કસરત

3. કસરત ન કરવાના ગેરફાયદાઓ

ભારતમાં પાંચ શહેરમાં થયેલ તાજેતરના અભ્યાસો જણાવે છે કે ભારતીય શહેરી સ્ત્રીઓ પૈકી સીત્તેર ટકાથી વધુ સ્ત્રીઓ કયારેય કસરત કરતી નથી! અને જે સ્ત્રીઓમાં હાઇબ્લડપ્રેશર જેવી બિમારી છે એમાંથી તો ૮૮ ટકા સ્ત્રીઓ કસરત નહોતી કરતી, ફુરસદના સમયે, અઠવાડિયે કુલ એકવીસ કિ.મી. કરતા વધુ ચાલવાની કસરત જે લોકો કરે છે તેમની જિંદગી કસરત વાળી ગણાય છે અને એથી ઓછી કસરત કરનાર વ્યક્તિનું જીવન બિનકસરતી ગણાય છે. ચાલવાને બદલે એટલી જ શક્તિ વપરાતી હોય એવી બીજી કોઇ પણ કસરત પણ આ માટે ગણતરીમાં લેવામાં આવે છે.

બેઠાડું, બિનકસરતી જીવનપદ્વતિને કારણે સમાજમાં અનેક રોગોનું ભારણ વધે છે. હ્રદયરોગ, હાઇબ્લડપ્રેશર , જાડાપણું, ડાયાબીટીસ, ઓસ્ટીયોપોરોસીસ (હાડકા નબળા પડવાની તથા માનસિક રોગો થવાની શકયતા બેઠાડુ જિંદગીને કારણે ખૂબ વધી જાય છે. અમેરિકાનો અભ્યાસ જણાવે છે કે બેઠાડુ લોકોમાંથી ૩૫ ટકા લોકોને એટેક આવવાની શકયતા માત્ર વધુ સક્રીય (વધુ કસરતી થવાથી અટકી શકે છે. બેઠાડુ જિંદગી જીવનારાઓને (શારીરિક સક્રીય વ્યક્તિ કરતાહ્રદય રોગ થવાની શકયતા ૧.૯ ગણી હોય છે. આ જ રીતે બેઠાડુ, બિનકસરતી વ્યક્તિમાં હાઇબ્લડપ્રેશર થવાની શકયતા ૩૫ થી ૫૨ ટકા જેટલી વધી જાય છે. બેઠાડુ જિંદગી અને ડાયાબીટીસ વચ્ચેનો સંબંધ શોધનારા વૈજ્ઞાનિકોને જણાયું કે અઠવાડિયે ૫૦૦ કેલરી જેટલી કસરત ઘટવાથી ડાયાબીટીસની શકયતા ૬ ટકા જેટલી વધે છે. વળી, ડાયાબીટીસના દર્દીઓ પૈકી બેઠાડુ જિંદગી જીવનારા દર્દીઓમાં (એક સરખો ડાયાબીટીસ હોવા છતાંી મૃત્યુ થવાની શકયતા કસરત કરનાર વ્યક્તિ કરતાં વધારે રહે છે.

બેઠાડુ જીવન શરીરમાં શક્તિનો (કેલરીનો વ્યય ઘટાડી નાંખે છે, ચરબીનો ભરાવો થવા દે છે, બેઝલ મેટાબોલીક રેટ ઘટાડી નાંખે છે, ઇન્સ્યુલીનની અસરકારતા ઓછી કરે છે જે છેવટે ડાયાબીટીસથી માંડી ને હ્રદયરોગ સુધીની અનેક બિમારીઓ નોતરે છે. વળી, બેઠાડુ જિંદગીને લીધે હાડકાં પણ નબળાં પડે છે. કસરતી માણસના હાડકાં, બેઠાડુ માણસ કરતાં વધુ મજબૂત હોય છે. સ્ત્રીઓમાં માસિક રજોનિવૃતિ પછી હાડકાં નબળાં હોય છે. હાડકાં નબળાં પડવાની આ પ્રક્રિયા બેઠાડુ સ્ત્રીઓમાં ખૂબ ઝડપી થાય છે. વળી, બેઠાડું સ્ત્રીઓમાં નબળાં હાડકાંને કારણે થાપાનું ફેકચર થવાની શકયતા ખૂબ વધારે રહે છે.

