મન:શાંતિ

6. અનિદ્રાની સારવાર અને ઊંઘની દવાઓ

ઘણા બધા લોકોની ઊંઘનો સમય જાણ્યા પછી એવું તારણ નીકળ્યું છે કે એક તંદુરસ્ત પુખ્ત માણસ ચોવીસ કલાકમાંથી સરેરાશ સાત-આઠ કલાક જેટલો સમય ઊંઘવામાં ગાળે છે. ઊંઘના મુખ્યત્વે બે ભાગ હોય છે - ગાઢ નિદ્રા અને સ્વપ્નમય નિદ્રા. આમાંથી લાંબું ઊંઘતા માણસમાં સ્વપ્નમય નિદ્રાનો સમય લંબાય છે જયારે ગાઢ નિદ્રાનો સમય યથાવત્ રહે છે. સ્વપ્નમય નિદ્રા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ અગત્યની છે અને જે લોકો માનસિક તાણ હેઠળ કે નવું નવું શીખવાની પ્રક્રિયામાં જીવતા હોય છે એ લોકો જ મોટે ભાગે વધારે સમય ઊંઘતા હોય છે.

દિવસભર કાઇને કોઇ સમસ્યામાં ઉલઝેલા લોકો, આખો દિવસ નાની મોટી ચિંતામાં રહેતા લોકો અને વારંવાર પોતાના ભાવિ કાર્યક્રમ બદલતા રહેતા, નવું નવું આયોજન કર્યા કરતા લોકોમાં ઊંઘની જરૂર વધારે પડે છે અને દિવસભરનો આ માનસિક થાક ઉતારવાનું કામ સ્વપ્નમય નિદ્રા કરે છે.

માણસના જન્મ પછી સતત ઘટતી જતી કોઇ વસ્તુ હોય તો એ છે એની ઊંઘ. મોટી ઉંમરની વ્યક્તિમાં (ખાસ કરીને ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિમાં) ઓછી ઊંઘની અને અનિદ્રાની ફરિયાદ બહુ સામાન્ય હોય છે. એક સર્વે પ્રમાણે અમેરિકામાં ઊંઘવાની ગોળીઓની કુલ ખપતના ચાલીસ ટકા જેટલી ખપત આવી વયોવૃધ્ધ વ્યક્તિઓ જ કરે છે, જેમનું વસ્તીમા કુલ પ્રમાણ માત્ર અગિયાર ટકા જેટલું જ છે. અને એ છતાં ઊંઘની ગોળી એ કંઇ અનિદ્રાનો કાયમી ઇલાજ નથી જ.

અનિદ્રાના મુખ્ય બે પ્રકાર પાડી શકાય:-

(૧) લાંબા ગાળા (ત્રણથી ચાર અઠવાડિયાં કરતાં વધુ સમય) ની ઊંઘની તકલીફ અને
(૨) ટૂંકા ગાળાની ઊંઘની તકલીફ. આ બંને પ્રકારમાં ત્રણ જાતની તકલીફો થઇ શકે. ઊંઘ શરૂ કરવાની તકલીફ, આવેલી ઊંઘ ટકાવી રાખવાની તકલીફ અને ખૂબ વહેલા ઊઠી પડવાની તકલીફ.

ટૂંકાગાળાની ઊંઘની તકલીફ આપણામાંથી મોટા ભાગના લોકોએ કયારેકને કયારેક અનુભવી હશે. પરીક્ષા કે ઇન્ટરવ્યુના ટેન્શનમાં, વેપારધંધાના ટેન્શનમાં અથવા કોઇના મૃત્યુ પછી તરત કે બીજી કોઇ જાતની ચિંતામાં બેચાર રાતની ઊંઘ બગડી હોય એવા મોટા ભાગના કિસ્સામાં બે-ત્રણ અઠવાડિયાંના ગાળામાં ઊઘ ફરી પાછી નિયમિત થઇ જાય છે.

ટૂંકાગાળાની ઊંઘની તકલીફ આવી માનસિક અવસ્થાના સમય સિવાય પણ કયારેક ખૂબ ઊંચાઇવાળી જગ્યાએ ફરવા ગયેલા લોકોમાં વાતાવરણમાં ઓકિસજનની ઉણપને લીધે જોવા મળે છે.

