ઝેર ચડવું

ઝેર ચડવાની ઘટનાના મુખ્ય કારણો:

* અકસ્માત જેમકે ભૂલથી દવાને બદલે ઝેરી પદાર્થ પીવાઇ જાય; બાળક રમતમાં ઝેરી વસ્તુ ખાઇ જાય; ખોરાક બગડી જવાથી ઝેરી બની જાય; વગેરે.

* આપઘાતના પ્રયાસ રૂપે, ગુનાહિત પ્ર્રવૃતિ રૂપે.

* વ્યવસાયીક કારણોસર.

મુખ્યત્વે ઝેરી પદાર્થ શરીરમાં નીચે મુજબ પ્રવેશે છે:

* મોં વાટે: જાનવર-જીવડાં મારવાની દવા, કેરોસીન-પેટ્રોલ-વારનિશ, એસિડ, આલ્કાલી (ક્ષાર) સાબુ-ડિટર્જન્ટ, બ્લીચીંગ પાવડર, દિવાસળીના ટોપકાં, પારો, ડામરની ગોળી, કપુર, બાળાગોળી, અફીણ, ગાંજો, વગેરે, વગેરે.

* ચામડી વાટે કે ચામડીની આરપાર: ખેતરોમાં છાંટવાની કીટનાશક દવાઓ; કેમિકલ-રસાયણો (ખાસ તો તે બનાવવાના કારખાનામાં કે લેબોરેટરીમાં કામ કરનાને), સાંપ-વીંછીનો દંશ; વગેરે.

* શ્વાસ માટે: ઘરમાં વપરાતો ગેસ; બળતણનો ધૂમાડો; જનરેટર-વાહનનો ધૂમાડો; ધડાકા-આગથી થતો ધૂમાડો; એમોનિયા, મિથાઈલ-આઈસોસાઈનેટ જેવા અન્ય ઝેરી ગેસ જે વિવિધ કારખાનાઓ અને લેબોરેટરીમાં લીક થઈ શકે છે વગેરે. આ સિવાય પણ બીજી ઘણી-ઘણી રીતે ઝેર ચડી શકે છે.

ઝેર ચડયાના સામાન્ય ચિહ્નો:

જલદ પદાર્થ જેમ કે એસિડ, આલ્કલી ક્ષારો, કાચનો ભૂકો, ધાતુનો ભૂકો જલદ રસાયણો-દવાઓ જેવા પદાર્થ પેટમાં જતાં જતાં જ અસર કરે છે. તેનાથી મોં,ગળું, ચહેરો દાઝી જાય, ઊલટીઓ થાય, ઊલટીમાં લોહી નીકળી શકે છે, પેટમાં દુખે, ઝાડા થાય, તેમાં લોહી નીકળી શકે છે વગેરે.

જલદ પદાર્થ સિવાયના મોટાભાગે ઝેરી પદાર્થ ઊલટી, બેચેની, ઝાડા અને પેટમાં વેદના કરે. આ સિવાય નસકોરી ફૂટવી, લવારા, બેભાનાવસ્થા, શૉકની ગંભીર સ્થિતિ, શ્વાસ રૂંઘાવો, તાણ, આંચકી જેવી અસર પણ થઈ શકે.

દર્દી જો બેભાન હોય તો તેણે શું ઝેર લીધું છે તેની ખબર પાડવા આસપાસની બાટલીઓ, દવાઓ, ચિઠ્ઠીઓ વગેરેની તપાસ કરવી આવશ્યક છે. ભાનમાં રહેલો દર્દી મોટેભાગે પૂછપરછ કરવાથી જ ઝેર લીધાની કબૂલાત કરી દે છે. કયું ઝેર લેવામાં આવ્યું છે તે જાણવું અત્યંત જરૂરી છે. જે તે ઝેરન્રં ખાસ મારણ મળતુ હોય તો તેનાથી દર્દીની જીંદગી બચી શકે છે. દર્દીના મોં અને શ્વાસમાંથી કે ઊલટીમાંથી આવતી વાસ કે પદાર્થ પરથી કેરોસીન, પેટ્રોલ, વારનિશ, અફીણ, કપૂર, જીવડા મારવાની દવા, આયોડિન, દિવાસળીના ટોપકાં (લસણ જેવી વાસ) વગેરે જેવા ઝેરી પદાર્થની પરખ થઈ શકે છે. આ સિવાય દર્દીના કપડાં, તેનો વ્યવસાય, તેની માનસિક પરિસ્થિતિ વગેરે ઝેર વિશે થોડો ઘણો ખ્યાલ આપી શકે.

ઝેરની સારવાર માટે નીચેના સામાન્ય નિયમો ઘ્યાનમાં રાખવા:

* તરતજ ડૉક્ટરની મદદ મંગાવવી, જે કંઇ ઘટના બની હોય તેની વિગતો નોંધી રાખવી, ઝેર મળ્યું હોય તો સાચવી રાખવું અને ઊલટીઓ પણ સાચવી રાખવી કારણકે તેને તપાસીને ડૉક્ટરને ઝેર પારખવામાં અને તેની સારવાર કરવામાં સરળતા પડે છે.

* દર્દી બેભાન હોય તો સૌથી પહેલાં તેનો શ્વાસ બરાબર ચાલે છે કે નહીં તે તપાસવુ. શ્વાસ નબળો ચાલતો હોય તો કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવાનું ચાલુ કરવું. ઝેર ચડેલા દર્દીને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપતી વખતે ધ્યાન રાખવું કે શ્વાસ આપનારે તેના મોં વડે દર્દીના મોંમા શ્વાસ ના આપવો કારણ કે આમ કરતાં દર્દીના મોંમાં રહેલો ઝેરી પદાર્થ સારવાર આપનારને અસર કરી શકે છે. આ કારણસર કૃત્રિમ શ્વાસોચ્છવાસ માટે બીજી કોેેઇ રીત વાપરવી (જેમકે હોલ્ગર નિલ્સનની રીત). આ શ્વાસોચ્છવાસ ડેાકટર આવે ત્યાં સુધી ચાલુ રાખવો.

* જો શ્વાસ બરાબર ચાલતો હોય તો દર્દીનું મોં કોગળાં કરાવીને અંદરથી સાફ કરી તેને પોણે પડખે ઊંધો સુવાડવો (જુઓ પ્રકરણ-૫ની આકૃતિ). આમ સુવડાવવાથી ઉલ્ટી કરેલી ચીજ શ્વાસનળીમાં ઉતરશે નહીં અને જીભ પણ શ્વાસ લેવામાં આડે નહીં આવે.

* જો દર્દી ભાનમાં હોય તો તેને ઊલટીઓ કરાવવાનું પહેલાં સૂચન થતું હતું, પણ નવા સંશોધન પ્રમાણે, ઊલટી વધુ નુકસાન કરી શકે છે, માટે ઉલટી કરાવવી નહીં અને મોં વાટે પાણી, દુધ, કે અન્ય કોઇ પદાર્થ ડોક્ટરની સલાહ વગર આપવો નહીં.

* વધુ સારવાર માટે દર્દીને હોસ્પિટલ ખસેડવો અને પોલીસને જાણ કરવી.