વેરભાવ
અને હ્રદયરોગને સીધો સંબંધ છે એવું તાજેતરના અભ્યાસો ભારપૂર્વક જણાવે છે.
આક્રમક સ્વભાવના, વારંવાર ગુસ્સો કે ઝગડો કરી બેસતા લોકોને હ્રદયરોગ થવાની
શકયતા સૌથી વધારે હોય છે. આક્રમકતા -ઝગડાખોર સ્વભાવને વધુ ઊંડાણપૂર્વક
સમજવામાં આવે તો, એનાં નીચે જણાવેલ ત્રણ મુખ્ય પાસાં હોય છે.
(૧) આક્રમક વિચાર (અવિશ્વાસ, બીજાનો વિરોધ કરવાની ઇચ્છા, બીજાને નુકસાન પહોંચાડવાનો વિચાર)
(૨) આક્રમણનો અનુભવ (કોઇના ગુસ્સાનો ભોગ બનવું, ચિડાવું, અપમાન કે માર સહન કરવાં વગેરે) અને
(૩)
આક્રમક કર્તવ્ય (અન્ય પર ગુસ્સે થવું, મારવું કે અન્યનું અપમાન કરવું
વગેરે). આ બધા પ્રકારને સહેલાઇથી છૂટા પાડવાનું અઘરું છે પરંતુ તે છતાં
ઊંડાણપૂર્વક થયેલા અભ્યાસો જણાવે છે કે આક્રમક કર્તવ્ય (ગુસ્સે થઈને
બોલવું, ચિડાવું, અપમાન કરવું કે માર મારવો) હ્રદયરોગ સાથે સૌથી ગાઢ સંબંધ
ધરાવે છે.
જયારે માણસ કોઇ સાથે ઝગડો કરે છે ત્યારે એના શરીરમાં એડ્રીનાલીન અને
નોરએડ્રીનાલીન નામના રસાયણનું પ્રમાણ વધી જાય છે. આ રસાયણો શરીરના ઘણા બધા
અવયવો પર જાતજાતની અસર કરે છે. મુખ્યતત્વે, ચામડી પરની અને અન્ય
રકતવાહીનીઓને સંકોચવાનું કામ આ રસાયણોને કારણે થાય છે. રકતવાહિનીઓના
સંકોચનના કારણે બ્લડપ્રેશર વધે છે અને ચામડી પર જતો લોહીનો પ્રવાહ ઘટે છે.
વળી, આ રસાયણોની હ્રદય ઉપર સીધી અસર થવાને લીધે હ્રદયની ગતિ વધે છે અને
હ્રદય ઝડપથી ધબકવા લાગે છે. આને પરિણામે હ્રદય પર કામનો કુલ બોજો વધે છે
અને હ્રદયને વધારાનું કામ કરવા માટે વધારે લોહીની જરૂર પડે છે. હ્રદયને
લોહી પહોંચાડતી ધમનીઓ પણ એડ્રીનાલીન કે નોરએડ્રીનાલીનની અસર હેઠળ સાંકડી
થવાને લીધે હ્રદયને જરૂર હોવા છતાં પૂરતું લોહી મળી નથી શકતું. આમ,
હ્રદયરોગ વકરે છે.
જે માણસ દિવસનો મોટા ભાગનો સમય ગુસ્સા અને નિરાશામાં વિતાવે છે એના હ્રદયને
સતત નુકસાન પહોંચ્યા કરે છે. આક્રમક સ્વભાવને કારણે દારૂ કે સિગારેટનું
વ્યસન થવાની શકયતાઓ પણ વધી જાય છે અને બીજી બાજુથી આવાં વ્યસનો હ્રદયરોગની
શકયતા વધારી દે છે. આમ, આક્રમક સ્વભાવ અને વ્યસનની જોડી તંદુરસ્તીને ખેદાન
મેદાન કરી નાખવામાં સહેજ પણ કચાશ નથી રાખતી.
