માનસિક
અશાંતિ - તાણ, ભાગ-દોડ વગેરે આજે શહેરી સ્પર્ધાત્મક સમાજમાં વધતા જાય છે,
જેને પરિણામે દર વર્ષે, વિશ્વના દર પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિ માનસિક
તકલીફોમાં સપડાય છે. ''વિશ્વમાં રોગોનું ભારણ નામના વિશ્વ આરોગ્ય સંસ્થાના
દસ્તાવેજ મુજબ, જે રોગોને કારણે માણસની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા ઘટી જઇને
અનેક માનવ કલાક વેડફાય છે એવા રોગોની યાદીમાં માનસિક રોગો અને વ્યસનોનું
નામ પ્રથમ પાંચ રોગ પૈકી જ હોય છે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં સમાજ પર
ભારે મોટા ભારણરૂપ રોગોની યાદીમાં માનસિક રોગોનું સ્થાન હ્રદયરોગ પછી બીજું
જ આવે છે!
આજકાલ, ચિંતા (એન્ક્ઝાઇટી) અને હતાશા (ડિપ્રેશન) આ બે માનસિક બીમારી સૌથી
વધુ વ્યાપક છે. એ પછી બાઇપોલર ડિસોર્ડર, સીઝોફ્રેનીયા વગેરે તકલીફો આવે છે.
માનસિક બીમારીને કારણે માત્ર માણસની કાર્યક્ષમતા જ નહી, પરંતુ આવરદા પણ
ઘટે છે. ડિપ્રેશનની બીમારીનું ગંભીર કોમ્પ્લિકેશન એટલે- આપઘાત. યુવાન વયે
અકાળ મોત નિપજાવવામાં ડિપ્રેશનની બીમારી ખૂબ જ મોટો ફાળો આપે છે. માનસિક
બીમારી થાય એ પહેલાં અને કદી માનસિક બીમારી થવાની શકયતા ન હોય એવા ઘણા
લોકોને પણ માનસિક અશાંતિનો અનુભવ વારંવાર થયા કરે છે. માનસિક અશાંતિનું
કારણ ભાગ-દોડ, તાણ, ગુસ્સો, એકલતા, ઇર્ષ્યા વગેરે હોઇ શકે છે. માનસિક
બીમારી કરતાં અનેક ગણાં વધુ લોેકોને સતાવતી આવી મનની આ અશાંતિને પણ
ઊંડાણપૂર્વક સમજવાની અને એમાંથી બહાર આવવાની જરૂરિયાત છે.
માનસિક રોગોનું ચોકકસ કારણ હજી સુધી શોધી શકાયું નથી. પરંતુ એટલું તો હવે
સ્પષ્ટ થતું જાય છે કે માણસનું જનીનિક બંધારણ અને એનું પર્યાવરણ આ બંને
પરિબળો ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એક સરખી પરિસ્થિતિમાં રહેલ બે માણસમાંથી
એક માનસિક રોગનો ભોગ બને અને બીજાને કંઇ ન થાય એવું બને છે. એ જ રીતે એક જ
સરખા જનીનિક બંઘારણ ધરાવનાર બે જોડિયાં બાળકમાંથી એકને માનસિક રોગ થાય અને
બીજાને કંઇ ન થાય એવું પણ બને છે. ટૂંકમાં, મોટાભાગની માનસિક બીમારીઓ માટે
જન્મજાત પરિબળો અને પરિસ્થિતિ-જન્ય પરિબળો આ બંને જાતના પરિબળો સાથે મળીને
કામ કરતાં હોય છે. યુદ્ધ, મંદી, ગરીબી, બેકારી, ગૃહકંકાશ વગેરે જેવા માનસિક
બીમારી વધારતાં પરિબળોની યાદી ઓસ્ટ્રેલીયન સરકારના આરોગ્ય વિભાગે પ્રસિદ્ધ
કરી છે જે અહીં આપી છે.
માનસિક રોગ અંગે બીજી ખૂબ જ અગત્યની અને બધાએ સમજવા જેવી બાબત એ છે કે આ રોગ એ બીજા કોઇપણ શારીરિક રોગ જેવો હોય છે.
(૧)
માનસિક રોગ એ કંઇ ગભરાવા જેવી, શરમાવા જેવી કે છુપાવવા જેવી બાબત નથી. જેમ
કોઇ માણસને તાવ આવી શકે એમ કોઇ માણસને ડિપ્રેશન પણ આવી શકે.
