રોજિંદા ખોરાક અંગે આપણે ત્યાં લોકો જાત-જાતની સાચી-ખોટી માન્યતાઓ ધરાવતા હોય છે એ ખોટી માન્યતાઓને પરિણામે જે સારો ખોરાક છે એ લોકો ખાતા નથી અને નુકસાનકારક ખોરાક વધુને વધુ પ્રમાણમાં (સારો હોવાની ગેરમાન્યતાથી દોરાઇને) ખાધા કરે છે! ઘણીવાર તો ડોકટરો કહી કહીને થાકી જાય છતાં લોકો પોતાના મનમાં ઘર કરી ગયેલી માન્યતાઓ છોડી શકતા નથી. આવી કેટલીક ખૂબ જ પ્રચલિત ખોટી માન્યતાઓ અંગે અહીં ચર્ચા કરી છે.
આ માન્યતા બિલકુલ ખોટી છે. હા! આયુર્વેદ જેવી અટપટી પરેજી ન હોય પણ રોગો ન થાય અને થયેલા રોગો કાબૂમાં રહે એ માટે ખોરાકી પરેજી અતિ આવશ્યક છે. તંદુરસ્ત માણસે પણ તંદુરસ્તી જાળવી રાખવા માટે ખાવા પીવામાં સંયમ રાખવો જરૂરી છે. ઘી-તેલ-મીઠું (નમક) વગેરેનો ઉપયોગ ઓછો કરવો અને ફળ શાકભાજી-કઠોળ વગેરેનો ઉપયોગ વધારવો લગભગ બધા માટે જરૂરી છે. રોગ પ્રમાણે હ્રદયરોગ, હાઇબ્લડપ્રેશર, ડાયાબીટીસ, એસિડિટી, ગાઉટ, પથરી, દાંતનો સડો વગેરે અનેક રોગો માટ દવાની સાથે લેવા માટે ખોરાકની પરેજી જરૂરી હોય છે.
જેમનું વજન વઘારે હોય એ લોકો વજન ઉતારવા માટે સૌથી પહેલાં ભાત ખાવાના બંધ કરી દે છે... અને એ પછી વજનમાં ઓર વધારો થાય છે !! ભાત ખાવાથી વજન વધે છે એ માન્યતા તદ્દન ખોટી છે. એક સરખા પ્રમાણમાં ચોખા, ઘઉં, જુવાર, બાજરો વગેરે કોઇ પણ ધાન્ય ખાવાથી લગભગ એક સરખી જ કેલરી મળે છે. ઊલટું, ચોખામાં બીજાં બધાં ધાન્ય કરતાં ચરબીનું પ્રમાણ સૌથી ઓછુ છે. વળી, ચોખાને બીજી કોઇપણ જાતની ચરબી (તેલ-ઘી) ઉમેર્યા વગર સહેલાઇથી ખાઇ શકાય છે. ભાત બંધ કરીને રોટલી-ભાખરી- પરોઠા-થેપલાં-પૂરી વગેરે ખાવાનું વધારનાર ખોરાકમાં ચરબીનું પ્રમાણ (મોણમાં તેલ અથવા ચોપડવામાં ઘીને કારણે) વધારે છે અને પરિણામે શરીર ઘટાડવાને બદલે વધારે છે. ભાતમાં રેસાનું પ્રમાણ ખૂબ ઓછું છે અને પોલિશિંગને કારણે ચોખાની ઉપરનું રેસાયુકત પડ સંપૂર્ણપણે નીકળી જાય છે. ચોખાના આ ઉપલા પડમાં જ સૌથી વધુ રેસા અને ખનીજ હોય છે. એટલે નજરને લોભાવતા પોલિશ્ડ ચોખાને બદલે હાથછડના (હાથે છડેલા) ચોખા વાપરવાથી વધુ રેસા મળે. રેસાની હાજરી સુગર અને કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જરૂરી છે. માટે ભાત ખાવા પરંતુ હાથે છડેલા ખાવા અને ભાતની સાથે રેસાથી ભરપૂર એવાં લીલાં શાક, વટાણા, ભાજી, ફોતરાંવાળી દાળ કે કઠોળ વગેરે ભેળવીને (વઘાર્યા વગરનો વેજીટેબલ-પુલાવ કે ખીચડી બનાવીને) ખાવાં વધુ સલાહભર્યા છે.
