આજના
યુગમાં કાયમી ચિંતા (જેમકે, 'હવે શું થશે?, નાની નાની બાબતની ચિંતાઓ,
બાળકના ભવિષ્યની ચિંતા વગેરે) સર્વત્ર જોવા મળે છે. ઘણા લોકોનું મન સતત
અન્યના વિચારો, આઘાત-પ્રત્યાઘાતમાં ખૂંપેલું રહે છે. એક વસ્તુના વિચારો અને
ચિંતા કર્યા પછી એનું સુખદ પરિણામ આવે કે તરત જ બીજી વસ્તુના વિચારો-ચિંતા
શરૂ થઇ જાય છે. ચિંતા-વિચારો કર્યા કરવાથી કશું કામ સરખું થતું નથી. આનંદ
અને સુખમય બાબતો પણ સુખ અને શાંતિ નથી આપતી. બીજાઓ સાથે વાતચીત કરવામાં પણ
પૂરતું ધ્યાન નથી રહેતું. વિચારો પાછળ દોરવાયા કરતા મનની કાર્યક્ષમતા ઘટી
જાય છે. બેધ્યાન વાતચીત અને પૃષ્ઠભૂમાં રહેલી ચિંતાઓથી ન બોલવાનું બોલાઇ
જાય છે અને ઝઘડો શરૂ થાય છે. જે વળી, નવી ચિંતાનું કારણ બને છે.
આમ તો, સામાન્ય ચિંતા, ભય, અમંગળની આશંકા વગેરે દરેક વ્યક્તિને કયારેક ને
કયારેક સતાવે છે. પરંતુ જયારે આ બધા ચિંતાના વિચારો વ્યક્તિના રોજીંદા
જીવનમાં ખલેલ પહોંચાડવાની હદ સુધી પહોંચી જાય ત્યારે વ્યક્તિને
''એન્ક્ઝાઇટી ડિસોર્ડર (ચિંતાની બીમારી) છે એમ કહી શકાય. જુદા જુદા સ્વરૂપે
જોવા મળતી ચિંતાની બીમારીની વિગત અહીં આપી છે.
જો કોઇ પણ વ્યક્તિમાં નીચે જણાવેલ લક્ષણો હાજર હોય તો એને જનરલાઇઝ્ડ એન્ક્ઝાઇટી ડિસોર્ડર (સાર્વત્રિક ચિંતાની બીમારી) છે એમ કહેવાય.
(૧) છ મહિના સુધી બહુમતી દિવસો દરમ્યાન ઘણી બધી બાબતો પ્રત્યે સતત, અવાસ્તવિક અને વધુ પડતી ચિંતા.
(૨) ચિંતા બંધ કરવાની અક્ષમતા
(૩) છ મહિના સુધી નીચે જણાવેલ લક્ષણો પૈકી કોઇ પણ ત્રણ લક્ષણની હાજરી (બાળકોમાં માત્ર એક જ લક્ષણની હાજરી)
- ઉચાટ
- જલદી થાકી જવું
- એકાગ્રતાનો અભાવ અથવા મગજમાં શૂન્યાવકાશ
- ચિડિયાપણું
- સ્નાયુઓ અક્ક્ડ થઇ જવા
- ઓછી ઊંઘ
(૪) ચિંતા માટેના વિષય બદલાતા રહે અને આ ચિંતા અન્ય માનસિક બીમારી કરતાં અલગ હોય.
(૫) ચિંતાને કારણે ઉદભવતી શારીરિક અને માનસિક તકલીફો દર્દીની સામાજિક અને વ્યવસાયિક કાર્યક્ષમતા ઘટાડી નાંખે.
(૬) આ તકલીફ કોઇ વ્યસન, દવા કે અન્ય શારીરિક રોગને કારણે ન હોય.
સાર્વત્રિક ચિંતાની આ બીમારીને કારણે દર્દીને જાતજાતની શારીરિક તકલીફો થાય
છે. ઘણા દર્દીઓને ગરદન, હાથ, પગ કે કમ્મરના સ્નાયુઓમાં તણાવ કે દુખાવાનો
અનુભવ થાય છે. સામાન્ય રીતે વીસ વર્ષથી નાની ઉંમરે જ આ તકલીફ શરૂ થઇ જાય
છે. બાળપણમાં ભય અને સામાજિક શરમ અનુભવતા લોકોને આ બીમારી થવાની શકયતા વધુ
રહે છે. કુટુબમાં એક કરતાં વધુ સભ્યોને આ બીમારી થતી જોવા મળે છે.
સાર્વત્રિક ચિંતાની બીમારી ધરાવતા પાંચમાંથી ચાર દર્દીઓને કયારેક ને કયારેક
ડિપ્રેશન, અને સામાજિક પરિસ્થિતિમાં વધુ પડતા ડર (ફોબીયા) ની તકલીફ પણ ઊભી
થાય છે.
સામાન્ય રીતે આવી ચિંતાની બીમારી ધરાવતા દર્દીને પોતાને પણ એવું મહેસૂસ થતુ
હોય છે કે પોતે નાની નાની વાતમાં વધુ પડતી ચિંતા કરે છે. કેટલાક દર્દીઓને
શ્વાસ લેવામાં તકલીફ પડે છે એવું અનુભવાતું હોય છે. સંતોષજનક શ્વાસ લેવા
માટે આવા દર્દી ઊંડો શ્વાસ લે છે અને કયારેક હ્રદયના ધબકારા વધી ગયાનો
અનુભવ પણ કરે છે.
