જયારે
એક સ્ત્રી સગર્ભા બને છે ત્યારે એની રોજીંદી જરૂરિયાતમાં વધારાની ૩૦૦
કિ.કેલરી શક્તિ; ૧૪ ગ્રામ પ્રોટીન; ૫૦૦ મિ.ગ્રા. કેલ્શિયમ અને ૮ મિ.ગ્રા.
લોહતત્વનો ઉમેરો થાય છે. ૪૦૦ મિ.લિ. દૂધમાંથી આટલું પ્રોટીન, કેલરી અને
કેલ્શિયમ મળી રહે. જો સ્ત્રીને કોઇ કારણસર દૂધ ન મળી શકતું હોય તો એણે અનાજ
અને દાળ-કઠોળનું મિશ્રણ યોગ્ય પ્રમાણમાં લેવું જોઇએ. લોહતતત્વ અને
વિટામિન્સ પૂરતાં પ્રમાણમાં મળી રહે એ માટે લીલી પત્તાવાળી ભાજીઓ, કાળા તલ,
ખજૂર, કાળી દ્રાક્ષ, બાજરી, પૌઆ, મઠ, ચણા વગેરે ખાદ્ય-પદાર્થોનો વધુ ઉપયોગ
કરવો જોઇએ. અમુક ફળ-શાક ગરમ પડે એવી ખોટી મન્યતામાં રહેવું ન જોઇએ.
લોહતત્વ માટે ખોરાક ઉપરાંત આયર્નની ગોળીઓ લેવી જરૂરી બને છે. સગર્ભાવસ્થા
દરમ્યાન આયોડિનની જરૂરિયાત વધી જાય છે. આયોડિનની અછતવાળાં ક્ષેત્રોમાં
રહેનાર સ્ત્રીઓએ ઓછામાં ઓછું સગર્ભાવસ્થા દરમ્યાન આયોડિનયુકત મીઠું(નમક) જ
ખાવું જોઇએ.
સંતુલિત આહાર જ સગર્ભાવસ્થાના ખોરાકની સાચી ચાવી છે. જુદી જુદી વસ્તુઓનો
ખોરાકમાં ઉપયોગ કરવાથી તે એકબીજાની પૂરક બને છે અને બધા જ ઉપયોગી પોષકતત્વો
વ્યક્તિને મળી રહે છે. ઇ(ન્ડયન કાઉ(ન્સલ ઓફ મેડિકલ રિસર્ચના વૈજ્ઞાનિકોના
મતે ભારતીય સ્ત્રીના સંતુલિત આહારમાં સ્ત્રી સગર્ભા બને ત્યારે ૩૫ ગ્રામ
ધાન્ય; ૧૫ ગ્રામ કઠોળ; ૧૦૦ ગ્રામ દૂધ અને ૧૦ ગ્રામ ખાંડ-ગોળનો વધારો કરવો
જોઇએ.
સામાન્ય
સ્થિતિ કરતાં આશરે ૨૫% જેટલો વધારો ધાત્રી બહેનના ખોરાકમાં કરવો જાઇએ.
પોતાના સામાન્ય ખોરાકમાં સ્ત્રીએ બે રોટલી (૬૦ ગ્રામ અનાજ), એક વાટકી દાળ
(૩૦ ગ્રામ કઠોળ), એક કપ (૧૦૦ ગ્રામ) દૂધ, બે ચમચી ઘી/તેલ અને બે ચમચી
ખાંડ-ગોળ જેટલો વધારો કરવો જોઇએ.
ધાત્રી અવસ્થા દરમ્યાન દૂધ વધુ પીવું. જો દૂધ ઉપલબ્ધ ન હોય તો લીલી ભાજી
અથવા તલ ખાવા જોઇએ. માએ ખાધેલ કોઇ પણ ખોરાક બાળકને નડતો નથી માટે બધા
પ્રકારના ખોરાક છૂટથી આપવા. જે ધાત્રી બહેનને પૂરતા પ્રમાણમાં દૂધ, ભાજી,
તલ વગેરે ખોરાક ન મળતા હોય એ બહેનને કેલ્શિયમ અને આયર્નની ગોળીઓ નિયમિત
રીતે આપવી પડે.
