રકતદાન
પ્રાથમિક સારવાર આપનારને માટે રક્તદાન આપવાની જરૂર પણ ઊભી થઈ શકે છે. રક્તદાન અંગે લોકોને મુઝવતાં પ્રશ્નોની ચર્ચા આ સાથે છે.
લોહીનું મુખ્ય કામ શરીરનાં જુદાં જુદાં કોષોને ઓકિસજન તથા અન્ય પોષક તત્ત્વો પહોંચાડવાનું અને કોષોમાંથી બિનજરૂરી તત્ત્વો અને કાર્બન- ડાયોકસાઈડ દૂર કરવાનું હોય છે. જ્યારે કોઇના શરીરમાંથી ખૂબ વધુ લોહી વહી જાય ત્યારે લોહીનું આ મુખ્ય કામ જ ખોરવાય જાય છે. અને શરીરના કોષોને પૂરતું પોષણ અને ઓકિસજન મળી નથી શકતાં. આવી સ્થિતિમાં વહી ગયેલ લોહીની પૂર્તિ કરવા માટે લોહી ચડાવવાનું જરૂરી થઈ જાય છે.
એક પુખ્ત માણસના શરીરમાં આશરે પાંચ થી છ લિટર જેટલું લોહી હોય છે. દર મિનિટમાં હ્રદયમાંથી આટલું લોહી એક વખત પસાર થઈ જાય છે. જો કોઈ કારણસર શરીરમાંથી થોડું લોહી ઓછું થઈ જાય તો તત્પુરતું હ્રદય થોડું ઝડપથી કામ કરીને શરીરના અવયવોને નિરાંતે પાંચ-છ લિટર જેટલું લોહી પૂરૂ પાડી શકે છે અને જે તે વ્યક્તિને આની કંઈ ખબરેય નથી પડતી. પરંતુ જ્યારે ઘણું બધુ લોહી વહી ગયુ હોય ત્યારે હ્રદય એને પહોંચી વળવા અસમર્થ બની જાય છે અને રક્તભ્રમણ ખોરંભે પડવા લાગે છે. જો આવા સમયે ઝડપભેર પગલાં ન લેવાય તો દર્દીની હાલત ગંભીર થઇ જાય છે.
રક્તદાન માટે કેટલું લોહી આપવું પડે ? રક્તદાન માટે આપણે ત્યાં સામાન્ય રીતે સાડીત્રણસો મિ.લી. જેટલું લોહી લેવામાં આવે છે. આટલું લોહી શરીરમાંથી ઓછું થાય એની તંદુરસ્ત પુખ્ત વ્યક્તિને તો ખબરેય નથી પડતી. ગમે તે પ્રકારનું કામ કરતો પુખ્ત તંદુરસ્ત માણસ ચાલુ કામે આવીને રક્તદાન કરી ફરી પાછો તરતજ પોતાના કામ પર જઈ શકે છે. શરીરમાંથી આટલું લોહી ઓછું થવાથી શરીરના કોઈ તંત્રને ઉની આંચ પણ આવતી નથી. લાંબા સમય સુધી રક્તદાનનો આ ક્રમ જાળવવો હોય તો વધુ લોહતતત્વવાળા ખોરાક (લીલાં શાકભાજી, ગોળ, ખજૂર, અંજીર વગેરે) અથવા લોહ (આયર્ન) ની ગોળી લેવા હિતાવહ છે.