સ્ટ્રેસ ડિસોર્ડર (મોટી દુર્ઘટના બન્યા પછી થતી તાણ-ચિંતાની બીમારી):
સ્ટ્રેસ ડિસોર્ડર એટલે એવી બીમારી કે જેમાં મરણતોલ દુર્ઘટના કે ઇજા થયા પછી
દર્દીને એવી પરિસ્થિતિની ખૂબ જ બીક લાગે અથવા ચિંતા થયા કરે. દર્દીને
પોતાને મરણતોલ ઇજા થાય અથવા દર્દી જેવી જ પરિસ્થિતિમાં એની સાથે જ
દુર્ઘટનામાં ઇજા પામનાર વ્યક્તિનું મોત થાય ત્યારે એ ઘટનાને દર્દી કદી ભૂલી
શકતો નથી. આવી દુર્ઘટના થયા પછી તરતના દિવસોમાં એકયુટ સ્ટ્રેસ ડિસોર્ડર
તરીકે ઓળખાતી તકલીફ ઉદભવે છે જેમાં દર્દીને વારંવાર વિચાર, સ્વપ્ન કે
દિવાસ્વપ્નમાં દુર્ઘટનાનો અનુભવ તાજો થયા કરે. દા.ત. ધરતીકંપને કારણે ઘણા
લોકો મૃત્યુ પામ્યા એ જોઇ-સાંભળીને જીવીત રહેલ વ્યક્તિમાંથી ઘણાને એક્યુટ
સ્ટ્રેસ ડિસોર્ડર થાય જેમાં દર્દીને ધરતીકંપના બધા ઝાટકા પૂરા થઇ ગયા પછી
પણ ધરતી ધૂ્રજતી હોય એવો અને ચક્ક્ર આવવાનો અનુભવ થયા કરે કે એવાં સ્વપ્ન
આવ્યા કરે!! આવા દર્દીઓ જે જગ્યાએ વધુ તકલીફ લાગી હોય (દા.ત. બહુમાળી
મકાનની ઉપરની મંજિલો પર) ત્યાં જવાનું ટાળે છે અને ત્યાં જાય તો ચિંતા ખૂબ
વધી જાય છે - હ્રદયના ધબકારા વધી જાય અને માથું ભારે લાગવા માંડે છે.
જયારે દુર્ઘટના બન્યા પછી ઘણા દિવસો કે મહિનાઓ પછી એની યાદ અને ચિંતા સતાવે
ત્યારે એ પોસ્ટટ્રોમેટીક સ્ટ્રેસ ડિસોર્ડર તરીકે ઓળખાય છે. આવા દર્દીઓ
ચિંતાની અન્ય બીમારીઓ, ડિપ્રેશન તેમજ વ્યસનનો જલદી શિકાર બની જાય છે.
ચિંતાની
સાથે સંકળાયેલી પેનિક ડિસોર્ડર તરીકે ઓળખાતી અન્ય તકલીફમાં દર્દી અચાનક
ભયભીત થઇ જાય છે અને કંઇક ગુનો કરીને પકડાઇ ગયા હોય એવી લાગણી કે
ધ્રાસ્કાનો અનુભવ કરે છે. આવા ધ્રાસ્કાની સાથે નીચે જણાવેલ લક્ષણોમાંથી ચાર
કરતાં વધુ લક્ષણ હાજર હોય છે.
(૧) હ્રદયના ધબકારા વધી જવા
(૨) પરસેવો થઇ જવો
(૩) ધૂરજારી થવી
(૪) શ્વાસ અવરોધાતો હોય એવું લાગવું
(૫) ગળામાં કંઇક અટકી ગયું હોય એવું લાગવું
(૬) છાતીમાં દુ:ખાવો કે ભાર લાગવો
(૭) ઊબકા અથવા પેટમાં ગરબડ
(૮) માથું હલકું લાગવું અને શરીરનું સંતુલન ખોરવાતું અનુભવવું
(૯) અવાસ્તવિકતા અને જાતથી દૂર થવાનો વિચિત્ર અનુભવ
(૧૦) જાત પરનો કાબુ સંપૂર્ણપણે ગુમાવી દેવાનો ભય લાગવો
(૧૧) મૃત્યુનો ભય લાગવો
(૧૨) હાથ પગમાં ઝણઝણાટી કે ખાલીનો અનુભવ થવો
(૧૩) શરીરના કોઇ ભાગમાં અચાનક ગરમી કે ઠંડીનો અનુભવ કરવો.
આ ભયના ધ્રાસ્કા્ર અચાનક જ શરૂ થઇ જાય છે અને દશ મિનિટની અંદર બધી તકલીફ કે
અનુભવ થવા લાગે. આશરે કલાકેક પછી બધી તકલીફ શમી જાય અને ફરી કયારેક અચાનક જ
આવી તકલીફ પાછી શરૂ થઇ જાય છે. બાળપણ કે તરૂણાવસ્થાથી જ મોટા ભાગના
દર્દીઓને આ તકલીફ શરૂ થઇ જાય છે. એક જ કુટુંબમાં ઘણી વ્યક્તિને આ તકલીફ હોય
છે. કેટલાક લોકોમાં આવા ધ્રાસ્કા પડશે એવી ચિંતા થવા લાગે છે અને જયાં આવા
ધ્રાસ્કા થવાની શકયતા હોય એ જગ્યાએ જવાનું દર્દી ટાળે છે.
