મન:શાંતિ

4. ડિપ્રેશન: ગંભીર બીમારી

એકવીસમી સદીમાં અત્યાર સુધીની બધી સદીઓ કરતાં વધુ લોકોને ''ડિપ્રેશનની બીમારી ઘેરી લેશે. વીસમી સદીના- દરેક દાયકામાં ડિપ્રેશનથી પીડાતા લોકોમાં ઉત્તરોત્તર વધારો થતો નોંધાયો છે. વળી, ડિપ્રેશનની શરૂઆત થવાની ઉંમર ઊત્તરોત્તર ઘટી રહી છે. વધુ ને વધુ નાનાં બાળકો અને તરૂણોમાં આ બીમારી જોવા મળે છે. કેટલાંક બાળકો અને યુવાનોમાં ડિપ્રેશનની શકયતા તેમના દાદાઓ કરતાં ત્રણ ગણી વધારે જોવા મળી છે. ઇ.સ. ૧૯૪૫ થી ૧૯૫૪ ના દાયકામાં જન્મેલા લોકોમાં ૩૫ વર્ષથી નાની ઉંમરે ડિપ્રેશન થવાની શકયતા ઇ.સ. ૧૯૦૫ થી ૧૯૧૪ વચ્ચે જન્મેલ લોકો કરતાં દશ ગણી વધારે જણાઇ હતી. યુધ્ધ અને સિવિલ વોર ના સમય દરમ્યાન ડિપ્રેશન થવાનું પ્રમાણ ખૂબ વધી જાય છે.

ડિપ્રેશનને કારણે દર્દીને કંઇ કામ કરવાની ઇચ્છા ન થાય, આનંદનો અનુભવ ન થાય, ગમગીનતા રહે, ગુનાહિત લાગણી થાય, જાત પ્રત્યે હીનતાનો અનુભવ થાય, ઊંઘ અને ભૂખમાં ખલેલ પહોંચે, એકાગ્રતા ન રહે અને ઓછી શક્તિની અથવા કમજોરીની ફરિયાદ રહે.

દર્દી સાથે સામાન્ય વાતચીત ને આધારે, લક્ષણો અંગે યોગ્યપ્રશ્નો પૂછીને ફેમિલિ ડોકટર ડિપ્રેશનનું આધારભૂત નિદાન કરી શકે છે. ૬૦ થી ૮૦ ટકા દર્દીઓમાં માત્ર સામાન્ય દવાઓની મદદથી અને રોગ અંગેની જાણકારી આપીને કાઉન્સેલિંગથી ડિપ્રેશનની બીમારી મટી શકે છે. આટલી સાદી જાણકારી સામાન્ય લોકો, રાજકારણીઓ, અધિકારીઓ અને અન્ય સંબધિત વ્યક્તિ સુધી પહોંચી શકે તો ઘણી બધી આત્મહત્યા અટકાવી શકાય.

    1. ડિપ્રેશનનું નિદાન કરવા માટેના મુદ્દાઓ

    2. ડિપ્રેશન થવાનું કારણ શું?

    3. ડિપ્રેશન કોને વધારે થાય છે?

    4. ડિપ્રેશનની સારવાર