ઘણા
લોકો વજન ઘટાડવા માટે અચાનક જાગૃત થતા હોય છે અને પછી ઊંધું ઘાલીને ખાવા
પર નિયંત્રણો અને કસરતો કરીને એક-બે મહીનામાં જ ૫-૭ કિલો વજન ઉતારી નાંખતા
હોય છે. વજન ઉતરી જાય એટલે જાણે કાયમ એટલું જ વજન રહેવાનું હોય એમ, ફરી
પાછી જૂની ખાવા-પીવાની ટેવો અને બેઠાડુ જીવન શરૂ થઇ જાય અને ફરી પાછું વજન
વધવા લાગે. વર્ષો સુધી ચરબીના ઉતાર-ચઢાવનો આ કાર્યક્રમ ચાલ્યા કરે છે.
જો આ બેહુદી, ચરબીની ચઢ-ઉતરમાંથી બચવું હોય તો નીચે જણાવેલ મુદ્દાઓ સમજી એનો અમલ કરવો જરૂરી છે.
ઘટેલું વજન જાળવી રાખવા માટે ખોરાકની ટેવોમાં કાયમી ફેરફાર જરૂરી છે.
એક-બે મહિનાના કહેવાતા ડાયેટીંગથી કોઇ લાંબાગાળાનો ફાયદો નહીં થાય.
એથી
વધુ વજન ઉતારવાનો પ્રયત્ન ન કરવો. એટલે કે જો તમારુ વજન ૭૦ કીલો છે અને
તમે વજન ઘટાડવા માંગો છો તો છ મહિને આશરે સાતેક કીલો વજન ઘટે એવું આયોજન
કરવું. બીજા શબ્દોમાં દર મહિને એક-બે કિલોથી વધુ વજન ઉતારવાથી કોઇ ફાયદો
થતો નથી.
એક
વખત વજન ઘટી જાય પછી એ ફરી પાછું ન વધે એ માટે ખોરાકની ટેવો કાયમી કરી દો.
ઓછી ચરબીવાળાં કુદરતી સલાડ અને ફળોમાંથી અનેક વાનગીઓ બનાવી એ ખાવાની ટેવ
પાડો. એમાંથી જ ભાવતી વિશિષ્ટ વાનગીઓ વાર-તહેવારે બનાવો. વજન ઘટાડયા પછી
કોઇપણ મહિને એક કિલોથી વધુ પાછું વધવું ન જોઇએ. આ જ રીતે, કમ્મરનો ઘેરાવો
ઘટયો હોય તો એ ફરી પાછો ન વધવો જોઇએ. કમ્મરના ઘેરાવામાં ૪ સે.મી.નો ઘટાડો
જાળવી રાખનારા ઘટેલું વજન જાળવી રાખવામાં સફળ થાય છે. વજન ઘટાડવા અને
ઘટેલું વજન જાળવી રાખવા માટે ખોરાકનો જથ્થો ઘટાડવાની જરૂર નથી. 'કેટલું
ખાવું?' એનાં કરતાં વધુ અગત્યનો પ્રશ્ન 'શું ખાવું?' એ છે. ખોરાકમાં કાયમી
ધોરણે વધુ પ્રમાણમાં લીલાં કાચાં શાકભાજી, તાજાં ફળો અને ફણગાવેલાં કે
બાફેલાં કઠોળ લેવાની ટેવ રાખવી જોઇએ. કાયમી ધોરણે તળેલી, મોણવાળી કે ઘી
ચોપડેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઇએ. ઓછી ચરબીવાળો ખોરાક પેટ ભરીને ખાવાથી
ખાવાનો સંતોષ થાય છે અને છતાં વજન ઘટે છે.