પેનિક ડિસોર્ડરના કેટલાંક દર્દીઓમાં સમય જતાં 'અગારોફોબીયા તરીકે ઓળખાતી
તકલીફ ઉભી થાય છે. જેમાં દર્દીને એવો અતા(ર્કક ભય સતાવે છે કે પોતે એવી
જગ્યાએ ધ્રાસ્કો અનુભવાશે કે જ્યાંથી ભાગી જવાનું મુશ્કેલ અથવા શરમજનક હોય
છે. આવા દર્દીઓને ઘરની બહાર એકલાં જવામાં બીક લાગે. ટોળામાં કે કતારમાં ઊભા
રહેવાની બીક લાગે; પુલ પર ચાલવાની બીક; ઊંચા મકાન પર જવાની બીક લાગે; તેમજ
બસ, ટ્રેઇન કે કોઇ પણ વાહનમાં મુસાફરી કરવાની બીક લાગે. આવા દર્દીઓ ધીમે
ધીમે જયાં બીક લાગે ત્યાં જવાનું ટાળે અને પરિણામે એમની હરફર ખૂબ જ
મર્યાદિત થઇ જાય. દર્દી અન્ય ઉપર આધારિત થઇ જાય છે. ઘરકૂકડીની જેમ દર્દી
આખો દિવસ ઘરમાં જ ભરાઇ રહે અને અન્ય કોઇ વ્યક્તિ સાથે હોય તો જ ઘરની બહાર
જાય એવું બને છે. જો બીક લાગતી જગ્યાએ એકલા જવાની દર્દીને ફરજ પડે તો ભયના
ધ્રાસ્કાનો અનુભવ દર્દી કરે છે અને ખૂબ જ ચિંતાતુર થઇ જાય છે.
ડરની
બીમારી તરીકે ઓળખાતી અન્ય એક બીમારી (ફોબિક ડિસોર્ડર)માં દર્દીને કોઇ
ચોક્ક્સ વસ્તુ કે પરિસ્થિતિનો બેહદ અને સતત ભય રહ્યા કરે અને જે સામે આવે
તો દર્દી અતિશય ચિંતાતુર બની જાય છે. બંધ જગ્યાનો ડર (ક્લોસ્ટ્રોફોબિઆ);
લોહીનો ડર; વિમાનમાં ઉડવાનો ડર; ઊંચાઇનો ડર; કોઇ ચોક્ક્સ બિન-નુકસાનકારક
પ્રાણીનો (દા.ત. ગરોળી કે વાંદા) નો ડર વગેરે ફોબિક ડિસોર્ડરનાં ઉદાહરણ છે.
સોશિયલ ફોબિઆ તરીકે ઓળખાતી અન્ય એક તકલીફમાં દર્દીને સમાજમાં અજાણી
વ્યક્તિઓ સાથે હળવા મળવાની બીક લાગે છે તેમજ જાહેરમાં બોલવાની પણ બીક લાગે
છે. આવી વ્યક્તિ પાર્ટીમાં જવાનું; બસ-ટ્રેનમાં જવાનું કે અજાણ્યાને
મળવાનું ટાળે છે. દર્દીને પોતાને ખબર હોય છે કે આવો ભય વધુ પડતો અને
અતા(ર્કક છે. તે છતા આવા ભયને કાબૂમાં રાખવાનું દર્દી માટે શકય નથી બનતું.
ફોબિક ડિસોર્ડર (ભયની બીમારી) ખૂબ સામાન્ય છે અને દશ વ્યક્તિમાંથી એકને આ
બીમારી હોય છે. બાળપણ કે તરુણાવસ્થામાં આ બીમારીની શરૂઆત થાય છે અને એક જ
કુટુંબમાં એક કરતાં વધુ લોકોમાં આ બીમારી જોવા મળે છે. આવા દર્દી નાનપણથી જ
અજાણી વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિથી દૂર રહેવાનો પ્રયાસ કરતાં હોય છે.
સોશિયલ ફોબિયાના દર્દીઓમાં એકલતા દૂર કરવાના પ્રયત્નરૂપે દારૂ કે અન્ય
નશીલી દવાઓનું સેવન કરવાની વૃત્તિ ઘણી વખત જોવા મળે છે.
(અ)
શરીર અને મનને નુકસાન પહોંચાડતી ચિંતાથી દૂર રહેવાના કેટલાક સાદા ઉપાયો:-
ચિંતાનું મૂળ કારણ ભય હોય છે. મૃત્યુનો ભય, અસ્તિતત્વનો ભય, નોકરી છૂટવાનો
ભય, કુટુંબીજન ગુમાવવાનો ભય, પૈસા ગુમાવવાનો ભય, કામ બગડવાનો ભય, અજાણ્યો
ભય, એકલતાનો ભય વગેરે અનેક પ્રકારના ભય ચિંતાને જન્મ આપે છે. ચિંતા કરવાથી
કદી કોઇ કામ સુધરતું નથી ઊલટું બગડે છે. ચિંતા ઓછી કરવા માટે કેટલાંક સરળ
પગથિયાં અને ઉપાયોની ચર્ચા અહીં કરી છે.