અન્ય સંશોધનો પ્રમાણે ગુસ્સો કર્યા પછીના કલાકમાં હાર્ટ એટેક આવવાનું જોખમ
બે થી નવ ગણું વધી જાય છે. સામાન્ય ગુસ્સો કરવાથી નોર્મલ વ્યક્તિને હાર્ટ
એટેક આવવાની શક્યતા ૧.૩૫ ગણી અને વધુ ગુસ્સો કરવાથી ૨.૬૫ ગણી રહે છે.
વયોવૃદ્ધ વ્યક્તિઓમાં ગુસ્સો વધુ જોખમી બને છે. ૧૩૦૦ વયોવૃદ્ધ વ્યક્તિઓ
(સરેરાશ ઊમર ૬૨ વર્ષ)ના અભ્યાસમાં સૌથી વધુ ગુસ્સો કરનાર વડીલોમાં હાર્ટ
અટેક આવવાનુ પ્રમાણ સૌથી ઓછો ગુસ્સો કરનાર વડીલ કરતાં ત્રણ ગણું વધારે
જણાયું હતું.
આક્રમણનો અનુભવ (શંકા, અપમાન કે નિરાશાની લાગણી) પણ હ્રદયરોગને નોતરે છે
પરંતુ એનો હ્રદયરોગ સાથેનો સંબધ આક્રમક કર્તવ્ય (ચિડાવું - મારવું) કરતાં
ઓછો મજબૂત છે. આવો અનુભવ છાતીમાં દુ:ખાવા જેવાં લક્ષણો સાથે વધુ સંબંધ
ધરાવે છે, પરંતુ કાર્ડિયોગ્રામ અને અન્ય તપાસોથી પુરવાર થયેલ હ્રદયરોગ સાથે
એટલો સીધો સંબંધ ધરાવતાં નથી. ગુસ્સાના કારણે લોહીમાં હોમોસીસ્ટીનનું
પ્રમાણ વધી જાય છે જે હ્રદયરોગ નોતરવા માટે જવાબદાર ગણાય છે.
ગુસ્સો જોરશોરથી વ્યક્ત કરવાથી પેરાલિસિસનો હુમલો આવવાની શક્યતા છ ગણી વધી
જાય છે. ગુસ્સો દબાવી દેનાર કે કાબૂમાં રાખનાર વ્યક્તિને પેરાલિસિસનું જોખમ
અન્ય તંદુરસ્ત વ્યક્તિ જેટલું જ રહે છે. ગુસ્સો વ્યક્ત કરવાથી ત્રાકકણો
ગંઠાવાની શક્યતા વધી જાય છે.
સૌથી વધુ ગુસ્સો કરનાર વ્યક્તિઓમાં સૌથી ઓછો ગુસ્સો કરનાર વ્યક્તિઓ કરતાં
બે ગણું વધારે જોખમ હાઇબ્લડપ્રેશરનું રહે છે. ગુસ્સો વ્યક્ત કરવાની
વૃત્તિમાં એક પોઇન્ટનો વધારો હાઇબ્લડપ્રેશરનું જોખમ ૧૨ ટકા વધારી નાંખે છે.
ગુસ્સો કરવાથી રજોનિવૃત્ત સ્ત્રીના પેટની ચરબી વધે છે. ગુસ્સો કરવાથી વધુ
ભૂખ લાગે છે અને જરૂર કરતાં વધુ પડતું (ઇમ્પલ્સીવ અને સેન્સરી ઇટિંગ)
ખાવાની શક્યતા વધી જાય છે. સોરીયાસીસના દર્દીઓ ગુસ્સાને તંદુરસ્ત માણસો
કરતાં ઓછા શબ્દોમાં અભિવ્યક્ત કરે છે. ડિપ્રેશનના દર્દી અને લોહીમાં ઓછી
શુગર થઇ ગઇ હોય એવા દર્દીમાં ''ગુસ્સાના હુમલા આવવાનું પ્રમાણ ખૂબ વધારે
હોય છે.
આમ, આજ દિન સુધી થયેલાં અનેક સંશોધનો નિ:શંકપણે જણાવે છે કે ગુસ્સો - આક્રમકતા જ માણસના સ્વાભાવનાં સૌથી વધુ નુકસાનકારક પરિબળો છે.
