મન:શાંતિ

7. એકલતા નિવારણ માટે પ્રેમ અને હૂંફ

છેલ્લાં પચાસેક વર્ષોમાં દુનિયાના અનેક દેશોમાં થયેલા ''ઘનિષ્ઠ માનવીય સંબંધોની રોગ અને સ્વાસ્થ્ય પર અસર અંગેના ઘણા વૈજ્ઞાનિક અભ્યાસ લગભગ એકસરખા તારણ પર આવ્યા છે કે જો સ્વસ્થ રહેવું હોય અને જિંદગીને માણવી હોય તો તમારા કુટુંબ, સમાજ અને કુદરતને પ્રેમ કરજો. પ્રેમ, કરૂણા, ઘનિષ્ઠ મૈત્રી, હૂંફ વગેરે સદ્ગુણો માત્ર સામાજિક દ્દષ્ટિએ જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્યની દ્દષ્ટિએ પણ એટલાં જ અગત્યનાં છે. માત્ર સાદી મિત્રો સાથે વાત કરવાની કે પોતાની લાગણી અન્ય વ્યક્તિઓ સાથે વહેંચવાની કે પોતાનાં મા-બાપ સાથે નજદીકી અનુભવવાની કે એકસરખી તકલીફ ધરાવતાં દર્દીઓના જૂથમાં ભળવાની કે જરૂરિયાતમંદને મદદ કરવાની બાબત વ્યક્તિના આયુષ્ય અને જીવનની ગુણવત્તામાં ખૂબ મોટાં પરિવર્તન કરી શકે છે - એ વાત જરા નવાઇભરી પણ તદ્દન સાચી છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇ.સ. ૧૯૫૫માં કેટલાક વિદ્યાર્થીઓનો એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને તેના માતા અને પિતા સાથે કેવા સંબંધ છે (ખૂબ નિકટનાં / મૈત્રીપૂર્ણ / સહન થઇ શકે એવા / બગડેલા સંબંધ) એ જણાવવાનું કહ્યું હતું. આ પછી ચોવીસ વર્ષ પછી આ વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય-સંબંધિત તકલીફોની તપાસ કરવામાં આવી જેમને એમની મા સાથે સારા સંબંધ નહોતા એમાંથી ૯૧ ટકા અને પિતા સાથે સારા સંબંધ નહોતા એમાંથી ૮૨ ટકા લોકોને આટલાં વર્ષો દરમ્યાન મોટી બીમારીઓ (હ્રદયરોગ, હાઇબ્લડપ્રેશર, અલ્સર વગેરે) થઇ હતી. જયારે જે લોકોને માતા અને પિતા સાથે સારા સંબંધ હતા એમાંથી અનુક્રમે માત્ર ૪૫ ટકા અને ૫૦ ટકા લોકોને જ આવી તકલીફ જણાઇ હતી. માત્ર આ સંબંધ જે તે વિદ્યાર્થીની પોતાની દ્દષ્ટિએ વર્ણવેલ સંબંધ હતા. જે વિદ્યાર્થી એવું માનતા હતા કે એમને માતા-પિતાનો સ્નેહ મળ્યો છે અને મળે છે તેમને ભવિષ્યમાં બીમારી થવાની શકયતા ખૂબ ઓછી જોવા મળી!!

આવો જ એક અન્ય અભ્યાસ જહોન હોપકીન્સ યુનિવર્સિટીના તબીબી વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો હતો. ઇ.સ.૧૯૪૦માં ૧૧૦૦ વિદ્યાર્થીઓને તેમના મા-બાપ સાથે તેમની ઘનિષ્ટતા અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યાર બાદ પચાસ વર્ષ પછી આ વિદ્યાર્થીઓમાં ઉદભવતા કેન્સરનું પ્રમાણ નોંધવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ એવું માનતા હતા કે તેમનાં મા-બાપ સાથે એને ઘનિષ્ટ સબંધ છે તે વિદ્યાર્થીઓને પચાસ વર્ષ પછી પણ કેન્સર થવાની શકયતા એવું ન માનનાર વિદ્યાર્થી કરતાં ઘણી ઓછી હતી. પિતા-પુત્ર વચ્ચેના ઘનિષ્ટ સંબંધો સૌથી વધુ અસર ભવિષ્યમાં થનાર કેન્સર પર કરે છે એવું તારણ આભ્યાસમાં નીકળ્યું હતું