ઘણા લોકોને ખબર નહીં હોય કે ચા, કોફી, કોકો, બોર્નવિટા કે કોકાકોલા પીવાથી પણ ઊંઘ પર અવળી અસર પડે છે. આ બધી વસ્તુઓમાં રહેલા કેફીન અને થિયોફાઇલિન નામના પદાર્થ મગજને ઉત્તેજિત કરે છે, અને ઊંઘ આવતી અટકાવે છે. ઊંઘ ન આવવા માટેનું આ બહુ અગત્યનું, ઘણી વાર ધ્યાન બહાર રહી જતું કારણ છે. આવી વસ્તુઓ પીધા પછી આઠથી ચૌદ કલાક સુધી એની અસર રહી શકે છે. પરિણામે ઊંઘ ન આવવા ઊપરાંત, ઊંઘ આવ્યા પછી વારંવાર જાગી જવાનું અને ઊંઘના કુલ સમયમાં ઘટાડો થવાનું પણ બને છે. દિવસના ત્રણથી પાંચ કપ કોફી પણ ઊંઘ પર ખાસ્સી અસર કરી શકે છે. ચા-કોફીની જેમ જ તમાકુ (ગુટખા-બીડી-સિગારેટ વગેરે) પણ ઊંઘ લાવવામાં ખલેલરૂપ થાય છે. તમાકુમાં રહેલું નિકોટિન નામનું તતત્વ મગજને ઉત્તેજિત કરીને ઊંઘ આવતી અટકાવે છે. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે દારૂ પીવાથી સારી ઊંઘ આવે. દારૂ પીધા પછી ઘેનની અસર પણ થતી હોય છે અને ઊંઘની શરૂઆત ઝડપી બને છે. પણ ખરી કઠણાઇ આ પછી શરૂ થાય છે. દારૂને કારણે મગજમાં એવા ફેરફાર થાય છે કે લાંબા સમય સુધી ઊંઘ જાળવી રાખવાનું શકય નથી બનતું અને માણસ વારંવાર ઊંઘમાંથી ઊઠી જાય છે. થોડોક દારૂ પીવાથી પણ આવી જ અસર થાય છે. વળી દારૂ ઢીંચવાને કારણે ઊંઘ દરમ્યાન શ્વાસોચ્છવાસની પ્રક્રિયા મંદ પડી જાય છે અને વધુ પડતાં નસકોરાં બોલવાનું તથા એકાએક શ્વાસોચ્છવાસ બંધ થઇ જવાનું (સ્લીપ ઓપ્નયા) પણ દારૂડિયાઓમાં બનતું હોય છે.

શરદીની કેટલીક ગોળીઓમાં વપરાતી, એમ્ફેટેમાઇન નામની દવાથી ઊંઘ પર ખૂબ વિપરીત અસર પડે છે. આમ જાણ્યે-અજાણ્યે લેવાયેલી દવા ઊંઘ (અને ખાસ તો સ્વપ્નમય ઊંઘ) પર ગંભીર અસરો થઇ શકે છે. લાંબા સમય સુધી ઊંઘની ગોળી (સ્લીપિંગ પિલ્સ) લીધા પછી અચાનક બંધ કરી દેવાથી પણ અનિદ્રાની તકલીફ થાય છે. ઊંઘ ન આવવાને કારણે જો લાંબા ગાળાની ગોળી લેવાની ટેવ પડી જાય તો પછી ઊંઘની તકલીફ મૂળમાંથી સારી થતી જ નથી અને માણસ ઊંઘની ગોળીઓ પર આધારિત થઇ જાય છે. આમ, જાતજાતનાં વ્યસનો અને દવાઓ સામાન્ય સ્વસ્થ નિદ્રાને ખલેલરૂપ થઇ શકે છે.