નવજાત
બાળકો માટે માનું દૂધ એ ઉત્તમ આહાર છે અને બાળકની જિંદગીના ૪ થી ૬ મહિના
સુધી એની પોષણ સંબંધી સંપૂર્ણ જરૂરિયાતો માત્ર માના દૂધથી જ સંતોષાય છે.
પૂરે મહિને જન્મેલ બાળકને ૪ થી ૬ મહિના સુધી માનાં દૂધ સિવાય બીજી કોઇ જ
વસ્તુ ખવડાવવા કે પીવડાવવાની જરૂર નથી હોતી. ગળથૂથી, ઘૂંટી-ઘસારો, મધ,
ગ્લૂકોઝ કે ગોળનું પાણી, ગ્રાઇપવોટર વગેરે કોઇ પણ વસ્તુ, માનું દૂધ પીતા
નવજાત બાળકને આપવાની જરૂર નથી હોતી. આવી વસ્તુઓ બાળકને આપવાથી લાભ કરતાં
નુકસાન વધારે થાય છે.
સ્તનપાનની તોલે આવે એવી કોઇ વસ્તુ હજી સુધી શોધાઇ નથી. સ્તનપાન ને કારણે મા
અને બાળક વચ્ચે આત્મીયતા તો વધે જ છે અને સાથે માતાના ગર્ભાશયનું સંકોચન
વધુ ઝડપથી થાય છે અને લોહી પડવાનું પ્રમાણ ઘટે છે. માના દૂધમાં રહેલ
પ્રોટીન (એન્ટિબોડી) ઘણી બધી જાતના ચેપી રોગો સામે બાળકને રક્ષણ આપે છે.
ગળાના ચેપથી માંડીને કોલેરા સુધી અને મલેરિયાથી માંડીને કમળા સુધીના અનેક
રોગો સામે રક્ષણ આપવા માટે માનું દૂધ સક્ષમ છે. માના દૂધમાં રહેલ કેલ્શિયમ
શિશુનાં હાડકાંઓના વિકાસ માટે અત્યંત જરૂરી છે અને તેમાં રહેલ લોહતતત્વ પણ
પ્રમાણમાં ઓછું હોવા છતાં ખૂબ સારી રીતે પચે છે.
જયારે માના દૂધ કરતાં અન્ય દૂધ કે બેબીફૂડમાં હેવી મેટલ્સ (આર્સેનિક,
કેડિયમ, સીસું, તાંબું, જસત, એલ્યુમિનીયમ વગેરે) ઘણાં વધુ પ્રમાણમાં હોવાથી
બાળકની કિડનીને વધુ શ્રમ પડે છે, ઉપરાંત હાડકાંઓને પણ નુકસાન થઇ શકે છે. આ
માટે જ દરેક બેબીફૂડના ડબ્બા ઉપર અગત્યની સૂચના કરીને છપાય છે કે ''માનું
દૂધ તમારા બાળક માટે સર્વશ્રેષ્ઠ છે
જ્યારે બાળકની ઉંમર ૪ થી ૬ મહિનાની થાય ત્યારે બાળકને પોષણ મેળવવા માટે
માતાનાં દૂધ ઉપરાંત ઉપરનો ખોરાક આપવાની જરૂર પડે છે, જેથી બાળકનો વિકાસ
પૂરેપૂરો થાય અને બાળક તંદુરસ્ત રહે. બાળક ૪-૬ મહિનાનો થાય એટલે ઘરમાં બનતી
ખાવાની વસ્તુમાંથી પ્રવાહી વસ્તુઓ (જેમ કે દાળનું પાણી, ભાતનું ઓસામણ,
પાતળો ગાળીને બનાવેલ શાકભાજીનો સૂપ, રાબ, કાંજી વગેરે) આપવાની શરૂઆત કરવી.
પછી ધીમે-ધીમે અર્ધ ઘન - ઢીલી વસ્તુઓ (જેમ કે ઢીલી ખીચડી, દાળ-ભાત,
છૂંદેલાં કેળાં/ચીકુ, બાફેલાં બટાકાં કે અન્ય શાક વગેરે) આપવું જોઇએ. એકને
એક ખોરાક વારંવાર આપવાને બદલે જુદી-જુદી વસ્તુઓ વારા ફરતી આપવી જોઇયે.