કંપનીના પ્રચાર કે અન્ય કોઇ શુભેચ્છકની સલાહથી મોટા ભાગના હ્રદયરોગના દર્દીઓ એવી ખોટી માન્યતા ધરાવતા હોય છે કે સિંગતેલ કરતાં કપાસિયાનું તેલ વધુ સારું. હકીકત એ છે કે કપાસિયાનું તેલ સિંગતેલ કરતાં વધુ નુકસાનકારક છે. સિંગતેલમાં આશરે ૨૧ ટકા સંતૃપ્ત ચરબી આવેલી છે જયારે કપાસિયા તેલમાં ૨૬ ટકા સંતૃપ્ત ચરબી છે. સંતૃપ્ત ચરબી જેટલી વધારે હોય એટલા વધુ પ્રમાણમાં કોલેસ્ટેરોલ બને જે શરીરને નુકસાન કરી શકે. આ ઉપરાંત સિંગતેલમાં મોનોસેચ્યુરેટેડ ચરબી છે (જે ફાયદો કે નુકસાન નથી કરતી) એનું પ્રમાણ કપાસિયા તેલ કરતાં ઘણું વધારે છે જે ઇચ્છવા યોગ્ય છે. આમ, ખોટી માન્યતાને, કારણે હ્રદયરોગના અને વધુ કોલેસ્ટેરોલ ધરાવતા દર્દીઓ તેલ બદલીને 'બકરું કાઢતાં ઊંટ પેઠું' જેવો ઘાટ ઉભો કરી દે છે. હકીકતમાં તેલનો કુલ વપરાશ ઓછો કરવો એ સૌથી અગત્યની વાત છે અને એ પછી તેલના પ્રકારની પસંદગી આવે છે. સૌથી ઓછી સંતૃપ્ત ચરબી ધરાવતાં તેલોમાં સરસવ કે રાઇનું તેલ (૧૦ ટકા), સુર્યમુખી અને સેફલાવર તેલ (૧૦ ટકા), તલનું તેલ (૧૩ ટકા) વગેરે આવે છે જે પૈકી સરવ કે રાઇનું અને તલનું તેલ વધુ સ્વાસ્થ્યપ્રદ ગણી શકાય. વૈજ્ઞાનિક આધાર વગર કોઇની કહેલી વાત સાંભળીને લોકો પોતાને જ નુકસાન પહોંચાડે છે એનો આ એક જીવંત દાખલો છે.
ઘણા લોકો ચરબી વધવાની બીકને કારણે ચીકુ જેવાં ફળો નથી ખાતા. હકીકતમાં ઘઉં, બાજરી જેવાં અનાજ કરતાં પણ ઓછી ચરબી ચીકુમાં રહેલી છે. વળી સો ગ્રામ ઘઉં-ચોખા કે બાજરો ખાવાથી આશરે ૩૫૦ કિ.કેલરી મળે છે જયારે સો ગ્રામ ચીકુ કે કેળાં ખાવાથી માત્ર ૧૦૦-૧૧૦ કિ.કેલરી જ મળે છે. વળી, ચીકુ અને અન્ય ફળોમાં રેસા સારા એવા પ્રમાણમાં હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફળોમાં રહેલા ફલેવોનોઇડ્સ અને અન્ય એન્ટિ-ઓકિસડન્ટ તતત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
ઘણા લોકો રસ ઢોકળાં, ખીચડી, ભાત કે અન્ય કોઇપણ ખોરાક લૂખો ખાવાને બદલે ફરજિયાત ઘી નાંખીને જ ખાય છે, એવી આશામાં કે આનાથી ગેસ નહીં થાય. હકીકતમાં આ માન્યતાને કોઇ વૈજ્ઞાનિક આધાર નથી. ઊલટું વધુ પડતું ઘી ખાવાથી કોલેસ્ટેરોલ વધવાની, વજન વધવાની, પિત્તાશયની તકલીફ થવાની, હ્રદયરોગ થવાની વગેરે અનેક શકયતાઓ વધે છે. રોટલી કે રોટલો ઘી વગર ખાઇ જ ન શકાય એવો વહેમ રાખશો નહીં. ગેસ થવાનો હોય તો ઘી ખાવાવાળાને પણ થાય જ છે. રોજ કુલ ચાર-પાંચ ચમચીથી વધુ ઘી-તેલ (બંને મળીને) ખાવાથી નુકસાન જ થાય છે.