રક્તદાન કર્યા પછી ચક્કર આવે? કોઈવાર માનસિક ભયને કારણે કેટલાક લોકો રક્તદાન કર્યા પછી આંખે અંધારા આવવાની ફરિયાદ કરે છે. આવું થવાનું મુખ્ય કારણ માનસિક જ હોય છે અને ક્યારેક તો લોહીને જોઈને જ રક્તદાન ન કર્યુ હોય એવી વ્યક્તિ પણ ચક્કર ખાઈ જાય એવું બની શકે છે. અમુક વ્યક્તિનું રૂધિરાભિસરણ તંત્ર રક્તદાન કર્યા પછી નવી સ્થિતિ સાથે મેળ પાડતા થોડો સમય લે છે અને એટલે રક્તદાન કરીને તરતજ ઉભા થઇને ચાલવા માંડનાર વ્યક્તિને ક્યારેક આંખે અંધારા આવી શકે. આવી વ્યક્તિને બે-પાંચ મિનિટ આરામ કર્યા પછી ધીમે ધીમે બેસવાનું અને ત્યાર બાદ ઉભા થવાનું કહેવામાં આવે તો કોઈ તકલીફ થતી નથી.
નવું લોહી બનતાં કેટલો સમય લાગે છે? આપણાં શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. તમે લોહી દાનમાં આપો કે ન આપો, શરીરનો દરેક રકતકણ આશરે ૧૨૦ દિવસ જ કામ આપે છે. આ પછી તે તૂટીને નકામો થઇ જાય છે. અને તેની જગ્યા બીજા નવા રકતકણ લે છે. આ એક સતત પ્રક્રિયા છે. રકતકણ ઉપરાંત શ્વેતકણ, ત્રાકકણ, પ્રોટીન વગેરે અન્ય ઘટકો પણ સતત નવા બન્યા કરતાં હોય છે. અને જુના નાશ પામ્યા કરે છે. રકતદાન કર્યા પછી આશરે અડતાળીસ કલાકમાં જ લોહીનું કુલ પ્રમાણ પહેલા જેટલું જ ( પાંચ થી છ લિટર ) થઇ જાય છે. લોહીમાં પાણીનું પ્રમાણ વઘી જવાને કારણે આવું શકય છે. અપમાં રકતકણનું પ્રમાણ પહેલાં જેટલું થવા માટે આશરે બે થી ત્રણ મહિના જેટલો સમય લાગે છે. આમ રકતદાન કર્યા પછી ના બે- ત્રણ મહિના પછીનું લોહી રકતદાન કરતાં પહેલાં જેટલું અને જેવું જ હોય છે. એટલેજ એક તંદુરસ્ત વ્યક્તિ દર ત્રણ મહિને કોઇ જાતના નુકસાન વગર રકતદાન કરી શકે છે. હા! જો લાંબા સમય સુઘી નિયમિત રકતદાતા રહેવું હાય તો આયર્નની ( લોહતતત્વની) ગોળીઓ લેવાની જરૂર પડે.
રકતદાન કોણ કરી શકે? કોણ ના કરી શકે?. અઢારથી પંચાવન વર્ષની વય વચ્ચેની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ જેનું વજન ૪૫ કિલોગ્રામથી વધારે હોય તે રક્તદાન કરી શકે છે. જેનું લોહી ફીક્કું હોય (લોહીમાં હિમોગ્લોબીન ઓછુ હોય) જે પોતે કોઈ ગંભીર રોગનો દર્દી હોય કે જેણે ત્રણ મહિનાની અંદર અંદર રક્તદાન કર્યુ હોય એ માણસ રક્તદાન ન કરી શકે.
લોહી વેચાતુ મળે છે? એ વાપરવામાં કઈ વાંધો? રક્તદાન કરવાથી કંઈ તકલીફ નથી થતી એવું જાણી ગયેલ ધંધાદારી રક્તદાતાઓ માત્ર પૈસા મેળવવા માટે ખાનગી બ્લડબેંકમાં પોતાનું લોહી વેચે છે. આવા ધંધાદારી રક્તદાતાઓ સમાજના એવા વર્ગમાંથી આવે છે જ્યાં એઈડ્સ, સિફીલીસ, હીપેટાઈટીસ-બી જેવા લોહી અને જાતિય સંબંધ થી ફેલાતા રોગોનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. એટલે વેચાતું લોહી લેવાથી આવા જીવલેણ રોગો થઇ શકે.
***