અનાજ-કઠોળને ફણગાવવાથી અને લોટને આથવવાથી એમાં 'એમાયલેઝ નામના ઉત્સેચકનું
પ્રમાણ ખૂબ વધી જાય છે. આને કારણે ખોરાકના સ્ટાર્ચનું પાચન ખૂબ સહેલાઇથી થઇ
શકે છે. જયારે કઠોળને ફણગાવ્યા પછી સૂકવીને દળવામાં આવે ત્યારે, એમાં
એમાયલેઝ સચવાઇ રહે છે અને આ લોટને અન્ય લોટ સાથે ભેળવવાથી ખોરાકની
(સ્નગ્ધતા (વીસ્કોસીટી) ઘટે છે, જે એનું પાચન વધારવા માટે ખૂબ ઉપયોગી સાબિત
થાય છે. નાનાં બાળકોને જયારે બાળપણમાં ખોરાકની શરૂઆત કરાતી હોય છે ત્યારે આ
પ્રમાણે કઠોળ કે ધાન્ય ફણગાવીને, સૂકવ્યા પછી દળીને તૈયાર કરેલ પાવડર
બજારના મોંઘા 'બેબી ફૂડ ને ટકકર મારે એવો સુંદર બને છે. જો તમારા બાળકનું
વજન બરાબર વધે અને સારો સુપાચ્ય ખોરાક ઘરે જ તૈયાર થઇને મળી રહે એવું
ઇચ્છતા હો તો ફણગાવેલ કઠોળ અને અનાજનો વપરાશ શરૂ કરી દો.
આપણા
દેશમાં કુપોષણ થવાનું સૌથી અગત્યનું કારણ પૂરતો ખોરાક ન મળવાનું છે અને
પૂરતો ખોરાક ન મળવાનું મુખ્ય કારણ ગરીબી અને અજ્ઞાનતા છે. કુપોષણ થવાનું
બીજું અગત્યનું કારણ એ શરીરમાં લાગેલા ચેપ છે. વાઇરસ કે બેકટેરિયાના ચેપને
કારણે થતા ઝાડા-ઊલટી; શ્વસનતંત્રના ગંભીર ચેપ (ન્યૂમોનિયા, ટી.બી., વગેરે);
ઓરીનો ચેપ; કૃમિઓનો ચેપ વગેર ઘણાં બાળકોમાં કુપોષણ કરવા માટે જવાબદાર હોય
છે. ખરેખર તો ચેપ અને કુપોષણ વચ્ચે એક પ્રકારનું વિષચક્ર ચાલ્યા જ કર છે.
ચેપથી કુપોષણ વધે અને કુપોષણથી ચેપ!
કુપોષણ માટે જવાબદાર પરિબળોને શોધીને દૂર કરવાં એ સૌથી અગત્યની સારવાર છે.
ગંભીર દર્દીઓમાં ડોકટરની સલાહથી ધીમેધીમે યોગ્ય સંતુલિત ખોરાકની શરૂઆત કરવી
પડે છે અને પાચન બરાબર થવા લાગે પછી ખોરાકનું પ્રમાણ વધારવું પડે છે. ઘણા
લોકો ભૂખ ઉઘાડવાની દવા માંગતા હોય છે પરંતુ કાયમ માટે ભૂખ વધારી આપે એવી
દવા હજી સુધી શોધાઇ નથી. દર્દીને ભાવે એવો અને સુપાચ્ય ખોરાક જ દર્દીની ભૂખ
ઉઘાડવામાં મદદરૂપ થાય છે. ભૂખ મરી ગઇ હોય એવા દર્દીમાં ઓછાં ઘી-તેલ વાળો
ખોરાક શરૂઆતમાં આપવો જોઇએ. ધીમે ધીમે એનું પ્રમાણ વધારવું જોઇએ. ઘી-તેલ
આપવાનો મુખ્ય ફાયદો ઓછા જથ્થામાં વધુ શક્તિ પહોંચાડવાનો છે. દૂઘમાં તેલ
નાંખીને આપી શકાય. દરેકે દરેક વાનગીમાં ઘી-તેલ ઉમેરવાની પ્રથા બાળકોમાં
કુપોષણ અટકાવી શકે છે.
