કૃત્રિમ શ્વાસોશ્વાસ અને કાર્ડિયેક મસાજ


શ્વાસ બંધ પડી જવાને મૃત્યુની નિશાની માની લોકો બંધ શ્વાસવાળા દર્દીને મૃત માની લે છે. પણ ઘણા આકસ્મિક સંજોગોમાં શ્વાસ બંધ પડયા પછી પણ હ્રદય પાંચ-દસ મિનિટ ચાલતું રહે છે. જેમ કે, ડૂબેલા દર્દીમાં, વીજળીનો આંચકો લાગેલા, ધૂમાડાથી કે શ્વાસનળીમાં વસ્તુ ફસાઇ જવાના અવરોધવાળા દર્દીઓમાં, વગેરે. આવા વખતે જો તાત્કાલિક સમયસર કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ ચાલુ કરી દેવાય તો દર્દીને નવું જીવન મળી શકે છે. માણસના જીવન-મરણનો ફેર પાડી શકતી આ પ્રાથમિક સારવારની દરેક જાગૃત નાગરિકે તાલીમ લેવી જોઇએ. શ્વાસ અને હ્રદય બંધ પડી જાય ત્યારે ઓછામાં ઓછું મગજને લોહી તથા પ્રાણવાયુ (ઓકિસજન) મળતા રહે તેવો પ્રયાસ કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ દ્વારા કરાય છે.

જુદા-જુદા સંજોગો પ્રમાણે શ્વાસોચ્છવાસ બંધ પડવાની પ્રક્રિયા એકદમ એકએક થઇ શકે અથવા ધીરે ધીરે પણ થઇ શકે છે. શ્વાસ સાવ બંધ પડતા પહેલા, સંજોગો પ્રમાણે, ઝડપી અને છીછરો (છાતીનુ દર શ્વાસે ફૂલવા સંકોચાવાનુ ઓછુ થઇ જવુ, જેમ કે માંદગીમાં, ઝેરની અસરમાં) થઇ જાય અથવા ઊડો (છાતીનુ દર શ્વાસે ફૂલવા સંકોચાવાનુ વધી જવુ) અને શ્રમયુકત (શ્વાસ લેવા કે કાઢવામા ખૂબ મહેનત અને અવરોધ જણાય, જેમ કે શ્વસનમાર્ગમાં કઇંક ફસાઇ જાય કે દમનો હુમલો થાય ત્યારે). જયારે શ્વાસ શરીરની પ્રાણવાયુ (ઓકિસજન)ની જરુરીયાત કરતાં ઓછો ચાલે ત્યારે હોઠ, નખ, જીભ ભૂરા પડવા માંડે અને મગજને પ્રાણવાયુ ઓછો પડવાથી બેભાનાવસ્થા થઇ જાય છે. પ્રાણવાયુની ઊણપથી શરીરના વિવિધ અવયવોની કામગીરી ઠપ્પ થઇ જાય અને અંતે હ્રદય પણ બંધ પડી જાય.

શ્વાસની જેમ હ્રદયની કામગીરી બંધ પડવાની પ્રક્રિયા એકદમ એકાએક થઇ શકે અથવા ધીરે ધીરે પણ થઇ શકે છે. હ્રદયનુ કામ શરીરના વિવિધ અંગોને પ્રાણવાયુ(ઓકિસજન)યુકત લોહી પહાંચાડવાનુ છે. જયારે હ્રદય શરીરની પ્રાણવાયુની જરુરીયાત કરતાં ઓછુ ચાલે ત્યારે પણ હોઠ, નખ, જીભ ભૂરા પડવા માંડે અને મગજને પ્રાણવાયુ ઓછો પડવાથી બેભાનાવસ્થા થઇ જાય છે. હ્રદય બંધ પડયા પછી થોડીક જ વારમાં શ્વાસ પણ બંધ પડી જાય છે.

મોટેભાગે કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ બન્નેની જરુ૨ એકસાથે પડતી હોય છે કારણ કે શ્વાસ કે હ્રદયમાંથી કોઇ એક બંધ પડે તેની પાછળ બીજુ થોડીવારમાં જ બંધ પડી જતુ હોય છે. આ બંને જીવનબચાવ કામગીરીઓ બંધ શ્વાસ તથા બંધ હ્રદયવાળા બેભાન દર્દી પર કરવાની હોય છે એટલે હવે જોઇએ કે આવા સંજોગોમાં પ્રાથમિક સારવાર આપવા ક્રમવાર કેવી રીતે આગળ વધવુ:

૧. બેભાનાવસ્થા છે ?

દર્દીને ખભાથી પકડીને હલબલાવતાં કાન પાસે મોટેથી બૂમ પાડીને પૂછવુ " કેમ છો? ". બેભાન માણસ કોઇપણ પ્રકારનો પ્રત્યુતર નહીં આપશે.

