સ્વસ્થ આહાર

10. રેસાયુકત ખોરાક

ફળો અને શાકભાજીમાં રહેલા રેસા (ફાઇબર) માણસને હ્રદયરોગથી બચાવવામાં અગત્યનો ફાળો આપે છે. લીગ્નીન, સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ, પેકટીન, ગમ્સ અને મ્યુસીલેજ વગેરે અનેક પ્રકારના રેસા જુદા-જુદા કુદરતી આહારમાં હોય છે.

ફળો અને શાકભાજીમાં રહેલ પેકટીન અને ગમ્સ આ રીતે હ્રદયરોગના દર્દીઓને માટે આશીર્વાદરૂપ સાબિત થયાં છે. તાજેતરમાં મેથીમાં રહેલ રેસા (ગમ્સ) ડાયાબિટીસના દર્દીમાં લોહીનું ગ્લૂકોઝ અને કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે અન્ય રેસા કરતાં ચડિયાતા સાબિત થયા છે. ફળો-શાકભાજી સિવાય જવ, ચોખાનું બહારનું પડ (કુશ્કી), મગ-મઠ જેવાં કઠોળ તથા ધાણા-જીરું, એલચી વગેરે મસાલાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં રેસા હોય છે. હજી ઘણા પદાર્થોમાં કેટલા ટકા દ્રાવ્ય અને કેટલા ટકા અદ્રાવ્ય રેસા હોય છે એ ચોકકસપણે શોધાયું નથી અને આ રેસા માપવાની પદ્ધતિ પ્રમાણે પણ એના પ્રમાણમાં થોડો ઘણો ફરક આવે છે.

રેસાનું મહત્વ : સામાન્ય રીતે ખોરાકમાં રહેલ રેસાને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે -

(૧) દ્રાવ્ય રેસા અને
(૨) અદ્રાવ્ય રેસા.

દ્રાવ્ય રેસા પાણીમાં ભળી જઇને જેલી જેવો પદાર્થ બનાવે છે અને આ રેસાની હાજરીને કારણે ખોરાકમાં રહેલ કોલેસ્ટેરોલ તથા ગ્લૂકોઝ (અને અન્ય કાર્બોહાઇડે્રટ)નું પાચન અને શોષણ (આંતરડામાંથી લોહીમાં જવાની પ્રક્રિયા) ધીમું કરે છે. ગ્લૂકોઝ અને કોલેસ્ટેરોલ ધીમી ગતિએ લોહીમાં જાય તો શરીરને માટે એની વ્યવસ્થા કરવાનું સહેલું બને છે અને પરિણામે, ડાયાબિટીસના અને હ્રદયરોગના દર્દીઓને ઘણો ફાયદો થાય છે.

અદ્રાવ્ય રેસા ખોરાકમાં લેવાથી કબજીયાત દૂર થાય છે અને આંતરડાનું કેન્સર થવાની શકયતા પણ ઘટે છે. સાથેના કોષ્ટકમાં કેટલાક જાણીતા ખોરાકમાં રેસાનું પ્રમાણ આપ્યું છે. આ કોષ્ટકમાં લખ્યા સિવાયનાં અનેક ફળો, શાકભાજી, કઠોળ અને ધાન્યમાં પુષ્કળ પ્રમાણમાં રેસા હોય છે. કઠોળ-ધાન્યના રેસા પણ હ્રદયરોગ સામે રક્ષણ આપે છે.

ટૂંકમાં, જુદા જુદા અનેક પ્રાયોગિક અભ્યાસમાં રેસાનું મહત્વ સાબિત થયું છે. રેસા વધુ લેવાથી વધુ કોલેસ્ટેરોલ પિત્ત વાટે આંતરડામાં અને ત્યાંથી શરીર બહાર ફેંકાઇ જાય છે, ઓછું કોલેસ્ટેરોલ ખોરાકમાંથી લોહીમાં જાય છે અને લિવરમાં કોલોસ્ટ્રોલ બનવાની પ્રક્રિયા ધીમી પડે છે; રેસાયુકત ખોરાકથી ખાવાનો સંતોષ વધે છે; ગ્લૂકોઝનું નિયમન સુધરે છે; અને લોહી ગંઠાવાની પ્રક્રિયા ઘટે છે.

કેટલાક જાણીતા ખોરાકમાં દર ૧૦૦ ગ્રામે રેસાનું પ્રમાણ

અનાજ/કઠોળ

રેસા

(ગ્રામ)

શાક/ફળો

રેસા

(ગ્રામ)

મસાલા

રેસા

(ગ્રામ)

સામો

૯.૮

જામફળ / દાડમ

૫.૦

ધાણા

૩૨.૦

કોદરી

૯.૦

સરગવો

૪.૮

સૂકું મરચું

૩૦.૨

મઠ

૪.૬

પાપડી

૪.૩

અજમો

૨૧.૨

મગ

૪.૧

આંબળાં

૩.૪

એલચી

૨૦.૦

વટાણા

૪.૦

ગુવાર

૩.૨

જીરું

૧૨.૦

જવ

૩.૯

સીતાફળ

૩.૧

કાળા તલ

૧૦.૦

ચણા

૩.૯

કંકોડાં / પરવળ

૩.૦

લવિંગ

૯.૫

જુવાર

૧.૬

અળવીનાં પાન

૨.૯

મેથી, દાણા

૭.૦

બાજરી

૧.૨

ચીકુ / દ્રાક્ષ

૨.૬

અશેળિયો

ઘઉંનો લોટ

૧.૯

ફલાવર

૨.૦

કોપરું

૪-૬

મેંદો

૦.૬

સફરજન

૧.૦

હિંગ

૪.૧

ચોખા (હાથછડ)

૦.૬

પપૈયાં

૦.૮

ખજૂર

૩.૭

ચોખા (પોલિશ)

૦.૨

કેળાં

૦.૪

તલ

૨.૯