સ્વસ્થ આહાર

6. ચરબી અને કોલેસ્ટેરોલ

પાણીમાં અદ્રાવ્ય અને શક્તિથી ભરપૂર પદાર્થ એટલે ચરબી. ઘી, તેલ, માખણ, મલાઇ વગેરે ચરબીનાં જાણીતાં ઉદાહરણો છે. રાસાયણિક બંધારણ જોઇએ તો મોટાભાગની ચરબીમાં ફેટિ એસિડ અને ગ્લીસરોલનું મિશ્રણ (ટ્રાયગ્લીસરાઇડ અથવા ડાય- કે મોનો-ગ્લીસરાઇડ તરીકે) હોય છે. ફેટિ એસિડને ચરબીનું મૂળ ઘટક ગણી શકાય. ફેટિ અસિડ ત્રણ પ્રકારના હોય છે -

(અ) સંતૃપ્ત (સેચ્યુરેટેડ)
(બ) એકાસંતૃપ્ત (મોનોઅનસેચ્યુરેટેડ) તથા
(ક) અનેકાસંતૃપ્ત (પોલિઅનસેચ્યુરેટેડ).

સંતૃપ્ત ચરબી અંગે કોલેસ્ટેરોલના વિભાગમાં ચર્ચા કરી છે. પોલિઅનસેચ્યુરેટેડ ફેટિ અસિડમાં બે મુખ્ય ફેટિ એસિડ છે -

(૧) લિનોલીક એસિડ અને
(૨) આલ્ફા લિનોલેનીક અસિડ.

જો વધુ પ્રમાણમાં લિનોલિક એસિડ ધરાવતાં તેલ (સિંગતેલ, કપાસિયાનું તેલ, કરડીનું તેલ, સૂર્યમુખીનું તેલ વગેરે) ખોરાકમાં લેવામાં આવે તો એમાંથી વધુ થ્રોમ્બોકસેન એ-૨ બને છે જે હાર્ટએટેકને નોતરે છે. આની સામે રાઇ, સરસિયાં અને સોયાબીનના તેલમાં રહેલ આલ્ફા-લિનોલેનીક એસિડ હ્રદયરોગ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. આ આલ્ફા-લિનોલેનીક એસિડમાંથી ઓમેગા-૩ ફેટિએસિડ (ઇકોસાપેન્ટેનોઇક એસિડ અને ડોકોસાહેકસાનોઇક એસિડ) બને છે, જેને લીધે થ્રોમ્બોકસેન એ-૨ નામના લોહી ગંઠાવાની ક્રિયાને ઉત્તેજન આપનાર રસાયણનું ઉત્પાદન બંધ થઇ જાય છે અને એને બદલે થ્રોમ્બોકસેન એ-૩ તરીકે ઓળખાતા બિન-હાનિકારક પદાર્થ બનવા લાગે છે. આ ઉપરાંત, ઓમેગા-૩ ફેટિએસિડમાંથી પ્રોસ્ટાસાઇકલીન (પીજીઆઇ-૩) બને છે જે ધમનીઓનું સંકોચન અટકાવે છે અને લોહીના પ્રવાહ માટે વધુ જગ્યા કરી આપે છે. ખોરાકમાં આલ્ફા-લિનોલેનીક એસિડ કે ઓમેગા-૩ ફેટિ એસિડ લેવાથી ધમનીની અંદર એન્ડોથેલિયલ-ડીરાઇવ્ડ રિલેકસીંગ ફેકટરનું (જે ધમનીને પહોળી કરવામાં અને સંકોચાતી અટકાવવામાં અગત્યનો ભાગ ભજવે છે એનું) ઉત્પાદન વધી જાય છે.