૨. મદદ માટે બુમ પાડવી :

દર્દી બેભાન જણાય કે તરત જ મદદ માટે આસપાસ કોઈપણ માણસ હોય તેને બુમ પાડવી જે તમને સારવાર આપવામાં સહાયરૂપ બનશે તેમજ અન્ય મદદ મેળવવામા સહાય કરી શકશે જેમ કે 108 એમ્બયુલન્સ વગેરે બાલાવવી, દર્દીને ખસેડવો, વગેરે. જો બુમ પાડીને બોલાવી શકાય તેવું કોઇ ના મળે તો દર્દીને છોડીને જવું નહીં અને તરત જ જરાયે સમય બગાડયા વગર હવે આગળ સમજાવ્યા પ્રમાણે ક્રમવાર સારવાર ચાલુ કરી દેવી.

૩. દર્દીને વ્યવસ્થિત સુવડાવવો :

જ્યારે કોઇ બેભાન થઇ જાય ત્યારે હ્રદય ચાલતુ હાય કે ના ચાલતુ હોય માણસ નીચે ઢગલો થઇને પડી જાય છે. સૌથી પહેલાં તો દર્દીને જમીન પર ચત્તો સુવડાવવો. ચત્તો સુવડાવતી વખતે તેનું માથુ, ડોક અને ધડ એક સાથે ફેરવવા.

૪. શ્વાસોચ્છવાસ ચાલે છે કે નહીં ?

ર્દીનો શ્વાસોચ્છવાસ ચાલે છે કે નહીં તે જાણવા માટે (બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે) વાંકા વળી દર્દીના મોંની એક ઇંચ પાસે તમારો કાન ધરી તેની છાતી તરફ જુઓ. દર્દીના મોં કે નાકમાંથી શ્વાસ નિકળે ત્યારે તમારા કાનને તેનો અવાજ સંભળાશે અથવા અનુભવાશે. સાથો-સાથ દર્દીની છાતી અને પેટ શ્વાસ ભરાતી વખતે ઉચકાતી જણાશે. (તેને બરાબર જોવા માટે જરુર પડે તો દર્દીની છાતી પરના કપડાં દૂર કરવા). આવી રીતે જોવા, સાંભળવા કે અનુભવવાથી દર્દીનો શ્વાસ બંધ જણાય અને દર્દીને એકદમ હલબલાવવાથી બેભાન જણાય તો તરત કાર્ડિયેક મસાજ અને કૃત્રિમ શ્વાસોચ્છવાસ ચાલુ કરવો.

ક્યારેક એવુ પણ બને કે છાતી અથવા પેટ ઉચકાતા જણાય પણ મોં પાસે શ્વાસ સંભળાય કે અનુભવી ના શકાય. આવા સંજોગમાં દર્દીના શ્વાસ લેવાના પ્રયાસો અપૂરતા જ માનવા. એવું પણ બનતુ હોય છે કે અગાઉ બંધ જણાતો શ્વાસ માત્ર શ્વસનમાર્ગ ખોલવાના પગલાંઓથી ચાલુ થઈ જાય.

૫. હ્રદયની કામગીરી બરાબર છે કે નહીં ?

હ્રદય જયારે બરાબર કામ કરી શરીરમાં બધ ે લોહી પહોંચાડે ત્યારે લોહીનુ પરિભ્રમણ નાડીઓના ધબકારાઓ રૂપે અનુભવી શકાય છે. આમાંની બે નાડીઓ ખાસ જોવાતી હોય છે. પહેલી નાડી રેડિયલ ધમની છે. તેને અનુભવવા હાથના અંગુઠાના મૂળ પાસે કાંડા પર પહેલી ત્રણ આંગળીઓ વડે હળવેથી દબાણ આપવું. બીજી નાડી છે તે હ્રદયથી મગજ તરફ લોહી લઇ જતી મુખ્ય ધમની કેરોટિડનાં ધબકારા છે. તેને અનુભવવા હેડિયા(ગળામાં વચ્ચે હાથમાં આવતું સ્વરપેટીનું હાડકું) ની કોઇપણ એક બાજુ હેડીયાને અડીને અંગુઠો અથવા વચલી ત્રણ આંગળીઓ ગરદન પર પાછળ તરફ હળવેથી દબાવવી. પુખ્ત વયના દર્દીમાં રેડિયલ અને કેરોટિડના ધબકારા તપાસવા. રેડિયલ નાડી બરાબર જણાય ત્યારે કેરોટિડ નાડી બરાબર જ હોય. જ્યારે રેડિયલ બંધ લાગે ત્યારે કેરોટિડ તપાસવી જરૂરી છે. બાળકોમાં આ નાડીઓ તપાસવી કયારેક અઘરી પડે એટલે તેમનામાં આ બન્ને નાડીની વચ્ચેની બ્રેકિયલ નાડી તપાસવી પડે. તેના માટે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોણીના આગળના ભાગે મધ્ય બિંદુ કરતા સહેજ ધડ (શરીર) તરફ આંગળીઓ વડે હળવેથી દબાણ આપવુ. હ્રદય બંધ પડી જાય ત્યારે કોઇપણ નાડીના ધબકારા અનુભવી શકાય નહીં.