વજન અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકો હંમેશા ઓછી ચરબી અને ઓછી કેલેરીવાળો ખોરાક પસંદ કરે છે. બટર (માખણ) કે પડવાળી બિસ્કીટમાં ખૂબ વધુ પ્રમાણમાં વનસ્પતિ ઘી હોય છે એટલે ઘણા લોકો એને બદલે 'ટોસ્ટ કે 'ડોગી બિસ્કીટ ખાવાનું શરૂ કરે છે. સો ગ્રામ બટર કે પડવાળી બિસ્કીટમાં આશરે પચાસ ગ્રામ મેંદો અને પચાસ ગ્રામ વેજીટેબલ (વનસ્પતિ) ઘી હોય છે. જ્યારે સો ગ્રામ ટોસ્ટ કે ડોગી બિસ્કીટમાં પંચોતેર-એંશી ગ્રામ મેંદો અને પંદર થી પચ્ચીસ ગ્રામ જેટલું વનસ્પતિ ઘી હોય છે! ટૂંકમાં, બટર બિસ્કીટ કરતાં ડોગી બિસ્કીટમાં અડધાથી પણ ઓછું વનસ્પતિ ઘી હોય છે. પરંતુ, તે છતાં સો ગ્રામે પંદર ગ્રામ વનસ્પતિ ઘી હોય છે. સાદા ઘી-તેલ કરતાં અનેક ગણું વધારે નુકસાન વનસ્પતિ ઘીથી થાય છે. તળેલાં પદાર્થ જેટલી જ ચરબી ડોગી બિસ્કીટ ટોસ્ટમાં હોય છે. વળી મેંદા અને વનસ્પતિ ઘી ને કારણે થતું નુકસાન તો વધારામાં!!
ઘણી
વખત ડાયાબીટીસના દર્દીઓ બીજાં બધાં બિસ્કીટ ખાવાનું બંધ કરીને માત્ર મેરી
બિસ્કીટ ખાવાનું ચાલુ રાખે છે. એમાં ગળપણ ઓછું હોય છે એટલે શુગર (ખાંડ) પણ
ઓછી હશે એવું માનીને આવો ફેરફાર કરવામાં આવે છે. હકીકતમાં ડાયાબીટીસના
દર્દીએ કોઇપણ પ્રકારના બિસ્કીટ ન ખાવાં જોઇએ. બિસ્કીટમાં મેંદો આવે જે
રેસાહીન હોવાથી ખાધાપછી તરત લોહીમાં શુગર વધારી દે છે.આ ઉપરાંત મોટા ભાગનાં
બિસ્કીટમાં ચરબીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ચરબી વધારે ખાવાથી
ડાયાબીટીસના દર્દીની રકતવાહિનીઓમાં વધારાની ચરબી જમા થઇને રકતવાહિની સાંકડી
બનાવી દે છે. જેને કારણે હ્રદયરોગ જેવી ગંભીર બીમારી થઇ શકે છે. વળી
બિસ્કીટમાં વેજીટેબલ ઘીના સ્વરૂપે ચરબી હોવાથી એ વધુ નુકસાનકારક સાબિત થાય
છે. આ ઉપરાંત, બિસ્કીટ બનાવતી વખતે ખાંડ અને મેંદો સાથે શેકવાથી મેંદાનાં
પ્રોટીનની ગુણવત્તા પણ અડધી થઇ જાય છે અને વિટામિનો નાશ પામે છે. જુદા જુદા
બિસ્કીટમાં રહેલ ચરબી, ખાંડ, પ્રોટીન વગેરેનું પ્રમાણ સાથેના કોષ્ટકમાં
દર્શાવ્યુ છે જે સ્પષ્ટપણે બતાવે છે કે મેરી બિસ્કીટ અન્ય બિસ્કીટ કરતાં
ખાસ કોઇ ફરક નથી ધરાવતાં. દર સો ગ્રામ બિસ્કીટે ૨૪ ગ્રામ ખાંડ અને ૨૨ ગ્રામ
ચરબી એમાં આવે છે. આટલું વધારે પ્રમાણ ડાયાબીટીસના દર્દી માટે નુકસાનકારક જ
છે. માટે ડાયાબીટીસ કે હ્રદયરોગ થયો હોય તો બધી પ્રકારનાં બિસ્કીટથી દૂર
રહેવામાં જ સાર છે.
