માનસિક તાણ ઉર્ફે ''સ્ટ્રેસ નું પ્રમાણ પ્રત્યેક વ્યક્તિમાં દિન પ્રતિદિન વધી રહ્યું છે. જયારે અમુક હદથી વધુ માનસિક તાણ ઉદભવે ત્યારે વ્યક્તિનું માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય જોખમાય છે - વ્યક્તિ મનો-શારીરિક બીમારીનો ભોગ બની જાય છે.
સાદી
ભાષામાં આપણે સ્ટ્રેસને માનસિક તાણ તરીકે ઓળખીએ છીએ. ટેકનિકલ દ્દષ્ટિએ,
પરિસ્થિતિમાં થતાં પરિવર્તનો સાથે શરીર અને મનનો મેળ બેસાડવાની પ્રતિક્રિયા
એટલે સ્ટ્રેસ. કોઇ પણ જરૂરિયાતને પહોંચી વળવા માટે શરીર અને મનના
પ્રયત્નોથી માનસિક તાણ ઉદભવી શકે છે. માત્ર પરિવર્તનની કલ્પના પણ સ્ટ્રેસ
ઉર્ફે માનસિક તાણને જન્મ આપી શકે છે. જેમ જેમ દુનિયા વધુને વધુ ઝડપી યુગમાં
પ્રવેશે છે તેમ તેમ પરિવર્તનો પણ ખૂબ જલદી થાય છે અને પરિણામે માનસિક
તાણનું પ્રમાણ પણ ખૂબ વધે છે.
જે પરિસ્થિતિ કે સંજોગો માનસિક તાણને જન્મ આપે છે તેને 'સ્ટ્રેસર અને
માનસિક તાણની પ્રતિક્રિયાને 'સ્ટ્રેસ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે.
સ્ટ્રેસ ઉર્ફે માનસિક તાણને બે મુખ્ય પ્રકારમાં વહેંચવામાં આવે છે.
(૧) સારો ઉર્ફે હકારાત્મક સ્ટ્રેસ (યુસ્ટ્રેસ)
(૨) ખરાબ ઊર્ફે નકારાત્મક સ્ટ્રેસ (ડિસ્ટ્રેસ).
કોઇ પણ પરિવર્તન માનસિક તાણ સર્જી શકે છે. જેટલું મોટું પરિવર્તન, જેટલી મોટી ચેલેન્જ એટલી વધુ તાણ. માનસિક તાણનું પ્રમાણ નક્ક્ી કરવા માટે ''સોશ્યલ રીએડજસ્ટમેન્ટ રેટીંગ સ્કેલ તરીકે ઓળખાતો સ્કેલ વપરાય છે જેમાં જુદા જુદા પ્રકારના પરિવર્તનથી ઉદભવતા માનસિક તાણના પ્રમાણને ગુણાંકમાં લખવામાં આવે છે. (જુઓ કોષ્ટક) છેલ્લાં બાર મહિનામાં આ કોષ્ટકમાં લખેલ ઘટનામાંથી કોઇ પણ ઘટના બની હોય તો એ બધાની યાદી કરી કુલ સરવાળો કરી લેવો જોઇએ. જો સરવાળો ૧૫૦ થી વધે તો તમારા માટે માનસિક તાણનું પ્રમાણ વધારે કહી શકાય અને જો ૨૫૦ થી વધી જાય તો એ ખૂબ નુકસાનકારક સાબિત થઇ શકે.