હ્રદય બંધ પડી જાય ત્યારે કોઇપણ નાડીના ધબકારા અનુભવી શકાય નહીં. હ્રદય બંધ પડી જાય ત્યારે શ્વાસોશ્વાસ પણ બંધ પડી જાય છે. હ્રદય બંધ પડી જાય ત્યારે લોહીનું પરિભ્રમણ જ અટકી પડે અને મગજનો લોહી અને પ્રાણવાયુનો પુરવઠો ઠપ્પ થઇ જવાથી મૃત્યુ થાય. બંધ શ્વાસ માટે કૃત્રિમ શ્વાસ આપીને પ્રાણવાયુ ભરી શકાય અને બંધ હ્રદય માટે કાર્ડિયેક મસાજ દ્વારા છાતી પર ઝટકાભેર દબાણ આપી લોહીનું પરિભ્રમણ ચાલુ રાખવાની કોશીશ થાય છે.

નાડીના ધબકારાઓ અનુભવવા એકદમ ઉતાવળ ના કરવી તેમજ વધારે જોરથી દબાણ પણ ના આપવુ. વધારે દબાણથી નાડીને અનુભવી ના શકાય. કાળજીપૂર્વક પાંચેક સેકન્ડ જેટલો સમય આ કામ માટે લેવો. દર્દી પર આ ધબકારા અનુભવતા પહેલા દરેક પ્રાથમિક સારવાર આપનારે પોતાના પર અને બીજા સાજા માણસો પર આ નાડીઓના ધબકારા અનુભવવાની પ્રેકટીસ જાણકાર અનુભવી માણસ પાસે પ્રત્યક્ષ શીખીને કરવી જોઇએ. તો જ સંકટ સમયે તેનો ઉપયોગ બરાબર થાય. નહીં તો માત્ર વાંચીને આવુ દર્દી પર કરવું નિષ્ફળતા જ નોતરશે. મોટાભાગનાં બિનતાલિમી લોકો નાડીના ધબકારા પકડી શકતાં નથી. એટલે નવી અાંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ, સામાન્ય લોકોએ નાડીનાં ધબકારા જોવા માટે સમય બગાડવાને બદલે દર્દીનો શ્વાસ બંધ જણાય અને દર્દીને એકદમ હલબલાવવાથી બેભાન જણાય તો તરત કાર્ડિયેક મસાજ અને કૃત્રિમ શ્વાસોચ્છવાસ ચાલુ કરવો.

૬. કાર્ડિયેક મસાજ:

કાર્ડિયેક મસાજ દરમ્યાન છાતી પર દબાણ દ્વારા હ્રદયમાંથી મુખ્ય રક્તવાહિનીઓમાં લોહી ધકેલાય અને આમ દર્દીને બચાવવાની કોશિશ થાય છે.

દર્દીની ગોઠવણ : દર્દીને જમીન અથવા કોઇપણ સપાટ કડક જગ્યા પર ચત્તો સુવડાવવો. પોચા ગાદલા કે પલંગ પર નહીં. સપાટી કડક હોવી જરુરી છે કારણ કે પોચી સપાટી પર કાર્ડિયેક મસાજ અસરકારક રીતે આપી ના શકાય. દર્દીના માથા નીચે ઓશીકુ કે તકીયો રાખવો નહીં. શકય હોય તો મદદ કરનારે દર્દીના બેઉ પગ માથા કરતા સહેજ ઉચા રાખવા. તેના માટે પગ નીચે કોઇક નાના ટેબલ જેવી વસ્તુ ટેકા માટે મૂકી શકાય. સારવાર આપનારે દર્દીનાં મોંમાથી ઊલટી વગેરે સાફ કરી મોં વાટે કૃત્રિમ શ્વાસ આપવાનો શરૂ કરવો.