(૧) યોગ-ધ્યાન દ્વારા વર્તમાનમાં જીવતા શીખો:- મોટા ભાગની ચિંતા ભવિષ્યમાં
આવનારી તકલીફ અંગેની હોય છે. જો માણસ ગઇ કાલની યાદો અને આવતીકાલ
(ભવિષ્ય)ની ચિંતાઓ છોડીને આજ (વર્તમાન) નો જ વિચાર કરે, અત્યારે જે કામ
કરતો હોય તેને સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પૂરું કરે તો કદી ભવિષ્યની ચિંતા કરવી
નથી પડતી. આજનું કામ જેનું સારું થાય એની આવતીકાલ સારી જ જવાની છે. કામનો
એક દિવસ પૂરો થાય એટલે એને ભૂલી જઇ બીજા દિવસે જે કામ હાથ પર હોય એને જ
સંપૂર્ણ ન્યાય આપો. યોગની 'ધ્યાન પ્રક્રિયા પણ વર્તમાનમાં જીવતાં શીખવા
માટેની કેળવણીરૂપ છે. જ્યારે જે કામ કરતા હોઇએ એમાં સંપૂર્ણ ઓતપ્રોત થઇ
જવું એનું નામ જ ધ્યાન. વર્તમાનમાં જીવવાનું શીખી શકાય જેથી ભવિષ્યની ચિંતા
અને ભૂતકાળના દુ:ખદ પ્રસંગોના વિચાર તમારા વર્તમાનને રોળી ન નાંખે. શવાસન
અને પ્રાણાયામથી ચિંતાકારક વિચારોને કારણે તાણમાં આવી ગયેલા સ્નાયુઓ અને મન
શાંત થઇ શકે છે. ઊંડા, ધીમા, પેટથી લીધેલ શ્વાસોશ્વાસ વિચારો ઓછા કરવા,
ચિંતા ઘટાડવા અને મનને શાંત રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. ટૂંકમાં, લાગણી
અને વિચારોને સ્થિર કરવાનું કામ યોગ કરી શકે.
(૨) ખરાબમાં ખરાબ સ્થિતિના સ્વીકાર માટે મનને તૈયાર રાખો:- ચિંતા કરનાર
કંઇંક ગુમાવવાના ભયથી ચિંતાતુર રહે છે. જો આ વ્યક્તિ પોતાના મનને બધી જાતની
અડચણો અને તકલીફો ભેગાં થઇને વધુમાં વધુ જેટલું નુકસાન કરી શકે એ માટે
તૈયાર કરે તો ચિંતા ખૂબ ઘટી જાય. સૌથી મોટું નુકસાન જે થઇ શકે એનો શાંત
ચિત્તે વિચાર કરો અને મનને આવા સૌથી વધુ નુકસાન માટે તૈયાર રાખો. જો મન
ખરાબમાં ખરાબ સ્થિતિ માટે ખરેખર તૈયાર હશે તો પછી એનાથી ખરાબ કંઇ થવાનું
નથી અને એટલે મન ચિંતા કરવાથી દૂર રહી શકે. વળી, સૌથી ખરાબ પરિણામમાંથી ઓછા
ખરાબ પરિણામ સુધી પહોંચવા માટેનો પ્રયત્ન તમે કરશો તો ચિંતાને બદલે
વિશ્વાસ વધશે અને મન સ્વસ્થ રહી શકશે.
(૩) ચિંતા કરાવતી સમસ્યાનું લેખિત વિશ્લેષણ કરો:- ઘણી વખત એક સમસ્યા અંગે
ચિંતા થતી હોય અને મન પછી બીજી અનેક ઉપાધિની ચિંતા કરવા લાગે છે. કો(ગ્નટિવ
બિહેવિયર થેરપી તરીકે ઓળખાતી વિચાર-પરિવર્તન અને વર્તન-પરિવર્તનની
પદ્ધતિથી ચિંતા ઘટાડવામાં ઘણો ફાયદો મળે છે. મોટાભાગની ચિંતા ખોટા અને
નકારાત્મક વિચારોને કારણે ઉદભવતી હોય છે. ચિંતા માટે જવાબદાર વિચારોને ઓળખી
લઇ, એનું વિશ્લેષણ કરીને આવા વિચારોને તર્ક વડે પડકારવા અને ધીમે ધીમે
ખોટી વિચારસરણી બદલવી આ પ્રક્રિયા ઘણી બધી માનસિક તકલીફો માટે ઉપયોગી સાબિત
થઇ છે. ઘણી વખત, ચિંતા કરવા માટે જવાબદાર વિચાર કોઇ જાતનું વાસ્તવિક
અનુસંધાન ધરાવતો નથી હોતો. જયારે તમને ચંતા ઉપજાવે એવો વિચાર આવે ત્યારે
પહેલાં એ વિચારને સ્પષ્ટ પણે કાગળ પર લખી લો. મુંઝવતો પ્રશ્ન શું છે? એ
થવાનું કારણ શું? એના કેટલા ઉપાયો શક્ય છે? બધા શક્ય ઉપાયોમાંથી સર્વોત્તમ
ઉપાય કયો છે? ત્યાર બાદ ચિંતા કરાવતા વિચારો કરવા બદલ તમારા મગજની ઉલટ તપાસ
લો. ''હું વિચારું છું એટલું ખરાબ થવાની શકયતા કેટલી?; ''છેલ્લે, કેટલાં
વર્ષો પહેલાં હું ચિંતા કરું છું એટલી દુ:ખદ ઘટના બની હતી?; ''વિચારમાં
રહેલ પરિસ્થિતિનું સૌથી સુખદ, સૌથી દુ:ખદ અને સૌથી વધુ વાસ્તવિક પરિણામ શું
હોઇ શકે?; ''કાયમ માટે આપણી સાથે દુ:ખદ પરિણામ જ આવશે એવું વિચાર્યા
કરવાથી શું લાભ? શું નુકસાન?; ''જો મારો મિત્ર આવી પરિસ્થિતિમાં મૂકાય તો
હું શું સલાહ આપું? તમારા પોતાના ચિંતાકારક વિચારોને આ રીતે પડકારવાથી અને
તર્ક તથા વાસ્તવિક જીવનને અનુલક્ષી એમાં યોગ્ય બદલાવ લાવવાથી ધીમે ધીમે
ખોટા ચિંતાકારક વિચારો ઓછા થઇ શકે અને ચિંતામુકત રહી શકાય.