ક્રમ |
માનસિક તાણ માટે કારણભૂત ઘટના કે પરિસ્થિતિ |
તાણનું પ્રમાણ |
૧ |
જીવનસાથી (પતિ / પત્ની)નું મૃત્યુ |
૧૦૦ |
૨ |
છૂટાછેડા |
૬૦ |
૩ |
મેનોપોઝ (રજો નિવૃત્તિ) |
૬૦ |
૪ |
જીવંત ભાગીદારથી છૂટા પડવું |
૬૦ |
૫ |
જેલની સજા |
૬૦ |
૬ |
જીવનસાથી સિવાયના કુટુંબના સભ્યનું મૃત્યુ |
૬૦ |
૭ |
ગંભીર ઇજા કે માંદગી |
૪૫ |
૮ |
લગ્ન અથવા જીવનભરની ભાગીદારીની શરૂઆત |
૪૫ |
૯ |
નોકરીમાંથી છૂટા કર્યા |
૪૫ |
૧૦ |
પુર્નલગ્ન અથવા નવી ભાગીદારી |
૪૦ |
૧૧ |
નિવૃત્તિ |
૪૦ |
૧૨ |
કુટુંબીજનના સ્વાસ્થ્યમાં પરિવર્તન |
૪૦ |
૧૩ |
રોજ આઠ કલાકથી વધુ કામ |
૩૫ |
૧૪ |
સગર્ભાવસ્થા |
૩૫ |
૧૫ |
જાતીય જીવનમાં તકલીફ |
૩૫ |
૧૬ |
કુટુંબમાં નવા સભ્ય ઉમેરાવા |
૩૫ |
૧૭ |
ધંધો કે વ્યવસાય બદલાવો |
૩૫ |
૧૮ |
આર્થિક પરિસ્થિતિમાં મોટો ફેરફાર |
૩૫ |
૧૯ |
નજીકના મિત્રનું અવસાન |
૩૦ |
૨૦ |
દિવસમાં આઠ કલાકથી ઓછી ઊંઘ |
૨૫ |
૨૧ |
નોકરી-ધંધામાં કામના પ્રકારમાં ફેરફાર |
૨૫ |
૨૨ |
સાસરીયાં કે છોકરાંઓ સાથે કલેશ |
૨૫ |
૨૩ |
કોઇ ખાસ વ્યક્તિગત સિદ્ધિ |
૨૫ |
૨૪ |
જીવનસાથીના કામની શરૂઆત કે અંત |
૨૦ |
૨૫ |
શાળાની શરૂઆત કે અંત |
૨૦ |
૨૬ |
રોજીંદી ટેવોમાં ફેરફાર |
૨૦ |
૨૭ |
એલર્જી |
૨૦ |
૨૮ |
કામકાજમાં ઉપરી સાથે માથાકૂટ |
૨૦ |
૨૯ |
કામના સમયમાં ફેરફાર |
૧૫ |
૩૦ |
ઘર ફેરવવું |
૧૫ |
૩૧ |
શાળા બદલવી |
૧૫ |
૩૨ |
વેકેશન |
૧૦ |
૩૩ |
ટ્રાફીક નિયમનું ઉલ્લંઘન |
૫ |
દરેક વ્યક્તિ માટે માનસિક તાણ જુદાં જુદાં કારણોસર થાય છે અને દરેક વ્યક્તિની પ્રતિક્રિયા ભિન્ન હોય છે. નીચે જણાવેલાં લક્ષણોમાંથી કોઇ પણ લક્ષણ તાણને કારણે ઉદભવી શકે છે અને કયારેક કોઇ લક્ષણ ન દેખાય એવું પણ બને છે.
- માથું દુ:ખવું
- થાક લાગવો
- ઊંઘ ન આવવી
- વજનમાં વધારો અથવા ઘટાડો
- પેટમાં ગેસ-અપચો
- વારંવાર શરદી થવી
- હ્રદયના ધબકારા વધી જવા
- દાંત કચકચાવવા
- બેચેની-ઉદ્વેગ-અસ્થિરતા
- ગરદનનો દુખાવો
- અકસ્માત થવાની વધુ શકયતા
- એકાગ્રતાનો અભાવ
- વિચારના ગૂંચવાડા
- આળસ-કંટાળો
- નકારાત્મક વલણ
- કંઇ કરવાની ઈચ્છા ન થાય
- ચિંતા થવી
- મૂડ વારંવાર બદલાઇ જવો
- ચિડિયાપણું
- હતાશા
- વધુ પડતો ગુસ્સો
- રડવું
- એકલતા
- ચિંતા , હતાશા , અનિદ્રા
- એસિડિટી , અલ્સર
- ઝાડા , પેટનો દુ:ખાવો
- હાઇબ્લડપ્રેશર, પેરાલિસિસ
- હ્રદયના અનિયમિત ધબકારા, હ્રદયરોગ
- ચામડી પર ખંજવાળ આવવી, એલર્જી વધવી
- અસ્થમાની તકલીફ વધી જવી.
- વાની તકલીફ વધી જવી.