બિસ્કીટ (સો ગ્રામ) |
શક્તિ (કિં.કેલરી) |
ચરબી (ગ્રામ) |
પ્રોટીન (ગ્રામ) |
સ્ટાર્ચ (ગ્રામ) |
ખાંડ (ગ્રામ) |
મેરી / આરારૂટ |
૪૭૮ |
૨૨ |
૬ |
૪૦ |
૨૪ |
ગ્લૂકોઝ |
૪૪૩ |
૧૫ |
૪ |
૪૧ |
૩૨ |
મોનેકો |
૫૧૮ |
૩૦ |
૪ |
૪૮ |
૧૦ |
વેફર્સ |
૪૧૮ |
૧૦ |
૪ |
૬૧ |
૧૫ |
જીંજર |
૫૩૩ |
૨૫ |
૫ |
૩૭ |
૨૫ |
બહુ વ્યાપક એવી આ માન્યતાને કોઇ વૈજ્ઞાનિક સમર્થન નથી. નાનાં બાળકોને કેળાં જેવા સરસ ખોરાકથી વંચિત રાખવાં એ તદ્ન ગેરવ્યાજબી છે. શરદી કાં તો વાઇરસના ચેપથી થાય અથવા એલર્જીથી થાય. શરદીના વાઇરસનો ચેપ કોઇ ખોરાકથી ફેલાતો નથી માત્ર શરદીના દર્દીના નજીકના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે. એલર્જીથી થતી શરદી પણ સામાન્ય રીતે હવામાં ઊડતા રજકણોથી થાય છે. એને કેળાં ખાવા સાથે કોઇ સંબંધ નથી.
કમળાના સાદા કેસમાં ઘણા લોકો દર્દીને માત્ર શેરડી કે ચણા જ ખાવા આપે છે આ સિવાય બીજી કોઇ વસ્તુ ખાવા પર પ્રતિબંધ ફરમાવી દે છે. હકીકતમાં, સાદા કમળાના દર્દીઓએ ખોરાકમાં ઘી-તેલનું પ્રમાણ ઓછુ કરવાં સિવાય બીજી કોઇ તકેદારીની જરૂર નથી હોતી. રોટલી, દાળ, ભાત, શાક, કચુંબર વગેરે રોજિંદો ખોરાક કમળાના દર્દીને આપવાથી કોઇ નુકસાન નથી.
જો
સ્વાસ્થ્યના દ્રષ્ટકોણથી વિચારીએ તો દૂધ અથવા એની બનાવટો થોડાક પ્રમાણમાં
લેવી શાકાહારી લોકો માટે જરૂરી છે. શાકાહારીના બે જુદા જુદા પ્રકાર
પાડવામાં આવે છે:
(૧) ચુસ્ત શાકાહારી (વેગન્સ).
(૨) શાકાહાર અને દૂધની બનાવટો વાપરનારાઓ (લેક્ટોવેજીટેરિયન).
જે લોકા માત્ર વનસ્પતિ પેદાશ જ ખાય છે અને દૂધ કે એની બનાવટ કદી લેતા નથી
એમને લાંબે ગાળે વિટામિન બી-૧૨ની ઉણપ થવાની શક્યતા રહે છે. વિટામિન બી-૧૨ની
ઉણપને કારણે ચેતાતંત્રની અને લોહી બનાવનાર તંત્રની કામગીરીમાં વિક્ષેપ પડે
છે જેથી લાંબા ગાળાની અછત થતાં પેરેલિસિસ અને લોહીની ફીકાશ જેવી તકલીફ થાય
છે. આ ઉપરાંત , દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે જે
શરીરના સ્નાયુ અને હાડકાં માટે ઉપયોગી સાબિત થઈ શકે. અલબત્ત, યોગ્ય સંતુલિત
આહાર લેવાથી આ બંને ઘટક વનસ્પતિજન્ય સ્ત્રોતમાંથી પણ પૂરતા પ્રમાણમાં મળી
શકે. દૂધમાં રહેલ ચરબી (મલાઇ) વધુ પ્રમાણમાં લેવાથી હ્રદયરોગ, જાડાપણું
જેવા રોગો થવાની શક્યતા રહે છે એટલે દૂધ લેનારાએ દૂધના બધા જ ફાયદા કોઇ
પ્રકારના જોખમ વગર મેળવવા હોય તો મલાઇ કાઢેલું દૂધ (સ્કીમ મિલ્ક) જ વાપરવું
જોઇએ. દિવસમાં બે-ત્રણ વખત ગરમ કરીને ઠંડું પાડી મલાઇનો જાડો થર કાઢ્યા
પછી દૂધ વાપરવાથી ફાયદો થાય છે.