(૨)
માનસિક રોગ કંઇ કાલ્પનિક રોગ નથી - અન્ય રોગની જેમ જ એ સાચેસાચું અસ્તિત્વ
ધરાવે છે. એનાં પણ જૈવિક, શારીરિક અને પર્યાવરણીય કારણો છે અને એની પણ
વૈજ્ઞાનિક સારવાર છે. દુર્ભાગ્યે વિકસિત દેશોમાં હજી આજે પણ ગંભીર માનસિક
બીમારીથી પીડાતા દર્દીઓ પૈકી અડધાથી પણ ઓછા યોગ્ય સારવાર લેવા માટે ડોકટરનો
સંપર્ક કરે છે.
સામાજિક પરિબળોથી ડરીને માનસિક બીમારી હોવા છતાં એ ન સ્વીકારવાની વૃતિ અથવા
સ્વીકારવા છતાં માનસિક તકલીફ માટે સારવાર કરાવવાનો સંકોચ (પોતે સમાજમાં
હાંસીપાત્ર ઠરશે તો? , સમાજમાં પોતાની ટીકા થશે તો?, હવે પછી કાયમ લોકો મને
માનસિક દર્દી માનશે તો? વગેરે જેવા ભયને કારણે) માનસિક રોગના દર્દી માટે
નુકસાનકારક જ બને છે. સમાજમાં વ્યાપક લોકજાગૃતિથી માત્ર માનસિક બીમારી અંગે
ભેદભાવનું વલણ ઘટી શકે તો પણ મોટો ફાયદો થાય. માનસિક બીમારીનો સ્વીકાર
અન્ય બીમારીની જેમ જ કરવામાં આવે અને સામાજિક હૂંફ પૂરી પાડવામાં આવે તો
કદાચ માનસિક બીમારીઓ જલ્દી કાબૂમાં આવે અને સમાજમાં કુલ માનસિક બીમારીનું
પ્રમાણ ઘટી શકે.
વિશ્વમાં દર સોમાંથી પાંચ થી દશ વ્યક્તિ ડિપ્રેશનથી પીડાય છે. દર ૪૦
સેકન્ડે એક આપઘાત થાય છે અને કુલ આપઘાતના કિસ્સામાંથી ૬૦ ટકા કિસ્સા
ડિપ્રેશનનું પરિણામ હોય છે. આશરે ૩૪ કરોડ લોકો આ દુનિયામાં ડિપ્રેશનથી
પીડાય છે પરંતુ આમાંથી ચોથા ભાગનાને પણ ડિપ્રેશનની સારવાર મળતી નથી.
ડિપ્રેશનની બીમારી ફેમિલિ ડોકટર પણ સહેલાઇથી ઓળખી શકે છે. અને તે છતાં આ
બીમારી ની સારવાર સમયસર શરૂ થતી નથી. જેને પરિણામે દર વર્ષે દસ લાખ લોકો
આત્મહત્યા કરે છે. જો સમયસર ડિપ્રેશનની સારવાર શરૂ થઇ હોત તો આમાંથી ઘણા
દર્દીઓની આત્મહત્યા નિવારી શકાઇ હોત. ડિપ્રેશન દુર થવાથી કાર્યક્ષમતામાં પણ
વધારો થાય, જે સરવાળે રાષ્ટ્રીય ઉત્પાદકતામાં વધારો કરે છે.
ડિપ્રેશન જેટલી જ વ્યાપક બીમારી એન્ક્ઝાઇટી (વ્યાકુલતા-ચિંતા) ની જોવા મળે
છે. અતિશય ચિંતા અને વિચારોને કારણે કામકાજ અને ઊંઘ ઉપર વિપરિત અસર પડે છે.
ઘણી વખત વધુ પડતી ચિંતાને કારણે વ્યક્તિ સમૂહમાં ભળી શકતો નથી અને એકલતા
અનુભવે છે.