જયારે
જયારે માણસ એવી પરિસ્થિતિમાં આવી જાય કે જેમાંથી નીકળવા માટે બે જ રસ્તા
બાકી રહે -કાં તો લડીને પરિસ્થિતિનો સામનો કરવો અથવા ભાગી છૂટવું, ત્યારે
શરીરમાં થતાં પરિવર્તનો ''ફાઇટ ઓર ફલાઇટ રીસ્પોન્સ (''લડો અથવા ભાગોએવી
પ્રતિક્રિયા) તરીકે ઓળખાય છે. મુશ્કેલીભરી પરિસ્થિતિમાં શરીરને મદદરૂપ થવા
અને ત્યારે માણસની જિંદગી બચાવવા માટે આ પ્રતિક્રિયા ખૂબ ઉપયોગી છે.
કટોકટીભરી પરિસ્થિતિમાં શરીરની આ પ્રતિક્રિયા શરીરમાં નીચે મુજબના ફેરફારો
કરીને શરીરને ઇજાથી બચાવવા કોશિષ કરે છે.
- આપણા શરીરના સ્નાયુઓ સંકોચાવા લાગે છે જેથી ઝડપભેર હલનચલન થઇ શકે અને કંઇક વાગે તો એનાથી બહુ ઊંડી ઇજા ન થાય.
- આપણો શ્વાસોશ્વાસનો દર વધી જાય છે જે શરીરને કટોકટીના સમયે જરૂરી વધુ ઓકિસજન પૂરો પાડવામાં મદદરૂપ થાય છે.
- શરીરની અંદર ચયાપચયની પ્રક્રિયા ઝડપી થઇ જાય છે જેથી વધુ શક્તિ શરીરના કોષોને મળી રહે.
- આપણા હ્રદયના ધબકારા અને દરેક ધબકારે થતું લોહીનું પમ્પીંગ વધી જાય છે જેથી દરેક કોષોને પૂરતા પ્રમાણમાં લોહી પહોંચે.
- આપણું પાચનતંત્ર કામ ઘટાડી નાખે છે. જેથી વધુ લોહી સ્નાયુઓમાં પહોંચી શકે - જેનાથી લડવાનું કે ભાગવાનું સારી રીતે થઇ શકે.
- જલદી વારંવાર પેશાબ કે ઝાડે જવાની હાજત થાય. જેથી જો પેટમાં કંઇક વાગે તો ચેપ (ઇન્ફેકશન) થવાની શકયતાઓ ઘટી જાય.
- ચામડીને મળતો લોહીનો પ્રવાહ ઘટી જાય. હાથ પગની ચામડી ફિકકી અને ઠંડી થઇ જાય, જેથી કંઇક વાગે તો લોહી ઓછું નીકળે.
- લોહી ગંઠાવાની પ્રક્રિયા એકદમ ઝડપી થઇ જાય, જેથી લોહી નીકળે તો તરત બંધ થઇ જાય.
- આંખોની કીકી પહોળી થઇ જાય જેથી અંધારામાં પણ સ્પષ્ટ દેખાય અને શ્રવણશક્તિ સતેજ થઇ જાય.
આમ, કટોકટીભરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કુદરતે એવી ઝીણવટભરી ગોઠવણ કરી
છે કે શરીરને ઓછામાં ઓછું નુકસાન પહોંચે અને કટોકટી પાર ઉતરી જાય. પણ આ
રચના કયારેક જ ઉભી થતી કટોકટી માટે છે જે ક્ષણિક હોય અને પછી કટોકટી પૂરી
થઇ જતી હોય. દા.ત. રસ્તો આળંગતી વખતે અચાનક કોઇ વાહન તમારી તરફ ધસી આવે તો
ઉપર જણાવેલ બધી પ્રતિક્રિયા (''લડો અથવા ભાગો) તમારા શરીરમાં થશે. અને જેવી
કટોકટીભરી પરિસ્થિતિ પૂરી થશે, તમે નિરાંતનો શ્વાસ લેશો- તમને કદાચ થોડીક
નબળાઇ જેવું અનુભવાશે; બેસવાની ઇચ્છા થશે, ચામડી પર ફરી પાછું લોહી બરાબર
ફરવા લાગશે અને ફીકાશ દૂર થશે. આ પછી થોડીક મિનિટોમાં પૂર્વવત્ સામાન્ય
સ્થિતિ સ્થપાશે. હવે, કોઇ કારણસર કોઇ વ્યક્તિ એક કટોકટી પાર પાડે ત્યાં
બીજી ઉપાધિ હાજર થઇ જાય અને બીજી તકલીફ ચાલુ હોય ત્યાં ત્રીજી હાજર થઇ જાય
તો એ માણસની પરિસ્થિતિ શું થાય? આજે ભાગ્યેજ કોઇ તમને હાથ-પગથી મારામારી
કરતાં કે કટોકટીવાળી પરિસ્થિતિમાં ખરેખર દોડીને ભાગતાં જોવા મળશે. પરંતુ,
એવી મુશ્કેલ પરિસ્થિતિઓ રોજેરોજ સર્જાય છે જયારે માણસને લડવાની કે ભાગી
છૂટવાની ઇચ્છા થઇ આવે. જયારે ક્ષણિક ઘટના કાયમ ક્ષણે ક્ષણે બનતી રહે ત્યારે
આ 'લડો અથવા ભાગો -પ્રતિક્રિયા ફાયદો કરવાને બદલે નુકસાન કરવા માંડે છે.