ગાયના તાજા દૂધમાં દર સો ગ્રામે ૬૭ કિ.કેલરી મળે. એમાં ૩.૨ ટકા પ્રોટીન, ૪.૧ ટકા ચરબી, ૪.૪ ટકા કાર્બોહાઇડ્રેટ આવે; તેમજ ૧૨૦ મિ.ગ્રા. કેલ્શિયમ, ૯૦ મિ.ગ્રા. ફોસ્ફોરસ અને ૦.૮ ગ્રામ અન્ય મિનરલ્સ આવે. આની સામે જયારે ગાયના દૂધમાંથી બધી મલાઇ કાઢી લેવામાં આવે (આજનું દૂધ બે-ત્રણ વખત મલાઇનો જાડો થર કાઢયા પછી આવતી કાલે વાપરવામાં આવે) તો એમાંથી મુખ્યત્વે ચરબી અને થોડુંક પ્રોટીન ઓછું થાય છે. આ સિવાયનાં બધાં જ તત્વો યથાવત્ જળવાઇ રહે છે. સો ગ્રામ સ્કીમ મિલ્કમાં ૨.૫ ટકા પ્રોટીન; ૦.૧ ટકા ચરબી; ૪.૬ ટકા કાર્બોહાઇડ્રેટ; ૧૨૦ મિ.ગ્રા. કેલ્શિયમ; ૯૦ મિ.ગ્રા. ફોસ્ફોરસ અને ૦.૭ ગ્રામ અન્ય મિનરલ્સ હોય છે. આમ, મલાઇ કાઢી નાંખવાથી દૂધની લગભગ બધી ચરબી નીકળી ગઇ અને પ્રોટીનમાં પોણો ગ્રામ ઘટાડો થયો આ સિવાયનાં બધાં તતત્વો એમને એમ રહ્યાં. આવું દૂધ સો ગ્રામે માત્ર ૨૯ કિ.કેલરી આપે જયારે મલાઇવાળું દૂધ સો ગ્રામે ૬૭ કિ.કેલરી આપે. ટૂંકમાં, જેમને ખોરાકમાંથી ચરબી અને કેલરી ઓછાં કરવાં હોય અને તે છતાં દૂધમાંથી ઉપયોગી કેલ્શિયમ અને પ્રોટીન મેળવવાં હોય તેમને માટે મલાઇ કાઢેલું દૂધ (સ્કીમ મિલ્ક) ઉત્તમ ખોરાક છે. સ્કીમ મિલ્કમાંથી ચરબી સિવાય બધાં જ પોષક તત્વો મળી રહે અને શરીરની ચરબી વધવાનો ભય ઘટે છે.
એસિડિટીનાં ઘણાં દર્દીઓ એસિડિટીને કારણે થતી પેટની તકલીફો- બળતરા વગેરે ઓછી કરવા માટે દૂધ પીતા હોય છે. અને દૂધ પીવાથી ઘણાં લોકોને તત્કાલ 'ઠંડક પણ થઇ જતી હોય છે. પરંતુ દૂધ પીવાના એકદોઢ કલાક પછી ફરીથી એસિડિટી વધે છે. દૂધમાં રહેલ કેલ્શિયમ જઠરમાં એસિડનો સ્રાવ વધારે છે. જેને પરિણામે દૂધ પીધાના દોઢેક કલાક પછી એસિડનું પ્રમાણ ખૂબ વધી જાય છે જે પેટમાં બળતરા વધારી શકે છે. ટૂંકમાં, એસિડિટી મટાડવી હોય તો દૂધ માત્ર કામચલાઉ ફાયદો કરે છે અને પછી મોડેથી એસિડિટી વધારે છે. એસિડિટીથી બચવું હોય તો દૂધને બદલે એન્ટાસિડ ગોળીઓ લેવી વધુ હિતાવહ છે. મરચાંવાળો ખોરાક, ટેન્શન-ચિંતા અને ઉતાવળ ઘટાડવાથી પણ એસિડિટી કાબૂમાં આવી શકે છે.