(૪) પૂરી માહિતી મેળવ્યા બાદ જ નિર્ણયો કરો:- ઘણી વખત ચિંતાને કારણે
ઉતાવળિયા નિર્ણયો લેવાતા હોય છે જે સ્થિતિને ઓર બગાડે છે. કોઇ પણ નિર્ણય
લેતાં પહેલાં એ સમસ્યાને સંબંઘિત પૂરી માહિતી મેળવો. ત્યાર બાદ સંભવિત
ઉકેલનાં જોખમ અને ફાયદાનું સંતુલન જાળવીને શાંતિપૂર્વક નિર્ણયો લો. એક વખત
પુખ્ત અને શાંત વિચારણા કરીને નિર્ણય લેવાઇ જાય એટલે પછી તરત એનો અમલ શરૂ
કરી દો. અમલ કરતી વખતે નિર્ણય સાચો છે કે ખોટો અથવા આનું પરિણામ શું આવશે
એની ચિંતા રાખવી નહી. પૂરી ધગશ, નિષ્ઠા અને નચિંતપણે કામ કરવાથી કામ સુધરશે
અને પરિણામ પણ સુધરશે.
(૫) કાર્યરત રહો - નવરું મન ચિંતાનું ઘર છે:- મોટા ભાગના લોકો જ્યારે નવરા
પડે ત્યારે ચિંતા મગ્ન થઇ જાય છે. જ્યારે કામમાં હોઇએ ત્યારે ચિંતા ઓછી
હોય અને નવરાશમાં વધુ થાય એવો અનુભવ બધાને થાય છે. ચિંતા ખૂબ સતાવતી હોય
ત્યારે આખો દિવસ કોઇ ને કોઇ પ્રવૃત્તિમાં મગ્ન રહેવાથી એની અસર ઓછી થાય છે.
જો કોઇ પ્રવૃત્તિ ન હોય તો અન્યને ઉપયોગી થવાનું કે કોઇ સત્કાર્ય કરવાનું
શરૂ કરો.
(૬) બદલાની અપેક્ષા વગર સત્કાર્ય કરતા રહો:- ઘણા લોકો પોતે કંઇક સારું કામ
કરે એનો સમાજ કંઇક બદલો આપશે એવી અપેક્ષા રાખીને દુ:ખી થતા હોય છે. કોઇ પણ
પ્રકારના બદલાની અપેક્ષા રાખ્યા વગર કામ કરવાથી કામનો સંતોષ વધશે અને
પોતાને કોઇ લાભ થશે કે નહીં એની ચિંતા નહીં રહે. કોઇના પણ કામ બદલ
કૃતજ્ઞતાની અપેક્ષા રાખનાર દુ:ખી થાય છે. જ્યારે તમે અન્ય માટે સારાં કામ
કરો છો ત્યારે તમે તમારી પોતાની જાતની પણ સર્વોત્તમ સેવા કરો છો. મનમાં
કરૂણા અને મૈત્રીનો ભાવ ખીલે એમ ચિંતા ધટવા લાગે છે. તમને સત્કાર્ય કરવાની
તક મળી એને તમારું સદભાગ્ય સમજો. હંમેશ તમારા સદભાગ્યને ગણતરીમાં લો અને
દુર્ભાગ્યને યાદ પણ ના કરો.
(૭) ભૌતિકવાદી અભિગમ બદલો - સુખ અને સમૃદ્ધિ એકબીજાના પર્યાય નથી જ: આજના
ભૌતિકવાદના જમાનામાં મોટાભાગના લોકો પૈસાની ચિંતામાં ખોવાયેલાં જોવા મળે
છે. મોટાભાગના વેપારીઓ દિવસ-રાત વધુ ને વધુ પૈસા ભેગા કરવાની અને ખોટ ન જાય
એ માટેની વ્યર્થ ચિંતા કર્યા કરતાં હોય છે. સૂતાં-જાગતાં માત્ર પૈસાના જ
વિચાર કરી શકનારાઓ, દિવસ-રાત શેરબજાર અને મૂડીબજારના ભાવો જાણવાની કોશિષ
કર્યા કરનારાઓ, વેકેશન કે પિકનિક પર પણ મોબાઇલ લઇને ધંધો કર્યા કરનારાઓએ
શાંતિથી બેસીને ''પોતે શા માટે પૈસા કમાય છે?, ''અત્યારની કમાણીથી પોતાનો
પૈસા કમાવાનો હેતુ સિદ્ધ થઇ શકે એમ છે કે નહીં?, ''વધુ પૈસા મળશે તો
શાંતિથી જીવાશે એવું માનવું કેટલું સાચુ? ''થોડાં વર્ષો પહેલા જેટલાં પૈસા
મેળવવાથી શાંતિ મળશે એમ માનતા હતા એટલા પૈસા આજે હોવા છતાં આજે મનને શાંતિ
કેમ મળતી નથી?, ''મારી કરતાં ખૂબ ઓછા પૈસા કમાનારાઓ મારી કરતાં વધુ સુખી
અને શાંત કેમ દેખાય છે?... વગેરે વિશે લેખિત વિચાર કરવા જોઇએ. દુનિયાભરના
ધનિક અને ગરીબોના અભ્યાસ પરથી એક વાત સાબિત થયેલી છે કે કોઇ વ્યક્તિ પાસે
એની પાયાની જરૂરિયાતો સંતોષાઇ શકે એટલી સંપત્તિ આવે ત્યાં સુધી સંપત્તિની
સાથે સુખ વધે છે, પરંતુ ત્યાર પછી જેટલો સંપત્તિમાં વધારો થાય છે એટલો
સુખમાં વધારો થતો નથી અને એથી પણ વધુ સંપત્તિ સુખને બદલે દુ:ખમાં વધારો કરે
છે.