તંદુરસ્ત રહેવુ હોય તો ગુસ્સો, મારામારી અને બીજાને નુકસાન કરવાથી દૂર
રહેવામાં જ સાર છે. ગુસ્સો કરવાનાં અનેક કારણો લોકોને રોજે રોજ મળી રહે
પરંતુ માનસિક સ્વસ્થતા અને શાંતિ જાળવી રાખનાર વ્યક્તિ દરેક પ્રસંગે વધુ
લાભ મેળવે છે. એકવાર મગજ ગુમાવી દેનાર વ્યક્તિ મગજની સાથેસાથે આબરૂ, માન
અને સ્વાસ્થ્ય બધું ગુમાવે છે.
જ્યારે
વ્યક્તિની ઇચ્છા કે અપેક્ષા પરિપૂર્ણ ન થાય ત્યારે ઉદભવતી જડ
પ્રતિક્રિયાને ''ગુસ્સા તરીકે ઓળખવામાં આવે છે. આ એક શીખેલી પ્રતિક્રિયા છે
જેમાં વ્યક્તિની વર્તણૂક એના કાબૂ બહાર જતી રહે છે. જે વ્યક્તિની વર્તણૂક
વ્યક્તિના પોતાના નિયંત્રણમાં નથી હોતી એ વ્યક્તિ ''ગાંડો કહેવાય છે.
''ગુસ્સો એ ટેમ્પરરી (ટૂંકા સમયનું) ગાંડપણ છે એવું કહી શકાય.
ગુસ્સો કરવાથી કોઇ ફાયદો થતો નથી. ગુસ્સો કરનાર વ્યક્તિ પણ ગુસ્સો કર્યા
પછી પોતે આ પ્રમાણે ગુસ્સો ન કર્યો હોત તો સારું થાત એવું કહીને પસ્તાતા
હોય છે અને જેની પર ગુસ્સો કરવામાં આવે તે વ્યક્તિને પણ કદી ગુસ્સો ગમતો
નથી હોતો. ટૂંકમાં ''ગુસ્સો એ કોઇને પણ પસંદ નથી. નાની નાની વાતમાં
ઉશ્કેરાઇ જઇને એને મોટું સ્વરૂપ આપવું એ એક પ્રકારનું ગાંડપણ જ કહી શકાય.
ગુસ્સાને કારણે શરીરને પુષ્કળ નુકસાન થાય છે. હાઇબ્લડપ્રેશર, પેટનું
અલ્સર(ચાંદુ), અનિદ્રા, થાક, હ્રદયરોગ વગેરે અનેક બીમારીઓ ગુસ્સાના કારણે
થાય છે. ગુસ્સાના કારણે પ્રેમભર્યા સંબંધો તૂટે છે; વાતચીત અને વિચારોના
આદાનપ્રદાનમાં મુશ્કેલી ઊભી થાય છે; પસ્તાવા અને હતાશાની લાગણી ઉભી થાય છે
અને દરેક કામમાં અડચણ ઉભી થાય છે.
જે વ્યક્તિ ગુસ્સો કરતો જ નથી એને કોઇ જાતનું નુકસાન નથી થતું અને શરીર તથા મન સ્વસ્થ રહે છે. ગુસ્સો થઇ ગયા પછી એને વ્યક્ત કે અવ્યક્ત રાખવાનો સવાલ ઉદભવે છે. જે વ્યક્તિ પોતાના ગુસ્સાને વ્યક્ત નથી કરતા (મનમાં ને મનમાં ભરી રાખે છે) એ વ્યક્તિના શરીરને વધુ નુકસાન થાય છે. સામાન્ય નિરાશા, અડચણ, ચિડાઇ જવું વગેરે રોજીંદા અનુભવ છે જે ખાસ નુકસાનકારક નથી, પરંતુ એનાથી આગળ વધીને જોરશોરથી ગુસ્સાને બેકાબૂ થવા દેવો કે બેફામ ઉગ્ર વર્તન કરવું એ નુકસાન કરે છે. મનને અને મનના વિચારોને એ રીતે તૈયાર કરવા જરૂરી છે કે જેથી ખોટી અપેક્ષા અને ખોટા વિચારો બિનજરૂરી ગુસ્સો ઉભો ન કરે.