કાર્ડિયેક મસાજ આપવાની જગ્યા : ાથેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, દર્દીની છાતીના વચ્ચેના હાડકાના નીચલાં ૧/૩ ભાગની બરાબર વચ્ચે સારવાર આપનારે તેની જમણી હથેળીનો કાંડા તરફનો ભાગ મૂકવો અને પછી ડાબી હથેળી પહેલી હથેળી પર મૂકવી. પહેલી હથેળી હાડકાના નીચલા છેડા કરતા ૧ ઇંચ ઉપર રાખવી. જો છેક છેડા પર મૂકાઇ તો મસાજ અસરકારક રહે નહીં અને પેટમાં અવયવોને ગંભીર નુકસાન પણ થઇ શકે છે. દર્દીની છાતીના સંસર્ગમાં આખી હથેળી નથી મૂકવાની પણ હથેળીનો કાંડા તરફનો ભાગ મૂકવાનો છે. હથેળી છાતીની પાંસળીઓ પર સરકી ના જાય તે પણ ધ્યાન રાખવુ. તેવી રીતે આંગળીઓ પણ છાતીને અડવી જોઇએ નહીં, એટલે બન્ને હાથની આંગળીઓ એક બીજામાં ભેરવીને છાતીથી દૂર રાખવી.

મસાજ આપનારની સ્થિતિ : ારવાર આપનારે દર્દી પાસે ઘૂંટણભેર બેસી આગળ બતાવ્યા પ્રમાણે છાતી પર મૂકેલી હથેળી પર આગળ નમવું જેથી તેના કાંડા અને હથેળી વચ્ચે ૯૦ ડિગ્રી જેટલો ખૂણો પડે. કાંડા, કોણી અને ખભા એક જ ઊભી લીટીમાં દર્દીની છાતી પર આવે તેમ નમવુ, એટલે કે સારવાર આપનાર લગભગ દર્દીની ઉપર હથેળી વડે પોતાનું વજન ટકાવે તેવી સ્થિતિ આવી જાય. હાથ કોણીએથી વળવો જોઇએ નહીં.

કાર્ડિયેક મસાજની પ્રક્રિયા : ોણીએથી જરા પણ વાળ્યા વગર હથેળીઓ દ્વારા દર્દીની છાતીને ઝટકાભેર દબાવવી અને છોડી દેવી. એટલું જોર કરવું કે છાતીનું એ હાડકું આશરે ૫ સેન્ટીમીટર જેટલું દબાય. મસાજના ઝાટકા વખતે હાથ જો કોણીએથી વળી જાય તો મસાજ અસરકારક રીતે થશે નહીં. ઝાટકાનુ દબાણ છોડતી વખતે હથેળીઓ છાતી પર જ રહેવા દેવી, તે ઉચકી ના લેશો પણ છાતી સંપૂર્ણપણે યથાવત સ્થીતિમાં આવી જાય એ માટે બે ઝાટકા વચ્ચે જરા પણ વજન છાતી પર ન પડે એનુ ધ્યાન રાખો. એક મિનિટમાં ૧૦૦ થી ૧૨૦ વખત આવા ઝટકા આપવાની ઝડપ રાખવીં. કાર્ડિયેક મસાજની પ્રક્રિયા સારવાર અાપનારને થકવી નાખતી હોય છે. મસાજ આપતી વખતે એક સાથે બધુ જોર ના કાઢી નાખતા એટલુ જ જોર કરવુ કે છાતી જરૂર પુરતી પાંચ થી છ સે.મી. દબાય. છ સે.મી. થી વધુ છાતી દબાવવાથી નુકસાન થઇ શકે. જોર કાઢવાને બદલે પોતાનુ વજન છાતી પર મૂકીને કામ ચાલી જાય તો તેનાથી પણ ચલાવી શકાય. મસાજ આપનારે થાપાના સાંધાઓથી વળવુ. ઘૂંટણ, તેમજ ખભા કે કોણીએથી હલન-ચલન ન કરવું, કારણ કે તેથી મસાજની અસરકારકતા ઘટશે અને સારવાર આપનાર વહેલો થાકી જશે. મસાજની પ્રક્રિયાથી કુદરતી ધબકારા કરતા માત્ર ત્રીજા કે ચોથા ભાગનુ કામ થઇ શકે છે. એટલે મસાજની આખી પ્રક્રિયા નિયમિતતા ભરેલી રાખવી

જો બે સારવાર આપનાર વ્યક્તિ હોય તો એક વ્યક્તિ કાર્ડિયેક મસાજ આપે ત્યારે સાથે-સાથે બીજી વ્યક્તિએ કૃત્રિમ શ્વાસ ચાલુ રાખવો. દર બે મિનિટે મસાજ આપનાર વ્યક્તિએ બીજા વ્યક ્તિને અા થકાવનારું કામ સોંપી દેવુ. દર ૩૦ મસાજના ઝાટકા પછી બીજી વ્યક્તિએ બે વાર મોં વાટે કૃત્રિમ શ્વાસ આપવો. નાના બાળકને સારવાર અાપનાર બે વ્યક્તિ હોય તો એક વ્યક્તિ ૧૫ મસાજના ઝાટકા અાપે પછો બીજી વ્યક્તિ બે કૃત્રિમ શ્વાસ આપે એવું કરી શકાય.

