ઘણા
લોકોને મનમાં એવો પ્રષ્ન થાય છે કે ' આ કસરત કરવાનું શું કામ છે? ખાઓ, પીઓ
અને મજા કરો! દુર્ભાગ્યે આવા લોકો જ લાંબા ગાળે બેઠાડુ જીવન અને
શ્રમવિહીનતાને કારણે મેદસ્વીપણું, હાઇબ્લડપ્રેશર, ડાયાબીટીસ અને હ્રદયરોગનો
ભોગ બનતા હોય છે. પહેલાંના જમાનામાં જ્યારે ગામડામાં લોકો સાદું,
શ્રમયુક્ત જીવન જીવતા હતા ત્યારની અને અત્યારની શહેરી રહેણીકરણીમાં ઘણો
મોટો તફાવત છે એ બઘાએ સમજી લેવું જોઇએ. ગામડામાં રોજેરોજનાં કામકાજ - ખેતર
ખેડવું, ખાડા ખોદવા, ઢોર ચારવાં, કૂવે પાણી સિંચવું, ત્યાંથી બેડાં ભરીને
ઘરે લઇ જવાં, ઘંટી ચલાવવી, કપડાં - વાસણ ધોવાં વગેરેમાંથી પૂરતો શ્રમ અને
કસરત લોકોને મળી જતાં, જ્યારે આજે મોટાભાગના શહેરી 'વ્હાઇટ કોલર જોબ કરતા
લોકોને એક બે મિનિટનું અંતર ચાલવા સિવાય ભાગ્યે જ કોઇ શારીરિક કસરત દિવસના
રૂટીન કામમાંથી મળે છે. બેઠાડુ જીવનમાં શ્રમના આ અભાવને દૂર કરવા માટે કસરત
ખૂબ જરૂરી છે.
જગતની ૬૫% વસ્તી જરૂર કરતાં ઓછી શારીરિક સક્રિયતા દાખવે છે અને બેઠાડું
જિંદગી જીવે છે જેને કારણે દર વર્ષે ૨૦ લાખ લોકોનાં અકાળ મૃત્યુ થાય છે.
માત્ર શરીરને પૂરતી કસરત આપવાની આળસ અથવા બિનઅનુકૂળતા આટલાં બધા લોકોના
મોતનું કારણ બને છે! બેઠાડુ જીવનશૈલી એ વિશ્વમાં સ્વાસ્થ્ય માટે જોખમી અને
મૃત્યુ તથા અપંગતા (નિર્યોગ્યતા માટે જવાબદાર પ્રથમ દશ પરિબળમાં સ્થાન પામે
છે.