કાયમ જો આપણા પાચનતંત્રને ઓછું લોહી મળે; કાયમ હ્રદયના ધબકારા અને
શ્વાસોશ્વાસનો દર વધુ રહે; કાયમ સ્નાયુઓ તાણ હેઠળ રહે કે કાયમ આંખની કીકી
પહોળી રહે તો શરીરને કેટલું બધું નુકસાન પહોંચે!
આજે સતત માનસિક તાણ હેઠળ જીવતા લોકો માનસિક કારણોસર, કાલ્પનિક લડાઇ લડયા
કરતા હોય છે અને વારંવાર શરીરની અંદર 'લડો અથવા ભાગો જેવી પ્રતિક્રિયા
જગાવતા હોય છે. આખો દિવસ કોઇ એક મુદ્દા પર ચિંતા કર્યા કરનાર વ્યક્તિના
શરીરમાં જાતજાતની પ્રતિક્રિયાઓ ચાલ્યા કરે છે જેને પરિણામે શરીરને નુકસાન
પહોંચે છે અને મનોશારીરિક (સાઇકોસોમેટીક) રોગો ઉદભવે છે. ચિંતા કર્યા
કરવાને બદલે જયારે પરિસ્થિતિ ઉદભવે ત્યારે એ પરિસ્થિતિનો ઝડપભેર અને
અસરકારક રીતે સામનો કરી એમાંથી બહાર નીકળી આવી પછી મનને આરામ આપવાથી
પરિસ્થિતિ પર, મન પર અને શરીર પર આપણું પ્રભુતત્વ જળવાઇ રહે છે - સ્વસ્થ
રહેવાય છે. તમે જેટલા ઝડપથી ઉશ્કેરાઇ જાઓ છો એટલી જ ઝડપથી શાંત થતાં શીખો.
મનના વિચારો અને ચિંતાને કારણે શરીરમાં થતી પ્રતિક્રિયાઓનો પણ વિગતવાર
અભ્યાસ ઘણા વૈજ્ઞાનિકોએ કર્યો છે. આવા એક અભ્યાસ દરમ્યાન તંદુરસ્ત
વ્યક્તિઓને ગણિતના દાખલા મનમાં ને મનમાં ગણવાનું જણાવાયું. ગણિતના દાખલા
ગણવાની હરિફાઇ જ યોજવામાં આવી. આ દાખલા ગણતાં પહેલાં અને દાખલા ગણતી વખતે
તંદુરસ્ત વ્યક્તિઓનું બ્લડપ્રેશર, હ્રદય દ્વારા થતું લોહીનું પમ્પીંગ અને
હ્રદયના ધબકારા માપવામાં આવ્યા. બધાના આષ્ચર્ય વચ્ચે દાખલાની હરિફાઇ વખતે
હ્રદયના ધબકારા બ્લડપ્રેશર અને હ્રદય દ્વારા લોહીનું પમ્પીંગમાં નોંધપાત્ર
વધારો જણાયો!! જો સાદા દાખલા ગણવાની હરીફાઇમાં આવા ફેરફારો થતા હોય તો
રોજની જીવન જીવવાની હરિફાઇમાં - ધંધાની હરિફાઇમાં; સમયસર કામ પૂરું કરવાના
ટેન્શનમાં, સમયસર ઓફીસ પહોંચવાની લ્હાયમાં ... વગેરે રોજિંદી ઘટનાઓમાં પણ
આમ જ બ્લડપ્રેશર વધી જતું હશે ને!