રાસેટો નામના શહેરમાં થયેલ અન્ય એક અભ્યાસમાં એવું સ્પષ્ટપણે જણાયું હતું કે સંયુકત કુટુંબમાં એક બીજા સાથે પ્રેમ અને હુંફ થી રહેતા લોકોને હ્રદયરોગ થવાની શકયતા ખૂબ ઓછી રહે છે. જયારે આ શહેરના લોકોએ પોતાની જુની સંસ્કૃતિ ભૂલીને વિભકત કુટુંબમાં રહેવાનું શરુ કર્યું અને માણસ કરતાં પૈસાને વધુ મહત્વ આપવાનું શરુ કર્યુ ત્યારથી ત્યાં આગળ પણ હ્રદયરોગનું પ્રમાણ વધીને અન્ય શહેરો જેટલું થઇ ગયું. ઇ.સ.૧૯૪૯ થી ૧૯૭૯ સુધીમાં અનેક દેશોમાં થયેલ જુદા જુદા આઠ મોટા અભ્યાસોનું તારણ પણ એ જ આવ્યું કે જેમ જેમ માણસ સામાજિક રીતે એકલો થઇ જાય છે તેમ તેમ બધા રોગોથી મૃત્યુ થવાની શક્યતામાં બે થી પાંચ ગણો વધારો થાય છે.

મિત્રો, સગાસંબંધી સાથે દિલથી હળવા-ભળવાનું, લગ્ન કરવાનું, ધર્મસ્થાનોએ જવાનું કે કોઇ જૂથના સભ્ય હોવાનું સામાજિકતા દર્શાવે છે. આવા સામાજિક સંબંધ જેમને વધારે હોય છે તેમને કોઇપણ રોગથી મૃત્યુ થવાની શકયતામાં ૧.૯ થી ૩.૧ ગણો ઘટાડો થાય છે. આ સંબંધો માત્ર ઉપરછલ્લા કે દેખાવ પૂરતા ન હોવા જોઇએ. એ સંબંધ દિલથી દિલના - સાહજિક હોવા જોઇએ. આ અભ્યાસથી એવું પણ જણાયું હતું કે પ્રેમ અને હૂંફભર્યા સંબંધો હ્રદયરોગ, પેરાલિસિસ, કેન્સર, શ્વસનતંત્રના રોગો, પેટના રોગો, અને બીજાં બધાં કારણોથી થતાં મૃત્યુ સામે રક્ષણ આપે છે.

જે સ્ત્રીઓ સમાજથી વિખૂટા પડી ગયાનો અનુભવ કરે છે અથવા વિખૂટા પડી ગયા છે એવું માને છે એમની કેન્સરને કારણે મૃત્યુ થવાની શકયતા ખૂબ વધી જાય છે. નીકટના સંબંધોનો અભાવ અને લાગણીઓ વ્યકત કરી શકાય એવી વ્યક્તિનો અભાવ સ્તન-કેન્સરથી થતાં મૃત્યુમાં બમણો વધારો કરી દે છે. કેન્સર જેવી બીમારી થઇ ગયા પછી પણ જે વ્યક્તિઓના સામાજીક સંબંઘ સ્નેહ અને હૂંફ ધરાવતા હોય છે, એ વ્યક્તિઓનું આયુષ્ય અન્ય કેન્સરગ્રસ્ત વ્યક્તિ કરતાં વધુ હોય છે.