જેમ
જેમ ઉંમર વધે એમ એમ શરીરમાં ચયાપચયની પ્રક્રિયાનો દર (બેસલ મેટાબોલિક રેટ)
ઘટે છે. જેમ જેમ આ દર ઘટે એમ એમ શરીરમાં શક્તિની જરૂરિયાત ઘટતી જાય છે.
પુખ્ત યુવાન વયની વ્યક્તિ કરતાં વૃદ્ધ વ્યક્તિઓમાં શક્તિની જરૂરિયાતમાં
આશરે દશ ટકા જેટલો ઘટાડો થાય છે. માટે મોટી ઉંમરે યુવાની કરતાં દશ ટકા ઓછી
શક્તિ (કેલેરી) મળે એટલો ખોરાક લેવો જોઈએ.
પ્રોટીનની જરૂરિયાત આશરે દર કિલોગ્રામ વજને એક ગ્રામ જેટલી હોય છે. એ મુજબ
આશરે પચાસ થી સાઠ ગ્રામ પ્રોટીન (કઠાળ, દૂધ - દૂધની પેદાશો વગેરે માંથી)
મળવું જરૂરી છે. આ ઉપરાંત રોજ ઓછામાં ઓછા ૨૫ થી ૩૦ ગ્રામ રેસા મળે એવો
ખોરાક (કઠોળ, ફળ, ભાજી વગેરે) લેવો જરૂરી છે.
ઉંમર વધે એમ હાડકાં નબળાં પડવા લાગે છે. હાડકાંની મજબૂતી જળવાઈ રહે એ માટે
રોજ આશરે ૮૦૦ થી ૧૦૦૦ મિ.ગ્રા. કેલ્શિયમ ધરાવતો ખોરાક (દૂધ, ભાજી,તલ વગેરે
માંથી) લેવો જરૂરી છે. વધુ ચરબી અને વધુ મીઠા વાળો ખોરાક ઘટાડવો જરૂરી છે.
શાકભાજી, આખાં ધાન્ય અને ફળોમાં શરીરને રોગો તથા વૃદ્ધત્વ સામે રક્ષણ આપે
એવા એન્ટિ-ઓક્સિડન્ટ તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. માટે આવો ખોરાક
વૃદ્ધોએ વિશેષ પ્રમાણમાં ખાવો જોઈએ.
ટૂંકમાં, વૃદ્ધ વ્યક્તિએ ઓછી કેલરી, ઓછી ચરબી, મઘ્યમ પ્રોટીન - રેસા અને
પુષ્કળ એન્ટિ-ઓક્સિડન્ટ ધરાવતો સાદો સુપાચ્ય ખોરાક લેવો જરૂરી છે.
ઘણા મેદવૃદ્ધિના દર્દીઓ બે-ચાર ઉપવાસ કરીને એકાદ અઠવાડિયામાં બે-ચાર કિલો
વજન ઘટાડી નાંખવા સમર્થ હોય છે પરંતુ આ રીતે અચાનક ઘટાડેલું વજન એટલી જ
ઝડપથી પાછું વધી જાય છે. જો વજન કાયમી ઘટાડવું હોય તો ઉપવાસ નહીં પણ
ખોરાકમાં લાંબા ગાળાનાં પરિવર્તનો જ મદદરૂપ થઇ શકે. વધેલું વજન ઘટાડવા માટે
(અને પછી એ ઘટેલું વજન વધી ન જાય એની તકેદારી રાખવા માટે) રોજિંદા
ખોરાકમાં પરિવર્તનો કરવાં પડે છે. એક કિલોગ્રામ વજન ઉતારવા માટે આશરે ૭૭૦૦
કિ.કેલરી ખોરાકમાંથી ઓછી કરવી પડે છે. એટલે કે જો કોઇ જાડો માણસ પોતાના
ખોરાકમાંથી રોજ ૧૧૦૦ કિ.કેલરી (લગભગ અડધોઅડધ ભાગ) ઘટાડી નાખે તો પણ એક કિલો
ચરબી પીગળતાં આશરે એક અઠવાડિયા જેટલો સમય તો લાગે છે. (જુદા જુદા ખાદ્ય
પદાર્થમાં રહેલ કેલરી અને ચરબીનું કોષ્ટક છેલ્લે પરિશિષ્ટમાં આપેલ છે.)