જો માત્ર એક જ સારવાર આપનાર હોય તો પુખ્ત વયના દર્દીને દર ૧૫ સેકન્ડે ૩૦ મસાજના ઝાટકા પછી ૩ સેકન્ડમાં બે કૃત્રિમ શ્વાસ આપવા. આ રીતે દર મિનિટે ૧૦૦ કાર્ડિયેક મસાજ અને ૬-૮ કૃત્રિમ શ્વાસ જશે. દરેક ઝાટકાને એક, બે, ત્રણ,........એમ ગણતરી સાથે આપવા જેથી ગણતરી સાથે ઝાટકાની લય સરખી બંધાયેલી રહે. મસાજ આપતા-આપતા કૃત્રિમ શ્વાસ આપતી વખતે દરેક વખતે આગળ જણાવ્યા પ્રમાણે શ્વસનમાર્ગ વ્યવસ્થિત ખોલવો, દર્દીનુ નાક બંધ કરવુ, ધીરેથી શ્વાસ ભરવો અને તે બરાબર અપાયો છે કે નહીં તે જોવા દર્દીની છાતી પર નજર રાખવી.

કૃત્રિમ શ્વાસ આપીને ફરી કાર્ડિયેક મસાજ આપવા જતા દર્દીની છાતી પર હથેળી રાખવાની જગ્યા અને સારવાર આપનારની ગોઠવણ બરાબર રહે તે ધ્યાન રાખવુ. તે મસાજની અસરકારકતા માટે અને દર્દીને નુકસાન નિવારવા જરૂરી છે.

* આવી રીતે કાર્ડિયેક મસાજ અને કૃત્રિમ શ્વાસની સાઇકલો ચાલુ રાખતા દર ચાર-પાંચ મિનિટે ઝડપથી નાડી પરિક્ષણ કરવુ. જયાં સુધી નાડી અને શ્વાસ ચાલુ ન થાય અથવા તબીબી સહાય ન મળે ત્યાં સુધી આ જીવનબચાવ કામગીરી ચાલુ રાખવી. આ દરમ્યાન જો નાડી બરાબર ચાલુ થઇ ગઇ હોય અને શ્વાસ ચાલુ ન થયો હોય તો મસાજ બંધ કરી કૃત્રિમ શ્વાસ ચાલુ રાખતા દર થોડી મિનિટે નાડી તપાસતા રહેવું. શ્વાસ ચાલુ થઇ જાય ત્યારે આ કામગીરી બંધ કરી દર થોડી મિનિટે દર્દીનો શ્વાસ અને નાડી તપાસતા રહેવુ પણ દર્દીનો શ્વસનમાર્ગ ખૂલ્લો રહે તેમ જાળવી રાખવો. જે દર્દીને આ જીવનબચાવ કામગીરીથી બચી ગયા હોય તેની સ્થિતિ ફરી ગમે ત્યારે ગંભીર થઇ શકે છે એટલે તબીબી સારવાર મળે ત્યાં સુધી પરિસ્થિતિ પર કાબુ રાખવો, તેને જરાકવાર માટે પણ છોડીને જવુ નહીં અને જરૂર પડે તો ફરી આ પ્રક્રિયાઓ ચાલુ કરી દેવી.

૭. શ્વસનમાર્ગ ખૂલ્લો કરવો :

મોં અને નાકથી ફેફસાં સુધી હવાની અવરજવર શ્વસનમાર્ગ દ્વારા થાય છે. તે નળી જેવો અને વાળી શકાય તેવો હોય છે. બેભાન દર્દીમાં જો ગળું જરુર કરતાં વધારે આગળ કે પાછળ વળેલું-નમેલું હોય તો તેમાં આવેલો શ્વસનમાર્ગ પણ વળી જાય. ત્યારે તેમાંથી શ્વાસની અવરજવરમાં અવરોધ થઇ શકે છે. આ સિવાય બેભાન દર્દીને ચત્તો રખાય ત્યારે તેની જીભ ગળામાં પાછળ ધકેલાઈ જાય તો પણ શ્વસનમાર્ગ અવરોધાઇ શકે છે. કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપતી વખતે શ્વસનમાર્ગમાં કોઇ અવરોધ ના હોય તે અત્યંત જરુરી છે. આ માટે નીચે મૂજબ પગલાં લેવા:

* પહેલા દર્દીના મોંમાંથી છુટ્ટી વસ્તુ જેમ કે તુટેલા દાંત, ચોકઠું, કાદવ, કચરો, થૂંક, ઉલ્ટી, કોળિયો જેવી કોઇ પણ વસ્તુ આંગળી વડે કાઢી લેવી. શ્વાસ આપવામાં નડે નહીં તે માટે દર્દીના તંગ કપડા ઢીલા કરવા અથવા કાઢી નાખવા.