(૮) શાંતિ, હિંમત, વિશ્વાસ અને આશાભર્યા વિચારોથી મન ભરી દો:- જેમના મનમાં
નકારાત્મક વિચારો આવ્યા કરતા હોય છે તેમને ચિંતા વધુ સતાવે છે. જે માણસ
આત્મવિશ્વાસ અને હિંમત દાખવે છે તેને ચિંતા હેરાન નથી કરતી. રોજ તમે તમારો
વિશ્વાસ મજબૂત બનાવો. તમે ઇચ્છો એ કામ થઇ શકે એવું દ્દઢ મનોબળ કેળવો.
આશાવાદી અભિગમ ઘણી બધી ચિંતાને નષ્ટ કરે છે. કોઇ પણ ચિંતા થાય ત્યારે
અપિ્રય પરિણામ આવવાની સરેરાશ શક્યતા તપાસો. ભાગ્યે જ થનારી પરિસ્થિતિ જ
તમારા માટે સર્જાશે એવું કદી ના વિચારો. એ ઉપરાંત એકાદ નાની સમસ્યા પાછળ
કેટલી ચિંતા વ્યાજબી ગણાય એ વિચારતાં શીખો. નાની સમસ્યા પાછળ દિવસોના દિવસો
સુધી ચિંતા કરવાનું ગેરવ્યાજબી જ ગણી શકાય. નાની નાની અડચણો કે તકલીફોથી
મનને ક્રોધિત થવા ન દેશો.
(૯) કુદરત અથવા ઇશ્વર પર શ્રદ્રા રાખો:- ઘણી બધી વસ્તુઓ માણસના કાબૂમાં
હોતી નથી. તમને જેની પર શ્રદ્રા હોય એ ભગવાન કે કુદરતની ઉપર પૂરો વિશ્વાસ
મૂકી ભગવાન કે કુદરતને ગમ્યું એ ખરું તથા ભગવાન કે કુદરત જે કરશે તે સારું જ
કરશે એવો ભાવ કેળવો. તમારું દરેક કાર્ય ઇશ્વરને સમ(ર્પત કરો અને જે કંઇ
ઘટનાઓ બને છે એમાં તમે એક નિમિત્ત છો. તમે દુનિયાની બહુ ઓછી વસ્તુઓ પર કાબૂ
ધરાવો છો અને કુદરતની વિરાટ તાકાત આગળ વામણા છો, આ હકીકત સ્વીકારીને તમારી
બધી ચિંતા ઇશ્વર અથવા કુદરતને હવાલે કરી દો. આમ કરવાથી તમારો અહંમ્ અને
તમારી ચિંતા પણ ઓગળી જશે. યોગશાસ્ત્રમાં 'ઇશ્વર-પ્રણિધાન તરીકે ઓળખાતો નિયમ
પણ આ જ વાત પર ભાર મૂકે છે. આમ, ચિંતાથી દૂર રહેવા માટે મનને ખાસ પ્રકારે
તૈયાર કરવું ખાસ જરૂરી છે. ચિંતા એ માણસને જન્મથી નથી મળતી. જન્મ પછી
વિકસતી કુટેવ છે. ખોટી ચિંતા (કે ભય) એ પાપ છે એવું ઘણા ધર્મગ્ર્રંથો કહે
છે. માટે તમારું માનસિક, શારીરિક અને આઘ્યાત્મક સ્વાસ્થ્ય જાળવી રાખવા
ચિંતાને કાયમી જાકારો આપી દો.
જ્યારે
કોઇ વ્યક્તિમાં ચિંતાનું પ્રમાણ એટલી હદે વધી જાય કે જેથી છ મહિના કરતાં
વધુ સમય સુધી રોજેરોજ એક કે બે જ પ્રકારની ચિંતા સતાવ્યા કરે અને પરિણામે
વ્યક્તિના રોજીંદા જીવનમાં અને ઉત્પાદકતામાં ખલેલ પહોંચે ત્યારે આવી
''ચિંતાની બીમારી (જનરલાઇઝડ્ એન્ક્ઝાઇટી ડિસઓર્ડર) માટે તબીબી સારવારની
જરૂરિયાત ઉભી થાય છે.
ચિંતા એ માનવજીવનની સ્વાભાવિક ઘટના છે પરંતુ જ્યારે એનું પ્રમાણ સામાન્ય
કરતાં વધી જાય ત્યારે જ એની સારવાર દવાઓ દ્વારા કરવી પડે છે. ઘણા બધા
કિસ્સામાં માત્ર સાંત્વના કે હિમંત આપવાથી જ ચિંતાનું પ્રમાણ ઘટી જાય છે.
