આગ અને વીજળીથી થતી ઇજાઓ

ચાલુ આગમાંથી બચાવવાની કામગીરી

દાઝતા વ્યક્તિને બચાવવા માટે સૌથી પહેલું કામ એને વધુ દાઝતો બચાવવાનું છે. દાઝી રહેલ વ્યક્તિને આગથી દૂર લઇ જવો જોઇએ. પણ જો આવી વ્યક્તિ દોટ મૂકે તો આગની જ્વાળાઓ શરીરના નીચેના ભાગ પરથી ઉપર માથા તરફ ફેલાય, જેને કારણે મોંની સંવદનશીલ ત્વચાને નુકસાન થવાની શરૂઆત થાય છે અને વાળ પણ બળવા લાગે છે. વળી ઉભા-ઉભા દોડવાથી આગને વધુ પ્રમાણમાં હવાની લહેર લાગે છે જે આગને વઘુ ભડકાવે છે. એટલે જયારે શરીર પર મોટા પ્ર્રમાણમાં આગની શરૂઆત થાય ત્યારે તરત જ જમીન પર આડા પડીને આળોટવા લાગવું જોઇએ. જમીન પર આડા પડવાથી આગની જવાળાઓ ઊંચે ચડીને શરીરના અન્ય ભાગોને નુકસાન કરી શકતી નથી. વળી બળતો ભાગ જમીન અને શરીર વચ્ચે આવે ત્યારે એને હવા મળતી બંઘ થઇ જવાથી એ બુઝાવા લાગે છે અને આળોટતા આળોટતા જ આગથી દૂર જઇ શકાય છે.

જો વ્યક્તિ આ રીતે પોતાની મેળે આગથી દૂર જઇને શરીરની આગ ઓલવવા માટે અસમર્થ હોય તો મદદ કરનારે ચોખ્ખા પાણીની મદદથી દર્દીના શરીર પરની આગ ઓલવી નાંખવી જોઇએ. જો મોં, આંગળી, હાથ કે પગ જ દાઝયા હાય તો તરત જ તે ભાગને ઠંડા ચોખ્ખા પાણીમાં બોળી દેવો જોઇએ.

દાઝેલો ભાગ ઓછામાં ઓછી પાંચ મિનિટ સુઘી ઠંડા પાણીમાં બોળી રાખવો જોઇએ અને જો દાઝેલો ભાગ પાણીમાં બોળવાનું શકય ન હોય તો એ ભાગ પર ચોખ્ખાં ઠંડા પાણીની ધાર કર્યા કરવી જોઇએ. પાણીની ઠંડક આગ ઓલવવા ઉપરાંત આગની ગરમી ઘટાડવામાં ઉપયોગી થાય છે, અને પરિણામે ગરમીથી થતી ઇજાઓ નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાય છે. દાઝયાને કારણે થતા દુખાવામાં પણ પાણીને કારણે નોંઘપાત્ર ઘટાડો થાય છે. ઘણા લોકોમાં એવી ગેરસમજ હોય છે કે, દાઝેલા ભાગ પર પાણી નાખવાથી ફોલ્લાં પડી જાય છે. હકીકતમાં દાઝવાથી થયેલા ફોલ્લાને બહારથી નાખેલા પાણીને કોઇ સીધો સંબંધ છે જ નહીં. ફોલ્લા તો શરીરનું દાઝવાથી થયેલી ઇજાનું કુદરતી રીએક્શન છે. શરીરના કોઇ પણ ભાગને જયારે વધુ ઇજા થાય ત્યારે શરીર પ્રતિક્રિયા આપે છે. દાઝવાથી થયેલ ફોલ્લા પણ આવી એક પ્રતિક્રિયા છે. ઠંડુ પાણી તો આગને કારણે થયેલી ઇજા અને એ સામેનું રીએકશન તથા ફોલ્લાનું કદ ઘટાડે છે.

જો પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ ન હોય તો દાઝતી વ્યક્તિના શરીર પરની આગ ઓલવવા માટે હાથવગું ગાદલું, ગોદડું કે ધાબળો લઇને દોડી જવું જોઇએ. આવા ધાબળા કે ગોદડામાં દાઝતી વ્યક્તિને લપેટી લઇને આગથી ભડકે બળતા ભાગને ઓક્સિજન પહોંચતો અટકાવી દઈ આગ કાબુમાં લઈ શકાય છે. આમ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે આવી વીંટાળેલી વસ્તુ જ સળગી ન ઉઠે. બીજુ આવી વસ્તુથી કદી બળતા ભાગને ઝાપટ ન મારવી કારણ કે એનાથી તો આગ વધુ વકરે છે. એકવાર આગ કાબુમાં આવી જાય પછી તરત વીંટાળેલી વસ્તુ શરીરથી દૂર કરી દેવી જોઈએ જેથી આગની ગરમીને કારણે થતું નુકસાન ઓછું કરી શકાય. ખૂલ્લી ચામડી પર એન્ટીસેપ્ટિક મલમ લગાવીને પાટો લગાવી દેવો જોઈએ. મોટી અને ઊંડી ઈજાની સરખી સારવાર દવાખાના કે હોસ્પિટલમાં જ થઈ શકે. દાઝી ગયેલ વ્યક્તિને ધનુરથી બચાવવા માટે દવાખાને લઈ જઈ ધનુરની રસી પણ અપાવી દેવી જોઈએ.

