સ્વસ્થ આહાર

14. સ્વસ્થ ખોરાક અંગેની કાયમી સૂચનાઓ

૧. રોજના ખાવામાં ઘી-તેલનું પ્રમાણ ૩-૪ નાની ચમચી જેટલું જ રાખવું. (ફકત દાળ-શાકના વધાર પૂરતું જ વાપરવું). (મહિને કુલ ઘી-તેલનો વપરાશ ૬૦૦ ગ્રામથી ઓછો રાખવો.)

- માંસાહાર ન કરવો. જે લોકો કાયમી માંસાહાર છોડી નથી શકતા એ લોકોએ પણ મટન અને ઇંડાનો પીળો ભાગ તો ન જ ખાવો.
- ઘી, બટર, માખણ, મલાઇ, બિલકુલ વાપરવું નહીં.
- કોલેસ્ટેરોલ ઘટાડવા માટે સરસિયું, રાયડાનું, સોયાબીન, મકાઇ કે તલનું તેલ વાપરવું સારું, પરંતુ એનું પ્રમાણ પણ દિવસમાં ચાર ચમચીથી વધવું ન જોઇએ.
- તળેલું, ફરસાણ, અથાણાં, ઘી-માવાની મીઠાઇઓ, આઇસક્રીમ વગેરે ઓછાં કરવાં.
- ટોપરું, સિંગદાણા વગેરેનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો.
- ભાખરી, પરાઠા, થેપલાં, પૂરીનો વપરાશ ન કરવો. મોણ-ધી વગરની રોટલી અથવા રોટલા જ વાપરવા.
- દૂધનો ઉપયોગ બે - ત્રણ વાર મલાઇ કાઢીને જ કરવો (ચાહ, કોફી, પનીર, દહીં વગેરે માટે પણ મલાઇ વગરનું દૂધ વાપરવું)
૨. મેંદાવાળી વસ્તુઓ (બિ(સ્કટ, બ્રેડ, બેકરી પ્રોડકટ્સ, નૂડલ્સ વગેરે) ખાવાનું ટાળો. આટાનું થૂલું લોટમાં જ વાપરો. મીલના પોલિશ્ડ ચોખાને બદલે હાથે છડેલા ચોખા વાપરવા.
૩. લીલી પત્તાવાળી ભાજીઓ (તાંદળજો, પાલખ, મેથી, કોથમીર, પત્તરવેલિયાં, મૂળા, ગાજર, બીટ, સૂવા, સરગવા, ફલાવર, કોબી વગેરેના પાન) અને કાચું કચુંબર (કાકડી, ગાજર, મૂળા, મોગરી, કાંદા, ટામેટાં, લસણ, આદુ, લીલી હળદર, આંબા હળદર, બીટ વગેરે) ભરપૂર ખાવું.
૪. રોજ ૧-૨ તાજાં ફળ (આંબળા, જમરૂખ, બોર, જાંબુ, ખલેલાં, દાડમ, શેતુર, સફરજન, સકકરટેટી, તરબૂચ, પપૈયાં વગેરે) ખાવાં. ડાયાબિટીસની તકલીફ હોય તો કેળાં, કેરી, ચીકુ અને દ્રાક્ષ ખાવાનું ટાળવું. ૫. માફક આવતાં હોય એવાં કઠોળ અને ફોતરાંવાળી દાળ છૂટથી વાપરવી.
૬. મીઠા (નમક) અને સોડાનો ઉપયોગ ઓછો કરવો. રોટલી, ભાત, કચુંબર, છાસ વગેરેમાં મીઠું નાખવું નહીં. રોજ ચાર નાની (બે આંગળની) ચપટીથી ઓછું મીઠું ખાવું. સોડા-ખારો ધરાવતાં પાપડ, પાપડી, ફરસાણનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. દાળ-કઠોળ-શાકમાં સોડાનો ઉપયોગ ન કરવો.
૭. ખાવાનો સમય બને તેટલો નિયમિત રાખવો. આ ફેરફાર કાયમી રાખવા.