(૧) જ્યારે તમે તમારી નિરાશા કે હારને પચાવી નથી શકતા ત્યારે તમે એની પાછળ જવાબદાર ઘટના કે વ્યક્તિ ઉપર ગુસ્સે થઇ જાવ છો.
(૨) તમારાથી ડરતી વ્યક્તિઓને નિયંત્રણમાં રાખવા કે એની પાસે ધાર્યું કરાવવા માટે તમે ગુસ્સો કરવાનું પસંદ કરો છો.
(૩) ગુસ્સો કરવાથી બધાનું ધ્યાન તમારા તરફ ખેંચાય છે અને તમે મહતત્વના તથા શક્તિશાળી હોવાનો ભાસ થાય છે.
(૪) તમારા કરતાં વધુ કુશળ વ્યક્તિ તમારા કરતાં વધુ સારી દેખાશે એવા ભયથી
તમે એ વ્યક્તિ સાથેના સંબંધો ગુસ્સો કરી તોડી દો છો. જ્યારે તમે ગુસ્સે થાવ
છો ત્યારે તમે શાંતિપૂર્વક વિચારવાનું અને તમારી જાતને સુધારવાનું છોડી દો
છો. એટલે કે સહેલો ગુસ્સો કરીને તમે એટલા સમય માટે પોતાની જાતને સુધારવાના
કે સીધું વિચારવાના અઘરાં કામોમાંથી છટકી જાવ છો.
(૫) ''ગુસ્સો તો માનવ સહજ છે, હું પણ માણસ છું - બધા માણસ આવો ગુસ્સો કરે છે એવા ખોટા બહાના હેઠળ તમે ગુસ્સાને રક્ષણ આપો છો.
(૬) ગુસ્સો કર્યા પછી તમે જાત પ્રત્યે દયાની લાગણી અનુભવો છો અને તમને કોઇ
સમજી નથી શકતું એ માટે દુખી થાવ છો. આવા નકારાત્મક વિચારોનું પણ એક વ્યસન
કે અવલંબન થઇ જાય છે.
(૭) ''હું ગુસ્સે હતો માટે હું સારું પરિણામ ન મેળવી શક્યો જેવાં બહાના
હેઠળ તમે સારું પરિણામ મેળવવાના ગંભીર પ્રયત્નોમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન
કરો છો.
- અન્ય વ્યક્તિ તમારું ધાર્યું ન કરે અથવા તમને ઉશ્કેરે ત્યારે
- વાહન ચલાવતી વખતે અન્ય વાહન ચાલક કે રાહદારી પર
- કંઇક વાગી જાય ત્યારે નિર્જીવ વસ્તુ પર
- કંઇક ખોવાઇ જાય ત્યારે
- ટેક્ષ-વ્યાજ-વગેરે સરકારી આર્થિક નીતિ જ્યારે વિપરીત જણાય ત્યારે
- વધુ પડતો સમય બગાડતા કામ કે લાંબી લાઇનો હોય ત્યારે
- રમતમાં હાર થાય ત્યારે
- હાથ નીચેનો કર્મચારી તમારું કહ્યું ન માને ત્યારે
- તમારા નિયંત્રણ અને કાર્યક્ષેત્ર બહારની તમારી ધારણા વિરુધ્ધની રાષ્ટ્રીય કે વૈશ્વિક ઘટનાઓ બને ત્યારે
- એક સાથે ઘણા બધા લોકો તમારી સાથે વાત કરવા લાગે ત્યારે
ટૂંકમાં, તમારી ઇચ્છા વિરુધ્ધની કોઇ પણ ઘટના તમને ગુસ્સો કરાવી શકે.
નવા વિચારો, હકારાત્મક અભિગમ, અન્યના દ્રષ્ટિકોણથી વાત કે વિચારને સમજવાની તૈયારી અને ગુસ્સો દૂર કરવા માટેનો સંકલ્પ ચોક્કસપણે ગુસ્સાને તમારા દૈનિક જીવનમાંથી દૂર કરી શકે છે. ગુસ્સો ઓછો કરવા કે સંપૂર્ણપણે દૂર કરવા માટે કેટલાંક અગત્યનાં પગથિયાંની રૂપરેખા અહીં આપી છે.