તાજેતરમાં અન્ય એક અભ્યાસમાં, પી.ઇ.ટી.(પેટ) સ્કેન નામની અત્યાધુનિક તપાસની
મદદથી આરામના સમયે અને દાખલા ગણતી વખતે હ્રદયને પોતાના માટે મળતા લોહીના
પ્રવાહનો અંદાજ કાઢવામાં આવ્યો. આ અભ્યાસમાં જણાયું કે દાખલા ગણતી વખતે
હ્રદયની ધમનીઓ સંકોચાય છે અને એટલે હ્રદયને મળતો લોહીનો જથ્થો ઘટે છે. આ
રીતે હ્રદયને થોડુંક ઓછું લોહી પહોંચે તો તંદુરસ્ત વ્યક્તિને કોઇ નુકસાન ન
પહોંચે પરંતુ જેમના હ્રદયમાં હ્રદયરોગને કારણે ઓછું લોહી જ પહોંચતું હોય
એમને માટે આટલો ઘટાડો પણ વિપરિત અસર કરી શકે.
સતત માનસિક તાણ રહેવાને કારણે શરીરમાં કોર્ટીસોલ નામના અંત:સ્ત્રાવનું
પ્રમાણ વધે છે જે હ્રદયની ધમનીઓને સાંકડી કરવાની પ્રક્રિયા વધારે છે. આ જ
રીતે વારંવાર ટેન્શનને કારણે શરીરમાં એડ્રીનાલીન અને નોરએડ્રીનાલીન નામનાં
રસાયણો વધે છે જે હ્રદયની ગતિ વધારી દે છે, હ્રદયની ધમનીઓને સંકોચે છે અને
શ્વાસોશ્વાસ ઝડપી બનાવે છે. માનસિક તાણને કારણે ઉદભવતાં આ બધાં પરિવર્તનોથી
બચવું હોય તો 'લડો અથવા ભાગો ની પ્રતિક્રિયાથી તદ્દન વિપરિત એવી વિશ્રાંતિ
(રિલેક્ષેશન)ની પ્રતિક્રિયા અંગે દરેક વ્યક્તિએ જાણવું અને એનો અમલ કરવો
જરૂરી છે.
માનસિક તાણ કાબૂમાં રાખવી હોય તો મન ઉપર આપણો કાબૂ વધારવો પડે. બાહ્ય પરિસ્થિતિ ઉપર આપણો કાબૂ હોતો નથી અને બાહ્ય પરિસ્થિતિ ના ફેરફારો જ માનસિક તાણ નોંતરે છે, એટલે જો તણાવમુકત રહેવું હોય તો મનને શાંત રહેતાં શીખવવું. ''સ્ટ્રેસ ને કાબુમાં રાખવાની કળાને અંગ્રેજીમાં ''સ્ટ્રેસ મેનેજમેન્ટ કહેવામાં આવે છે. તાણને કાબૂમાં રાખવા માટે નીચે મુજબનાં પગલાં લેવાં જોઇએ.
નિયમિત, કસરત, સંતુલિત અને સંયમિત ખોરાક અને તમાકુ-દારૂ જેવાં વ્યસનોથી દૂર રહીને શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેના પ્રયત્ન કરવા ખૂબ જરૂરી છે. રોજ અડધો-પોણો કલાક ઝડપથી ચાલવાની કે અન્ય બીજી કોઇપણ કસરત કરવાથી શરીરની સાથે મનને પણ ફાયદો થાય છે. માનસિક તાણને લીધે શરીરને વધુ પોષણની જરૂર પડે છે. સંતુલિત ખોરાક ખાવાથી શરીરને જરૂર પડતું પોષણ મળી રહે છે. કયારેક તાણની અસર હેઠળ વધુ પડતું ખવાઈ જાય છે જે સાવચેત રહી ટાળવું. બધી જાતનાં વ્યસનો (ચા-કોફી-તમાકુ-દારૂ) માનસિક તાણના સમયે વધી જવાની શકયતા રહે છે, જે તાણમાં વધારો કરે છે. આવાં વ્યસનોને કાયમી જાકારો આપી દેવો જરૂરી છે.
