અકસ્માત અને ઇજાનું નિવારણ
* કયારેય કેરોસીન-પેટ્રોલ કે ઝેરી પદાર્થ અથવા દવા ઠંડાપીણાં કે બીજા ખાદ્ય પદાર્થની ખાલી બાટલી કે ટીનમાં ના ભરવા. ચાલુ દવા પણ તે દવાની ખાસ લેબલવાળી બાટલીમાં જ રાખવી. માણસ ભૂલથી આમ સંઘરેલ ઝેરી પદાર્થ પી શકે છે. ખાસ તો બાળકોમાં આમ ઝેર ચડતું જોવા મળતું હોય છે.
* બને ત્યાં સૂઘી ઘરમાં કોઇ પણ પ્રકારની ઝેરી વસ્તુ સંઘરવી નહીં.ં જીવડાં મારવા જેવી કોઇ દવા કે એસિડ સંઘરવા પડે તો તેના ડબ્બા પર મોટા અક્ષરે 'ઝેરી છે' તેમ લખીને રાખવું. તેને બાળકોની પહોચથી દૂર રાખવું. મોટા બાળકોને પહેલેથી જાણકારી આપી રાખવી કે તે ઝેરી છે અને તેને અડવા કે પીવાથી ખરાબ પરિણામ આવી શકે છે.
* ઘરમાં દવા છંટાતી હોય ત્યારે ખાદ્ય પદાર્થ અને પાણી ઢાંકેલાં રાખવા.
* ખેતરમાં દવા છાંટેલા શાકભાજી, ફળો વગેરે બરાબર ધોઇને જ ઉપયોગમાં લેવા.
* ડૉક્ટરની સલાહ વિના કોઇ દવા લેવી નહીં અને સલાહથી વઘુ માત્રામાં લેવી નહીં
* અંધારામાં લેબલ જોયા વગર દવા લેવી નહીં.
* વાસી ખોરાક લેવો નહીં.
* કોઇ પણ ઝેરી પદાર્થને, ખાસ તો ખેતીકામમાં અને જીવડાં મારવાની દવાને, રબ્બરના હાથમોજાં પહેર્યા વગર અડવું નહીં કારણ કે ઝેર ચામડી વાટે શરીરમાં ઊતરી શકે છે. તેવી રીતે જ દવા છાંટતી વખતે પૂરતાં કપડાં પહેરવા, ચહેરા પર કપડું ઢાંકવું અને આંખે ચશ્મા પહેરવાં.
* ભૂલથી દવા શરીર પર લાગી જાય તો તે ભાગને સાબુ અને પુષ્કળ પાણીથી ધોવા. દવા લાગેલ કપડાં તાત્કાલિક બદલી નાખવા.
* સ્ટવ-પ્રાઇમસમાં હવા ભરતા પહેલાં તેના બર્નરને પ્ર્રજવલિત કાકડા વડે ગરમ કરવુ જોઇએ જેેથી માટો ભડકો ના થાય અને આજુબાજુમાં આગ ના ફેલાય. સ્ટવમાં જરૂર કરતાં વધુ હવા ભરવી નહીં.
* સિગરેટ બીડીંના સળગતા ઠૂંઠા, સળગતી દિવાસળીઓ ગમે ત્યાં ફેકવી નહીં. સુતી વખતે ધૂમ્રપાન કરતાં-કરતાં ઉંઘવાની ટેવ પાડવી નહીં.
* સગડી, સ્ટવ, ગેસ વગેરે પાસે કામ કરતી વખતે ખૂબજ ખૂલતાં અને પહોળાં, નાઇલોન કે એવાં જલ્દી આગ પકડતા કપડાં પહેરવા નહીં.
* પ્ર્રેશર કૂકર વાપરતા હો તો તેને ગેસ પર ચડાવતા પહેલાં એમાં માપસર પાણી છે કે નહીં એ ખાતરી કરી લો; રંધાઇ ગયા પછી બધી વરાળ નીકળી જાય પછી જ કૂકરનું ઢાંકણું ખોલો.
* સળગતી સગડી, સ્ટવ, વગેરે પાસે કયારેય પેટ્રોલ, કેરોસીન, ઓઇલ, ગે્રસ જેવી જલદ વસ્તુઓ રાખવી નહીં. તેવી રીતે જ કાગળ, કપડાં, સૂકા પાંદડાં વિશે પણ ધ્યાન રાખવું.
* કચરાપેટીઓ નિયમિત સાફ રાખવી.
* બાળકોના હાથમાં માચીસ-દિવાસળીઓ આપવી નહીં. તેવી રીતે તેમને આગની નજીક રમવા દેવા નહીં.
* બાળકોને ગરમ પાણી કે ખોરાક જાતે લઇ જવા ન દેવા.
* ગેસનાં સીલીન્ડરથી ચૂલો હમેશાં ઊંચાં લેવલે રાખો.
* ગેસનાં સીલીન્ડર ને ઊભો જ રાખવો અને અગ્નિથી દૂર રાખવો.
* રસોઇ પૂરી થાય પછી ગેસનો વાલ્વ નીચેથી બંધ કરવાનું ભૂલવું નહીં.
* ગેસની ટયૂબ માપની હોવી જોઇએ.
* ટયૂબને સીધી ગરમીથી દૂર રાખવી.
* દર મહિને ટયૂબને ચેક કરવી અને લીક થતી હાય તો બદલી નાંખવી.
* આગ ઠારવાના સાધનો હાથવગાં રાખવાં, જેમ કે ગરમ ધાબળા, આગ ઓલવવાના પ્ર્રવાહીઓ, પાણી, રેતી વગેરે.