જે રીતે વધુ વિચારો અને ચિંતા કર્યા કરનાર વ્યક્તિથી શાંતિ દૂર જતી જાય છે એ
જ રીતે વધુ પડતી લાગણીઓના વહેણમાં તણાયા કરતી વ્યક્તિથી પણ માનસિક શાંતિ
દૂર જવા માંડે છે. લાગણીઓ અને ખાસ કરીને નકારાત્મક લાગણીઓનો અતિરેક માનસિક
અને શારીરિક સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. વારંવાર, નાની નાની બાબતોમાં
ગુસ્સે થઇ જવું; નાની અમથી વાતમાં રડી પડવું; ઇર્ષ્યા કરવી; નાની અમથી ભૂલ
માટે અપરાધભાવ રહેવો.... વગેરે અનેક ઉદાહરણો લાગણીનો અતિરેક દર્શાવે છે. આ
બધાંથી ન તો વ્યક્તિને, ન એની આસપાસની વ્યક્તિઓને કે સમાજને કોઇ ફાયદો થાય
છે. ઊલટું, સંબંધોમાં સંવાદને બદલે વિસંવાદ આવવા લાગે છે વારંવાર ગુસ્સે
થનાર વ્યક્તિથી બધાં વિમુખ થવા લાગે છે અને વ્યક્તિ એકલતા અને વધુ ગુસ્સો
કે નિરાશા અનુભવે છે.
તમાકુ-દારૂ-ડ્રગ્સ વગેરેનું બંધાણ એ પણ એક માનસિક સમસ્યા છે, જેને કારણે
આખા વિશ્વમાં વાર્ષિક અબજો ડોલરનું આર્થિક, તેમજ પારાવાર શારીરિક અને
સામાજિક નુકસાન થાય છે. દુનિયાના દેશોના કુલ ઉત્પાદનના ૦.૫ થી ૨.૭ ટકા
જેટલો હિસ્સો માત્ર દારૂ-સંબંધિત પ્રશ્નો પાછળ વેડફાય છે!
માનસિક બીમાર વ્યક્તિને અન્ય કોઇ પણ શારીરિક બીમારી કરતાં વધુ હૂંફ અને
સામાજિક ટેકાની જરૂર હોય છે અને દુર્ભાગ્યે આપણા સમાજમાં આવા દર્દીઓને જ
સૌથી ઓછી હૂંફ મળે છે. માનસિક બીમાર દર્દીને કુટુંબીજનો, મિત્રો, ડોક્ટર
અને સમાજ તરફથી હૂંફ અને ટેકો મળે તો એમની બીમારી ચોક્કસપણે ઓછી થઇ શકે.
માનસિક બીમારી એ કંઇ મનનો વહેમ નથી. એ બીજી કોઇ પણ બીમારીની જેમ અસ્તિત્વ
ધરાવતી હકીકત છે અને આ બીમારી જેવી હોય એ સ્વરૂપમાં સ્વીકારીને પછી દર્દીને
મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે.
માનસિક બીમારી દિન-પ્રતિદિન વધી રહે છે એ સંદર્ભમાં આવી બીમારી વધે નહીં એ
માટેની તાલીમ આપવાની જરૂરિયાત છે. આ ઉપરાંત બીમાર દર્દીઓને સારવારની સુવિધા
કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર ઉપલબ્ધ બને એ પણ ખૂબ જરૂરી છે. માનસિક
સારવારની સુવિધાઓ શહેર અને ગામડાઓમાં ગરીબ અને તવંગર બધા માટે પાયાની
સુવિધા તરીકે ઉપલબ્ધ બને તો જ માનસિક બીમારીના વધતા પ્રમાણને કાબૂમાં રાખી
શકાશે. માનસિક રોગના દર્દીઓને સમાજમાં જ રાખીને , સામાજિક હૂંફ અને
સાર્વત્રિક ઉપલબ્ધ તબીબી સારવાર તથા કૌટુંબિક સંભાળની મદદથી નોર્મલ જીવન
જીવતા કરવા એ આજના દિવસની માંગ છે.
માનસિક રોગ કંઇ કાલ્પનિક રોગ નથી
જેમ કોઇ માણસને તાવ આવી શકે એમ કોઇ માણસને ડિપ્રેશન પણ આવી શકે.
માનસિક રોગની સમયસર સારવાર ન કરાવવાથી દર્દીને જ નુકસાન થાય છે.
માનસિક દર્દીને વધુ હૂંફ અને ટેકાની જરૂર હોય છે.
બધા માનસિક બીમારીની દવા કરવાથી મગજ નબળું નથી પડી જતું.
સમયસર માનસિક રોગની દવા કરવાથી આપઘાત અટકાવી જીવ બચાવી શકાય.
ડોકટરની સલાહ મુજબ ટુંકા અથવા લાંબા ગાળાની દવાઓ લેવી જરૂરી છે