સ્વસ્થ આહાર

8. મિનરલ્સ(ધાતુતતત્વો)

૧) લોહતતત્વ :
બહુમતી ભારતીય નારીઓ એનીમિયા (લોહીની ફીકાશ)થી પીડાતી હોય છે. લોહીની ફીકાશ થવાનું સૌથી સામાન્ય કારણ એ ખોરાક પેની બેદરકારી જ છે. ઘણી સ્ત્રીઓ એવા ભ્રમમાં હોય છે કે શરીર ભારે અને જાડું હોય તો લોહી ફીકકું ન હોય પરંતુ હકીકત એ છે કે જાડા હોવાને અને લોહીની ફીકાશને કોઇ સંબંધ જ નથી. તમારા ખોરાકમાં શરીર માટે જરૂરી બધી શક્તિ મળી રહેતી હોય પણ જો લોહી માટે જરૂરી લોહતતત્વ ન મળતું હોય તો શરીરનું વજન વધ્યા કરે પણ લોહીની લાલાશ ન વધે.

જે સ્ત્રીનું લોહી ફિકકું હોય એને થાક જલદી લાગે, ઘણીવાર હાથ-પગ-કમ્મરમાં દુ:ખાવો થાય, બેચેની રહે, કામ કરવાનું મન ન થાય, કામ કરવાથી શ્વાસ ચડે કે હ્રદયના ધબકારા વધી જાય, ચકકર આવે, માથું દુ:ખે વગેરે અનેક લક્ષણો જોવા મળે છે. ઘણી વખત લોહ તત્વની ઊણપને લીધે વારંવાર મોઢું આવે; જીભ લાલ અને સપાટ દેખાય, હોઠોની કિનારીએ (મોં-ફાડની બંને બાજુએ) ચાંદાં પડે વગેરે લક્ષણો પણ દેખાય છે. નખ બહિર્ગોળ રહેવાને બદલે સીધા સપાટ થઇ જાય અને પછીથી એમાં ખાડા પણ પડે અને કયારેક ચમચી જેવા અંતર્ગોળ થઇ જાય. સ્ત્રીઓમાં વધારે માસિકસ્રાવ થવાનું ઘણીવાર જોવા મળે છે જે ફીકાશનું કારણ અને પરિણામ બંને હોઇ શકે. ઘણી સ્ત્રીઓને શરીરમાં ખૂબ ફીકાશ આવી જાય ત્યારે ચિત્ર-વિચિત્ર ખાદ્ય/અખાદ્ય વસ્તુઓ ખાવાની ઇચ્છા થઇ આવે છે. બરફ, સ્ટાર્ચ, માટી વગેરે ખાવાની ઘણી સ્ત્રીઓને ઇચ્છા થાય છે. સ્ટાર્ચ-માટી વગેરે ખાવાથી ખોરાકમાં રહેલ લોહતતત્વ પણ લોહી સુધી પહોંચી શકતું નથી અને લોહીની ફીકાશ વધે છે.

લોહતતત્વની જરૂર, શરીરના રકતકણોમાં હીમોગ્લોબીન બનાવવા માટે; તથા શરીરના લગભગ દરેક કોષમાં અનેક ઉત્સેચકો બનાવવા માટે હોય છે. રકતકણમાં હીમોગ્લોબીન ઓછું થવાથી લોહી ફિકકું પડી જાય છે અને આ ફીકાશ આંખમાં, જીભ કે હોઠ પર, નખમાં, હાથની રેખાઓમાં વગેરે જગ્યાએ સહેલાઇથી જોઇ શકાય છે. આપણા શરીરમાં રકતકણ અને હીમોગ્લોબીન બનવાની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરતી હોય છે. એક રકતકણ લોહીમાં ગયા પછી માત્ર ચાર જ મહિના જીવે છે અને પછી એ નાશ પામે છે. આમ દર ચાર મહિને લોહીના બધા રકતકણો બદલાઇ જાય છે. જો કે નાશ પામેલ રકતકણનું લોહતતત્વ બીજા રકતકણો માટે કામ આવી જાય છે. તે છતાં થોડુંક લોહતતત્વ શરીરમાંથી રોજ બહાર ફેંકાય છે અને માસિકસ્રાવને કારણે દર મહિને વધારાનું લોહતતત્વ શરીર બહાર જાય છે.

દરેક પુખ્ત પુરુષને એનાં ખોરાકમાંથી રોજનું આશરે ૨૪ મિ.ગ્રા. અને દરેક પુખ્ત સ્ત્રીને રોજનું ૩૨ મિ.ગ્રા. લોહતતત્વ મળવું જોઇએ. દુર્ભાગ્યે, મોટા ભાગની સ્ત્રીઓ એમને માટે જરૂરી લોહતતત્વયુકત ખોરાક લેતી નથી અને પરિણામે એનીમિયા (લોહીની ફીકાશ)ની તકલીફનો ભોગ બની જાય છે.

યોગ્ય ખોરાકની પસંદગી પૂરતા પ્રમાણમાં લોહતતત્વ મેળવવા માટે ખૂબ અગત્યની બની જાય છે. શાકાહારી ખોરાકમાં સામાન્ય રીતે લોહતતત્વનું પ્રમાણ ઓછું હોય છે અને જેટલું લોહતતત્વ હાજર હોય છે એમાંથી પણ ખૂબ ઓછું લોહતતત્વ પચીને લોહીમાં જઇ શકે છે. આ કારણસર શાકાહારી ખોરાક લેનાર વ્યક્તિએ ખોરાક પસંદ કરવામાં વધુ કાળજી રાખવી પડે છે.