વજન ઘટાડવાનો મુખ્ય આશય શરીરમાંથી જેટલી બને એટલી ચરબી ઓછી કરવાનો હોય છે
એટલે ચરબી સિવાયનાં શરીરનાં અન્ય ઘટકો, ખાસ તો પ્રોટીન ઓછા ન થઇ જાય એની
તકેદારી રાખવી પડે છે. દર કિલોગ્રામ વજનદીઠ એક ગ્રામ જેટલું પ્રોટીન રોજ
શરીરને મળતું રહે એ દરેક વ્યક્તિ માટે અત્યંત આવશ્યક હોય છે. દૈનિક ૧૧૦૦
કિ.કેલરીથી ઓછો ખોરાક લેવામાં આવે તો કેલરીની સાથોસાથ વિટામિન અને મિનરલ્સ
પણ ખોરાકમાં એટલાં ઓછાં થઇ જાય છે કે પછી એની પૂર્તિ કરવા માટે વિટામિનની
ગોળીઓ લેવી પડે છે.
જો કાયમી ધોરણે વજન ઘટાડવું હોય તો ખોરાકની ટેવોમાં દર્દીના સ્વાદ અને
રુચિને ધ્યાનમાં રાખીને કાયમી ધોરણે એવાં પરિવર્તન કરવાં જોઇએ કે જેથી
દર્દી સહેલાઇથી એ નવી ટેવોને ચુસ્તપણે વળગી રહી શકે. ખોરાકની વસ્તુઓમાં
ફેરફાર કરવાની સાથોસાથ જ ખોરાક ખાવાની કેટલીક ટેવો પણ મેદવૃદ્ધિના દર્દીએ
બદલવી જોઇએ. ખોરાકનો સ્વાદ, સોડમ, દેખાવ તેમજ ખાતી વખતના સાથીદારો (કંપની)
વગેરે પર ખાવાના પ્રમાણનો વધુ આધાર હોય છે. એટલે જો વજન ઘટાડવામાં સફળ થવું
હોય તો દર્દીએ પોતાની અમુક ખાદ્ય-સંબંધી ટેવોને જડમૂળમાંથી બદલવાની જરૂર
પડે. કેટલાક દર્દીઓ ઘરને બદલે રેસ્ટોરન્ટમાં વધુ પડતું ખાવાની ટેવ ધરાવતા
હોય છે. કેટલાક એકલા એકલા વધુ પડતું ખાઇ લે છે તો વળી કેટલાક જો યોગ્ય
કંપની મળી જાય તો ખાવામાં કોઇને ગાંઠતા નથી. કેટલાક દર્દીને ટી.વી. જોતાં
જોતાં જ ખોરાક ખાવાની ટેવો હોય - ટી.વી.નો પ્રોગ્રામ જેટલો વધુ કંટાળાજનક
હોય એટલો વધારે ખોરાક આવા દર્દી પેટમાં પધરાવે છે. અમુક દર્દીઓ ડિપ્રેશન
(હતાશા) ના તબક્કામાં વધારે ખાય છે તો અમુક ચિંતાગ્રસ્ત હોય ત્યારે! દરેક
દર્દીએ પોતાની ખોરાકની ટેવોનું ખાસ કાગળ-પેન લઇને વિશ્લેષણ કરવું જોઇએ અને
જે ટેવ વધુ પડતા ખોરાક સાથે સંકળાયેલ હોય તેને દૂર કરવાનો નુસખો વિચારવો
જોઇએ. દા.ત. ડિપ્રેશન જેવું લાગતું હોય તો વધુ પડતું ખાવાને બદલે ખુલ્લામાં
ફરવા નીકળી શકાય. જો એકવાર આવી નાની ટેવ પડી જાય તો પછી વજન ઘટાડવું એ રમત
વાત છે.