* જો ઘરમાં ગેસની વાસ આવે તો સીલીન્ડરનો વાલ્વ બંધ કરી નાખવો. ઘરમાં સળગતી બધી વસ્તુઓ ઓલવી નાંખો, બારી-બારણાં ખોલી નાખો; કોઇ પણ ઇલેકટીક સ્વીચને ન અડો; રસોડામાંથી બહાર નીકળી જાવ.
દર વર્ષે ફટાકડાઓથી ઘણા દાઝવાના બનાવો બનતા હોય છે, તે નિવારવા ખાસ ધ્યાનમાં લેવાનું કે:
* ફટાકડાં મોટા ધડાકાવાળા કે આગ ઝારતાં ના હોવા જાઇએ.
* ફટાકડા હાથમાં કદાપિ ફોડવા નહીં.
* ફટાકડાં સળગાવીને ફેકવા નહીં.
* ફટાકડાં ખીસ્સામાં લઇને ફરવું નહીં.
* ફટાકડાં બાળકોને જાતે ફોડવા દેવા નહીં.
* સૂરસૂરીયું બની ગયેલું ફટાકડું ફરીથી ફોડવાના મરણીયા પ્રયાસો કયારેય ના કરવાં.
* ફટાકડાંઓની રમત ના કરવી.
નવા-નવા વીજળીથી ચાલતાં ભારી ઉપકરણો દિવસે-દિવસે ઘરોમાં વધતા જાય છે જેનો લોડ સાદા વાયરો અને સ્વીચ બોર્ડો જીરવી શકતા નથી અને તેથી શોર્ટ થાય ને આગ પણ પકડે. માટે હંમેશાં:
* સારી જાતના (માર્કાવાળા) વાયરો, પ્લગ અને બોર્ડ વાપરવાં.
* વીજળીથી ચાલતા સાધનોને અર્થીંગ મળી રહે તે વ્યવસ્થા રાખવી.
* વાયરેના જોડાણો નબળા ના રહે તે જોવું, વાયર પરનું પ્લાસ્તિક આવરણને નુકસાની હોય તો તરત વાયર બદલવો.
* ઇલેક્ટ્રીક પોઇંટો બાળકોની પહોચની બહાર રહે તેમ રાખવા જેથી બાળકો તેમાં આંગળી કે પેન્સીલ જેવી વસ્તુઓ નાખીને રમતો ના કરી શકે.
* કોઇ પણ વીજળીથી ચાલતું સાધન વાપર્યા પછી સ્વીચો બંધ કરી, પ્લગ કાઢી નાખવો. પ્લગ કાઢવા માટે વાયરને ખેંચવો નહીં પણ પ્લગ પકડીને કાઢવો.
* કયારેય વીજળીના તાર ખૂલ્લાં રાખવા નહીં.
* ફયૂઝના વાયરો જરૂર કરતાં વધુ જાડા રાખવાની ટેવ ઘણાને હોય છે. તે નુકસાનકારક નીવડે છે. એક સર્કિટ પર વધુ પડતાં સાધનો વાપરવા નહીં
* ઇસ્ત્રી, હિટર વાપર્યા પછી ઠંડા ના થાય ત્યાં સુધી બાળકની પહોંચ બહાર રાખવાં.
* વીજળીના તાર સાથે કામ કરતા કારીગરે કોરાં રબ્બરના મોજા હાથમાં સતત પહેરી રાખવા, કામ કરતી વખતે આખી બાંયના ખમીસ પહેરવાં.
* કયારેય વીજળીક સાધનો રીપેર કરવા ચાલુ વીજળીએ કોશીશ ના કરવી. આ કામો માટે ઇલેક્ટ્રીશીયનને બોલાવવો હિતાવહ છે.
* કોઇ પણ વીજળીના સાધનને ભીના હાથે અથવા પાણીમાં પગ રહેતા હોય તેવી સ્થિતિમાં અડકવું નહીંં.
* વાયરો કયારેય જાજમ નીચે અથવા બારણામાં કે ફર્નિચરની ધાર પર દબાય તેમ ગોઠવવા નહીં.
* આકશમાંથી પડતી વીજળીથી બચવા મકાનનુ અર્થીંગ કરાવી રાખવું, અર્થીંગ કરેલ મકાન પાસે આશરો લેવો. (તેવા મકાનની ઉપર અર્થીંગ એન્ટેના હોય તે ઓેળખી શકાય.)
કયાંક પડી જવાથી ઇજા પામવી બહુ સામાન્ય ઘટના છે. કોઇ એમાં અસામાન્ય રીતે બહુ ગંભીર ઇજામાંથી ઉગરી જાય તો કયારેક વળી સાવ નજીવી ઇજામાં જાન પણ ગુમાવી દે છે!! મોટા ભાગના પડી જવાના બનાવો દાદર પર અથવા બાથરુમમાં થતાં હોય છે.
સીડી-દાદર માટેની તકેદારીઓ
* દાદરનાં પગથીયાં પૂરતા પ્રમાણમાં પહોળા હાવા જોઇએ.
* દરેક દાદરને કઠેડો હોવો જરુરી છે.
* પગથીયાં લીસ્સા ના હોય તે ખાસ જોવું.
* દાદર પર રાત્રે કે અંધારામાં ખાલી ''ઝીરો'' બલ્બની ઝાંખી લાઇટ ના રાખવી, ત્યાં વધુ પ્રકાશ હોવો જરુરી છે.
* સીડીને બદલે ડબ્બાઓ, ખુરશીઓ, સ્ટુલ વગેરેથી કામ ચલાવી ના લેવું.
* બાળકોને દાદર કે તેનાં કઠેડા પર રમવા ના દેવા.
* દાદર પર પડેલાં ચીકણાં તૈલી પદાર્થ તરત સાફ કરી નાખવા.