તમારા મન, વિચાર અને લાગણી પ્રત્યે સજાગ થવું ખૂબ જરૂરી છે. મોટા ભાગના લોકો પોતાના મન અને લાગણી પ્રત્યે બિલકુલ અજાણ હોય છે. કયારે, કઇ પરિસ્થિતિમાં, મન અશાંત થઇ જાય છે, એનું માત્ર તટસ્થભાવે નિરિક્ષણ કરવાથી તમને ઘણો મોટો ફાયદો થશે. એક નોટ લઇને રોજ માત્ર પાંચ મિનિટ શાંતિપૂર્વક બેસીને આગલા ચોવીસ કલાક દરમ્યાન માનસિક તાણ થઇ હોય એવી ઘટના કે પરિસ્થિતિની નિયમિત પણે નોંધ રાખવાનું શરૂ કરો.
તમને ન ગમતી (મન અશાંત કરતી) ઘટનાઓ |
ન ગમતી ઘટના સાથે સંકળાયેલ લાગણી / વિચાર |
તમને ગમતી (શાંતિ આપતી) ઘટનાઓ |
ગમતી ઘટના સાથે સંકળાયેલ લાગણી / વિચાર |
|
|
|
|
|
|
|
|
ઘણા
લોકોને એક સાથે ઘણું બધું કામ આવી પડે અથવા ઓછા સમયમાં વધુ કામ કરવાનું
આવે ત્યારે માનસિક તાણ ઉદભવતી હોય છે. સમયનો સદ્ઉપયોગ કરવાનું તેમજ થોડોક
સમય ''કંઇ પણ ન કરવા માટે ફાળવવાનું જરૂરી છે. કામ, કુટુંબ, મિત્રો,
સ્વ-વિકાસ માટે સંતુલિત સમય-ફાળવણી જરૂરી છે. આ માટે નીચે મુજબનાં પગલાં
લેવા જોઇએ.
(અ) સમયના સદુપયોગ માટે સૌથી પહેલાં તમારો સમય અત્યારે કઇ રીતે પસાર થાય છે
એની નોંધ રાખો. અત્યારે કામ, કુટુંબ, મિત્રો, કસરત, ફુરસદની પ્રવૃત્તિ
વગેરે દરેક પાછળ કેટલો સમય જાય છે અને સમયની આ વહેંચણીમાં કયાં ફેરફારની
જરૂર છે એની નોંધ રાખો.
(બ) આ બધાં કામમાં અગ્રતાક્રમ (પ્રાયોરિટિ) નક્કી કરો. જે કામ અત્યંત
અનિવાર્ય હોય એને પહેલું હાથમાં ધરો. એ કામ માટે જરૂરી બધા પ્રયત્નો
નિષ્ઠાપૂર્વક કરો અને ત્યાં સુધી બીજાં કામો ભૂલી જાઓ. એક કામ પૂરું થાય
પછી જ બીજું, એ પછીની અગત્યતા ધરાવતું કામ હાથ ધરો. - જે કામમાં બીજા મદદ
કરી શકે એમ હોય એમાં બીજાની મદદ લેવાનું રાખો. બીજાને કામ સોંપતાં શીખો.
કામની તાકીદ અને કામના મહતત્વ બંનેને ધ્યાનમાં લઈ વધુ મહતત્વનાં અને વધુ
તાકીદનાં કામ પહેલાં હાથ ધરો. અન્ય ઓછાં મહતત્વનાં પણ તાકીદનાં કામો પાછળ
ખૂબ સમય વેડફાઇ ન જાય એની કાળજી રાખો. મહતત્વનાં પરંતુ ઓછી તાકીદનાં કામો
દા.ત. કસરત, યોગ, લેખન, સ્વૈચ્છિક સેવા-પ્રવૃત્તિ વગેરે કદી થાય જ નહીં
એવું ન બને એટલી કાળજી રાખતાં શીખો.
(ક) વાસ્તવિક સમય-મર્યાદા બાંધવાનું શીખો. તમે ખૂબ ઓછા સમયમાં ધણું બધું
કામ કરવાની સમય-મર્યાદા બાંધશો તો કામ પૂરું નહીં થાય અને તાણ વધશે.
વાસ્તવિક સમય-મર્યાદામાં નિર્ધારિત કામો પૂરાં થશે તો કામ પૂરું થવાનો આનંદ
આવશે અને તાણ ધટશે. આવતા અઠવાડિયે કે આવતા મહિને કયું કામ પૂરું કરવાનું
છે એની નોંધ રાખો. આ સમય-મર્યાદામાં કામ કરવાનું શકય છે કે નહીં એ અંગે
શાંતિપૂર્વક પુન(ર્વચાર કરો અને પછી યોગ્ય સમયમર્યાદા હોય તો ધ્યેયપ્રાપ્તિ
માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન શરૂ કરી દો. કામ વચ્ચે અને કામ પૂરું થયા પછી
હળવાશ અને મજા (આનંદ) માટે સમય ફાળવો. કામ કરતી વખતે કામમાં ખૂંપેલા રહો
અને કામ ન કરતા હો ત્યારે હળવી ક્ષણનો આનંદ માણો, એ વખતે કામના બોજાનો
વિચાર મનમાં ન લાવો.
