''બુદ્ધિ પ્રતિભા (Cognitive Intelligence) ની સાથે સાથે ''લાગણી પ્રતિભા (Emotiional intelligence) નો વિકાસ જરૂરી છે.
ઘણા બધા બૌદ્ધિક રીતે ખૂબ જ આગળ પડતા, લેખિત પરીક્ષામાં કાયમ પહેલે નંબરે આવનાર લોકો જીવનમાં નિષ્ફળતા અને દુ:ખનો અનુભવ કરે છે. દુ:ખદ લગ્નજીવન અને એકલતાનો અનુભવ કરનાર ઘણા બૌદ્ધિકોની મૂળ સમસ્યા એમની ઇમોશનલ ઇન્ટેલિજન્સનો અભાવ જ હોય છે. લાગણીશૂન્ય તેમજ વધુ પડતા લાગણીશીલ લોકો સામાજિક કામોમાં સફળ નથી થતા પરંતુ, લાગણીઓને સંતુલિત રાખી શકનારા લાગણી-પ્રતિભા ધરાવતા લોકો ભલે ખૂબ હોશિયાર ન દેખાય પણ તે છતાં વધુ સફળ થાય છે. 'ભણેલા લોકો કરતાં 'ગણેલા લોકો વધુ સફળ થાય છે એનું કારણ પણ લાગણી-પ્રતિભાથી ઉદભવતી કોઠાસૂઝ હોય છે.
લાગણીના આવેગમાં એક ક્ષણમાં જ ન કરવાનું કરી બેસનાર ઘણા લોકો પછી આખી જિંદગી પસ્તાય છે. આવી ક્ષણિક આવેગની ઘટનાઓ જે વ્યક્તિ કે સમાજ માટે જીવલેણ સાબિત થતી હોય છે તેને થતી જ અટકાવવાનો એક જ રસ્તો છે - લાગણીનું શિક્ષણ! આપણી શાળાઓમાં માત્ર બૌદ્ધિક શિક્ષણ જ અપાય છે અને બાળકનું નસીબ સારું હોય તો સારી ગુણવત્તાનું લાગણી-શિક્ષણ માત્ર એને ઘરેથી જ ઉપલબ્ધ બને છે. જે દેશોમાં ઘરો વારંવાર તૂટયા કરે છે ત્યાં બાળકો હાથમાં મશીનગન લઇને અન્ય નિર્દોષ લોકોને અવિચારીપણે મારી નાંખે એમાં કંઇ નવાઇ નથી. આજે વિશ્વના ઘણા બધા જટિલ પ્રશ્નોનું મૂળ લાગણીના આવેગમાં ભરાયેલ અવિચારી પગલાં હોય છે - એઈડ્સ થી માંડીને ત્રાસવાદ સુધી અને વ્યસનથી માંડીને આપઘાત સુધીની ઘણી તકલીફોનાં મૂળ ક્ષણિક આવેગવશ ભરાયેલાં અવિચારી પગલાં હોય છે.
બાળકોને લાગણી અને વિચાર વચ્ચે સંતુલન રાખવાનું શીખવવા માટે અને ઉપર વર્ણવેલ લાગણી-સંબંધિત કૌશલ્યો શીખવવા માટે મા-બાપ, વાલીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, શાળા સંચાલકો અને શિક્ષકોએ સજજ થવાની જરૂરિયાત છે. આમાંના ઘણાં બધાં કૌશલ્યો બાળક પોતાનાં મા-બાપ, શિક્ષકો વગેરેનાં વર્તન પરથી શીખતું હોય છે. ઘરમાં સુમેળભર્યુ વાતાવરણ બાળકને એવી સલામતી અને હૂંફ પૂરાં પાડે છે કે એની લાગણી અસંતુલિત થવાની શકયતા ઘટી જાય છે. નાની વાતના મતભેદો જે રીતે ઘરમાં ઉકેલાય છે એની પરથી બાળકને એ પદ્ધતિથી જ મતભેદ ઉકેલવાની પ્રેરણા મળે છે. ઘરમાં નાની નાની વાતમાં ઝગડા થયા કરતા હોય તો બાળકને એવું જ લાગણી-શિક્ષણ મળે છે કે આપણું ધાર્યું ન થાય તો એ કરાવવાનો એક જ રસ્તો છે - ઝગડો કરીને! અને એથી વિરુદ્ધ મતભેદોને ચર્ચા વિચારણા અને બાંધ-છોડ કરીને ઉકેલવાનું લાગણી-શિક્ષણ મળશે તો બાળક એ પ્રમાણે વર્તન કરશે. ધીમે ધીમે કહેવાતા વિકસિત દેશોમાં શાળા દ્વારા અભ્યાસક્રમમાં સમાવેશ કરીને લાગણી-શિક્ષણ આપવાની શરૂઆત થઇ છે જે આવકાર્ય છે.