અમુક લોકોને પોતાના વિચારો અને ચિંતા કાબૂમાં રાખવા માટે નિષ્ણાત
મનોચિકિત્સક કે મનોવૈજ્ઞાનિક પાસેથી સલાહ-સૂચન-વાતચીત દ્વારા મળતી
''સાઇકોથેરપીની સારવાર લેવી પડે છે. આ ઉપરાંત, ઉંડા શ્વાસોશ્વાસ,
પ્રાણાયામ, ધ્યાન, શવાસન વગેરેનો ઉપયોગ કરીને વર્તણૂક સંબંધી ફેરફારો
કરવાથી પણ ચિંતાની બીમારીમાં રાહત મેળવી શકાય છે.
ક્યારેક, ચિંતાનું વધુ પડતું પ્રમાણ દર્દીના મન-શરીર ઉપરાંત એના કુટુંબ અને
સમાજ ને પણ નુકસાનકારક બની શકે છે. વધુ પડતી ચિંતાથી દર્દીના મન અને
શરીરને બચાવવા માટે ખાસ સંજોગોમાં (દા.ત. હાર્ટ એટેક પછી તરત ઉદભવતી ચિંતા
હ્રદયને વધુ નુકસાન ન કરે એ માટે) ચિંતામુક્તિની દવાઓનો વપરાશ કરવો પડે છે.
તમને જાણીને નવાઇ લાગશે પરંતુ એ હકીકત છે કે, માણસના મગજની અંદર રહેલ
રસાયણોની વધઘટ મુજબ ચિંતાનું પ્રમાણ વધી કે ઘટી શકે છે. મગજની અંદર રહેલ
ચેતાકોષોની દિવાલ પર અનેક જાતના રાસાયણિક સંદેશા ઝીલવા માટેનાં
''રિસેપ્ટર્સ આવેલાં હોય છે. કેટલાંક રસાયણો મગજમાં ચિંતા વધારવાનું કામ
કરે છે. તો અન્ય કેટલાંક ચિંતા ઘટાડવાનું!! ગામા એમિનોબ્યુટાઇરિક એસિડ
નામનું, ટૂંકમાં ''ગાબા તરીકે ઓળખાતું, રસાયણ મગજના કોષોને શાંત પાડવાનું
અને ચિંતા ઘટાડવાનું કામ કરે છે. આ રસાયણની અસરકારકતા વધારવાનું કામ કેટલીક
ચિંતામુક્તિ માટેની દવાઓ કરે છે. બેન્ઝોડાયાઝેપીન જૂથની દવાઓ સૌથી વધુ
વપરાતી ચિંતામુક્તિની દવાઓ તરીકે પ્રખ્યાત છે જે ''ગાબા રસાયણની અસરકારકતા
વધારે છે.
ડાયાઝેપામ, લોરાઝેપામ, ટ્રાયાઝોલમ, અલ્પ્રાઝોલમ, ક્લોર-ડાયાઝેપોક્ષાઇડ,
ઓક્સાઝેપામ, ક્લોનાઝેપામ, ટેમાઝેપામ વગેરે અનેક દવાઓ મૂળભૂત રીતે
બેન્ઝોડાયાઝેપીન જૂથની દવા છે અને એક જ પધ્ધતિથી મગજ પર અસર કરે છે. કેટલીક
દવાની અસર (દા.ત. ડાયાઝેપામ, ક્લુરાઝેપામ) એ દવા લીધા પછી તાત્કાલિક શરૂ
થઇ જાય છે જ્યારે અન્ય દવાઓની અસર શરૂ થતાં થોડાંક કલાકો સુધીનો સમય લાગી
શકે છે. જે દવાઓ ખૂબ ઝડપથી અસર કરે છે એ મગજની ચરબીમાં દ્રાવ્ય હોય છે અને
ખૂબ ઝડપથી વ્યક્તિને બંધાણી બનાવી શકે છે. મોટા ભાગની ચિંતા ઘટાડતી દવાઓ
સાથે સાથે ઊંઘ પર પણ અસર કરે જ છે. ઝડપથી ઊંઘ લાવવા, ઊંઘનો સમય વધારવા અને
ઊંઘની વચ્ચે વચ્ચે જાગી જવાનું ઘટાડવામાં આ દવાઓ ફાળો આપે છે. આ દવાઓ
લેવાથી યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતા પર વિપરીત અસર થાય છે.
આ બધી દવાઓ અચાનક બંધ કરવાથી પણ જાત જાતની અસરો (વીધ્ડ્રોવલ સિમ્પ્ટોમ્સ)
જોવા મળે છે. સામાન્ય રીતે આ દવાનું બંધાણ ન થઇ જાય એ માટે ડોકટરની સલાહ
વગર એક સાથે ચાર-છ અઠવાડિયાંથી વધુ સમય સુધી આવી દવાઓ લેવી ન જોઇએ. લાંબો
સમય આ દવાઓ લીધા પછી અચાનક બંધ કરી નાંખવાથી, ડિપ્રેશન, ચિંતા, આળસ,
પરસેવો, કાનમાં તમરાં જેવો અવાજ સંભળાવો અને ક્યારેક ખેંચ આવવી વગેરે
તકલીફો થઇ શકે છે. લાંબો સમય દવા લીધા પછી સામાન્ય રીતે ૧૨ અઠવાડિયાં સુધી
આવી દવા ધીમે ધીમે ઘટાડતા જઇને સંપૂર્ણપણે બંધ કરવી જોઇએ. આ જૂથની દવાઓ
સગર્ભાવસ્થામાં આપવાનું સલામત નથી. તમારા ડોકટરની સલાહ લઇને જ જરૂર હોય એ
પ્રમાણમાં દવા લેવી અને ડોકટર કહે એ પ્રમાણે દવા બંધ કરવી હિતાવહ છે.