જ્યારે
ખાધા પછી ખાટા ઓડકાર આવે અને છાતીમાં બળતરા થાય ત્યારે મેડિકલ ભાષામાં એને
ગેસ્ટ્રો-ઇસોફેજીયલ રિફલકસ તરીકે ઓળખવામાં આવે છે. અન્નનળી અને જઠરની
વચ્ચે સ્નાયુઓથી બનેલ ''વાલ્વ ઢીલો થઇ જાય ત્યારે જઠરની અંદર રહેલ એસિડ અને
ખોરાક જઠરમાંથી અન્નનળી તરફ ધકેલાય છે. જેમને વારંવાર આવી તકલીફ થતી હોય
એમણે આ તકલીફમાંથી છુટકારો મેળવવા માટે ખોરાક અંગેની નીચે મુજબની કાળજી
રાખવી જરૂરી છે.
૧) ખોરાક સાથે પાણી ઓછું પીવું. બે ખોરાકની વચ્ચે પાણી પીવું.
૨) વધુ ચરબીવાળા ખોરાક (તેલ-ઘીમાં તળેલાં ફરસાણ, ઘી-માવાની મીઠાઇઓ, મોણવાળી વસ્તુઓ વગેરે) લેવાનું ટાળો.
૩) ચોકલેટ, પીપરમિંટ, અન્ય મિંટવાળી વસ્તુઓ, સોડા વગેરે ન લેવા કારણકે એનાથી અન્નનળી અને જઠર વચ્ચેનો ''વાલ્વ ઢીલો થઇ જાય છે.
૪) કોફી, ટમેટાં કે સંતરાંનો જ્યુસ, દારૂ કે તમાકુ ન જ ખાવા કારણકે આ દરેક જઠરની અંત:ત્વચાને સીધું નુકસાન પહોંચાડે છે.
૫) જે વસ્તુ ખાવાથી તકલીફ વધતી હોય તે વસ્તુ ખાવાનું ટાળો. જુદી-જુદી વ્યક્તિ માટે જુદી-જુદી વસ્તુ નુકસાન કરતી હોય એવું બને છે.
૬) ખાઇને તરત સૂવુ નહીં. સૂતી વખતે પલંગના માથા તરફનો ભાગ છ ઇંચ ઊંચો રહે એમ પાયા નીચે ઇંટો ગોઠવવી.
૭) વજન અને પેટની ચરબી ઘટાડવી. નિયમિત ચાલવું.
જયારે
લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ દર સો મિ.લિ.એ ૬.૫ મિ.ગ્રા.કરતાં વધી જાય
ત્યારે યુરિક એસિડના ક્રિસ્ટલ બનવાની શરૂઆત થાય છે પગના અંગૂઠાના મૂળ આગળનો
સાંધો ઘણા કિસ્સાઓમાં ગાઉટને કારણે પ્રભાવિત થાય છે જયાં આવા ક્રિસ્ટલ
બનવાથી અસહ્ય દુ:ખાવો અને સોજો આવે છે.
જયારે યુરિક એસિડ વધી જવાથી ગાઉટની તકલીફ થઇ હોય ત્યારે ખોરાકમાંથી વધુ
યુરિક એસિડ ન બને તેની કાળજી રાખવી જરૂરી છે. શરીરમાં યુરિક એસિડ વધે નહિ એ
માટે નીચે જણાવેલ ખાદ્ય-પદાર્થો ન ખાવા જોઇએ.
(૧) માંસાહાર
(૨) કઠોળ, બીન્સ, વટાણા, મસૂર
(૩) મશરૂમ, પાલક, ફલાવર
(૪) યીસ્ટ જે બ્રેડ, કેક વગેરેમાં વપરાય છે
(૫) દારૂ
(૬) ચોકલેટ, કોકો, ચા-કોફી વગેરે.
જો યુરિક એસિડનું પ્રમાણ ખૂબ વધારે ન હોય અને દવાઓથી ગાઉટ કાબૂમાં જ રહેતો
હોય તો ખોરાકની પરેજીથી વિશેષ ફાયદો નથી થતો. જેમને બેકાબૂ યુરિક એસિડ
રહેતું હોય તેમને માટે ખોરાકની પરેજી ખાસ મહત્વની છે. યુરિક એસિડ વધારે હોય
ત્યારે ઘઉં, ચોખા, મકાઇ, દૂધ, ખાંડ-ગોળ, ફળો, બીટ, કોબી, ગાજર, બટાટા,
કોળું વગેરે ખાવામાં કોઇ બાધ નથી હોતો.