ગુસ્સો આવે ત્યારે તમને કઇ જાતના વિચાર આવે છે એની પર ધ્યાન આપો. અમુક ચોક્કસ પ્રકારના વિચાર જ વારંવાર ગુસ્સો કરવા માટે જવાબદાર હોય છે. આ વિચારોને ઓળખી લેવા એ સૌથી અગત્યનું પગલું છે. ''મારું કીધેલું કેમ નહીં કર્યું , ''આટલી બધી વાર કેમ લાગી, ''મારી વિરૂધ્ધ કેમ બોલ્યા વગેરે અનેક પ્રકારના અહમ્ કેન્દ્રી વિચારો ગુસ્સાને જન્મ આપે છે. ગુસ્સો સાથે સંકળાયેલ વિચારોને એક નોંધપોથીમાં નીચે લખેલ ખાના પ્રમાણે નિયમિતપણે લખતા રહો જેથી થોડાં દિવસોમાં તમને તમારા ગુસ્સા સાથે સંકળાયેલી મુખ્ય વિચારધારાઓ ધ્યાનમાં આવે.
ગુસ્સો કરાવતી ઘટના |
એ સમયે તમારી વર્તણૂક |
ત્યારે તમને શુ વિચાર આવ્યો? |
તમને કેવી લાગણી થઈ? |
|
|
|
|
|
|
|
|
(ક)
અપેક્ષાઓ ઘટાડો: અન્ય વ્યક્તિ અથવા જાત પાસેની અપેક્ષા જ્યારે પરિપૂર્ણ
નથી થતી ત્યારે ગુસ્સો ઉદભવે છે. જો અન્ય વ્યક્તિ પાસેની અપેક્ષા ન્યૂનતમ
કરી નાંખવામાં આવે અથવા કોઇ જાતની અપેક્ષા રાખવામાં ન આવે તો ગુસ્સો કે
દુ:ખ થતાં નથી.
(ખ) દરેક વ્યક્તિ સ્વતંત્ર વિચાર અને વર્તણૂક ધરાવે છે, અને એ તમારા ઘાર્યા
પ્રમાણે જ વર્તશે એવો વિચાર અયોગ્ય છે. મોટાભાગના લોકોની દલીલ એવી હોય છે
કે પેલા માણસે આમ કર્યું એટલે મને ગુસ્સો આવ્યો કે દુ:ખ થયું વગેરે. જો એણે
આમ ન કર્યું હોત તો કંઇ તકલીફ નહોતી. માની લઇએ કે આ વાત એકદમ સાચી છે. એક
વ્યક્તિએ ખરાબ કામ કર્યું એટલે બીજી વ્યક્તિ દુ:ખી કે ક્રોધિત છે. હવે જો
દુ:ખી થનાર વ્યક્તિને કહેવામાં આવે કે બીજી વ્યક્તિ કંઇપણ કરે તારે ક્રોધિત
નહીં થવાનું તો પણ એ વ્યક્તિ ક્રોધિત થયા વગર રહી નથી શકતી. એટલે કે માત્ર
બીજી વ્યક્તિ જ નહીં પણ આપણું પોતાનું મન પણ આપણા કાબૂમાં રહેતું નથી.
દરેક વ્યક્તિએ આ સિદ્ધાંત ખાસ શીખી લેવો જરૂરી છે કે જો આપણું મન આપણા
કહ્યામાં નથી રહેતું તો અન્ય વ્યક્તિ કે એનું મન આપણા કહ્યામાં કઇ રીતે રહી
શકે? આપણો કાબૂ આપણા પોતાના મન પર પણ નથી તો બીજી વ્યક્તિ આપણું ધાર્યું જ
કરશે એવી અપેક્ષા પણ રાખવી એ મૂર્ખામી છે. તમે કાયમી દુ:ખી હો તો એ તમારા
મનને કારણે છો. બીજાના કંઇક કરવા કે ન કરવાથી તમારા કાયમી સુખ-દુ:ખ નિશ્ચિત
નથી થતાં અને ન જ થવાં જોઇએ. તમારું મન (અને વિચારો) તમને શાશ્વત શાંતિ
અને સુખથી છેટા રાખે છે. શાશ્વત સુખ અને શાંતિ મનને કાયમ મળતી રહે એ માટે
એને કેળવવું જરૂરી છે. સુખની ટેવ પાડો.