આ જૂથની દવાઓનું બંધાણ થવા ઉપરાંત એની ઊંઘ લાવવાની તથા ચિંતા-વિચાર
ઘટાડવાની અસરો આ દવા નિયમિત લેવાથી ઘટતી જાય છે. એક સરખી અસર મેળવવા માટે
કેટલાક દર્દીઓમાં સમય જતા ડોઝ વધારવો પડે એવું બને છે. આ દવા ''પચી જવાની
કે સમય જતાં બિનઅસરકારક અને વ્યસનકારક થવાની તકલીફ પણ એવું દર્શાવે છે કે
થોડાં અઠવાડિયાંથી વધુ સમય સુધી સતત લેવી હિતાવહ નથી જ. અલબત્ત, જે બંધાણી
બની જ ગયા છે એવા દર્દીઓને ક્યારેક જિંદગીભર દવા લીધા સિવાય ચાલતું નથી. આ
બધી દવાઓ દર્દીને રાહત આપી શકે છે પરંતુ સંપૂર્ણપણે ચિંતામુક્ત કરી નાંખે
એવું અશક્ય અને અનિચ્છનીય છે.
બેન્ઝોડાયાઝેપીન જૂથની ઉપર વર્ણવેલી દવાઓ ઉપરાંત કેટલીક નવા જૂથની દવાઓ
તાજેતરમાં શોધાઇ છે જે ચિંતા ઘટાડે છે, પરંતુ યાદશક્તિ કે બૌદ્ધિક ક્ષમતા
પર ખાસ અસર કરતી નથી. બુસ્પાઇરોન નામની આવી દવા ઊંઘ લાવ્યા વગર અને
વ્યસનકારક બન્યા વગર ચિંતા-વિચારો ઓછા કરવામાં મદદરૂપ થાય છે. અલબત્ત, આ
દવા શરૂ કર્યા પછી બે-ત્રણ અઠવાડિયાં પછી એની અસર શરૂ થાય છે અને દિવસમાં
ત્રણ વખત લેવી પડે છે. આ દવાને લીધે ચક્કર આવવા, માથું દુખવું, ચિંતા થવી,
ઉશ્કેરાટ અનુભવવો, હ્રદયના ધબકારા વધી જવા, ઊબકા થવા, વગેરે આડઅસર અમુક
દર્દીઓમાં જોઇ શકાય છે.
ટૂંકમાં, ચિંતા ઘટાડવા માટે ઘણી બધી દવાઓ બજારમાં મળે છે પરંતુ ''આદર્શ દવા
હજી સુધી નથી મળી જે કોઇ પણ પ્રકારની આડઅસર કે બંધાણ (વ્યસન) કર્યા વગર
ચિંતા ઘટાડી નાંખે. મોટા ભાગની ચિંતા ઘટાડતી દવાઓથી ઘેન આવે છે, બંધાણ થઇ
જાય છે. મોટા ભાગના દર્દીઓમાં ચિંતા ઘટાડવા માટે સારી સલાહ અને દવા વગરના
ઉપાયોની જરૂર છે. આવા ઉપાયો કારગર ન નીવડે અને વ્યક્તિમાં ચિંતાનું પ્રમાણ
એટલું વધારે હોય કે જે વ્યક્તિના દૈનિક જીવનમાં ભારે ખલેલ પહોંચાડે ત્યારે જ
ખૂબ ટૂંકા ગાળા માટે ચિંતા ઘટાડતી દવાઓ આપવી જોઇએ. શક્ય એટલા ઓછા ડોઝમાં
ડાયાઝેપામ કે ઓક્સાઝેપામ જેવી દવાઓ ડોક્ટરની સલાહથી લઇ શકાય. વ્યસન ન કરે
એવી ડિપ્રેશન ઘટાડતી દવાઓ (દા.ત. એમીટ્રીપ્ટીલીન) પણ ડિપ્રેશન અને ચિંતા
ભેગી હોય ત્યારે ડોક્ટર લખી આપે છે. જ્યારે કાયમી ચિંતા દવા વગર જતી જ ન
હોય અને દવાની અસર બે-ત્રણ અઠવાડિયાં પછી શરૂ થાય એ સ્વીકાર્ય હોય ત્યારે
ડોક્ટર બુસ્પાયરોન જેવી વ્યસન ન કરે એવી દવા લખી આપતા હોય છે.
દવાઓ લઇને મગજની કાર્યક્ષમતા ઘટાડવા કરતાં દવા વગર જ ચિંતા ઓછી થઇ જાય એવા
ઉપાયો દરેક વ્યક્તિએ કરવા જોઇએ. મનની દરેક તકલીફ માટે દવા પર આધાર રાખવાને
બદલે, વિચાર અને વર્તણૂકના પરિવર્તનથી ચિંત અને બીજી ઘણી બધી તકલીફ પર
કાયમી નિયંત્રણ મેળવી શકાય છે. કોઇ પણ દવા ડોકટરની સલાહ વગર શરૂ કે બંધ ન
કરવી જોઇએ.