ઘણા લોકોના મનમાં એવો ખોટો ખ્યાલ હોય છે કે ખટાશ ખાવાથી ઘા પાકી જાય અને રૂઝ ન આવે. હકીકતમાં ખટાશ ખાવાને ઘા પાકવા કે ન રૂઝાવા સાથે કોઇ સંબંધ જ નથી. ખટાશમાં મુખ્યતત્વે જુદી-જુદી જાતના એસિડ હોય છે. આ પૈકી એસ્કો(ર્બક એસિડ, જે વિટામિન 'સી તરીકે ઓળખાય છે, તેની હાજરીને કારણે ઘા રૂઝાવાની પ્રક્રિયા વધુ સારી રીતે થાય છે. શરીરના બંધારણ માટે જરૂરી કોષો અને પેશીઓનું નિર્માણ વિટામિન 'સી ને કારણે ખૂબ ઝડપી અને સારી રીતે થાય છે. આંબળાં, જમરૂખ, સંતરાં-મોસંબી, દ્રાક્ષ, લીંબુ વગેરે ખાટાં ફળમાં પુષ્કળ વિટામિન 'સી આવે છે અને એ ખાવાથી ઘા પાકવાને બદલે જલદી રૂઝાય છે.
કેટલાય વજન ઉતારવા માટે આતુર લોકો કોઇના કહેવાથી મધ અને લીંબુ; કે મધ અને તજ; કે મધ અને ગરમપાણી પીવાનું શરૂ કરે છે. હકીકતમાં મધમાં વજન ઘટાડવાનો કોઇ ગુણ હજી સુધી શોધાયો નથી. મધમાંથી મળતી કેલરી ખાંડ-ગોળમાંથી મળતી કેલરી જેટલી જ હોય છે. એટલે ખાંડને બદલે મધ લેવાથી કે અન્ય ખોરાક ખાવા ઉપરાંત મધ લેવાથી વજન ઉતારવામાં કોઇ ફાયદો થતો નથી.
કેટલાંક લોકોના મનમાં એવી ભ્રામક માન્યતા ઘર કરી ગઇ હોય છે કે ઠંડું પાણી પીવાથી વજન વધે. હકીકતમાં પાણીને વજન વધવા-ઘટવા સાથે કોઇ સીધો સબંધ નથી. પાણીમાં બિલકુલ કેલરી હોતી નથી અને ઠંડું કે ગરમ પાણી કેલરી-ફ્રી જ હોય છે. અલબત્ત વધુ પડતું ઠંડું (ફ્રીઝનું બરફ નાંખેલ) પાણી કાયમ પીવાથી જઠર અને આંતરડાની ગતિમાં વિક્ષેપ પડે એવું બની શકે જે એસિડિટી કે કબજિયાતની બીમારી કરી શકે. માટલાનું ઠંડું પાણી પીવાથી સામાન્ય રીતે કોઇ તકલીફ નથી થતી.
વજન ઉતારવા મથતા ઘણા બધા લોકો, રોટલી ખાવાનું છોડીને ખાખરા ખાવા માંડે છે. હકીકતમાં મોટાભાગનાં ગુજરાતી ઘરોમાં રોટલી કરતાં ખાખરામાં વધુ ચરબી અને કેલરી હોય છે. કારણ કે રોટલી શેકતી વખતે થોડુંક તેલ ઉમેરવામાં આવે છે અને ખાતી વખતે વળી પાછું ઘી ચોપડવામાં આવે છે. રોટલી કે બ્રેડ શેકવાથી એમાં રહેલ પાણીનો ભાગ જ ઓછો થાય છે બાકી બધાં તત્વો લગભગ એક સરખાં જ રહે છે. બીજા શબ્દોમાં સો ગ્રામ રોટલી કરતાં સો ગ્રામ ખાખરામાં વધુ ચરબી અને કેલરી આવે છે. આ જ રીતે બ્રેડને બદલે બજારમાં તૈયાર મળતાં ટોસ્ટ ખાવાથી ચરબી અને કેલરી વધી જાય છે. બ્રેડમાં ચરબીનું પ્રમાણ પાંચ ટકાથી ઓછું હોય છે જે તૈયાર ટોસ્ટમાં ૨૫-૩૦ ટકા જેટલું વધી જાય છે. અને આ ચરબી પણ વનસ્પતિ ઘીના સ્વરૂપે હોય જે હ્રદય માટે ખૂબ નુકસાનકારક છે.