તમારા ખૂબ અઘરા લાગતાં પ્રશ્નોનું નિરાકરણ તમારો મિત્ર કે કુટુંબીજન ખૂબ જ આસાનીથી લાવી શકે છે. પ્રશ્ન અને એના નિરાકરણનાં અમુક પાસાં માનસિક તાણ હેઠળના દર્દીને ધ્યાનમાં જ ન આવ્યાં હોય જે અન્ય તાણ-મુક્ત અને શાંત વ્યક્તિના ધ્યાનમાં તરત આવી જાય એવું બની શકે. તમારી સમસ્યા, વિચારો અને લાગણીને તમારી અંદર દબાવીને રાખી મૂકવાને બદલે તમારા મિત્ર કે કુટુંબીજન સાથે એની ચર્ચા કરતા રહો એ જરૂરી છે. ઘણી વખત તમારી સમસ્યા કોઇને સંભળાવવા માત્રથી જ તમે હળવાશ અનુભવો એવું બને છે. ક્યારેક કૌટુંબિક વિખવાદનું કારણ પણ વાતચીત અને સમજણનો અભાવ હોય છે જે એકબીજા પ્રત્યે વધુ ખુલ્લા દિલે વાતચીત કરતા રહીને, એકબીજાને સમજતા જઇને દૂર થઇ શકે છે. વાતચીત કરતી વખતે તમારા વિચાર કરતાં વધુ તમારી લાગણીઓને વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. બીજું, તમારી વાત કે વિચારની કોઇ ટીકા કરે તો એને હકારાત્મક સ્વરૂપે લઇ પુન(ર્વચાર કરશો. સામાન્ય રીતે કોઇના વિચારને કે વાતને કાયમ માટે મૂલવ્યા કરવાનું કે ટીકા કરવાનું ટાળજો. દરેક વ્યક્તિના વિચાર-લાગણી ભિન્ન ભિન્ન હોઇ શકે છે જે વ્યક્તિ જેવી છે તેવી જ એને સ્વીકારતાં શીખો. વાતચીત કરતી વખતે ખુલ્લું મન રાખવું અને વધુ પડતા આગ્રહો છોડી દેવાથી સમસ્યાનું સારું નિરાકરણ આવી શકે છે.
તમારી
વિચારવાની રીતમાં થોડુંક હકારાત્મક પરિવર્તન લાવવાથી માનસિક તાણ ઘણી ઘટી
શકે છે. તમારી લાગણી અને વિચારોને વૈજ્ઞાનિક ઢબે ચકાસતા રહો. 'કઇ લાગણી
વાસ્તવિક, કઇ અવાસ્તવિક ?; 'કયા વિચારો ઉત્પાદક છે -વિકાસમાં મદદરૂપ થઇ શકે
છે, ક્યા નથી થતા? આ બધી બાબત પર શાંતિ-પૂર્વક વિચાર કરો. વિચારવાની ખોટી
રીત નકારાત્મક લાગણીને જન્મ આપે છે. ગેરવ્યાજબી વિચાર કે લાગણી પર
તટસ્થાપૂર્વક નિયંત્રણ મેળવી વધુ વાસ્તવિક અને તર્કબદ્ધ વિચારોને મેદાન
આપો. ખોટા વિચારોને પડકારવા અને બદલવાની હિંમત અને તૈયારી વૈચારિક
નવનિર્માણ માટે અને મનની શાંતિ માટે જરૂરી છે. કોઇ પણ સમસ્યાને પડકાર
સ્વરૂપે સ્વીકારો.