* દર્દીના ખભાના ભાગ નીચે નાની ચાદર કે ગડી વાળેલ ટુવાલ જેવું કંઇક મૂકવુ જેથી દર્દીનુ માથુ જરાક પાછળ તરફ નમે.

* દર્દીના માથા તરફના તમારા હાથની હથેળી તેના કપાળે મૂકી તેનું માથુ પાછળ તરફ વાળવું. આમ કરવા માટે કેટલું જોર જોઇશે તે દર્દીના કદ અને બાંધા પર નિર્ભર કરશે. દર્દીનુ માથુ વધુ સહેલાયથી પાછળ કરવા માટે બીજા હાથની આંગળીઓથી દર્દીની હડપચી (દાઢી)ને ઊપર તરફ હળવેથી ખેંચવી. આમ કરતી વખતે દાઢીના હાડકાં પર ખેંચાણ આપવું. બાજુના પોચા ભાગ પર દબાણ આપાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું કારણ કે ત્યાંના દબાણથી શ્વસનમાર્ગમાં અવરોધ થઇ શકે છે. આ ખેંચાણ ત્યાં સુધી આપવુ કે દર્દીનું મોઢું ઉપર નીચેના દાંત એક બીજાને અડકે તેટલુ બંધ થાય. યાદ રહે કે મુખ્ય આશય માત્ર મો બંધ કરવાનો નથી પણ સાથે આગળ જણાવ્યા પ્રમાણે કપાળ પર અપાતા દબાણને માથુ પાછળ નમાવવા માટે મદદ કરવાનો છે. આમ કરવાનો હેતુ દર્દીની શ્વાસનળી બરાબર ખોલવાનો છે.

* જયારે માથું આગળ તરફ નમેલુ રહે ત્યારે શ્વાસનળીનો રસ્તો સાંકડો રહે છે અને તેમા શ્વાસ બરાબર ભરી ના શકાય. આમ કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હડપચી અને માથાને ઉપરની દિશામાં જરાક ખેચવાથી ગળું સીધુ થશે અને શ્વાસનળી પૂરતી ખુલી જશે. આમ કરતાં માથુ વધુ પડતુ પાછળ વળે નહીં તેનુ પણ ધ્યાન રાખવુ. માથુ વધુ પડતુ પાછળ વળે તો પણ શ્વસનમાર્ગમાં અવરોધ થઇ શકે છે. ઊભાં ઊભાં આકાશમાં સામે ઊડતું વિમાન જોતા હોઇએ ત્યારે ગળું અને માથું જે સ્થિતિમાં હોય એવી સ્થિતિમાં દર્દીનું માથું છેવટે ગોઠવવું જોઇએ.

* જયારે દર્દીને ગરદનમાં ગળ-પાછળ કયાંય પણ ઇજા થઇ હોય ત્યારે ઉપર જણાવેલ પગલાંઓથી શ્વસનમાર્ગ ખોલતી વખતે ઇજા વકરીને ગંભીર થઇ જાય શકે છે જેથી જાનનું જોખમ પણ થઇ શકે !! (ત્યાંની કરોડરજ્જુમાં આવેલી મુખ્ય ચેતાને નુકસાન થવાથી). આવા સંજોગોમાં દર્દીનું માથુ આગળ, પાછળ કે કોઇપણ બાજુએ વાળવુ નહીં અને દાઢી ઉચકવાને બદલે બન્ને હાથના આંગળાઓથી દર્દીના કાનની નજીકના જડબાંને પકડી આસ્તેથી આગળ તરફ ખેંચવા. આમ કરવાથી જીભ ગળામાં પાછળ ધકેલાતી અટકશે. આટલું કરતા શ્વાસનળી ખૂલે નહીં તો જ આસ્તેથી માથુ સહેજ જ પાછળ નમાવીને જોવુ.

૮. કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવા :

* આ પ્રક્રિયા દરમ્યાન શ્વસનમાર્ગ ખૂલ્લો રહે તે જરૂરી છે એટલે આગળ જણાવ્યા પ્રમાણે દર્દીનુ માથુ વાળેલુ રાખવા માટે તેના કપાળે અને દાઢીએ દબાણ યથાવત રાખવુ.

* પછી જે હાથ દર્દીના કપાળ પર પાછળ તરફ દબાણ માટે મૂકેલો હોય તેની હથેળી ત્યાં જ દબાણપૂર્વક રહેવા દઇ દર્દીનું નાક તેની આંગળીઓથી બંધ કરવુ. ધ્યાન રહે કે આમ કરતી વખતે તે હથેળીનું કપાળ પર દબાણ ચાલુ રહે. જો દબાણ ચૂકી જશે તો શ્વસનમાર્ગમાં અવરોધ આવશે.

* આ સાથે સારવાર આપનારે ઊંંડો શ્વાસ ભરવો.