ઉનાળાની ઋતુમાં કેરી આવવાનું અને નાના બાળકોને ગૂમડાં થવાનું સામાન્ય રીતે બને છે. આ બંને જુદી જુદી ઘટનાઓ એક જ ઋતુમાં થતી હોવાથી લોકોના મનમાં એવું ભરાઇ જાય છે કે કેરી ખાવાથી ગૂમડાં થયાં. કેરી ખાવાને અને ગૂમડાં થવાને કોઇ જાતનો કાર્યકરણનો સંબંધ નથી. ઉલટું , કેરીમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ આવે છે જે ચામડી અને આંખોને સારી રાખવામાં ઉપયોગી થાય છે.
આ માન્યતા પણ તદ્ન બિનપાયેદાર છે. નારિયેળ પાણીમાં ગેસ ઉપન્ન કરે એવો કોઇ પદાર્થ આવતો નથી. જો સ્ટ્રો (ભૂંગળી) થી પ્રવાહી પીવામાં ફાવટ ન આવે તો પાણીની સાથે સાથે હવા પણ પેટમાં જતી રહે છે જે ગેસ કરી શકે. મોટા નારિયેળમાં રહેલ વધુ પડતું પ્રવાહી એક સાથે પીવાથી પેટ ભારે થઇ શકે. પરંતુ, આવું તો કોઇ પણ પ્રવાહીને વધુ પ્રમાણમાં કે સ્ટ્રોથી પીવાને કારણે બની શકે છે. જેને સ્ટ્રોથી પીવાનું ન ફાવે એમણે ગ્લાસમાં કાઢીને નારિયેળ પાણી પીવું જોઇએ, જેથી ગેસ ન થાય.
બાળકોને ગળ્યુ ખૂબ ભાવે છે અને બાળકોમાં કરમિયાં (કૃમિ) પણ સામાન્યપણે જોવા મળે છે. હાથ ધોયા વગર જમવાથી કે આંગળા મોઢામાં નાંખવાથી નખમાં ચોંટેલ કરમિયા (કૃમિ)ના ઇંડા પેટમાં જાય અને કરમિયા થાય છે. આ ઉપરાંત, કેટલાક કૃમિના ઇંડા ખૂલ્લા પગની ચામડીની અંદર ઘૂસી જાય અને પેટમાં કૃમિ કરે છે. આમ, ગળપણ ખાવાને કૃમિ થવા સાથે કોઇ સંબંધ નથી. સ્વચ્છતાનો અભાવ જ મુખ્યત્વે કૃમિ કરવ માટે જવાબદાર હોય છે. કૃમિ ન થાય એ માટે બાળકના નખ કાપેલા રાખો. જમ્યા પહેલાં સાબૂથી ઘસીને હાથ ધોવાની અને ચંપલ પહેરીને જ ઘરની બહાર જવાની ટેવ પાડો.
ઘણા લોકો ઉનાળા દરમ્યાન અને બીજા ઘણા લોકો એસિડિટી થઇ હોય ત્યારે ''ઠંડક કરવા માટે ગ્લૂકોઝનું પાણી પીવાનું શરૂ કરી દે છે. હકીકતમાં, ગ્લૂકોઝનું પાણી પીવાથી ન તો એસિડિટી મટે છે ન કોઇ ''ઠંડક થાય છે. ગ્લૂકોઝ ખાવાથી વધુ તાકાત મળે એવું પણ નથી હોતુ. એક ચમચી ગ્લૂકોઝ અને એક ચમચી ખાંડ સરખી તાકાત આપે છે.