માલીગ્નન્ટ મેલેનોમા તરીકે ઓળખાતી ચામડીના કેન્સરની તકલીફ થઇ ગઇ હોય એવા દર્દીઓને એક અભ્યાસ માટે બે જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. એક જૂથના દર્દીઓને માત્ર ઓપરેશનથી સારવાર આપવામાં આવી જયારે અન્ય જૂથના દર્દીઓને ઓપરેશન બાદ દર અઠવાડિયે એક વખત ભેગાં થવાનું કહેવામાં આવ્યું. દર અઠવાડિયાની મિટિંગમાં દર્દીઓ પોતાના અનુભવ, લાગણી અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરે. આ રીતે માત્ર અઠવાડિયે એક વખત મળતાં રહીને દર્દીઓએ એકબીજા સાથે નવા સંબંધો પ્રસ્થાપિત કર્યા. એકબીજાને હૂંફ અને સ્નેહ આપતા થયા. અને થોડાં વર્ષો બાદ બંને જૂથના સભ્યોમાં થતાં મૃત્યુનો કે ફરીથી એ જ કેન્સર થવાનો દર નોંધવામાં આવ્યો. પોતાના જેવી જ તકલીફ થી પિડાતા અનેક દર્દીઓના જૂથમાં ન ભળનાર વ્યકિયઓનું આયુષ્ય આવા જૂથમાં ન ભળનાર વ્યક્તિ કરતાં બમણાં થી પણ વધુ હોવાનું જણાયું. આવાં જ પરિણામ સ્તન-કેન્સરના દર્દીઓમાં પણ જોવા મળ્યાં - જેમાં જૂથમાં ન ભળનાર કેન્સરગ્રસ્ત દર્દીઓના મુત્યનું પ્રમાણ જૂથમાં ભળનાર દર્દીઓ કરતાં ત્રણ ગણું વધારે હતું. આમ, અઠવાડિયે એક વખત સહ-સંવેદન ધરાવતા સાદા જૂથમાં ભળવાથી જિંદગીનાં વર્ષો અને ગુણવત્તા વધી શકે છે.

હ્રદયરોગ માટે બાયપાસ ઓપરેશન કરાવનાર દર્દીઓના અન્ય એક અભ્યાસમાં પણ એવું જ જાણવા મળ્યું કે જે દર્દીઓ ઓપરેશન પછી પોતાની જેવી તકલીફ ધરાવતા દર્દીઓના જૂથમાં ભળે છે અથવા ધાર્મિક આસ્થા ધરાવે છે તેમનામાં ઓપરેશનના છ મહિનાની અંદર મૃત્યુ થવાની શકયતા આ બંને ન ધરાવતા દર્દી કરતાં સાતમા ભાગની જ હોય છે. માત્ર જૂથમાં ભળનાર વ્યક્તિ એમાં ન ભળનાર વ્યક્તિ કરતાં ચોથા ભાગનું જોખમ ધરાવે છે.

માત્ર હ્રદયરોગ અને કેન્સર જ નહીં પરંતુ શરદી-ટી.બી. જેવા ચેપી રોગો થવાની શકયતા પણ એકલતા અનુભવતા લોકોમાં વધારે હોય છે. ગર્ભસ્થ શિશુના વિકાસ કે સુવાવડ દરમ્યાન થતી તકલીફ પર માત્ર સામાજીક સંબંધ, કૌટુંબિક હૂંફ, અને પ્રેમની સીધી અસર થાય છે. આમ, કુટુંબ, મિત્ર કે સમાજનો પ્રેમ અને હૂંફ વ્યક્તિના સ્વાસ્થ્ય, બીમારી અને જીવન-મરણનો પણ ફેંસલો કરી શકે છે.

એકલતા દૂર કરવા શું કરવું?

- જાત સાથે શાંતિ અને આનંદપૂર્વક એકલા રહેવાનું શીખો - સંકોચ છોડો અને આત્મવિશ્વાસ વધારો - અન્ય વ્યક્તિ સાથે ભળવાનું શીખો અને રસના સરખા વિષય શોધી કાઢો - પૂર્વગ્રહ ફગાવી દો - સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઓ - અન્યને મદદરૂપ થવા પ્રયત્નશીલ રહો. - પ્રેમ, કરૂણા અને મૈત્રીપૂર્ણ સ્વભાવ કેળવો.

આમ, તંદુરસ્ત રહેવું હોય, જીંદગી માણવી હોય અને એ માણતાં માણતાં લાંબું જીવવું હોય તો નિસ્વાર્થ પ્રેમ, કરુણા અને મૈત્રી ને છૂટો દોર આપી દો. ખાસ તો----''તુમ બેસહારા હો તો કિસિ કા સહારા બનો. તુમકો અપને આપ હી સહારા મિલ જાયેગા.