* દર્દીના નાકને બંધ જાળવી, બીજા હાથે તેનુ મોં સહેજ ખોલી સારવાર આપનારે પોતાની અંદર ભરેલો ઊંંડો શ્વાસ દર્દીના મોં પર પોતાનુ મોં ચપોચપ ગોઠવીને કાઢવો. યાદ રહે કે આમ કરતી વખતે દર્દીનું નાક તો એક હાથે દબાયેલું જ રહે નહીં તો શ્વાસ દર્દીના મોંમાથી નાકમાં થઇને બહાર નીકળી જશે.

* જો કોઇ કારણસર દર્દીનું મોં ખુલી શકે તેમ ન હોય અથવા મોંમાં શ્વાસ આપી શકાય નહીં તો મોં બરાબર બંધ રાખી દર્દીના નાકમાં શ્વાસ ભરી શકાય. નાના બાળકોમાં સારવાર આપનાર પોતાના મોં વડે દર્દીના મોં અને નાક બન્નેમાં શ્વાસ આપી શકે.

* આમ ભરેલો શ્વાસ દર્દીના ફેંફસામાં પહોંચશે એટલે તેની છાતી ફુલશે. છાતીનું ફુલવું દર્શાવશે કે કૃત્રિમ શ્વાસ બરાબર અપાયો છે. છાતી ફુલાવવાથી વિશેષ વધારે જોર કરવુ નહીં. કૃત્રિમ શ્વાસ આપવાની ઝડપ પણ કાબુમા રાખવી, પ્રત્યેક શ્વાસ આપવામા પુખ્ત વયના દર્દી માટે દોઢથી બે સેકન્ડ અને બાળક માટે એકથી દોઢ સેકન્ડ જેટલા સમય લેવો. વધુ જોરથી કે વધુ ઝડપથી શ્વાસ અપાય તો દર્દીના ફેફસાને નુકસાન થઇ શકે છે, કૃત્રિમ શ્વાસ છાતીમાં જવાને બદલે પેટમાં ભરાય અને ઊલ્ટી થઇ શકે છે જે ફેફસામાં ભરાઇ શ્વાસ અવરોધ કરશે. દર્દીના પેટમા હવા ભરાયા કરે તો તે ફૂલી જશે અને ફેફસા ફૂલવામા અવરોધ પણ કરશે.

જો છાતી સહેલાઇથી ફૂલે નહીં તો શ્વસનમાર્ગમાં અવરોધ છે તેમ માની આગળ જણાવ્યા પ્રમાણે તેને ખોલવાના પગલાં ફરી લેવા અને કૃત્રિમ શ્વાસ ભરવો. બે વાર વ્યવસ્થિત કોશીશો કર્યા બાદ પણ દર્દીની છાતીમાં શ્વાસ સહેલાઇથી સફળતાપૂર્વક ભરી ના શકાય તો શ્વાસનળીમાં કંઇક ફસાયેલુ છે તેમ માની પ્રકરણ નં.૩ માં બતાવ્યા પ્રમાણે પગલા લેવા.

* શ્વાસ બહાર કાઢવા દર્દીનું નાક અને મોં છોડી દેવા, જેથી છાતીમાંની હવા આપોઆપ જ બહાર નીકળી જશે. તે જાણવા ફરીથી સારવાર આપનારે પોતાનુ મોઢુ દર્દીની છાતી તરફ રાખીને આગળ બતાવ્યા પ્રમાણે દર્દીના મોમાંથી નીકળતા શ્વાસને સાંભળવા અને અનુભવવાની કોશીશ કરવી. તે દરમ્યાન શ્વાસ આપનારે ઊંડો શ્વાસ ભરવો. તે દરમ્યાન દર્દીનાં કપાળ પરની હથેળી અને દાઢી પરનું દબાણ યથાવત રાખી શ્વસનમાર્ગ ખુલ્લો રહે તે જોવું.

* ફરી પાછો ઊંડો શ્વાસ ભર્યા પછી આગળ બતાવ્યા પ્રમાણે આખી પ્રક્રિયા નવેસરથી કરવી. આમ દરેક શ્વાસ ભરીને છોડતા પાંચથી છ સેકન્ડનો સમય થાય અને એક મિનિટમાં ૧૦ થી ૧૨ વખત શ્વાસ ભરાય તો દર્દીના માટે પૂરતું છે. બાળકને દર ૩ સેકન્ડે એક શ્વાસ આપવો પડે (મિનિટના ૨૦ શ્વાસ). વધારે ઝડપથી શ્વાસ આપવાની જરૂર નથી હોતી. વધારે ઝડપ કરવાથી સારવાર આપનાર વહેલો થાકી જાય છે.