તાજેતરમાં થયેલા અનેક અભ્યાસો જણાવે છે કે બેઠાડુ જિંદગીને માનસિક હતાશા (ડીપ્રેશનની સાથે સીધો સંબંધ છે. આજકાલ જે હદે માનસિક હતાશા અને અન્ય તકલીફો વધી રહી છે એ જોતાં, આ અભ્યાસ ઘણું અગત્યનું માર્ગદર્શન આપે છે. આખો દિવસ બેઠાં બેઠાં દુનિયા ભરના વિચારો અને ચિંતા કર્યા કરતો માણસ બિલકુલ શારીરિક શ્ર્રમ છોડી ત્યારે માનસિક સંતુલન ગુમાવી દે એવી શકયતાઓ ઘણી વધારે રહે છે. કસરત કરવાથી વ્યક્તિને માનસિક સુખશાંતિનો અનુભવ થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.

બેઠાડુ જિંદગીને આંતરડાના કેન્સર સાથે પણ સીધો સંબંધ છે એવુ કેટલાંક અભ્યાસોમાં જાણવા મળ્યુ છે. આમ, અનેક જાતની બિમારીઓ સહન કરવાની અને એને કારણે મૃત્યુ થવાની શકયતા બેઠાડું લોકોમાં ખૂબ વધારે હોય છે. અમેરિકા જેવા સમૃદ્વ દેશમાં દર વર્ષે આશરે અઢી લાખ જેટલાં મૃત્યુનું કારણ બેઠાડુ જિંદગી હોય છે. બીજા શબ્દોમાં અમેરિકામાં થતાં કુલ મૃત્યુ પામતા લોકોના ૧૨ ટકા જેટલાં લોકો કસરત ન કરવાને લીધે કમોતે મરે છે.

૧૯૮૯માં જર્નલ ઓફ અમેરીકન મેડીકલ એસોસીએશનમાં એક અભ્યાસ પ્રસિદ્વ થયો હતો, જેમાં એવું તારણ નીકળ્યુ હતુ કે એક સરખી ઉંમર માટે બેઠાડુ જીવન જીવનાર વ્યક્તિની સરખામણીએ કસરતી શરીર ધરાવનાર અને કસરત કરનાર વ્યક્તિઓમાં મૃત્યુના દરનું પ્રમાણ ત્રીજા ભાગનું હતુ. જે વ્યક્તિ અઠવાડિયે ૨૦૦૦ હજાર કેલરી કસરત કરવામાં વાપરે છે, એનુ આયુષ્ય બેઠાડુ જીવન જીવતાં લોકો કરતાં એક થી બે વર્ષ જેટલું વધી જાય છે. વર્ષો પહેલાં મોટા પહેલવાન હોય પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કસરત બંધ હોય તો જુની કસરતનો હ્રદયરોગ અટકાવવામાં કોઇ ફાયદો થતો નથી. કસરત બંધ કર્યા પછીના થોડાંક જ અઠવાડિયામાં બેઠાડુ જીવનના બધા જ ગેરફાયદા દેખાવા લાગે છે.

છેક, અઢારમી સદીના ડો.વીલીયમનું વિધાને ''માણસની જિંદગી ટૂંકી અને દુ:ખ દાયક કરનાર બધા કારણોમાં સૌથી મોટુ કારણ બેઠાડું -બિનકસરતી જીવન છે. આજે પણ એકદમ સચોટ છે. આપણાં દુર્ભાગ્યે દિનપ્રતિદિન નાના બાળકથી માંડીને વૃદ્વ વ્યક્તિ સુધી દરેકની જિંદગી વધુને વધુ બેઠાડુ -બિનકસરતી થતી જાય છે. આ રોગીષ્ટ બેઠાડું જીવન ફગાવી દઇને આજે જ શારીરિક સક્રિયતાનો સંકલ્પ કરીને નીચે દર્શાવેલ સૂચનોનો અમલ કરીને કોઇને કોઇ શારીરિક પ્રવૃત્તિ શરૂ કરી દો.