માત્ર
ખોરાકની કાયમી ટેવોથી જ વજન (ઘટેલું) ટકાવી રાખવું મુશ્કેલ છે. ખોરાકની
જેમ જ શારીરિક શ્રમની, કસરતની પણ કાયમી ટેવ પાડવી જરૂરી છે. રોજ ઓછામાં ઓછી
૩૦ થી ૪૫ મિનિટની ઝડપથી ચાલવાની, દોડવાની, તરવાની કે અન્ય કસરત ઘટેલું વજન
જાળવી રાખવા માટે ખૂબ ઉપયોગી બને છે. જે વ્યક્તિઓ પોતાના દૈનિક રૂટીનમાં
અડધો-પોણો કલાક કાયમ માટે કસરતને ફાળવે છે એ લોકો ઘટેલું વજન જાળવી
રાખવામાં સફળ થાય છે. રોજિંદી અડધો-પોણો કલાકની કસરત ઉપરાંત, રોજિંદા
જીવનમાં શારીરિક સક્રિયતા લાવનાર વ્યક્તિ (દા.ત. લીફટને બદલે દાદર વાપરનાર,
નોકર-પટાવાળાને બદલે જાતે ચાલનાર વ્યક્તિ) વધુ તંદુરસ્તી મેળવે છે. ગમે
એટલું વધુ વજન હોય તો પણ ભારે વજનની બેઠાડુ-બિનકસરતી વ્યક્તિ કરતાં એટલા જ
વજનની સક્રિય-કસરતી વ્યક્તિનું સ્વાસ્થ્ય વધુ સારુ હોય છે. શરીરમાં ચરબીનો
ભરાવો અટકાવવા અને ડાયાબિટીસ - હ્રદયરોગ - હાઇબ્લડપ્રેશર જેવા રોગોથી બચવા
માટે કસરત સર્વોત્તમ ઉપાય છે.
ઘણા
માણસો અમુક ચોકકસ પરિસ્થિતિ કે ચોકકસ વાતાવરણમાં જરૂરિયાત કરતાં ઘણો વધારે
ખોરાક ખાઇ જતા હોય છે. દા.ત. લગ્ન સમારંભમાં કે હોટલમાં; અમુક ચોકકસ
મિત્રોની કંપનીમાં; અમુક ચોકકસ વાનગી બને ત્યારે; ટેન્શન જાય ત્યારે કે
ટેન્શન આવે ત્યારે...વગેરે. કેટલાય લોકો પરીક્ષાના ટેન્શનમાં વધુ ખાઇને
જાડા થાય છે તો બીજા કેટલાય પરીક્ષાના ટેન્શનમાં વજન ઘટાડી વેકેશનમાં જાડા
થાય છે! માનસિક અવસ્થા ખોરાક ઉપર ખૂબ મોટો ફરક પાડીને વજન વધારી ન દે એની
કાળજી રાખવી ખૂબ આવશ્યક છે. તહેવારોમાં વધુ પડતી ચરબીવાળો ખોરાક ખાવાનું
બને છે. જો આવે વખતે સ્વાદિષ્ટ વસ્તુઓ ખાઇને પૂરી-પરાઠા વગેરે જેવી
(રોટલી-રોટલાં કરતાં) સ્વાદમાં ખાસ ફરક વગરની વસ્તુઓ છોડી દેવામાં આવે તો
ફાયદો રહે છે. ખોરાક - ખાસ કરીને ભાવતો ખોરાક ખાવાથી મનમાં એક ચોકકસ
પ્રકારના આનંદ અને સંતોષનો અનુભવ થતો હોય છે. મીઠાઇનો મોટો ટૂકડો એકસાથે
ખાવાથી જેટલો આનંદ આવે છે એના કરતાં વધુ આનંદ એ જ ટુકડાના અનેક ભાગ કરી
શાંતિથી લાંબા સમય સુધી ખાવાથી આવે છે.
જયારે તમે જમતા હો ત્યારે પુરુ ધ્યાન જમવા ઉપર જ આપો - દરેક વાનગીને એની
સ્વાદ-સોડમ સાથે માણો - તો કદી તમે શરીરની જરૂરિયાત કરતાં વધુ નહીં ખાઓ.
ખાતાં ખાતાં વધુ વાત કરવાથી, ટી.વી. જોવાથી; છાપું વાંચવાથી તમે શું ખાઓ
છો? - કેટલું ખાઓ છો? એનું ધ્યાન રહેતું નથી અને પરિણામે જરૂરિયાત કરતાં
વધુ ખવાઇ જાય છે. શાંત ચિત્તે એકાગ્રતાથી ચાવી ચાવીને ખાવાથી ખાવાનો સંતોષ
વધે છે અને માપસર ખવાય છે. ટેન્સન સાથે ખાવાથી પણ પ્રમાણભાન ચૂકી જવાય છે.
એટલે જ શાંતચિતે (સારો રસ્તો પ્રાર્થના કરીને) ખાવાનું શરૂ કરવાથી ફાયદો
થાય છે. ટૂંકમાં, જો ઘટેલું વજન જાળવી રાખવું હોય તો જીવનની ટેવોમાં કેટલાક
કાયમી ફેરફાર જરૂરી છે. જો આ ટેવો બદલાશે તો કદી તમારે કેલરી ગણવાની જરૂર
નહીં પડે.