* આ રીતે શ્વાસ આપતાં આપતાં જો દર્દીનું પેટ ફૂલવા માંડે તો સમજવું કે હવા તેના પેટમાં પણ ભરાય છે અને શ્વસનમાર્ગમાં અવરોધ છે. ફરીથી શ્વસનમાર્ગ ખોલવા માટે આગળ બતાવ્યા મુજબ પગલાં લેવા અને પછી હળવેથી પેટ દબાવવું જેથી હવા બહાર નીકળી જશે.

આ પ્રક્રિયા વાંચીને પ્રશ્ન થશે કે સારવાર આપનારના કાઢેલા ઉચ્છવાસમાં તો ઓક્સિજન ઓછો અને ર્કાબનડાયોકસાઇડ વધુ હોય તો આ પદ્ધતિથી કઇ રીતે ફાયદો થાય. પણ હકીકતમાં જ્યારે સારવાર આપનાર ઊંડો શ્વાસ લે ત્યારે તેની પોતાની જરૂરિયાત કરતા ચાર-પાંચ ગણો વધારે ઓક્સિજન તેના ફેફસામાં પૂરાય અને પછી તે ઓક્સિજન તેના લોહીમાં ભળે તે પહેલા તરત જ તે શ્વાસ દર્દીના મોંમાં છોડાઇ જાય છે. જે શ્વાસ બહાર નીકળે તેમાં દર્દી પૂરતું તો ઓક્સિજન હોય જ છે.



જીવનબચાવ કામગીરીના પગલાંઓના ક્રમની સંક્ષિપ્ત યાદી

હ્રદયની કામગીરી (Cardiac Massage)

* દર્દી બેભાન છે?

મદદ માટે બૂમ પાડો

દર્દીને સીધો સુવડાવો.

* શ્વાસોશ્વાસ અને કેરોટિડ નાડી જુઓ

શ્વાસ: જુઓ, સાંભળો અને અનુભવો

૫ સેકન્ડ

માથાની સ્થિતિ જાળવવી


* શ્વાસ અનિયમિત કે બંધ અથવા નાડી બંધ

તમારી જગ્યા બરાબર બદલો

દર્દીની છાતી પર મસાજની જગ્યાએ

બરાબર હથેળીઓ મૂકો

* કાર્ડિયેક મસાજ આપવો

૧૫ સેકન્ડમાં 3૦ ઝાટકા

ગણતરી સાથે (મીનીટમાં 100-120 ઝાટકા)


શ્વસનમાર્ગની કામગીરી (Airway)

* દર્દીને બરાબર સુવડાવવો

શ્વસનમાર્ગ ખોલવો

(કપાળે અને દાઢીએથી પકડીને

માથુ પાછળ તરફ વાળવુ)

શ્વાસ (Breathing)

* પ્રથમ બે કૃત્રિમ શ્વાસ આપવા

હળવેથી ૨ સેકન્ડમાં એક શ્વાસ

છાતી પર નજર રાખો

સારવારનો ક્રમ:

(CAB /નાના બાળકમાં ABC)

* કાર્ડિયેક મસાજ / કૃત્રિમ શ્વાસ નો ગુણોત્તર:

30:2 (એક બચાવનાર)

15:2 (માત્ર બાળકમાં બે બચાવનાર)

    1. પુખ્તવયે અને બાળકોમાં જીવન બચાવ કામગીરી


પુખ્ત

૧ થી ૧૨ વરસનું બાળક

૧ વરસથી નાનુ બાળક

જરુરિયાત નક્કી કરવી

બેભાન દર્દી + ડચકા ખાતો કે બંધ શ્વાસ

બેભાન દર્દી + ડચકા ખાતો કે બંધ શ્વાસ

બેભાન દર્દી + ડચકા ખાતો કે બંધ શ્વાસ

સારવારનો ક્રમ

CAB or ABC

પહેલાં કાર્ડિયેક મસાજ પછી કૃત્રિમ શ્વાસ

પહેલાં કાર્ડિયેક મસાજ પછી કૃત્રિમ શ્વાસ

પહેલાં કૃત્રિમ શ્વાસ પછી કાર્ડિયેક મસાજ

કાર્ડિયેક મસાજ દર/મિનિટ

૧૦૦ થી ૧૨૦

૧૦૦ થી ૧૨૦

૧૦૦ થી ૧૨૦

દબાણની ઊંડાઇ

પ સે.મીં. (બે ઈંચ)

પ સે.મીં. (બે ઈંચ)

૪ સે.મી. (દોઢ ઇંચ)

કાર્ડિયેક મસાજ/ કૃત્રિમ શ્વાસ નો ગુણોત્તર

30:2 (એક / બે બચાવનાર)

30:2 (એક બચાવનાર)

15:2 (બે બચાવનાર)

30:2 (એક બચાવનાર)

15:2 (બે બચાવનાર)

મસાજ આપવાની રીત




કૃત્રિમ શ્વાસ આપવાની અન્ય રીત