આખા
સમાજમાં ડિપ્રેશન, ટેન્શન અને સંબંધિત મનોશારીરિક તકલીફોનું પ્રમાણ વધી
રહ્યું છે ત્યારે આવી તકલીફો ને થતી જ અટકાવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું
ખૂબ જરૂરી છે. બાળપણથી જ જો લાગણીઓ અંગે જાગૃતિ અને એની વૈજ્ઞાનિક અને
વ્યાજબી વ્યવસ્થા અંગે જાગૃતિ લાવવામાં આવે તો માનસિક રીતે તંદુરસ્ત સમાજ
રચી શકાય. મનોસામાજિક દ્દષ્ટિએ માણસને સંપૂર્ણ બનાવે એવાં કૌશલ્ય દરેક
વ્યક્તિએ શીખવાં પડશે. દૈનિક જીવનની સમસ્યા અને પડકારોને અસરકારક રીતે
પહોંચી વળવાની ક્ષમતાને મનોસામાજિક સામથ્ર્ય કહેવાય છે. મનોસામાજિક
સામથ્ર્ય (અથવા લાયકાત) મેળવનાર વ્યક્તિ મનની શાંતિ જાળવી રાખીને અન્ય
વ્યક્તિ, પરિસ્થિતિ કે વાતાવરણ સાથે ગોઠવાઇ શકે છે. બાહ્યપરિબળોમાં વારંવાર
પરિવર્તન આવવા છતાં મનની શાંતિ ન ગુમાવનાર વ્યક્તિ મનોસામાજિક સામથ્ર્ય
ધરાવે છે એવું કહી શકાય. આવું સામથ્ર્ય મેળવવા માટે કેટલાંક જીવનલક્ષી
કૌશલ્ય દરેક વ્યક્તિએ શીખવા પડશે.
અત્યારના ઝડપી જેટયુગમાં આખો દિવસ દોડાદોડી, અવાજ અને ગીચતા વચ્ચે જીવતા
દરેક માણસે અને ખાસ તો હ્રદયરોગ; હાઇબ્લડપ્રેશર વગેરેના દર્દીઓએ,
તણાવ-મુક્ત રહેવાની રીતો - પધ્ધતિઓ શીખી લેવી જોઇએ. ધ્યાન, યોગાસન,
પ્રાણાયામ, બાયોફીડબેક કે સાઇકોથેરપીની મદદથી માનસિક શાંતિ મેળવી શકાય. અને
આમાંથી કોઇક ફાવતી પધ્ધતિ જીવની એક રોજિંદી ઘટમાળ બની જવી જોઇએ જેથી
નિયમિતપણે થોડોક સમય માનસિક શાંતિ અને સ્વસ્થતા પાછળ જાય. આ બધી પધ્ધતિઓ
સિવાય પણ જો માણસ ચાલુ કામકાજમાંથી થોડોક સમય પોતાને મનગમતી અન્ય પ્રવૃત્તિ
કરવા પાછળ કાઢી લે તો માનસિક તણાવ ઘટી જાય છે. આવી પ્રવૃત્તિમાં
ગીત-સંગીતથી માંડીને રમત-ગમત (હરીફાઇ વગરની) સુધીની કોઇપણ પ્રવૃત્તિ થઇ
શકે.
વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે દશ જીવનલક્ષી
કૌશલ્યોની યાદી તૈયાર કરવામાં આવી છે. બાળપણથી જ જો પધ્ધતિસર આવાં કૌશલ્ય
શીખવામાં આવે તો સમાજ વધુ સ્વસ્થ બને. આની જેવાં અન્ય પણ ઘણાં જીવનલક્ષી
કૌશલ્ય છે પરંતુ આ દશ કૌશલ્ય એ બધાના પાયામાં છે. જે રીતે શારીરિક ક્ષમતા
(દા.ત. ઘોડેસવારી, તરણ વગેરે) નાં કૌશલ્યો શીખવામાં આવે છે એ જ રીતે
પધ્ધતિસર આ મનોસામાજિક કૌશલ્યોનું શિક્ષણ પણ જરૂરી છે. આ કૌશલ્યોની યાદી
નીચે મુજબ છે:
જીવનકૌશલ્યો:-
(૧) નિર્ણય કરવાની ક્ષમતા |
(Decision Making) |
(૨) પ્રશ્ન હલ કરવાની ક્ષમતા |
(Problem Solving) |
(૩) સર્જનાત્મક ચિંતન |
(Creative Thinking) |
(૪) ગુણદોષનો વિચાર કરવાની ક્ષમતા |
(Critical Thinking) |
(૫) અસરકારક સંપર્ક અને અભિવ્યક્તિ |
(Effective communication) |
(૬) માનવીય સંબંધો અંગેની ક્ષમતા |
(Interpersonal Relationship) |
(૭) સ્વ-જાગૃતિ |
(Selfawareness) |
(૮) અન્યની લાગણીઓ સાથે તાદાત્મ્ય |
(Empathy) |
(૯) લાગણીઓને ખાળવાની ક્ષમતા |
(Coping With Emotions) |
(૧૦) તાણને પહોંચી વળવાની ક્ષમતા |
(Coping With Stress) |