લાગણી પ્રતિભા એટલે સમૃદ્ધ અને સંતુલિત વ્યક્તિતત્વ જે એવાં લાગણી સંબંધિત કૌશલ્યો ધરાવે કે જેથી યોગ્ય સમયે, યોગ્ય સ્વરૂપે અને યોગ્ય માત્રામાં લાગણી વ્યકત થાય. પાંચ મુખ્ય બાબતનો સમાવેશ ''લાગણી પ્રતિભામાં થાય છે.
(૧) સ્વજાગૃતિ: પોતાની લાગણીઓને ઓળખવી અને સમજવી. લાગણીઓના ઉતાર-ચઢાવ પર ધ્યાન રાખ્યા કરવું.
(૨) લાગણી-નિયંત્રણ: પોતાની લાગણી સમજયા પછી હકારાત્મક લાગણીઓને પ્રોત્સાહિત કરવી અને નકારાત્મક લાગણીઓને ઘટાડવી અથવા કાબૂમાં રાખવી.
(૩) સ્વ-પ્રેરણા (સેલ્ફ મોટીવેશન): પોતાની જાતને કામ કરતા રહેવાની પ્રેરણા આપતા રહેવું. હકારાત્મક અભિગમ અને ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત રાખવાની ક્ષમતા ખૂબ જરૂરી છે. લાગણીના આવેગોને અંકુશમાં રાખવા અને નાની સિદ્ધિ માટે વધુ પડતા ખુશ થઇ જવાની કે શાબાશી મેળવવાની અપેક્ષાથી અળગા રહેવું એ લાંબા ગાળાના ધ્યેયની પ્રાપ્તિ માટે અગત્યનું છે.
(૪) અન્યની લાગણીઓને સમજવી: જે વ્યક્તિ અન્યની લાગણીઓને સારી રીતે સમજી શકે છે - સામેવાળી વ્યક્તિ તરીકે વિચારી શકે છે અને નાના નાના સામાજિક સંકેતો સમજીને યોગ્ય નિર્ણયો કરે છે એ પોતાના વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સફળ થાય છે.
(૫) સંબંધોની જાળવણી: અન્યની લાગણીઓને 'મેનેજ કરવાની ક્ષમતા સંબંધોની જાળવણી અને નેતાગીરી જેવા ગુણો માટે ઉપયોગી થાય છે.
સાદા શબ્દોમાં એવું કહી શકાય કે આપણું મગજ બે પ્રકારનાં 'મન ધરાવે છે - વિચારશીલ મન (ત્અતાદ્વનઅલ હ્માનદી અને લાગણીશીલ મન (ઈમદ્વતાદ્વનઅલ હ્માનદી. આ બંને વચ્ચેનું સંતુલન જે માણસ જાળવી શકે એ પ્રતિભાશાળી (નિતઇલલાગઇનતી છે. જયારે ક્રિયાશીલ મનને વિચારશીલ મન ને બદલે લાગણીશીલ મન આદેશ આપવા લાગે ત્યારે માણસ લાગણીના આવેગ કે ઉશ્કેરાટમાં આવી જઇ, અવિચારી પગલાં ભરે છે અને તેનો વિકાસ રૂંધાય છે. જે માણસ પોતાની અને અન્યની લાગણીઓને ઓળખી-સમજી એના પર યોગ્ય નિયંત્રણ રાખી શકે છે એ વ્યક્તિ જીવનમાં સફળ થઇ શકે છે.
- લાગણી પ્રતિભાના વિકાસ માટે નીચે જણાવેલ કૌશલ્યો ખૂબ ઉપયોગી થાય છે.