કિડનીની
પથરી ચોકકસ કયાં કારણસર થાય છે એ આજે પણ વિવાદનો વિષય છે. પરંતુ જેમને
એકવાર પથરી થઇ ગઇ હોય તેમણે ખાવા-પીવામાં થોડીક વિશેષ કાળજી રાખવી જરૂરી
છે. પથરી ફરીથી ન થાય એ માટે સૌથી અગત્યની કાળજી પાણી અને અન્ય પ્રવાહી
પીવાની છે. મોટાભાગની પથરીઓ, જયારે શરીરમાં પ્રવાહી ઘટી જાય ત્યારે શરૂ થતી
હોય છે. એટલે પથરીથી બચવું હોય તો દર બે કલાકે સો-બસો મિ.લિ. પ્રવાહી પીતા
રહેવું જોઇએ.
જો પેશાબના રિપોર્ટમાં કેલ્શિયમ ઓકસેલેટની પથરી હોય (જે સૌથી સામાન્ય છે)
તો ખોરાકમાંથી ઓકસેલેટ વધારે એવા ખાદ્ય-પદાર્થો કાઢી નાંખવા જોઇએ. ઘણા બધા
ખાદ્ય-પદાર્થમાં કેલ્શિયમ ઓકસેલેટ આવે છે પરંતુ જે ખાવાથી પેશાબમાં
નોંધપાત્ર પ્રમાણમાં ઓકસેલેટ વધે એવા ખાદ્ય-પદાર્થથી દૂર રહેવું ખાસ જરૂરી
છે. આવા ખાદ્ય-પદાર્થો છે :
(૧) પાલક અને અન્ય લીલી ભાજીઓ
(૨) સ્ટ્રોબેરી, આંબળાં, ફાલસાં, મરચાં
(૩) ચણા, સોયાબીન, કેસરી દાળ
(૪) કાજુ,બદામ, તલ
(૫) ચોકલેટ, કોકો, ચા, કોફી
(૬) બીટ
(૭) ઘઉંનું બહારનું પડ. અલબત્ત, સૌથી વધુ ધ્યાન રોજ વધારે પ્રમાણમાં પ્રવાહી લેવામાં જ રાખવું જોઇએ.
ધાન્ય / અન્ય |
ઓકસેલેટ |
શાક/ફળો |
ઓકસેલેટ |
સૂકોમેવો / અન્ય |
ઓકસેલેટ |
કળથી |
૪૧૭ |
ચોળાઇની ભાજી |
૭૭૨ |
તલ |
૧,૭૦૦ |
ઘંઉના ફાડા |
૨૬૯ |
પાલકની ભાજી |
૬૫૮ |
બદામ |
૪૦૭ |
અશેળિયો |
૧૪૯ |
બીટ |
૬૦૦ |
કાજુ |
૩૧૮ |
કેસરી દાળ |
૧૨૨ |
કમળ કાકડી |
૪૨૨ |
સિંગ |
૧૮૭ |
મીઠો લીંમડો |
૧૦૧ |
કેળા |
૨૯૬ |
કોકો |
૬૨૩ |
ચા |
૫૫ |
આંબળા |
૨૦૦ |
મરી |
૪૧૯ |
|
ફાલસા |
૧૩૨ |
ચોકલેટ |
૧૧૭ |
ઓસ્ટીઓપોરોસિસ
એટલે હાડકાં નબળાં પડવાની બીમારી. ઓસ્ટીઓપોરોસિસની બીમારીમાં હાડકાંની
અંદર પ્રોટીન અને કેલ્શિયમ ખૂબ ધટી જાય છે. ઓસ્ટીઓપોરોસિસ થતો અટકાવવા માટે
નિયમિત કસરત કરવી, દારૂ-તમાકુના વ્યસનથી દૂર રહેવું અને સ્વસ્થ ખોરાક લેવો
જરૂરી છે. વ્યક્તિના ખોરાકમાં કેલ્શિયમનું પૂરતું પ્રમાણ અને પૂરતો
સૂર્યપ્રકાશ હાડકાંના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
રાગી-બાજરા જેવાં ધાન્ય; ચણા, રાજમા, સોયાબીન જેવાં કઠોળ; બધી લીલી ભાજીઓ;
તલ, જીરું, અજમો, હળદર વગેરે મસાલાઓ; કોઠું, સીતાફળ, ફાલસાં, ખજૂર, સૂકી
દ્રાક્ષ વગેરે ફળોમાં કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં હોય છે. દૂધમાંથી પણ
કેલ્શિયમ ઘણું મળે છે. આ બધા ખોરાક વધુ માત્રામાં લેવાથી કેલ્શિયમની અછત
થતી અને હાડકાં નબળાં પડતાં અટકાવી શકાય છે. પૂરતો ખોરાક ન લેનાર વ્યક્તિએ
કેલ્શિયમ અને વિટામિન 'ડીની ગોળી લેવી જોઇએ.
