મળતો હોય
તો, તમારા રૂટીન કામ સાથે પણ કસરત/શ્ર્રમને જોડી શકાય છે જેથી વધારાનો સમય
ન કાઢવો પડે. દા.ત. લીફટ વાપરવાને બદલે પગથિયાં ચઢી શકાય અને ઓછા અંતરમાં
વાહનને બદલે ચાલતા જઇ શકાય. વળી, સળંગ ત્રીસ મિનિટ સુધી કસરત ન થઇ શકે એમ
હોય તો સાવ કસરત ન કરવાને બદલે દિવસમાં ત્રણ ટૂકડામાં દસ દસ મિનિટ શ્ર્રમ
કરવામાં આવે તો પણ ફાયદો થાય છે.