- લાગણી સંબંધિત કૌશલ્ય
- લાગણીને ઓળખવી અને એને ચોક્કસ નામ આપવું (દા.ત. ક્રોધ, દુ:ખ, શરમ, હતાશા, આનંદ વગેરે)
- લાગણીને અભિવ્યક્ત કરવી
- લાગણીની તીવ્રતાને ચકાસવી અને એનું કારણ શોધવું
- લાગણીનું નિયંત્રણ (લાગણીના અને એની અભિવ્યક્તિના વ્યાજબીપણાં અંગે સંતુલિત વિચાર કરીને આગળ વધવાની તાલીમ)
- ઇચ્છિત વસ્તુ મેળવવામાં વિલંબ માટેનું શિક્ષણ (કોઇ વસ્તુ ગમી ગઇ એટલે ઘડીના પણ વિલંબ વગર પોતાને મળવી જ જોઇએ એવી બાળસહજવૃત્તિ પર નિયંત્રણ તેમજ ઇચ્છિત વસ્તુ મળી ગયા પછી લાગણીના વધુ પડતા ઉછાળા પર નિયંત્રણ)
- આવેગો પર કાબૂ રાખવો
- તાણ ઘટાડવી
- લાગણી અને કાર્ય વચ્ચેનો ભેદ સ્પષ્ટપણે સમજવો (દા.ત. કોઇને મારવાની લાગણી થવી અને કોઇને મારવું એ બે માં રહેલો ભેદ)
- વિચાર-સંબંધિત કૌશલ્ય
- જાત સાથે સંવાદ
- સામાજિક સંકેતો સમજવા
- પ્રશ્નો ઉકેલવાની કળા (પ્રશ્નની જાણકારી, શક્ય ઉકેલો અને દરેક ઉકેલનાં શક્ય પરિણામો અંગે પુખ્ત વિચારણા)
- નિર્ણય કરવાની ક્ષમતા (પુખ્ત વિચારણા બાદ નિર્ણય સુધી પહોંચવું અને નિર્ણયને અમલમાં મૂકવાનું આયોજન)
- અન્યના વિચારોને સમજવા
- વર્તણૂક તથા સામાજિક રીતભાત સમજવા
- હકારાત્મક અભિગમ (આશાભર્યા વિચારો, બધું સારું જ થશે એવી શ્રદ્ધા, કોઇ પણ તકલીફને પડકાર સમજી હિંમતભેર આગળ ધપવાની સમજણ)
સ્વ-જાગૃતિ અને જાત પ્રત્યે વાસ્તવિક અપેક્ષાઓ રાખવી (કોઇ માણસ કદી આદર્શ પરિપૂર્ણ હોતો નથી. આપણી પોતાની શક્તિઓ અને મર્યાદાઓ અંગે સભાનપણે ચિંતન કરી એ મુજબની અપેક્ષા રાખવી)
વર્તણૂક સંબંધિત કૌશલ્ય
- બોલ્યા વગર લાગણી-વિચારોનું આદાનપ્રદાન (દા.ત. આંખમાં આંખ મેળવવી, ચહેરાના અને અન્ય હાવભાવ, બોલવાનો લહેકો, પીઠ થાબડવી, આશ્વાસન આપવું, અન્યની લાગણી સમજવી)
- બોલીને લાગણી-વિચાર અભિવ્યક્ત કરવા (દા.ત. સ્પષ્ટ વિનંતી, ટીકાનો પ્રતિભાવ આપવો, અન્યને સાંભળવા, મદદ કરવી, હળવું-ભળવું.)
- સંબંધોને સમજવા અને વિશ્લેષણ કરવું
- મતભેદોને સમજવા અને અહિંસક ઢબે સૂલઝાવવા..
મન:શાંતિ ની મૂલ્યવાન ચાવીઓ
* નિયમિત દિનચર્યા.
* રોજ ૪૫ મિનિટ ચાલવાની કે અન્ય શારીરિક કસરત
* રોજ સવાશન અને ઊંડા, ધીમા, પેટથી શ્વાસોશ્વાસ (પ્રાણાયમ)
* રોજ પાંચ-દશ મિનિટ ધ્યાન કરો. વર્તમાનમાં જીવો.
* દુખદ ભૂતકાળ અને અનિશ્ચિત ભાવિના વિચારો ન કર્યા કરો.
* દિવસ દરમ્યાન બનેલી સુખદ - દુ:ખદ ઘટનાનું વિશ્લેષણ કરો.
* તમારા વિચારો અને લાગણીઓ અંગે સતત સજાગ રહો.
* અપેક્ષાઓ ઘટાડો; અણગમતી ઘટનાને તટસ્થભાવે સ્વીકારો.
* અન્ય વ્યક્તિને એનાં સારાં-નરસાં બંને પાસાં સાથે સ્વીકારો.
* સમયનો સદુપયોગ કરવાનું શીખો.
* કાર્યરત રહો. નવરું મન અનેક તકલીફો ઊભી કરે છે.
* રોજ ઓછામાં ઓછું એક નાનકડું સત્કાર્ય નિસ્વાર્થભાવે કરો.
* મિત્રો અને સમાજમાં હળતા ભળતા રહો.
* સદ્વાંચન કરવાની અને સારું સંગીત સાંભળવાની ટેવ પાડો.
* કુદરત અને ઈશ્વર પર શ્રદ્ધા રાખો.
* દરેક વ્યક્તિ પ્રત્યે નિસ્વાર્થ નિર્વિકાર પ્રેમભાવ રાખો.