દર્દીને કમળો થાય એટલે ખોરાકમાં પરેજી અંગેની અનેક સૂચનાઓ મિત્રો-સગાં-વહાલાં વગેરે તરફથી મળવા લાગે છે. હકીકતમાં સાદા કમળામાં ઘી-તેલ-ચરબીમાં સાધારણ ઘટાડો કરવા સિવાયની કોઇ મોટી ભારે પરેજીની જરૂર નથી હોતી. દર્દીને ભાવે એવી દરેક વસ્તુ ખાવા આપવી જોઇએ. તેલ-ઘી પચાવવાનું કામ લિવરમાં નીકળતા પાચક-રસો કરતાં હોય છે અને કમળામાં આવા રસો ઓછા બને છે એટલે જો દર્દી વધુ ઘી-તેલ વાળો ખોરાક ખાય તો એ પચે નહીં અને ઝાડા થઇને નીકળી જાય. બીજું કોઇ મોટું નુકસાન ઘી-તેલ ખાવાથી કમળાના દર્દીને થતું નથી. એટલે જ વધારે પડતાં ઘી-તેલ-ચરબીવાળા ખોરાક સિવાય બાકીનો બધો ખોરાક કમળાના દદીંને ખાવાની છૂટ આપવી જોઇએ.
કમળાની
જેમ જ કોઇને ટાઇફોઇડ થાય ત્યારે અનેક પરેજી અને સલાહ દર્દીને મળવા માંડે
છે. આધુનિક તબીબીશાસ્ત્ર પ્રમાણે ટાઇફોઈડ થાય ત્યારે ખાવામાં કોઇ પરેજી
રાખવાની જરૂરિયાત નથી હોતી. દર્દીને ભાવે અને માફક આવે એવો કોઇ પણ હળવો
ખોરાક આપી શકાય છે.
કમળો, ટાઇફોઇડ, ઝાડા, મરડો વગેરે પાણી-જન્ય રોગોથી બચવા માટે ખાવા-પીવામાં
શું તકેદારી રાખવી જોઇએ? કમળો પ્રદુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે માટે
એમાંથી બચવા માટે નીચે મુજબની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. (ખાસ કરીને
રોગચાળો ચાલુ હોય ત્યારે) -
(૧) બજારુ ખોરાક - જેની પર માખી બેસતી હોય એ ખાવાનું ટાળવું.
(૨) લારી-ગલ્લા કે હોટલમાં જો તૈયાર ખોરાકને આપનાર વ્યક્તિનો હાથ અડતો હોય તો ન ખાવો. (દા.ત. પાણી પૂરી)
(૩) ઘરે હંમેશા ઉકાળેલું પાણી પીવાનો જ આગ્રહ રાખવો.
(૪) જમતાં પહેલાં અને ઝાડે ગયા પછી સાબૂ કે રાખથી ઘસીને હાથ ધોવા.
(૫) ઘરમાં પાણી પીવા માટે નળવાળું માટલું રાખવું અથવા ડોયાનો ઉપયોગ કરવો. હાથમાં ગ્લાસ પકડીને માટલામાં બોળવો નહીં.
(૬) ઘરની બહારનું પાણી પીવાનું ટાળવું.
(૭) જો બજારમાં કે લગ્ન સમારંભમાં ખાવાનું અનિવાર્ય હોય તો ગરમ વસ્તુ જ
ખાવી. કચુંબર, ચટણી, પીણાં વગેરે કમળાને ફેલાવી શકે છે માટે એ ખાવાનું
ટાળવું.