(ગ) બધા જ લોકો તમારા વિચાર સાથે સહમત થશે એવો ખોટો ખ્યાલ તમારા મનમાંથી
કાઢી નાંખશો. કોઇક તમારા વિચાર સાથે સહમત થશે તો કોઇક નહીં થાય.
(ઘ) આપણી ઇચ્છા વિરૂધ્ધ થતી ઘટનાઓને સહજપણે સ્વીકારતાં શીખવું ખૂબ જરૂરી
છે. જે ઘટના થઇ ગઈ છે એ કદી બદલી શકાવાની નથી. ''કાચ ફુટી ગયો, ''ચાવી
ખોવાઇ ગઇ એ ઘટનાઓમાં તમે ગુસ્સે થાઓ કે ન થાઓ કંઇ જ ફરક નથી પડવાનો.આવી
ઘટનાઓને સૌથી પહેલાં સહજ ભાવે સ્વીકારી લો અને ત્યાંથી જ આગળ વિચારવાનું
શરૂ કરો કે હવે શું ? હવે કાચ ન વાગે કે ચાવી મળી જાય એ માટે શું થઇ શકે?
જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં જ એ સમયે સૌથી સારો વિકલ્પ શોધવા લાગો તો
ગુસ્સાથી બગડતો સમય અને વધુ ખરાબ થતી પરિસ્થિતિ અટકાવી શકશો.
(ચ) તમે જ્યારે ગુસ્સે ન હો ત્યારે તમે જેની ઉપર સૌથી વધુ ગુસ્સો કરતા હો
તેની સાથે નિખાલસ પણે ચર્ચા કરવાથી તથા એ વ્યક્તિના વિચાર જાણવાથી પણ તમારા
અયોગ્ય વિચાર બદલવાની તક મળી શકે છે. એક કાગળ પર તમારા અને તમે જેની પર
વારંવાર ગુસ્સો કરતા હો એ વ્યક્તિના વિચારો બાજુબાજુમાં લખો અને પછી જે
મુદ્દા પર વિવાદ નથી એ મુદ્દાને બંને જણ સ્વીકારો તથા વિચારભેદના મુદ્દા પણ
જુદા તારવી લઇ આ મુદ્દા પર વ્યર્થ ચર્ચા ન કરવાનું નકકી કરી લો. આવી કસરત
કરતાં પહેલાં
(૧) ''શું સાબિતિ છે કે મારા વિચાર સાચા છે? અને
(૨) ''મારા વિચાર સિવાય બીજો કોઇ માની શકાય એવો દ્દષ્ટિકોણ છે? આ બે મુદ્દા પર જાતે જ વિચાર કરી લેવો ફાયદાકારક થશે.
મારા વિચાર |
સામેવાળાના વિચાર |
જેમાં વિચારભેદ નથી એવા મુદ્દાઓ |
જે વિચારભેદ નાબૂદ નથી થઇ શકતો એવા મુદ્દાઓ |
|
|
|
|
|
|
|
|
(ક)
ગુસ્સો આવે એવા વિચાર બદલી શકાય તો ગુસ્સો જ નહીં આવે. પણ જો આવા વિચાર
હજી બદલી શકાયા ન હોય અથવા બદલી શકાય એમ જ ન હોય ત્યારે ગુસ્સો આવે કે તરત જ
જોરશોરથી તૂટી પડવાને બદલે થોડીક ક્ષણો માટે ગુસ્સાને ઓછો કરવાનો પ્રયત્ન
કરો. તમે એકદમ ગુસ્સે થઇ ગયા પછી માત્ર અડધી મિનિટનું મૌન રાખો અને ત્યાર
બાદ તમારો ગુસ્સો વ્યક્ત કરો. ધીમે ધીમે તમે તમારા ગુસ્સાને મિનિટો-કલાકો
કે દિવસો સુધી પાછો ઠેલી શકશો. છેવટે ગુસ્સાભરી પરિસ્થિતિમાં ગુસ્સો
આવવાનું બંધ થઇ શકશે.