વ્યસનો ઉપરાંત કેટલીક ખોટી ટેવોને કારણે પણ ઊંઘની તકલીફો થઇ શકે છે. વધુ પડતી લાઇટ કે અવાજ ઊંઘમાં હંમેશ ખલેલરૂપ થઇ શકે છે. આજકાલ રાતના મોડે સુધી ચાલતા ટીવી ના કોલાહાલમાં ગીચ વસ્તીમાં રહેતા માણસો માટે વહેલા ઊંઘવાનું બહુ દુષ્કર થઇ ગયું છે. કેટલાક લોકો વળી ઊંઘ લાવવા માટે ટીવીના કંટાળાજનક પોગ્રામ ચાલુ કરીને પથારીમાં પડે છે અને ટીવી આખી રાત ચાલુ રહે છે. આ લોકોની ઊંઘમાં પણ ટીવી પર અવાજ અને પ્રકાશનાં પરિવર્તનોને કારણે ખલેલ પહોંચે છે.

કેટલાક લોકો રાત્રે મોડેથી કામ પરથી આવીને તરત પથારીમાં ઝંપલાવે છે અને પછી ઊંઘની રાહમાં અને સવારે વહેલા ઊઠવાના ટેન્શનમાં પથારીમાં પાસાં બદલ્યા કરે છે. અપડાઉન કરવાવાળા લોકોને ઘરે બહુ ઓછો સમય મળતો હોય છે. અને શકય એટલી વધુ ઊંઘ લેવાના જાગ્રત પ્રયાસોમાં કયારેક એ લોકો અનિદ્રાનો ભોગ બની જાય છે. આ રીતે ભારે ખોરાક લીધા પછી તરત ઊંઘવાનો પ્રયત્ન પણ નિષ્ફળ જ જાય છે. ઊંઘવાની તરત પહેલા વધુ પડતી કસરત કે ગરમ પાણીનું સ્નાન પણ નિદ્રાદેવીના આગમનને મોડું પાડે છે.

એકવાર ઊંઘવા માટે પથારીમાં ઝંપલાવ્યા પછી ખરેખર ઊંઘ આવવાનો સમય જેમ લંબાતો જાય એમ વ્યક્તિ ઊંઘ લાવવા માટે વધુને વધુ પ્રયત્નો કરવા લાગે છે અને ''ઊંઘ કેમ નથી આવતી? એની ચિંતા ઊંઘને વધુને વધુ દૂર ધકેલે છે અને આમ એક વિષચક્રની શરૂઆત થઇ જાય છે.

લાંબા ગાળાની ઊંઘની તકલીફમાં આપણે અત્યાર સુધી જોઇ ગયા એ કારણો ઉપરાંત મનોવૈજ્ઞાનિક કારણો પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ લોકોને બાહ્ય તણાવપૂર્ણ વાતાવરણમાં ગોઠવાઇ જવામાં તકલીફ પડે છે. ઘણા લોકો લાંબા સમયથી ચિંતામય રહેતા હોય છે, કેટલાક ડિપ્રેશનને કારણે તો કેટલાક લાગણીઓને નિયંત્રિત ન કરી શકવાને કારણે અનિદ્રાના રોગી બની જતા હોય છે. અમુક લોકો ખૂબ દોડાદોડીવાળી અને તનાવભરી પરિસ્થિતિમાં વારંવાર ઉજાગરા કરતા હોય છે આ લોકોમાં કયારેક વારંવારના ઉજાગરાને લીધે ઊંઘ અને જાગ્રતાવસ્થાનું ચક્ર ખોરવાઈ જાય છે કે પછી કંઇ કામ ન હોય તો પણ વહેલી ઊંઘ આવતી નથી અને દર્દી પથારીમાં ઊંઘવાના વ્યર્થ પ્રયત્નો કર્યા કરે છે.

આમ, ઊંઘ ન આવવાનાં અનેક કારણો હોઇ શકે, કેટલીક વાર તાવ કે માંદગીને કારણે પણ ઊંઘ ખોરવાઇ જાય છે.

    1. અનિદ્રાથી બચવું હોય તો ઊંઘની સારી ટેવો અપનાવો

    2. ઊંઘવાની ગોળીથી આવેલી ઊંઘ અને કુદરતી ઊંઘ વચ્ચે શું તફાવત હોય?