ઓમેગા-૩ ફેટિ એસિડ ઠંડા પાણીની માછલીઓમાં વિપુલ પ્રમાણમાં હોય છે. જે વ્યક્તિઓ માછલીનો આહારમાં ઉપયોગ કરતો હોય એ લોકો અઠવાડિયે એક-બે વાર આવી માછલી ખાય તો એનાથી એમને હ્રદયરોગ થતો અટકી શકે છે. એન્ટાર્ટિકામાં રહેતાં લોકોનો મુખ્ય ખોરાક જ માછલી છે અને ત્યાં રહેનાર વ્યક્તિમાંથી ભાગ્યે જ કોઇને હ્રદયરોગ થાય છે. આ હકીકતને આધારે જ ઓમેગા-૩ ફેટિ એસિડની શોધ થઇ છે. પરંતુ આ શોધને પ્રમાણ માનીને શાકાહારી વ્યક્તિએ બિનશાકાહારી બનવાની જરૂર નથી કારણ કે રાઇ કે સરસિયું અને સોયાબીન તેલમાં મળતો આલ્ફા-લિનોલેનીક એસિડ શરીરમાં ગયા પછી ત્યાં ઓમેગા-૩ ફેટિ એસિડમાં રૂપાંતર પામે છે. અને એટલે ઓમેગા-૩ ફેટિ એસિડના બધા ફાયદા આ રાયડા(રાઇ)નું તેલ ખાવાથી થાય છે. આ ઉપરાંત સંતૃપ્ત ચરબીનું પ્રમાણ માછલીના તેલ કરતાં રાઇ કે સરસિયાના તેલમાં ખૂબ ઓછું હોય છે જે દર્દીનું કોલેસ્ટેરોલ ઘટાડવામાં ઉપયોગી થઇ પડે છે.

ચરબીનું પાચન

મોટાભાગના ચરબીયુકત ઘટકોના પાચન માટે પિત્તરસ અને લાઇપેઝ નામના ઉત્સેચકની જરૂર પડે છે જે ટ્રાયગ્લીસરાઇડનું વિઘટન કરીને ફેટિ એસિડ અને ગ્લીસરોલ છૂટા પાડે છે. આ ફેટિ એસિડ અને ગ્લીસરોલ આંતરડાના કોષમાં પ્રવેશે છે જયાં આ ઘટકો ફરી પાછા ભેગાં થઇને ટ્રાઇગ્લીસરાઇડ બનાવે છે. આ ટ્રાઇગ્લીસરાઇડ કોષના અન્ય પ્રોટીન અને તૈલીપદાર્થો સાથે કાઇલોમાઇક્રોન નામનાં નાનાં ઘટક બનાવે છે. ટ્રાઇગ્લીસરાઇડની જેમજ ફોસ્ફોલીપીડ અને કોલેસ્ટેરોલ એસ્ટર તરીકે ઓળખાતાં ચરબીનાં ઘટકોમાંથી ફેટિ એસિડ અને અન્ય ઘટક (કોલેસ્ટેરોલ કે ગ્લીસરોલ) છૂટા પડીને અલગ અલગ ઘટક તરીકે કોષમાં પ્રવેશ પામે છે. ત્યાંથી કાઇલોમાઇક્રોન નામના નાના ઘટકમાં ગોઠવાઇને શરીરમાં ફરવા લાગે છે.

આમ, ખોરાકમાં લીધેલ બધા ચરબીયુકત પદાર્થો વિઘટન પામી, અન્ય પદાર્થોની જેમ લિવરમાં જવાને બદલે, આંતરડાના કોષમાં જ પુન:સંયોજાઇને પહેલાં લસિકાવાહિનીમાં અને પછી રકતવાહિનીમાં જાય છે. ચરબીમાં રહેલ ખૂબ નાના ફેટિ એસિડ કયારેક સીધા લોહીમાં ભળી જાય છે, પણ આ સિવાય બધાં ઘટકો કાઇલોમાઇક્રોનમાં હોય છે. લોહીમાં ફરતાં કાઇલોમાઇક્રોનમાં રહેલ ટ્રાયગ્લીસરાઇડ અને ફોસ્ફોલીપીડ શરીરના ચરબીકોષો અને લિવરના કોષોમાં જાય છે; જયારે કોલેસ્ટેરોલ મુખ્યતત્વે લિવરના કોષોમાં જાય છે.

    1. શરીરમાં ચરબીયુકત પદાર્થોની હેરફેર

    2. કોલેસ્ટેરોલ

    3. ખોરાકના કોલેસ્ટેરોલ અને લોહીના કોલેસ્ટેરોલનો સંબંધ