(ખ) એ જ રીતે જો તમે તમારી સાવ નજીકની વ્યક્તિ (પતિ/પત્ની) પર ગુસ્સે થતા
હો તો ગુસ્સો આવે ત્યારે એ વ્યક્તિનો હાથ તમારા હાથમાં પકડી રાખો. તમને હાથ
પકડવાનું મન ન થાય તો પણ હાથ પકડી રાખો- તમારો ગુસ્સો ઘટાડવાની આ એક
ઉપયોગી ટેકનીક છે. આ રીતે તમે ગુસ્સે થયા વગર તમારી લાગણી અને વિચારો
વ્યક્ત કરી શકશો.
(ગ) ગુસ્સો આવે ત્યારે ઊંડા ઊંડા ધીમા શ્વાસોશ્વાસ લેવાનું શરૂ કરો. આ રીતે
ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી ગુસ્સા-નિરાશાની લાગણીઓ ઓગળી જાય છે. દરેક શ્વાસ
ભર
તી વખતે પેટ બહાર આવે અને શ્વાસ કાઢતી વખતે અંદર જાય એ રીતે
માત્ર એકાદ મિનિટ શ્વાસોશ્વાસ લેવાથી ગુસ્સો ઓછો થઇ જશે.
(ઘ) તમને જેની પર ભરોસો હોય એવા કોઇને તમે ગુસ્સે થાવ ત્યારે ''તમે ગુસ્સે
થયા છો એટલું યાદ કરાવવાનું કામ સોંપી રાખો. જ્યારે તમે ગુસ્સે થાવ ત્યારે
ઇશારા કે સંકેતથી એ તમને યાદ કરાવશે અને તમે બેકાબૂ થતા અટકી જશો.
(ચ) જ્યારે જ્યારે ગુસ્સે થાવ ત્યારે ત્યારે એની નોંધ એક નોંધપોથીમાં રાખો.
માત્ર આટલી નોંધ નિયમિતપણે રાખવાથી તમારો ગુસ્સો ધીમે ધીમે આપોઆપ ઘટવા
માંડશે.
તારીખ અને સમય |
ગુસ્સા માટે જવાબદાર ઘટના |
ગુસ્સાનું પ્રમાણ |
|
|
|
|
|
|
ઘણાં
લોકો ને પ્રશ્ન થાય છે કે બાળકો તથા હાથ નીચેના કાર્યકરો પર ગુસ્સો ન કરીએ
તો કામ થતું જ નથી. આવા સંજોગોમાં શું કરવુ? ગુસ્સાને કારણે જ કામ કરનાર
લોકો તમારા ડરથી એ કામ કરે છે. આ જ કામ ઘણા લોકો પ્રેમથી પણ લઈ શકે છે -
વધુ સારાં પરિણામ મેળવીને! ધીરજપૂર્વક માનવીય ગુણો અને સામેવાળી વ્યક્તિ
પ્રત્યે પ્રેમ તથા આદર સાથે કામ કરવાથી કામ કરવાની મજા પણ બેવડાય છે. ઘણી
વખત સમય અને ધીરજનો અભાવ તમને ગુસ્સે થવા પ્રેરે છે. આવે વખતે પણ તમે
અંદરથી ગુસ્સે થયા વગર માત્ર ગુસ્સાનો બાહ્ય દેખાવ કરીને અથવા કામ ન થવા
પ્રત્યે તમારી નારાજગી કડક શબ્દોમાં જાહેર કરીને પણ પોતાની જાતને નુકસાન
કર્યા વગર કામ કઢાવી શકો છો.
છેલ્લે, માનવીય મૂલ્યો અને અન્ય વ્યક્તિનો આદર કરવાનો સ્વભાવ કેળવનાર
વ્યક્તિને ભાગ્યે જ વેરભાવ રાખવાનો વારો આવે છે. ગુસ્સાને નિયંત્રણમાં
રાખવા માટે અનેક રસ્તા છે - જરૂર છે માત્ર સમજપૂર્વક આવા રસ્તા શીખવાની અને
ઘીરજપૂર્વક એનો અમલ કરવાની.