સૌથી અગત્યનો સ્ટ્રેસ મેનેજમેન્ટનો મુદ્દો મનને હકારાત્મક વિચારો અને
લાગણીઓથી ભર્યું ભર્યું રાખવાનો છે, જેથી દુ:ખમય વિચારો અને લાગણીઓ મનમાંથી
ઓછાં થઇ જાય. નકારાત્મક લાગણી અને વિચારોને મનમાંથી દૂર કરવા હોય તો પણ
એને કાઢવાને બદલે તમારું ધ્યાન એનાથી વિરુદ્ધ હકારાત્મક લાગણીઓ પર આપવું
જરૂરી છે. એક વખત મનમાં હકારાત્મક લાગણીનો સંચાર થશે એટલે આપોઆપ પ્રકાશની
હાજરીથી દૂર થઇ જતા અંધકારની જેમ નકારાત્મક લાગણીઓ માટે મનમાં જગ્યા જ નહીં
રહે.
હકારાત્મક લાગણી |
નકારાત્મક લાગણી |
આનંદ, હર્ષ, ગૌરવ, પ્રેમ, કરુણા, વિનોદ, સંતોષ, મૈત્રી, હિંમત, શ્રદ્ધા. |
દુ:ખ, પીડા, ક્રોધ, વેરભાવ, ભય, અપરાધભાવ, ધિકકાર, એકલતા. |
કોઇ પણ સમસ્યા જયારે સતાવતી હોય ત્યારે એ સમસ્યાને હલ કરવા માટે એકદમ વૈજ્ઞાનિક ઢબે આગળ વધો.
(અ) સૌથી પહેલાં સમસ્યાનું લેખિત વિશ્લેષણ કરો. મનમાં તાણ ઊભી કરતી સમસ્યાનું મૂળ વિચાર, લાગણી કે વર્તણૂક સાથે સંકળાયેલ છે એ સમજો.
(બ) આ સમસ્યાના જેટલા પણ શકય ઉપાયો જણાતા હોય એની યાદી બનાવો. આ યાદી
બનાવતી વખતે કોઇ જાતની ટીકા કર્યા વગર જેટલી પ્રકારના ઉકેલ મનમાં આવે એની
નોંધ કરી લો.
(ક) આ ઉપાયોની યાદી ઉપર શાંતિથી બેસીને વિચાર કરો અને એમાંથી બધી રીતે શ્રેષ્ઠ જણાતા ઉપાયની પસંદગી કરો.
(ડ) તમે પસંદ કરેલ શ્રેષ્ઠ ઉપાય પર પુન(ર્વચાર કરી લો અને એ પછી પણ એ જ
ઉપાય શ્રેષ્ઠ જણાય તો એનો નિષ્ઠાપૂર્વક અમલ શરૂ કરી દો. કોઇ પણ સમસ્યાને આ
રીતે તમે હલ કરી શકશો અને શરૂઆતમાં ધ્યાનમાં ન આવેલ મુદ્દાઓ કે મૌલિક ઉકેલો
શકય બનશે જે માનસિક શાંતિ આપશે. (જુઓ કોષ્ટક)
તાણ માટે જવાબદાર પરિસ્થિતિ |
|
એ પરિસ્થિતિ સાથે સંકળાયેલ લાગણી |
|
એ પરિસ્થિતિ સાથે સંકળાયેલ વિચાર |
|
એ પરિસ્થિતિ સાથે સંકળાયેલ વર્તણૂક |
|
તાણનું સમાધાન કરી શકે એવા બધા ઉપાયોની યાદી |
૧. ૨. ૩. ૪. |
આ પરિસ્થિતિમાં શ્રેષ્ઠ ઉપાય કયો? |
|
શ્રેષ્ઠ જણાતા ઉપાય પર પુન(ર્વચાર |
|
ઉપાયનો અમલ |
|
જ્યારે પણ માનસિક તાણનો અનુભવ થાય ત્યારે એમાંથી છૂટકારો મેળવવાની અગત્યની ટેકનીક છે- પેટ દ્વારા ઊંડા શ્વાસો શ્વાસ લેવાની. માત્ર એક બે મિનિટ પણ આ રીતે શ્વાસ લેવાથી રાહત અનુભવાય છે. આ ઉપરાંત, હળવું સ્નાન, કુદરતમાં ફરવું, શાંત સંગીત સાંભળવું, હસવાની કે હળવી ચોપડી વાંચવી વગેરે ઉપયોગી થઇ શકે. સવાશન કરવાથી પણ ખૂબ સુંદર હળવાશનો અનુભવ થાય છે. પ્રાણાયમ -ધ્યાન પણ હળવા થવા માટે ઉપયોગી થઇ શકે. (જુઓ પ્રકરણ - ૮).