કૃત્રિમ શ્વાસ આપવાની અન્ય રીત

મોં વાટે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની રીત સૌથી સારી માનવામાં આવે છે. પણ તેનો ઉપયોગ અમુક સંજોગોમાં ના કરી શકાય જેમ કે :

(૧) દર્દી ઝેરી પદાર્થ કે એસિડ ગળી ગયો હોય; (૨) દર્દીનું મોં બહુ ગંદુ હોય; (૩) કૃત્રિમ શ્વાસ આપનારના મોમાં ચાંદા કે એવી કોઇ બીમારી હોય; (૪) દર્દીના ચહેરા પર ઇજા થઇ હોય કે જડબું ભાંગી ગયુ હોય.

કૃત્રિમ શ્વાસ આપવાની એક બીજી સાદી રીત હોલ્ગર-નીલ્સનની રીત તરીકે ઓળખાય છે - તે માટેના પગલાં આકૃતિમાં સમજાવ્યા છે. પરંતુ, પીઠ અને કરોડજ્જુનુ ફ્રેક્ચર કે હાથ અથવા ગળાની ગંભીર ઇજા હોય ત્યારે આ પધ્ધતિથી કૃત્રિમ શ્વાસોશ્વાસ ના અપાય કારણકે તેથી ઇજા વધુ બગડશે. દર્દીને માથું એક તરફ રહે તેમ ઊંધો સુવડાવો. તે પહેલાં તેનુ મોં સાફ કરવું . આમ સુવડાવતી વખતે તેના માથા નીચે તેની બન્ને હથેળી ટેકવવી.

(અ) દર્દીના માથા પાસે એક ઘૂંટણ પર ઊભડક બેસવું જેથી ઘૂંટણ દર્દીના માથા પાસે તેના એક કાનની સીધમાં આવે અને બીજા પગનો પંજો બાજુના ખભાની પાસે આવે. (બ) પછી સારવાર આપનારે તેની બન્ને હથેળીઓ આંગળા ખોલીને દર્દીની પીઠ પર આકૃતિમાં ર્દશાવ્યા પ્રમાણે મૂકવી. (ક) પછી બન્ને હાથ કોણીથી વળે નહીં તેમ સીધા રાખીને આગળ ત્યાં સુધી નમવું કે હાથ જમીનથી આશરે ૯૦ નો કોણ બનાવે. આમ સારવાર આપનારનું વજન દર્દીની છાતી દબાવશે. તે દરમ્યાન દર્દીનો શ્વાસ બહાર ઉચ્છવાસ તરીકે નીકળશે. (ડ) પછી હથેળીઓથી દબાણ છોડીને તેને દર્દીની કોણીઓ સુધી લઇ જવી અને ( ઇ) તરતજ કોણીએથી પકડીને દર્દીના હાથ ઉંચા કરવા, આમ કરવાથી દર્દીની છાતી જરાક ઊંચકાશે અને પરિણામે જેટલી છાતી આગળના પગલાંથી દબાયેલી હતી તેટલી ફૂલશે અને શ્વાસ ભરાશે. પણ આ ઊંચકવાનું તેટલુંજ રાખવુ કે દર્દીનું માથું ના ઊંચકાય અને છાતી જમીનથી અધ્ધર ના થાય. આવી રીતે એક શ્વાસ કાઢવાની અને શ્વાસ ભરવાની સાઇકલ પૂરી થાય. પછી આમ વારંવાર કરવાથી કૃત્રિમ શ્વાસોશ્વાસ ચાલુ રહે. એક મિનિટમાં ૧૫ થી ૨૦ વખત શ્વાસ ભરવા માટે દરેક સાઇકલને પાંચેક સેકન્ડ લાગવી જોઇએ. ૧,૨: હથેળીથી છાતી દબાવતી વખતે, ૩ : હાથ કોણીને પકડે ત્યાં સુધી, ૪,૫: કોણીથી છાતી ઉંચકાય ત્યાં સુધી.

© ડૉ. કેતન ભરડવા+ડૉ. કેતન ઝવેરી  Disclaimer(અસ્વીકારક)  પ્રાથમિક સારવાર