ભાજીઓ - ચોળાઇ, કોથમીર, સરગવો, તાંદળજો, પત્તરવેલ કે ફલાવરનાં પાન, વગેરે પુષ્કળ પ્રમાણમાં લોહતતત્વ ધરાવે છે. આ ઉપરાંત કાળા તલ, બાજરો, રાગી, અશેળિયો, પૌઆમાં પણ લોહતતત્વ વિપુલ પ્રમાણમાં હોય છે. અશેળિયો એ સૌથી વધુ માત્રામાં લોહતતત્વ ધરાવતો શાકાહારી પદાર્થ છે. આ અશેળિયાના દાણા તલના દાણાથી નાના અને ચપટા હોય છે. રંગે રાતા અને સ્વાદે કડછા હોય છે અને કરિયાણાવાળાની દુકાને મળી રહે છે. આ અશેળિયાની રાબ કરીને કે અન્ય સ્વરૂપે એનો વપરાશ કરી શકાય. આ ઉપરાંત બધાં કઠોળમાં લોહતતત્વનું પ્રમાણ સરું એવું હોય છે. કાળી દ્રાક્ષ, ખજૂર અને જરદાળુ જેવા સૂકામેવામાં પણ લોહતતત્વનું પ્રમાણ ઘણું વધારે હોય છે.

અનાજ/કઠોળ

(૧૦૦ ગ્રામ)

લોહતતત્વ

(મિ.ગ્રા.)

શાક ભાજી

(૧૦૦ ગ્રામ)

લોહતતત્વ

(મિ.ગ્રા.)

મસાલા/અન્ય

(૧૦૦ ગ્રામ)

લોહતતત્વ

(મિ.ગ્રા.)

અશેળિયો

૧૦૦

કમલ કાકડી

૬૦.૬

હળદર

૬૭.૮

પૌંવા

૨૦

ફલાવરના પાન

૪૦

પીપરામૂળ

૬૨.૧

સોયાબીન

૧૧

ફલાવર

૨૩

કાળાતલ

૫૭

ચણા

૧૦

શલગમની ભાજી

૨૮.૬

આમચૂર પાવડર

૪૫.૨

મઠ

૯.૫

ચોરાપ/ રાજગરાની ભાજી

૨૦

આમલી

૧૭

અડદ

સુવા/ રાઇ/ બીટની ભાજી

૧૭

કોપરુું, તરબૂચ

૭.૯

બાજરી

ફૂદીનો

૧૫.૬

કાળી દ્રાક્ષ

૮.૫

મમરા

૬.૬

પત્તરવેલિયાં(લીલા)

૧૦

ખજૂર


લોહતતત્વ મેળવવાનો બીજો ઉત્તમ રસ્તો લોખંડની કડાઇ કે તપેલી વાપરવાનો છે. લોખંડની કડાઇમાં ગરમ કરીને બનાવેલ ખોરાક પૂરતા પ્રમાણમાં લોહતતત્વ ખોરાકમાં ભેળવી દે છે. ઘણા લોકોને જાણીને નવાઇ લાગશે કે, 'સંપૂર્ણ ખોરાક તરીકે ઓળખાતું દૂધ ખૂબ જ ઓછા પ્રમાણમાં લોહતતત્વ ધરાવે છે. એટલે માત્ર દૂધ જ ખોરાકમાં લેનાર વ્યક્તિને થોડાં વર્ષોમાં જ લોહતતત્વની ગંભીર ઊણપ વર્તાય છે! એટલે લોહતતત્વની ઊણપથી થયેલ એનીમિયાના દર્દીને દૂધ પીવાની સલાહ આપવાથી કોઇ ફાયદો થતો નથી.

ખોરાકમાં રહેલ લોહતતત્વને સારી રીતે પચાવવા અને લોહીમાં ભેળવવા માટે લોહતતત્વની સાથે પૂરતા પ્રમાણમાં વિટામિન-સી યુકત ખોરાક લેવો જોઇએ. ફણગાવેલાં કઠોળ, આંબળા, જામફળ, બધી ભાજીઓ વગેરે પદાર્થો લોહતતત્વ અને વિટામિન 'સી બંને એક સાથે સારા એવા પ્રમાણમાં આપે છે. અન્ય લોહયુકત પદાર્થો સાથે આ પદાર્થો પણ લેવાથી કદાચ વધુ સારું પરિણામ આવી શકે.

છેલ્લે, ખોરાકની ઊણપ ઉપરાંત પણ લોહતતત્વ ઘટવાનાં બીજા અનેક કારણો હોઇ શકે. એટલે જો ખોરાકમાં પૂરતા લોહતતત્વ-યુકત પદાર્થો લેવા છતાં લોહીની ફીકાશ દૂર ન થતી હોય તો અન્ય કારણો પર ધ્યાન આપવું પડે. માસિકમાં કે આંતરડામાંથી વધુ પડતો રકતસ્રાવ થવો, કરમિયા હોવા, વારંવાર મેલેરિયા થવો વગેરે કારણોસર પણ લોહીમાંથી લોહતતત્વ ઘટી જઇને ફીકાશ આવી શકે. આ બધાં કારણો અંગે ડોકટરની સલાહથી યોગ્ય સારવાર કરવામાં આવે અને ખોરાક પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવે તો એનીમિયા (લોહીની ફીકાશ) થી બચી શકાય છે.