દાઝેલી વ્યક્તિમાં બીજુ અગત્યનું કોમ્પલીકેશન શરીરમાંથી પાણી ઓછું થઈ જવાનું (ડીહાઈડ્રેશન) થાય છે. દાઝવાની ગરમીને લીધે, ફોલ્લાઓમાં પાણી ભરાવાને લીધે તથા દાઝેલા ભાગ પરથી વધુ ઝડપથી પાણીનું બાષ્પીભવન થવાને લીધે શરીરમાં પાણીની ઘટ પડે છે. આ ડીહાઈડ્રેશન થતું અટકાવવા માટે દાઝેલી વ્યક્તિને મોં વાટે ખાંડ-મીઠાનું શરબત આપવું જરૂરી છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી ખાંડ અને એક ચપટી મીઠું નાખી બનાવેલું શરબત ઘણું ઉપયોગી થાય છે. બધા દાઝેલા દર્દીને આ રીતે પાણી આપવું જરૂરી છે. પણ જો દર્દી બેભાન હોય, અથવા એકાદ કલાકમાં હોસ્પિટલ પહોંચી શકે એવું હોય તો પાણી આપવાનું ટાળવુ જોઈએ જેથી હોસ્પિટલમાં એનેસ્થેસિયા આપી બેભાન કરવાની જરૂર થાય તો ઊલટીઓ ન થાય. આ સિવાયના બધા કિસ્સામાં પાણી આપવું એકદમ જરૂરી છે. આ ઉપરાંત દાઝેલી વ્યક્તિને માનસિક આધાર અને સાંત્વના આપવી ખુબ જરૂરી છે. અકસ્માત કે આગને કારણે દર્દીની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે અને દર્દીનો ગભરાટ ઓછો કરવા માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

વીજળીનો આંચકો લાગે ત્યારે

વીજળીનો આંચકો લાગવાના પ્રસંગો ઘણી રીતે બનતા હોય છે, જેમ કે:

  • વીજળીના ખુલ્લાં તારને અડવાથી.

  • વીજળીથી ચાલતા સાધનના શોર્ટ-સર્કિટ થવાથી.

  • બાળકો વીજળીના વાયર, સોકેટ, થાંભલા વગેરે સાથે રમત કરે ત્યારે.

  • આકાશમાંથી વીજળી પડે ત્યારે, વગેરે.

  • વરસાદ, વંટોળીયા વખતે વીજળીના થાંભલા કે તાર રસ્તા પર પડી જાય અને અજાણતા જ કોઈ એને અડકે તો. આવા થાંભલાની આસપાસની ભીની જમીન પર ઉભા રહેવાથી પણ આંચકો લાગી શકે છે!!

વીજળીના આંચકાથી દર્દીને નીચે મુજબ નુકસાન થઈ શકે છે:

(૧) દાઝી જાય. (૨) શ્વાસ બંધ પડી જાય. (૩) હ્રદય બંધ પડી જાય. (૪) મગજને નુકસાન થવાથી બેભાન થઈ જાય.

દર્દીને વીજળીના પ્રવાહના સંર્સગમાંથી ખસેડવો:

વીજળીનો આંચકો લાગેલ દર્દીને અડતાં પહેલાં વીજળીનો પ્રવાહ રોકવો અત્યંત જરૂરી છે, નહીં તો સારવાર આપનારને પોતાને આંચકો લાગશે. જો વીજળીના સ્ત્રોત સુધી પહોંચી શકાય તો તેની સ્વિચ બંધ કરવી. સ્વિચ સુધી ન પહોંચાય તો વાયરને પ્લગમાંથી કાઢવા પ્લાસ્ટીકના આવરણ કરેલા ભાગેથી કોરા કપડાં દ્વારા પકડીને ખેંચવો, ભીના કપડાંનો ઉપયોગ કદી ન કરવો. જો આવું શક્ય ના હોય તો દર્દીને વીજળીના પ્રવાહથી દૂર કરવો. દર્દીની નજીક જતાં પહેલા સારવાર આપનારે પોતાના પગે કોરી (ભીની ના હોય તેવી) સ્લીપર, ચપ્પલ કે બૂટ પહેરવાં જેમાં ધાતુની પટ્ટી ના હોય. આમ કરવાનું કારણ એ કે દર્દીની આસપાસની જમીન ભીની હોય તો સારવાર આપનારને આંચકો લાગી શકે. જો ભૂલેચૂકે સારવાર આપનાર પોતે વીજળીના સંર્સગમાં આવી જાય તો પગે પહેરેલી વસ્તુ તેને વીજળીનું વહન કરતાં અટકાવે છે. પછી, દર્દીને દૂર કરવાં લાકડી, લાકડાનું પાટીયું, સાવરણી કે કોરા ટુવાલ અથવા ચાદર વડે દર્દીને હડસેલવો. આમ કરવા માટે ક્યારેય ધાતુની વસ્તુ કે ધાતુવાળી વસ્તુ વાપરવી નહીં જેમકે સળીયો, છત્રીનો દાંડો, કડિયાળી લાકડી વગેરે.

જો દર્દીને ખસેડવું શક્ય ન હોય અથવા આમ કરવા જતા સારવાર આપનારને આંચકો લાગે તેમ હોય તો તેણે પોતાને જોખમમાં ના મૂકવો. ફાયરબ્રિગેડ, પોલિસ અને ઈલેકટ્રીસીટી ડિપાર્ટમેન્ટને તાત્કાલિક જાણ કરવી.

વીજળી ના સંર્સગમાંથી દર્દી છૂટયા પછી:

  • તેનો શ્વાસ તપાસવો, જો તે નબળો કે બંધ હોય તો આગળ જણાવ્યા મુજબ કૃત્રિમ શ્વાસોચ્છવાસ અને કાર્ડિયેક મસાજ કરવો.

  • દર્દીને સુવાડી રાખવો અને દાઝેલા ભાગ કે ઈજા અથવા ફ્રેક્ચર પામેલ ભાગની બરાબર કાળજી લેવી.

  • તાબડતોબ તબીબી સારવાર માટે વ્યવસ્થા કરવી.